Opinion Magazine
Number of visits: 9447427
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રમણ સોની : પુસ્તકોને પ્રત્યક્ષ કરાવનાર પાંચ અક્ષરનું નામ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|7 July 2023

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સંપાદક, વિવેચક, ગદ્યલેખક, ભાષાનિષ્ણાત અને અનુવાદક રમણ સોનીને જન્મદિવસની અનેક શુભેચ્છા

આજે અઠ્ઠોતેરમા વર્ષમાં પ્રવેશી રહેલા રમણભાઈની સતત સાહિત્યિક સક્રિયતાનો સાંપ્રત દાખલો એટલે ‘ગુજરાત મિત્ર’ દૈનિકનું ‘અક્ષરની આરાધના’ નામનું પખવાડિક પાનું.

તેમાં ગુણાનુરાગી છતાં સ્પષ્ટભાષી, વિશાળ વાચન અને રુચિવૈવિધ્ય ધરાવનાર, સૌષ્ઠવપૂર્ણ ગદ્યના લેખક હોય તેવા સમીક્ષક દેખાય છે; તેમના સમગ્ર સંપાદન-વિવેચન રાશિમાં પણ તેમની આ જ મહત્ત્તા છે.

રમણભાઈએ બનાવેલા ‘અક્ષરની આરાધના’ વૉટ્સૅપ ગ્રુપમાં પણ આ પાનું એકાંતરે સોમવારે વાંચવા મળે છે. તાજેતરનાં અને ઓછાં નવાં એમ બંને પ્રકારના પુસ્તકોના અવલોકનો હોય છે.

વળી ‘(નવા લેખકો સાથે) ગોષ્ઠી’ નામનો મોટે ભાગે literary anecdote સાહિત્યિક આખ્યાયિકાઓનો અને તત્સમ સામગ્રીનો એક આખો સ્તંભ એ બહુ ઓછાને ફાવે તેવી વાની છે.

છાપાની કૉલમ નહીં, આખું પાનું ઉત્તમ ગુણવત્તા સાથે ચલાવવા માટે જરૂરી વિપુલતા તો રમણભાઈ પાસે છે જ, પણ સાથે શિસ્ત અને આ ઉંમરે પણ શ્રમ કરવાની ક્ષમતા છે.

રમણભાઈના ઉદ્યમનો તાજેતરનો બીજો દાખલો એટલે ‘સંચયનસંપદા’ પુસ્તક. તેમાં ગયાં વીસ વર્ષથી ઇન્ટરનેટ પર મૂકવામાં આવતાં ‘સંચયન’નામના દ્વિમાસિક ઇ-મૅગેઝિનમાંથી ચૂટેલી સમગ્રી છે. અતુલભાઈ રાવલ અને રાજેશ મશરૂવાળાના કુનેહભર્યા તંત્ર સંચાલન હેઠળ નીકળતા આ મૅગેઝિનનું સંપાદન રમણભાઈ કરતા.

‘બહુરંગી લે-આઉટ સાથે નયનરમ્ય ભાતીગળ રૂપનો રુચિપૂર્ણ વૈભવ’ ધરાવતા ‘સંચયન’ના સંપાદનને રમણભાઈ એક દાયકાના ‘આનંદ-ઑચ્છવ’ તરીકે યાદ કરે છે. તેમાંથી એકસો સિત્તેર પાનાંનું અહ્લાદક મુદ્રિત પુસ્તક તે ‘સંચયનસંપદા’. ‘પસંદગીમાં કેટલુંક સરસ, સુંદર બાકી પણ રહી  ગયું … ગ્રંથ-2 કરીશું ત્યારે સાટું વાળી દઈશું’ એવું રમણભાઈનું સપનું.

‘સંચયન’ જેના નેજા હેઠળ ચાલે છે તે ‘એકત્ર ફાઉન્ડેશન’ ‘મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા’ છે. તેણે ‘એકત્ર ગ્રંથાલય’ નામે ગુજરાતી સાહિત્યનાં ચારસોથી વધુ દળદાર પુસ્તકો ડિજિટાઇઝ્ડ સ્વરૂપે પબ્લિક ડોમેઈનમાં મૂક્યાં છે.

