Opinion Magazine
Number of visits: 9454704
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—203

દીપક મહેતા|Opinion - Opinion|1 July 2023

કૂવા કાંઠે પરોઢિયે પારસી પંચાયત      

સ્થળ : ભીખા બહેરામના કૂવા પાસે 

સમય : કોઈ પણ દિવસની સવારે ચાર વાગ્યે

પાત્રો : પારસીઓનાં પૂતળાં 

ભીખા બહેરામનો કૂવો – અગાઉ હતો તેવો  

ભીખા શેઠ : અરે રઘલા! આઈ સવારના પોરમાં બીડી ચૂસવા કાંઈ બેસી ગયો?

રઘલો : કાંઈ સેટ? ટૂ બી તાડીનું માટલું ઠોકીને જ આઇવો છ કની? 

ભીખા શેઠ : ચાલ, ચાલ, જલદી સફાઈ કરી નાખ. થોરી વારમાં સેથિયા લોક આવવા લાગશે.

રઘલો : પણ સેઠ! આઈ પૂતલાઓની પારસી પંચાત તેં અહીં કેમ રાખી છે, કોઈ સોજ્જી ફાઈવ સ્ટાર હોટલમાં રાખવાની હુતી.

ભીખા શેઠ : તને માલમ છે? આઈ કૂવો તે આખ્ખા મુંબઈ સહેરનું આજે બી જોવા મળતું જૂનામાં જૂનું બાંધકામ છે.

રઘલો : એની તને કેવી રીતે ખબર?

ભીખા શેઠ : કારણ આ કૂવો મેં બંધાવેલો.

રઘલો : શેઠ, તુ બી સુ ખાલી ટોપ ફોડે છ! હું જાના કે આ કૂવો તો તન સે વરસ જૂનો છે! લાગે છ કે આજે તુએ તાડી થોડી વધારે ઢીંચી નાખી છ. 

ભીખા શેઠ : નિ રઘલા. મારી વાત બરાબર સાંભળ. મારા બપાવા શેઠ ખરસેદજી પોંચાજી અસલ ભરૂચના. પોતાનું ભાયેગ અજમાવવા ઈ.સ. ૧૬૬૫ના અરસામાં વતન છોડી મુંબઈ આવવા નિકલા. એ વખતે મરેઠાએ ગુજરાત પર હલ્લો કીધો હૂતો. તેમના સૈનિકોને ખરસેદજી સેઠ સામી બાજુના જાસૂસ હશે તેવો વહેમ ગયો. એટલે તેમણે પકડીને વલહાડ પાસેના પાંડેરા ગઢમાં પૂરી દીધા. જો કે પછી ભૂલ સમજાઈ એટલે એવનને બાઇજ્જત બરી કરી દીધા. અને એવન મુંબઈ આવી પૂગા. ત્યારથી અમારા કુટુંબની અવટંક ‘પાંડેના’ પડી.

રઘલો : સેઠ! વાટતે, અત્તા તુઝી સટકલી આહે! હું બી વલહાડ પાસેના ગામનો છઉં. અને અમારા મલકમાં આ નામનો કોઈ કિલ્લો નથી. હા! એકુ ટેકરી પર ‘પાનેરા ગઢ’ નામનો નાલ્હો કિલ્લો છે ખરો.

ભીખા શેઠ : જો રઘલા, હું કંઈ વધુ જાણું નહિ. પારસીઓની તવારીખના મોટા જાણકાર શેઠ રતનજી ફરામજી વાછાએ સને ૧૮૭૪માં ‘મુંબઈનો બહાર’ નામે એકુ મોટ્ટી કિતાબ લખી હુતી. એવને જે લખ્યું છે તે મેં કીધું. બાકી સાચું-ખોટું તો પરવરદિગાર જાને. 

રઘલો : ભલે સેઠ! પણ મુંબઈમાં આવીને એ શેઠે કામ સુ કીધા?

ભીખા શેઠ : તેઓ મુંબઈ આવી પૂગા તારે મુંબઈમાં પોર્તુગીઝોનું રાજ ખતમ થયું હતું અને કંપની સરકારનું રાજ શુરૂ થયું હુતું. અને સરકારે નવો કોટ કહેતાં ફોર્ટ બાંધવાનું સુરુ કીધું હુતું. તે માટેના માલ-સામાન, બેગારી, વગેરે પૂરાઃ પાડવાનો કનત્રાક્ત શેઠને મળી ગયો અને એવન બે પાંદડે થયા. 

રઘલો : એ બધું તો હમજ્યો સેઠ! પણ આ કૂવો તેં ક્યારે બંધાવ્યો? કેમ બંધાવ્યો?

ભીખા શેઠ : જો રઘલા! કિલ્લાની અંદર આવેલી ઇન્ગ્રેજ બજારમાં મારી મોટ્ટી દુકાન હુતી. પરદેશી દારુ અને બીજી જણસો વેચવાનો મારો ધંધો. અંગ્રેજ ઘરાકોમાં હું ‘એક પ્રામાણિક દુકાનદાર’ તરીકે ઓળખાતો. આજે જ્યાં ચર્ચ ગેટ સ્ટેશન બંધાયેલું છે ત્યાં સુધી પહેલાં દરિયો હુતો. આ જે રાજાબાઈ ટાવર છે તેની પાછળ પણ હતો દરિયો. કિલ્લાના ત્રણ દરવાજામાંના એક ચર્ચ ગેટની બહાર દરિયા સુધી એક મોટું મેદાન હતું. તેમાં મોટ્ટી પવનચક્કી હુતી. એટલે લોક એને ‘પવનચક્કીનું મેદાન કહી બોલાવતા. પછી એ મેદાનના એક ખૂણા પર ‘નવી પોસ્ટ ઓફિસ’ની ઈમારત બંધાઈ. તેની સામેના ખૂણા પર મીઠા પાણીનો એક કૂવો હુતો. પણ સાવ બિસમાર હાલતમાં. એનું પાણી મધ જેવું મિઠ્ઠું! દરિયા કિનારા પર આવો કૂવો હોય એ એક મોટું અચરજ. મેં એ કૂવો સાફ કરાવ્યો, થાલું બંધાવ્યું. તેનું મિઠ્ઠું પાણી પીને દરિયા રસ્તે અને જમીન રસ્તે કોટ તરફ જતા-આવતા લોકો એનું પાણી પીને મને દુઆ દેતા. 

(થોડે દૂરથી મોટરની ઘરઘરાટી સંભળાય છે.)

રઘલો : શેઠ, તારા પાહુણા આવતા લાગે ચ.

ભીખાજી : તુને તો માલુમ ન હોય, પણ આપના આ શહેરમાં ૧૮૯૮ના વરસમાં પહેલવહેલી ચાર મોટર આવી હુતી. અને એ ચારે ચાર પારસીઓએ ખરીદેલી. એ ચારમાંના એક હતા તાતા એમ્પાયરનો પાયો નાખનાર સર જમશેદજી તાતા.

(કૂવાથી થોડે દૂર એક મોટર ઊભી રહે છે. સફેદ યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર પહેલાં ઊતરીને ડાબી બાજુનો પાછલો દરવાજો ખોલે છે. મોટરમાંથી ઊતરે છે સર જમશેદજી તાતા. ભીખાજી લગભગ દોટ મૂકે છે)

ભીખાજી : પધારો પધારો સર સાહેબ, પધારો. 

(એક પછી એક મહેમાનો આવતા જાય છે. ભીખાજી દરેકનું નમનતાઈથી સ્વાગત કરે છે. ચાંદીની તાસકમાં ગોઠવેલાં પાન-ગુલાબ લઈને બીજો એક નોકર ઊભો છે. ભીખાજી વારાફરતી દરેક મહેમાનને એ ધરે છે. બધા મહેમાનો સુખાસન પર ગોઠવાઈ ગયા પછી)

હોરમસજી કાવસજી દિનશાનું પૂતળું – ભીખા બહેરામના કૂવા પાસે 

ભીખાજી : વહાલા મહેમાનો!  આય કૂવાથી તદ્દન નજીક હોરમસજી કાવસજી દીનશાજી પૂતલા રૂપે બિરાજમાન છે એટલે પહેલાં એવણની ઓળખ આપું. ૧૮૫૭ના એપ્રિલની ચોથી તારીખે મુંબઈમાં જન્મ્યા. એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણ્યા પછી લંડન ગયા. દિવસે જેમ્સ બાર્બર એન્ડ સન્સમાં કામ શીખતા, સાંજે કિન્ગ્ઝ કોલેજમાં ભણવા જતા. પછી ઠોરો વખત પેરિસમાં કામ કર્યું. ૨૨ વરસની ઉંમરે બાપની કંપનીમાં સિનિયર પાર્ટનર તરીકે જોડાયા. ધંધો ઘન્નો વધાર્યો. આમ્સ્તરડામ, લંડન, પેરિસ, માર્સેલ્સ, હેમબર્ગ, કોલંબો, જિનોઆ, અને ન્યૂ યોર્કમાં પોતાની કંપનીની શાખાઓ ખોલી. પિતા કાવસજીએ એડનના વિકાસ માટે ઘણું કામ કીધેલું. તેમના બેટાએ એ કામ ચાલુ રાખ્યું. એડનમાં એવણે પારસી બિરાદરો માટે અગિયારી બંધાવી, તો સાથોસાથ મુસ્લિમ બિરાદરો માટે મસ્જીદ પણ બંધાવી. એટલું જ નહિ, એ જમાનામાં એડનમાં એન્ગલો-ગુજરાતી સ્કૂલ શરૂ કરી અને તેના નિભાવ માટે એ જમાનામાં પચાસ હજાર રૂપિયાનું દાન આપ્યું. મુંબઈમાં તો એમના દાનનો પ્રવાહ સતત વહેતો રહ્યો. દાદરમાં પારસી કોલોની પાસેના એક રસ્તા સાથે તેમનું નામ જોડાયું. મિસ શેરૂ દિનશા સિધવાએ તૈયાર કરેલું એવનનું આદમકદ બાવલું ૧૯૪૯ના નવેમ્બરની ૩૦મી તારીખે આ કૂવા પાસે મુંબઈના ગવર્નરે ખુલ્લું મૂક્યું. તારદેવમાં એડનવાલા બાગની બહાર પણ એવનનું પૂતળું છે. ઘણું કમાયા, ઘણું આપ્યું. ૧૯૩૯ના ઓગસ્ટની પહેલી તારીખે બેહસ્તનશીન થયા.

હોરમસજી : એ બધું થયું તે તો પરવરદીગારની રહેમ નજરને કારણે. પણ સર જમશેદજી જીજીભાઈએ જે કાંઈ કીધું એની સામ્હે તો હું નાનકડો દીવો પણ નથી.

ભીખાજી : હોરમસજી શેઠ! સરસાહેબ તો પોતાને વિષે કાંઈ કહેશે નહિ. તમે જ એવનની વાત કરો ને!

આ ઘોડા ગાડી નથી, જમશેદજી તાતાની પહેલી મોટર છે  

હોરમસજી : આય મુંબઈ ગામમાં એવો બદનસીબ કોન હોશે જેણે જે.જે. હોસ્પિટલ કે જે.જે. સ્કૂલ ઓફ આર્ટસનું નામ બી નૈ સામ્ભલીયું હોય! આ અને આવી બીજી સંસ્થાઓ ઊભી થઈ તે શેઠ જમશેદજી જીજીભાઇની ઉદાર સખાવતોને કારણે. એવણનો જનમ મુંબઈમાં, ૧૭૮૩ના જુલાઈની ૧૫મી તારીખે. ૧૮૫૯માં, એપ્રિલની ૧૪મી તારીખે મુંબઈમાં જ ખોડાયજીને પ્યારા થઈ ગયા. એવણના બાવા મેરવાનજી સુરતમાં કાપડનો વેપાર કરતા. ૧૭૭૦માં વતન છોડી મુંબઈ આવ્યા. પણ એક જૂના નાટકનું ગીત મુને યાદ આવે છે :

ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થશે કાલે?

જમશેદજી શેઠ હજી તો માંડ ૧૬ વરસના હુતા ને ખોડાયજીએ એવનનાં માઈ અને બાવા, બંનેને પોતાની પાસે બોલાવી લીધા. એટલે ગાંસડા-પોટલાં લઈને સિધાવ્યા માસા ફરામજી નસરવાનજી બત્તીવાલાને ઘેરે. આય બધી જફામાં ઝાઝું ભણી તો નહિ શક્યા, પણ સ્વભાવ સાહસિક. આપરા ઝવેરચંદ મેઘાણીએ ગાયું છે તેમ :

ઘટમાં ઘોડા થનગને, ને આતમ વિન્ઝે પાંખ,

અણદિઠેલી ભોમ પર યૌવાન માંડે આંખ. 

ભીખાજી : એટલે એવન પહેલાં ગયા કલકત્તા અને ત્યાંથી ચીન. એ વખતે નહોતી આગગાડી કે નહોતી આગબોટ. એ જમાનામાં હિન્દુસ્તાન અને ચીન વચ્ચે અફીણ અને કાપૂસનો ધીકતો ધંધો. એમાં પડ્યા. પછી તો બીજી ત્રણ વાર ચીનની મુસાફરી કરી. ૧૮૦૩માં માસાની દીકરી આવાબાઇ સાથે અદારાયા. તમુને સહુને તો માલુમ છે જ કે આપના પારસીઓમાં આવાં લગનનો બાધ નથી. કમાયા બી એવું કે પોતાનો માલ ચીન મોકલવા છ બારકસ વેચાતાં લીધાં. 

હોરમસજી : પહેલાં કર્મવીર બન્યા, પછી દાનવીર. હિંદુ, મુસ્લિમ, પારસી ખ્રિસ્તીના ભેદભાવ વગર દાન કરતા ગયા. કૂવા, તળાવ, રસ્તા, પૂલ બંધાવ્યાં. દોઢ લાખ રૂપિયાને ખર્ચે મુંબઈના બેલાસિસ રોડ પર સર જે.જે. ધરમશાળા બંધાવી. અને હા, તે ફક્ત પારસીઓ માટે નથી. ન્યાતજાત કે ધરમના ભેદ વિના હર કોઈ જરૂરતમંદને એ રોટી, કપડાં, આશરો જ નહિ, દવાઓ પણ આપે છે. એ જ્યારે શરૂ થઈ ત્યારે આખા એશિયા ખંડમાં આ જાતની એ પહેલવહેલી સંસ્થા હતી. પોતાની ‘જમશેદજી જીજીભાઈની કંપની’ કાઢી ત્યારે તેમાં બીજા બે ભાગિયા હતા મોતીચંદ અમીચંદ અને મહમદલી રોગે. મૂગા પ્રાણીઓ માટે પણ એવણના મનમાં હમદર્દી હતી. તેમની સારસંભાળ માટે જગન્નાથ શંકરશેટ, મોતીચંદ અમીચંદ, કાવસજી પટેલની સાથે મળીને એવણે ૧૮૩૪ના ઓક્ટોબરની ૧૮મી તારીખે બોમ્બે પાંજરાપોળ શરૂ કરી. બ્રિટિશ સરકારે તેમની સેવાઓની કદર કરીને ૧૮૪૨માં ‘નાઈટ’ બનાવ્યા અને ૧૮૫૭માં ‘બેરોનેટ’. હિન્દુસ્તાનમાં આવું સન્માન મેળવનારા એવન પહેલવહેલા હતા.

ભીખાજી : જમશેદજી શેઠ બેહસ્તનશીન થયા તે દિવસે સવારે તેમના બંગલાની બહાર લોકો મોટ્ટી સંખ્યામાં ભેગા થયા હતા. એકેએક પારસીએ પોતાનો ધંધો-રોજગાર બંધ રાખી અણોજો પાળ્યો હતો. પારસી નોકરોને સરકારે પૂરા પગારે રજા આપી હતી. ઘની બેંકો બપોર પછી બંધ રહી હતી અને મુંબઈના બારામાં રહેલાં બારકસોએ પોતાનો ઝંડો અડધી કાઠીએ ઉતાર્યો હતો.

ઓવલ મેદાનની ધારે સર જમશેદજી જીજીભાઈનું પૂતળું 

હોરમસજી : જમશેદજી શેઠની દિલાવરીનો જવાબ મુંબઈ શહેરે બી એવી જ દિલાવારીથી આપ્યો. આજે પણ આય શેરમાં એવનનાં એક નહિ, બે નહિ, ત્રણ પૂતલાં છે : પહેલું તે આપણે બેઠા છીએ તેનાથી થોડે છેટે, ઓવલના મેદાનની ધાર પર આવેલું કાંસાનું પૂતળું. બીજું તે એશિયાટિક સોસાયટીના મકાનમાં આવેલું આરસનું, અને જે.જે. હોસ્પિટલમાં છે તે ત્રીજું પૂતળું. અને જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં છે તેમનું મોટ્ટું પોર્ટ્રેટ.

ભીખાજી: માનવંતા મહેમાનો! પારસી પૂતળાં પંચાયતની બીજી બેઠક આવતા શનિવારે.

e.mail: deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 01 જુલાઈ 2023)

Loading

1 July 2023 Vipool Kalyani
← વાલમ સાંભરે
યુનિફોર્મ સિવિલ કોડનું સ્વાગત કરવું જોઇએ →

Search by

Opinion

  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z
  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved