Opinion Magazine
Number of visits: 9483186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચેત મછંદર, પાંચ સાલ કેજરીવાલ!

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|14 February 2015

રાજ્યારોહણ — દિલ્હીના ઈતિહાસ પ્રસિદ્ધ રામલીલા મેદાનમાં દેશની લોકશાહી આજે વેલેન્ટાઈન ઘટનાનો અનુભવ કરશે …

કેમ જાણે હૈયે હૈયું દળાતું હોય એવા જનવિરાટની સાખે દિલ્હીના રામલીલા મેદાનમાં આજે અરવિંદ કેજરીવાલ અને આપ મંત્રીમંડળ શપથ લેશે ત્યારે ભારત વર્ષની લોકશાહી વિકલ્પખોજ નિજને એનો ભેરુબંધ ને બડકમદાર – કહો કે વેલેન્ટાઈન – મળી રહ્યાનો આનંદ અનુભવશે.

અલબત્ત, આ આનંદ જે અનુકાર્ય માગી લેશે એનો તો કોઈ છેડો જ નથી હોવાનો; કેમ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ સાંભળ્યો નથી. ભારતવર્ષે તખ્તપલટાઓ તો પૂર્વે પણ જોયા છે, અને હજુ પણ જોશે. 1977માં જનતા રાજ્યારોહણ પર્વ ભલે ટૂંકજીવી પણ એક સ્વાતિ ક્ષણ શી અનુભૂતિ લઈને આવ્યું હતું. વિપળવાર વાસ્તે પણ કેમ ન હોય શબ્દોને એમનો અસલ અર્થ પાછો મળતો અનુભવાય એવી સાક્ષાત્કારક ક્ષણો એ હતી. બીજાં પણ નાનાંમોટાં ઉદાહરણો જરી તાણીતૂસીને આપી શકાય. ગમે તેમ પણ, 1977ના અખિલ હિંદ જનાદેશ સામે આ તો માત્ર એક રાજ્યની જ ઘટના છે. તો, એનો આટલો અતિશે મહિમા કેમ, કોઈ પણ પૂછી શકે. ભાઈ, લાંબી તવારીખમાં જઈએ અગર ન જઈએ પણ એટલું ચોક્કસ સમજી લઈએ કે હમણેના દાયકાઓમાં આપણે ત્યાં જે પરિવર્તનો આવ્યાં – એમાં કાંક ને કાંક સારું પણ હશે સ્તો – એ બધાં ઘણુંખરું તો સ્થાપિત પક્ષો વચ્ચે માંહોમાંહે ઘરગથ્થાં રમવા જેવાં હતાં. લાલ, પીળોને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીનાં બધાં મેળવણીથી થાય એવો ઘાટ એ હતો. પક્ષ ‘અ’ વિ. પક્ષ ‘બ’ અગર તો ‘અઆઈ’ સામે ‘કકાકી’ એવા સૌ રાબેતાશાઈ જમાવડા એ હતા. મોટે ભાગે સત્તામાંથી ઊગી સત્તામાં આથમતી એ રાજનીતિ હતી.

હમણેનો, આ એક દિલ્હી વિધાનસભાનો જંગ એવો લડાયો કે એમાં સઘળાં અક્ષૌહિણી તામઝામ અને સરંજામ સાથે સત્તાનાં બળો એક પા અને જનતાનાં બળો બીજી પા એવું એક ચિત્ર ઊપસી રહ્યું હતું. કદાચ, છેલ્લા પાંચકામાં દિલ્હીએ જંતરમંતરથી માંડીને રામલીલા મેદાન અગર ઇન્ડિયા ગેટ જેવા વિસ્તારોમાં લોકનું ઘર બહાર આવવું, કહો કે રણમોઝાર આવવું, પૂર્વે નહીં એટલી તાદાદ અને એટલી ઉલટથી જોયું એનો જ આ એક નવમુકામ હતો. અણ્ણા હજારેના ભ્રષ્ટાચારવિરોધી અભિયાનમાં અને નેતૃત્વમાં નિર્ભયા-દામિનીના પ્રશ્ને દિલ્હીનું લોક દળકટકની પેઠે રસ્તે ઊતર્યું હતું. કોઈ ચાલુ પક્ષના હાથની નહીં કે કોઈ ચાંપચલાઉ સંગઠનના વશની નહીં એવી આ સ્વયંસ્ફૂર્ત ચહલપહલ હતી. આ ઉદ્યુક્તિ, સિવાય કે તે રાજકીય અભિવ્યક્તિમાં પરિણમે, અસરકારક છતાં ઉભરો માત્ર બની રહે એવું પણ બની શક્યું હોત. પણ અણ્ણાના આંદોલનમાં એક એવું વ્યક્તિત્વ અગ્ર ભાગી હતું જેને આ ઉદ્યુક્તિનું એક રાજકીય નવરૂપ ખપતું હતંુ. આ આંદોલનમાં બે સ્કૂલો હોવાનું તરત જ સમજાવા લાગ્યું હતું. એક સ્કૂલ કિરણ બેદી પ્રકારનાં વ્યક્તિત્વની હતી જે ચાલુ પક્ષગોઠવણ મારફતે કામ લેવાની ગતમાં હતી. આ અભિગમ એમને, પછી, ભા.જ.પ. સુધી દોરી ગયો અને દેશજનતાએ અક્ષરશ: નેત્રદીપક એવું એક દૃશ્ય જોયું : જામીનધન્ય પક્ષપ્રમુખ અને તેજસ્વી પુલીસ અફસર બેઉ હવે જોડાજોડ હતાં! ‘સ્વચ્છ રાજનીતિ’ની મથામણને સારુ આ ફોટોફ્રેમ ખુદકુશીના દસ્તાવેજીકરણથી કમ નહોતી. કેજરીવાલે ગાંધી-જેપી પરંપરામાં સ્થાપિત પક્ષોથી સ્વતંત્ર નાગરિક શક્તિમાં સાર્થકતા શોધી અને આ શક્તિને સુવાંગ પોતીકું વાહન મળે એવી કોશિશ કીધી.