તેમાંથી હમણાં મુદ્રિત સ્વરૂપે પણ આવેલો રમણભાઈએ તૈયાર કરેલો મતબર નિર્માણવાળો આકરગ્રંથ ‘મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા’. રમણભાઈના એક અતિવિશિષ્ટ કોશનો ઉલ્લેખ થવો ઘટે – ‘સમયદર્શી કોશ : કર્તાસંદર્ભ’.

કોશકાર અને સૂચિકાર રમણ સોનીની જેમ ગદ્યલેખક રમણભાઈને પણ અભ્યાસવા જેવા છે. તેમનું સમીક્ષાત્મક ગદ્ય સુવાચ્ય અને વિચારપ્લાવિત છે.

રસપ્રદ નવા શબ્દો મળે છે : વિ-રૂપીકરણ, વિ-સંદર્ભીકરણ, હાસ્યભાષા, દુર્વાચ્ય, હ્રસ્વીકરણ, સિગરેટરસિક, પર્યાય દ્વિભાષિકતા – ઘણાં ઉમેરણો થઈ શકે.

લલિત ગદ્યમાંથી કેટલુંક એટલું મજાનું છે કે ‘આ જ રમણ સોની કે ?’ એવો  સવાલ થાય. એમનું ‘ગુજરાતી લેખન-પદ્ધતિ’ પુસ્તક મારું મુખ્ય માર્ગદર્શક રહ્યું છે. ‘તોત્તો-ચાન’ ગુજરાતી વાચકોને ઘેલું લગાડી ગઈ હતી.

સંપાદક-વિવેચક તરીકેની રમણભાઈની શ્રેષ્ઠતા તો સર્વવિદિત છે. પણ તેમના કાર્યરાશિનું મારા માટે સૌથી આકર્ષક પાસું એ છે તેઓ એક મોટા ગ્રંથજ્ઞ, કહેતાં પુસ્તકોના જાણતલ છે. અંગ્રેજીમાં જેના માટે એક મજાનો શબ્દ છે bookman તે રમણભાઈના વારંવાર પ્રગટે છે.

અંગ્રેજી bookman શબ્દમાં જે અભિપ્રેત છે તેમાંથી ઘણું બધું રમણભાઈના લેખન- સંપાદનમાં જોવા મળે છે. એટલે કે ઉત્કટ ગ્રંથરાગ તો ખરો જ, પણ સાથે પુસ્તક નામની જે phenomenon – જે ઘટના છે તેના અનેક પાસાં : સમગ્ર પુસ્તક નિર્માણ, પ્રકાશન અને વેચાણ, વાચક, વાચન સંસ્કૃતિ, ગ્રંથાલય, પુસ્તક સંગ્રહ, પુસ્તકો સાથે આત્મીયતા ઇત્યાદિ. 

રમણભાઈને દરેક કૃતિમાં પેલો ન દેખાતો બુકમન ઉજાસ પાથરતો રહે છે. ‘ગ્રંથજ્ઞ રમણભાઈ’ આમ તો અભ્યાસલેખનો વિષય છે.

નિબંધ ઉપરાંતના લેખનમાં ઊર્મીઓને દૂર રાખનારા રમણભાઈનો પુસ્તક પ્રેમ તેમના લાક્ષણિક હળવા નિંબધ સંગ્રહ ‘સાત અંગ, આઠ નંગ અને –‘ ના ‘હું અને પુસ્તકો’ નામના નિબંધમાં વ્યક્ત થાય છે :

‘અમૂર્ત ઇ-પુસ્તકેશ્વરે અવતાર ધારણ કરી લીધો છે … અમે એના ઇ-વિશ્વમાં પણ થોડીક લટાર મારીશું – પણ પુસ્તકેશ્વરની તમારી આ નરી નિર્ગુણ જ્ઞાન-ઉપાસના એ અમારે માટે એકમાત્ર વિકલ્પ બનવાની નહીં.

‘અમને તો સગુણ ઉપાસના વહાલી છે. અમારે તો એ…ય ને પુસ્તક હાથમાં હોય, અમારી આંગળીઓના ટેરવાં એને સ્પર્શ કરતાં હોય, પાનાં ફરવાનો કે ફરફરવાનો એનો આછો ધ્વનિ સંભળાતો હોય, મુદ્રણની વાસ્તવિક વિવિધ ભાતો અને આકારોનું સૌંદર્ય આંખો દર્શન કરતી હોય –

‘અરે બહુ વાર વંચાયાથી, પુસ્તકના તૂટેલા બાઇન્ડિન્ગમાં સિલાઈની પેલી નાજુક દોરી પણ દેખાઈ જતી હોય, બિલકુલ નવાં કે સાવ જર્જરિત જૂનાં પુસ્તકની ગંધ ફોરતી હોય ને પુસ્તક ચાલુ ટ્રેનમાં કે ઊંઘની અટારીએથી વાંચતાં-વાંચતાં એનો સ્વાદ મળતો હોય – એવું પાંચે ઇન્દ્રિયોનું સુખ અમને આ મૂર્ત પુસ્તક આપે છે.

‘હું તો મારા ગ્રંથમહાલયમાં, આરામખુરશીમાં અઢેલીને પડ્યો છું. હાથમાં પુસ્તક છે રસભર્યું ને નજર સામે વૈભવભર્યું ગ્રંથસ્થાપત્ય છે. ઘડીક એ પ્રલંબ હરોળો સામે જોઉં છું ને ઘડીક મારા હાથમાંના પુસ્તકને મનમાં રોપું છું. થોડીકવારમાં એ પુસ્તકમાં ડૂબી ગયો હોઉં છું ને સાથે જ આ મહોલમાં તરતો હોઉં છું – એ બધી જ ક્ષણો મારા માટે પરમ સુખની ક્ષણો હોય છે.’

‘આંગણું અને પરસાળ’ના પ્રાસાદિક લઘુનિબંધોમાં ‘વાચનનો રસ અને કસ’ પણ પુસ્તકો માટેનો ભાવ વ્યક્ત કરે છે. રમણભાઈનો ગ્રંથરાગ ‘પ્રત્યક્ષીય : સાંપ્રત સહિત્ય-વિમર્શના આલેખો’માં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પ્રગટે છે. 

જો કે રમણભાઈની ગ્રંથજ્ઞતાની સર્વોચ્ચ અભિવ્યક્તિ એટલે ગ્રંથસમીક્ષાનું સામયિક ‘પ્રત્યક્ષ’. આ ત્રૈમાસિકના 1991 થી 2017ના આયુષ્ય દરમિયાન એકસો એક અંકો નીકળ્યા.

‘પ્રત્યક્ષ’ તેના સમયથી અત્યાર સુધી પુસ્તકો વિશેનું એકમાત્ર ગુજરાતી સામયિક રહ્યું છે (ધ ગ્રેટ ‘ગ્રંથ’ એના પહેલાનું). 

પુસ્તક-અવલોકનના આ સામયિકમાં નવસો જેટલાં નવાં ગુજરાતી પુસ્તકો વિશે લેખો પ્રસિદ્ધ થયા. આવકાર તરીકે તેણે ત્રણેક હજાર પુસ્તકો વિશે લખાયું. તેના માટેનો વિભાગ છે ‘પરિચય-મિતાક્ષરી’.

તેમાં પુસ્તક વિશેની બિલકુલ પાયાની વિગતો સાથે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, નિબંધ, બાળસાહિત્ય, વિવેચન, લોકસાહિત્ય, ઉપરાંત વિજ્ઞાન, માનવવિદ્યાઓ, પત્રકારત્વ સહિતનાં અનેક  જ્ઞાનક્ષેત્રોના ગુજરાતી પુસ્તકોનાં આગમનની જાણ ‘પ્રત્યક્ષ’ વાચકોને કરતું રહ્યું.

જુદી જુદી રીતે ‘પ્રત્યક્ષે’ વાચકોને પાંચેક હજાર પુસ્તકોનો પરિચય કરાવ્યો હોવાનું અભ્યાસી કાંતિભાઈ પટેલ નોંધે છે. અલબત્ત ચોક્કસ આંકડો વલભીપુર પાસેના ઉમરાળાના શિક્ષક પ્રવીણ કુકડિયાએ તૈયાર કરેલી ‘પ્રત્યક્ષ’સૂચિમાંથી મેળવી શકાય.

સૂચિમાં પણ ‘અન્ય : વ્યાપક’ અને ‘વિવિધ વિભાગો’ પ્રકરણો હેઠળના પુસ્તકો રમણભાઈના સાહિત્યેતર વિષયવ્યાપ અને રુચિવૈવિધ્યનો અંદાજ આપે છે.

ધારદાર મંતવ્યો નિમિત્તે તેમ જ સાહિત્યજગતની અનેક બાબતોને લઈને ઊભા થયેલા વિવાદોને, સ્થાન અને પ્રોત્સાહન આપવામાં ‘પ્રત્યક્ષ’ની ભૂમિકા કંઈક અંશે વિચારપત્ર ‘નિરીક્ષક’ને મળતી આવતી.

જો કે નોધવું જોઈએ કે ‘પ્રત્યક્ષ’ ‘પૉપ્યુલર મૅગેઝિન’, ‘લિટલ મૅગેઝિન’ કે ‘વ્હ્યૂ મૅગેઝિન’ કરતાં સાહિત્યનાં જ પુસ્તકપ્રેમી અભિજનો માટેનું ગ્રંથસમીક્ષાનું પાંચસોએક નકલોનો ફેલાવો ધરાવતું ત્રૈમાસિક હતું.

‘પ્રત્યક્ષ’ માટે સાહિત્યનું પુસ્તક એ સર્વસ્વ છે. એટલે તેના મુદ્રણ-નિર્માણ-પ્રકાશનનાં પાસાંને તે ન આવરી લે તો જ નવાઈ. આ દિશામાં સમયના એક તબક્કે કેટલાક અંકોમાં ચાલેલી ચર્ચા ગુજરાતી સાહિત્યમાં નોખી હતી.

પુસ્તક કહેતાં પાઠ્યપુસ્તકની પણ ચિંતા કરનાર જૂજ સામયિકોમાં એક તરીકે ‘પ્રત્યક્ષ’ એ કેટલાક અંકોનો મોટો હિસ્સો શાળા-પાઠ્યપુસ્તકો વિશે ફાળવ્યો છે. તેમાં શિક્ષકો તેમ જ નિષ્ણાતોએ જુદાં જુદાં ધોરણનાં ગુજરાતી પાઠ્યપુસ્તકોનાં લેખાંજોખાં કર્યાં છે. એ જ રીતે ગ્રંથસમીક્ષા અને અનુવાદ અંગે ચર્ચાસત્રો યોજીને તેની સામગ્રીને વિશેષ સ્થાન આપ્યું છે.

‘પ્રત્યક્ષ’ના સંપાદન વિશેષાંક પરથી થયેલું પુસ્તક ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ અજોડ છે. વળી આ સામયિકમાં પાનાં તૈયાર કરતી વખતે જે ખાલી જગ્યા પડે ત્યાં મૂકવામાં આવેલા આવકાશપૂરકો અથવા ફિલર્સ પરથી ‘બુંદબુંદની સૂરત નિરાળી’ નામે સામયિક સંપાદન વિશેનાં અવતરણોનો અનોખો સંચય બહાર પડ્યો છે. તેનું પેટામથાળું છે : ‘દોઢસો વર્ષની ગુજરાતી સાહિત્યસામયિક-પરંપરાના વિચારસંચલનો’.

આ રમણ સોની ન હોત તો દરેક સાહિત્યપ્રેમીની દુનિયાને ન્યાલ કરનાર સામયિક ન મળ્યું હોત. ગુજરાતીના પૂર્વ અધ્યાપક, કોશનિષ્ણાત અને સૂચિકાર રમણભાઈ ‘પ્રત્યક્ષ’ના કેવાં ‘લાડ લડાવ્યાં છે’ તે દરેક અંકની માવજત પરથી ધ્યાનમાં આવે છે.

કોઈ સંસ્થાના ટેકા કે અનુદાન વિના ચાલતા આ ‘દુસ્સાહસ’ માટે તેમણે વ્યક્તિગત આર્થિક ખોટ પણ એક કરતાં વધુ વખત વેઠી છે. સામયિકનું ‘આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ’ એવું રમણભાઈએ અનુભવ્યું છે.

જો કે સાથ આપનાર સૂચિકારો, અભ્યાસીઓ, લેખકોનો  યથોચિત ઋણસ્વીકાર પણ હતો.

અલબત્ત, દરેક અંક પર રમણ-મુદ્રા જ અંકાયેલી રહેતી. પુસ્તકો વિશેના ખજાના જેવા ‘ગ્રંથ’ માસિક (1964-85) અને તેના સંપાદક યશવંત દોશી એકબીજાનાં પર્યાય હતા. ‘પ્રત્યક્ષ’ અને રમણ સોનીનું એવું જ હતું.

‘ગ્રંથ’નો વિશાળ વિષયપટ ‘પ્રત્યક્ષ’માં હોય એવું આપણા બૌદ્ધિક જગતની કેટલીક મર્યાદાઓ છતાં રમણભાઈની ક્ષમતાને કારણે અને વિક્લ્પોને અભાવે લાગ્યા કરતું.

અંગ્રેજીમાં ખાસ નવાં પુસ્તકો વિશેનાં ‘બિબ્લિઓ’ કે ‘બુક રિવ્યૂ’ જેવાં માતબર સામયિકો જોતી વખતે ત્યારે આપણી ભાષામાં પણ આ પ્રકારનું સામયિક છે તેનો હરખ હતો. સાહિત્યના પુસ્તકોના ચાહક માટે પવનની લહેરખી જેવાં ‘પ્રત્યક્ષ’ થકી નવાં પુસ્તકોની સુવાસ આપણા સુધી પહોંચતી.        

‘પ્રત્યક્ષ’ કઈ ઘટના હતી તેની ઝલક ‘પ્રત્યક્ષસંપદા’ નામના સૂઝથી નિર્માણ પામેલા સંગ્રહમાં મળે છે. પ્રત્યક્ષના તમામ અંકો  Ekatra Foundation ની વેબસાઈટ પર વાંચવા મળે છે.

નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટે રમણ સોનીને 18 મેના રોજ ત્રીજા ‘નિરંજન ભગત સ્મૃતિ પુરસ્કાર’થી સન્માનિત કર્યા. એ અવસરનું સરસ-સરળ પ્રતિભાવ પ્રવચન સંસ્થાની વેબસાઇટ પર છે.

રમણ નામધારીઓએ ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેમાંથી રમણલાલ સોની શતાયુષી થવામાં બે વર્ષ ચૂકી ગયા. રમણ સોની ન ચૂકે એવી આજના દિવસે શુભેચ્છા.

7 જુલાઈ 2023

-X-X-X-X-X-

ઓમ કમ્યુનિકેશનના ઉપક્રમે આજ રોજ, શુક્રવારે, સાંજે 5.30 વાગ્યે રમણ સોની પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપશે.

સ્થળ : ગોવર્ધન સ્મૃતિ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ

[1,300 શબ્દો]
 e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

7 July 2023 Vipool Kalyani
← एकरूपता या लैंगिक न्याय: यूसीसी का ड्राफ्ट कहाँ है
નૂતન : ‘સીમા’, ‘સુજાતા’ અને ‘બંદિની’  →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved