
રવીન્દ્ર પારેખ
આપણે ત્યાં બે કહેવત પ્રચલિત છે. ‘ન બોલ્યામાં નવ ગુણ’ ને ‘બોલે તેનાં બોર વેચાય’ ! બંને પોતપોતાની રીતે યોગ્ય છે, પણ આજના સમયમાં વિપરીત અસર કરનારી પણ છે. એક તરફ પ્રજા બોલતી જ નથી ને સહન કર્યે જાય છે, તો એક વર્ગ એવો છે જે નિરર્થક બોલ્યા કરે છે ને ગમે તેની ભાટાઇ પણ કરે છે. એક જમાનામાં દરબારમાં ભાટ-ચારણ રહેતાં જે ખરી ખોટી રાજભક્તિ કરીને પેટિયું રળી લેતા. એમને તો રાજ તરફથી સરપાવ મળતો હતો, પણ આજે એવા ઘણાં ઘેટાં છે, જે કૈં ન મળવાનું હોય તો પણ, એકની પાછળ એક ચાલ્યે રાખે છે. ઘણાંને તો એ પણ ખબર નથી કે પોતે ક્યાં જાય છે, પણ આગળ કોઈ ચાલે છે તો એ પણ ચાલે છે. કોઈ અંધને દેખતો કરવાનું શક્ય છે, પણ કોઈ દેખતાને દેખતો કરવાનું અઘરું છે, કારણ એણે અમુક જ જોવું છે ને અમુક તો જોવું જ નથી. એવો વર્ગ મોટો હોય છે, એટલે નુકસાન પણ વ્યાપક હોય છે. એમાંના ઘણાંને તો ખાસ કોઈ સ્વાર્થ પણ હોતો નથી, પણ એની સાથેવાળો ઢોલ વગાડે છે, તો એ પણ મંજીરાં ખખડાવવા લાગે છે. આવી ભક્તિથી પોતાને તો કોઈ નુકસાન નથીને તે જોવાનું રહે.
આજકાલ ચાલતી રાજરમતો પ્રજાહિતમાં ચાલે છે એવું લાગે છે? મહારાષ્ટ્રનો જ દાખલો લઇએ. ત્યાં છેલ્લી સરકારો અન્ય પક્ષના ટેકાથી જ ચાલી છે. શિવસેનાના ટુકડા થયા, એમ એન.સી.પી.ના પણ થયા. બાળ ઠાકરે એ પુત્ર મોહમાં બંધુ પ્રેમનો ભોગ લીધો ને રાજ ઠાકરેએ મ.ન.સે.ની સ્થાપના કરવી પડી. શિવસેનામાં પણ એકનાથ શિંદેએ મુખ્યમંત્રીપદું મેળવવા ભા.જ.પ.ની મદદ મેળવી ને ઉદ્ધવ ઠાકરેએ ઘર ભેગા થવું પડ્યું. હવે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી થાય કે તેનું કેન્દ્રીય મંત્રીમંડળમાં પાનું પડે એવી સ્થિતિમાં રાષ્ટ્રીય કાઁગ્રેસ પાર્ટી(એન.સી.પી.)માં ધડાકો થયો. પાર્ટી અધ્યક્ષ શરદ પવારને બાજુ પર મૂકીને ભત્રીજા અજિત પવારે પોત પ્રકાશ્યું અને પોતાનાં મળતિયાઓને લઈને નાયબ મુખ્યમંત્રીપદ મેળવી લીધું. એ કેટલું ટકશે તે તો સમય કહેશે, પણ અજિત પવારે તો મુખ્ય મંત્રી થવું છે, તેવી જાહેરાત બધી શરમ છોડીને કરી દીધી છે. ભા.જ.પે. તો વિપક્ષ જેવું કૈં રહેવા જ નથી દેવું એટલે એ પક્ષોને તોડે છે ને નથી તૂટતા તેમને માથે EDની તલવાર લટકતી રાખે છે. અજિત પવારને ભા.જ.પ.ની આભડછેટ નથી, એટલે અગાઉ પણ ભા.જ.પ.ને ખોળે બેસી આવ્યા છે. અત્યારે હાલત એ છે કે શરદ પવારને પક્ષ અને પ્રતીક બચાવવાનાં ફાંફાં છે. આ બન્યું એમાં શરદ પવારની સુપ્રિયા શૂલે પ્રત્યેની પુત્રીભક્તિ અને અજિત પવારની કાકા પ્રત્યેની બેવફાઇ કેન્દ્રમાં છે. બાળ ઠાકરેનો પુત્ર મોહ શિવસેનાને નડ્યો, એમ જ શરદ પવારનો પુત્રી મોહ એન.સી.પી.ને નડ્યો છે. શરદે ઉંમર થતાં પક્ષ પ્રમુખપદ છોડ્યું, પછી વળી પકડી પણ લીધું. એ વખતે અજિત પવારને પક્ષ પ્રમુખ થવાનું મળશે એવી ધારણા હતી, પણ તે ફળીભૂત થઈ નહીં, કારણ કાર્યકારી પ્રમુખપદ સુપ્રિયા શૂલે અને પ્રફુલ પટેલ પાસે ગયું, એટલે અજિત પાસે બળવો કરવા સિવાય કોઈ માર્ગ ન રહ્યો. એક વાત સ્પષ્ટ છે કે શરદ પવાર બહુ સ્વસ્થ અને પહોંચેલ માયા છે. એમણે જ એમના ગુરુ વસંતદાદા પાટિલની સરકાર ગબડાવેલી તે જાણનાર જાણે છે. કાકાનો દાવ કાકા પર જ અજમાવે એવો ભત્રીજો તો શરદને મળ્યો જ છે. એ દગો દે એનો આઘાત તો શરદ પવારને ય ન લાગે એટલા એ ઘડાયેલા છે. કાકા ચાલમાં ફસાયા છે કે ભત્રીજો ભોગ બન્યો છે એ પત્તાં તો સમય ખોલશે, પણ ચાલની ગંધ તો આવે જ છે. અજિત પવાર ભા.જ.પ.માં એકલા પડે અને તેમની સાથે ગયેલા સભ્યો પાછા ફરે એમ બને. એમ થાય તો અજિત પવાર ન ઘરનાં, ન ઘાટના રહે. ગયેલા સભ્યોને પવારે જ મોકલ્યા હોય તો નવાઈ નહીં. વહેમ તો એવો પણ પડે છે કે એન.સી.પી. જ ભા.જ.પ.માં ગોઠવાય તો આગામી ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ પાટલો પડે. એ સમય પર છોડીએ, પણ અજિત પવારનો ઘડો લાડવો આજે નહીં તો કાલે થાય એવી પૂરી શક્યતા છે. કાલ ઊઠીને અજિત પવાર મુખ્ય મંત્રી થાય તો પણ, તે ખાટી જાય એવું નથી. એમ તો એકનાથ શિંદે કેટલું ખાટ્યા છે તે ક્યાં કોઇથી અજાણ્યું છે? ભા.જ.પ. હોય ત્યાં સામેવાળો ખાટે એવું ઓછું જ બનવાનું.
ભા.જ.પ. તો મહારાષ્ટ્રવાળી બિહારમાં પણ કરવાની પેરવીમાં છે. બીજી તરફ મણિપુરની હિંસાએ કેન્દ્રની નિષ્કાળજીને પણ છતી કરી દીધી છે. વિપક્ષો એક તો થયા છે, પણ આ એકતા કેટલી ટકે તે પ્રશ્ન જ છે. ભા.જ.પ.ને મજબૂત કરવામાં વિપક્ષો વચ્ચેનો મનમુટાવ વધુ ભાગ ભજવે છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં, રાજકીય પક્ષોની સાઠમારી મહારાષ્ટ્રની જેમ વધતી જ રહેશે તો કેન્દ્રમાં ભા.જ.પ. સિવાય કોઇ વિકલ્પ જ નહીં રહે એમ બને.
આ બધાંમાં ક્યાં ય પ્રજાહિતની કોઈ વાત સંભળાય છે? કદાચ રાજકીય પક્ષોને એ યાદ પણ નથી આવતું કે તેઓ પ્રજાના મતથી સત્તા પર આવ્યા છે. પક્ષોને પ્રજા યાદ નથી આવતી તેમાં પ્રજા પણ વાંકમાં છે. રાજકારણ જવા દો, રોજ બ રોજની જિંદગીમાં તેની સાથે જે વ્યવહાર થાય છે તે અમાનવીય છે. એવે વખતે પણ પ્રજા ચૂપ રહે છે તે અક્ષમ્ય છે. મધ્ય પ્રદેશના ભા.જ.પ.નો એક કાર્યકર એક દલિત યુવક પર પેશાબ કરે છે. આ કોઈ પણ ખૂણેથી અધમ અને હીન કૃત્ય છે. તેનું પ્રાયશ્ચિત મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી દલિત યુવકના પગ ધોઈને કરે છે ને આરોપીની ધરપકડ કરી તેનાં ઘર પર બુલડોઝર ફેરવી દે છે. કમાલ તો એ છે કે બુલડોઝર આજકાલ ન્યાયતંત્રનું કામ કરે છે. ભા.જ.પ.ના એ આરોપીનાં ઘર પર બુલડોઝર ફરે તે પહેલાં તેની માતાએ વિનંતીઓ કરી કે આરોપીને સજા કરો, પણ ઘરને રહેવા દો, પણ બુલડોઝર ફરતાં, માતા તેનાં કોઈ વાંક વગર ઘર વગરની થઈ. અહીં પણ, જે વેઠે છે તે વેઠે જ છે.
‘ગબ્બર ઈઝ બેક’ નામની અક્ષયકુમારની એક ફિલ્મ આવેલી, જેમાં દર્દી મૃત્યુ પામે એ પછી પણ તેની સારવાર ચાલે છે ને તેનું અલગથી બિલ પણ આવે છે. ફિલ્મ જોયા પછી એવું થાય કે આ તો ફિલ્મ છે, પણ હિંમતનગરની એક હોસ્પિટલમાં એક બાળકી મૃત્યુ પામી તે પછી બાર કલાક તેની સારવાર ચાલી અને તેનું બિલ પણ આવ્યું. હવે એ નક્કી નથી થઈ શકતું કે ફિલ્મો જીવન પરથી બને છે કે જીવન ફિલ્મોથી દોરવાય છે. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક દર્દી પગના ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ થયો, તો ડોક્ટરોએ એનાં પેટનું ઓપરેશન કરીને ટાંકા લઈ લીધા. ડૉક્ટરોનું કહેવું છે કે દર્દીએ પોતે જ પેટમાં ચાકુ માર્યું હતું. એ દર્દી પાગલ જ કહેવાયને જે પોતાને જ ચાકુ મારી લે છે. કોરોનામાં એક બાજુ લોકો ભયભીત હતા ને સતત તાણ અને જોખમો વચ્ચે જીવતાં હતાં, ત્યારે પણ કેટલીક હોસ્પિટલોએ મૃતકોનાં અંગોનો વેપાર કરીને હોજરીઓ ભરી લીધી હતી. બને છે એવું કે સરકાર પૈસા તો ખર્ચે છે, પણ તેનો ગેરલાભ ઉઠાવવાનું ભાગ્યે જ કોઈ ચૂકે છે. આમ તો સરપ્રાઈઝ ચેકિંગ થાય છે, પણ તે રોજ થાય તો પણ ઘણાં છટકી જાય એમ બને. અહીં પણ લોકો સમાચાર જોઈ-વાંચીને ધંધે લાગે છે. એ તે રોટલા રળે કે લોકોનું રડવા બેસે? એવું નથી કે લોહી ઊકળતું નથી, પણ રોજ મરે તેનું કોણ રડે એ પણ છેને !
આ તો થઈ પારકાની વાત, પણ જે આપણને સીધી રીતે સ્પર્શે છે એ તરફ પણ નજર જવી જોઈએ. મોંઘવારી સાધારણ માણસને નથી નડતી? વર્ષમાં ટામેટાં કે લીંબુ કે કાંદા ભળતાં જ મોંઘા થાય છે. અત્યારે ટામેટાં કિલોના 160 સુધી ગયાં છે. તેલ, કઠોળ, અનાજ, કરિયાણું … આપણને જરૂરી નથી? એના ભાવ વધે ત્યારે પણ આપણે ‘ન બોલ્યામાં નવગુણ’ કરીએ છીએ તે બરાબર છે? એ પણ છે કે મોંઘવારી વધારવામાં આપણો ફાળો પણ ઓછો નથી. અગાઉ આટલો પીક પર ન હતો તે શોપિંગનો શોખ અત્યારે ઘણી રીતે વકર્યો છે. જરૂરી નહીં એનો ઢગલો કરીને વસ્તુનો ઉપાડ આપણે જ વધારીએ છીએ અને વસ્તુની અછત ઊભી થતાં વસ્તુ મોંઘી થાય તો કકળીએ છીએ. જ્યારે જી.એસ.ટી. લાગુ થયો, ત્યારે લોકોએ હોટેલમાં જવાનું ઓછું કરેલું. એની અસર થોડો વખત રહી, પછી લોકોએ પણ કમાણીની ખરીખોટી રીતો શોધી કાઢી ને હવે તો શનિ-રવિ લોકો ઘરમાં ભાગ્યે જ જમે છે. એક વર્ગ એવો છે જે સખત પરિશ્રમ કરીને રોટલા ભેગો થાય છે, બીજો એવો છે જે કરતો કૈં નથી, પણ ખર્ચવા માટે તેની પાસે પુષ્કળ પૈસા છે, એ પણ આડેધડ ખરીદી કરીને વસ્તુની અછત ઊભી કરે છે અને પરિણામ મોંઘવારી વધવામાં આવે છે.
જી.એસ.ટી.ને છ વર્ષ થયાં છે. તેનાં હરખમાં વડા પ્રધાન કહે છે કે તેણે સામાન્ય નાગરિકના સમગ્ર કરના બોજમાં ઘટાડો લાવી દીધો છે ને કર વસૂલાતમાં નોંધપાત્ર વધારો થયો છે. અહીં મૂંઝવણ એ છે કે કર બોજ ઘટ્યો હોય તો કર વસૂલાતમાં વધારો થાય કઇ રીતે? આટલી કર વસૂલાત છતાં 2023માં ભારત પર દેવું 155 લાખ કરોડ બોલે છે. દેશના 14 વડા પ્રધાનોએ 67 વર્ષમાં 55 લાખ કરોડનું દેવુ કર્યું ને છેલ્લાં 9 વર્ષમાં તે બીજું 100 કરોડ વધીને 155 લાખ કરોડ થયું છે. આવતાં માર્ચ સુધીમાં તે 172 લાખ કરોડ થઈ શકે છે. નવ વર્ષમાં દેવું 181 ટકા વધે એ વિકાસ નથી તો શું છે? આ બધું જ પ્રજા તરીકે આપણને સ્પર્શે છે, પણ રેઇનકોટ પરથી પાણી સરે એમ બધું સરી જવા દઇએ છીએ, કાળઝાળ ગરમી પડે ત્યારે રેઈનકોટ કામ નથી લાગતો ને શેકાવાનું તો થાય જ છે. પ્રજા તરીકે આપણી સ્થિતપ્રજ્ઞતાની કસોટીનો આ કાળ છે. જોઈએ, ન બોલ્યામાં નવ ગુણ ચાલે છે કે બોલીને ‘નવ’ ગુણનો મહિમા થાય છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 જુલાઈ 2023