અણ્ણા જનતાની શક્તિને જાણતા હતા અને આપ સમાન બળ નહીં એ જુગજૂની કહેતી એમને હૈયાસરસી હતી. પણ આંદોલનના જીવને સારુ પ્રત્યક્ષ રાજકીય વિકલ્પનો ખયાલ સ્વાભાવિક જ છેટો હતો. બલકે, આ સમર્પિત એટલી જ સરળભોળી શખ્સિયતને વ્યક્તિગત અને પક્ષગત સત્તાસ્વાર્થ વાસ્તે હાઈજેક કરવાની કોશિશ પણ થતી રહી હતી. સદ્દભાગ્યે મે 2011ની ગુજરાતયાત્રામાં પ્રત્યક્ષ દર્શનને પરિણામે આ કોશિશ નાકામ રહી, અને આજે કિરણ બેદીના ભા.જ.પ. પ્રવેશ બાબતે અણ્ણાએ પોતાની નાપસંદગી ને નારાજગી પ્રગટ કરવામાં કોઈ સંકોચ રાખ્યો નથી. સ્વાસ્થ્યવશ, આ દિવસોમાં દિલ્હી પહોંચવું એમને માટે સરળ ન હોય તોપણ એમણે ‘પ્રામાણિક’, ‘બુદ્ધિમંત’ અને ‘સમર્પિત’, કેટલીક બાબતોમાં ‘બ્રાઈટર ધેન મી’ અરવિંદને આશીર્વાદ અવશ્ય આપ્યા છે તેમ જ મોદીએ સપનસોદાગરથી વેચેલા ‘અચ્છે દિન’ નાખી નજરે ક્યાં ય વરતાતા નથી એમ કહેવા સાથે આઠ આઠ મહિના પછી પણ ક્યાં છે જનલોકપાલ એવો જાહેર સવાલ સુધ્ધાં ઉઠાવવાપણું જોયું છે.

જનવિરાટની સાખે શપથબદ્ધ થઈ રહેલા અરવિંદે આંદોલન અને સંચાલનના રાજકારણ વચ્ચે સાર્થક સંબંધનો કોઠો વીંધવાનો છે તો સ્થાપિત પક્ષોથી ઉફરા એક જનવાદી પક્ષ તરીકે લાંબી લીટી પણ દોરવાની છે. દેખીતી રીતે જ, 1977 કરતાં આ એક લાંબી અને દૂસી લડાઈ હોવાની છે. ખાસ તો, વિકાસની આમજનતાલક્ષી વ્યાખ્યા તેમ જ સંપોષિત સહભાગી સંતુલિત વિકાસનીતિનો પંથ કાપવાનો છે. દિલ્હી ઘટના, પડકાર જોતાં કદાચ પાશેરામાં પહેલી પૂણીથી વધુ નથી. પણ મે 2011ના અણ્ણાના મોહભંગની જેમ ગુજરાત છેડેથી એક બીજો પણ કરવા જોગ ઉલ્લેખ તો છે. ફેબ્રુઆરી 1974માં જયપ્રકાશની ગુજરાતયાત્રાને પગલે બની આવેલ લોકસ્વરાજ આંદોલને આગળ ચાલતાં જનતા મોરચા વાટે જનતા પક્ષનો અને 1977ની લોકશાહી પુન: પ્રતિષ્ઠાનો પથપ્રશસ્ત કર્યો હતો.

હા ભાઈ, આ પણ એક ગુજરાત મોડેલ છે! થોભો, રાહ જુઓ … ઓવર ટુ અરવિંદ!

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 14 ફેબ્રુઆરી 2015

Loading

14 February 2015 admin
← નવો વિસામો
મેરે સપનોં કો જાનને કા હક રે … →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved