બે ધારણા ખોટી પડી છે એટલે એ બે ધારણા પર આધારિત રાજકારણને પણ પુનર્વ્યાખ્યાયિત તેમ જ પુન:પ્રાસંગિક કરવું જરૂરી છે.
કઈ હતી એ બે ધારણા?

રમેશ ઓઝા
પહેલી તો એ કે ભારતનો હિંદુ સમાજ નાત-જાત અને બીજી અનેક પ્રકારની અસ્મિતાઓ દ્વારા આંતરિક રીતે વિભાજીત હોવાને કારણે ભારતમાં હિંદુઓનો બહુમતી રાષ્ટ્રવાદ સત્તા સુધી પહોંચી શકે એમ નથી. બીજા શબ્દોમાં કહીએ તો હિંદુ બહુમતી રાષ્ટ્રવાદી ભારત અસંભવ છે. આવું એ લોકો જ નહોતા માનતા જેઓ ડાબેરી સેક્યુલર કે નિ:ધર્મી હતા, પણ એ લોકો પણ માનતા હતા જેઓ ધાર્મિક હતા, હિંદુ હોવા માટે ગર્વ અનુભવતા હતા અને જમણેરી હતા. કનૈયાલાલ મુનશીનું ઉદાહરણ આપી શકાય. બીજી ધારણા એ ખોટી પડી કે વિવેક અને મર્યાદા હિંદુ દર્શન તેમ જ હિંદુ જીવનમૂલ્યો(જેમાં શ્રમણ દર્શન અને શ્રમણ મૂલ્યોનો સમાવેશ થાય છે.)નાં અવિભાજ્ય અંગ છે. તેનો સ્વભાવધર્મ છે. માણસ પોતાના સ્વભાવથી, પોતાનાં રચાયેલા પીંડથી બહુ દૂર જઈ શકતો નથી. પાછી આ લાંબી પરંપરા છે. કમ સે કમ ત્રણથી ચાર હજાર વરસ જૂની તો ખરી જ.
હિન્દુનો સ્વભાવધર્મ અને તેનો પીંડ તેમ જ આંતરિક વિભાજનની વાસ્તવિકતાને કારણે જે ભારત તેમ જ ભારતીય સમાજ આપણને વારસામાં મળ્યાં છે તે અને તે ઉપરાંત આઝાદીની લડત વખતે ભારતની કલ્પના વિષે જે એકંદરે સર્વસંમતિ વિકસી હતી તે જોતાં ઉદાર, સર્વસમાવેશક, સેક્યુલર લોકતાંત્રિક ભારત ઉપર અંદરથી કોઈ ખતરો નથી એમ માની લેવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ અને ભારતીય બંધારણીય રાષ્ટ્ર સુરક્ષિત છે એમ માની લેવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, જવાહરલાલ નેહરુ જેવાઓએ આવા ગૃહિત તરફ લાલ બત્તી ધરી હતી અને ચેતવણી આપી હતી પણ તેને બહુ ગંભીરતાથી લેવામાં આવી નહોતી. આવું ધારી લેનારામાં આ લખનારનો પણ સમાવેશ થાય છે. ડૉ. રામ મનોહર લોહિયા અને દાદા ધર્માધિકારી જેવા મેધાવી વિચારકો પણ જ્યારે એમ કહે કે ભારતીય રાષ્ટ્ર ઉપર હિંદુ બહુમતીવાદનો કોઈ ખતરો નથી ત્યારે આ લખનાર તો સાવ મામૂલી માણસ છે.
તમને આશ્ચર્ય થશે કે આવું ભારતીય જનસંઘની સ્થાપના કરનારા અને હિંદુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ શ્યામ પ્રસાદ મુખર્જી પણ માનતા હતા અને તેમનો હવાલો આપીને લાલકૃષ્ણ અડવાણી પણ ૨૦૧૪ની સાલ સુધી આમ માનતા હતા. ત્યારે વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ નીતીશકુમારના જનતા દલ (યુનાઇટેડ) સાથે સંબંધ તોડી નાખ્યો ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લખેલા લેખમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને ટાંકીને દલીલ કરી હતી કે બહુમતી હિંદુરાષ્ટ્ર અને હિન્દુત્વને નામે હિંદુ રાષ્ટ્રવાદી પક્ષ એકલે હાથે સત્તા સુધી પહોંચી શકે એ ભારતમાં અશક્ય છે. લોહિયા, મુનશી તો ઠીક, શ્યામા પ્રસાદ મુખર્જી અને લાલકૃષ્ણ અડવાણીને પણ નહોતું લાગતું કે હિંદુ બહુમતી રાષ્ટ્રવાદ એકલે હાથે બહુમતી સાથે સત્તા સુધી પહોંચી શકે. અને નરેન્દ્ર મોદી? તેમને પણ ૨૦૧૪માં આવો ભરોસો નહોતો એટલે તો તેમણે ૨૦૧૪માં સબકા સાથ અને સબકા વિકાસના નામે મત મેળવ્યા હતા.
તો આનો અર્થ એ થયો કે એકવીસમી સદીનાં બીજા દાયકામાં ભારતીય રાજકારણે અકલ્પનીય વળાંક લીધો છે અને હિંદુ સમાજે આશ્ચર્યજનક રીતે કરવટ બદલી છે. નરેન્દ્ર મોદી ભલે તેના આર્કિટેક્ટ કહેવાતા હોય, પણ તેમણે પણ આવી કલ્પના નહોતી કરી.
આમ બનવાનાં ત્રણ મુખ્ય કારણ છે અને તેમાં બીજું કારણ વધારે ચિંતા પેદા કરનારું છે અને તેનો મુકાબલો કરવો પડે એમ છે. પહેલું કારણ જગત આખામાં પ્રજાની અંદર પેદા થયેલી પ્રતિક્રિયા છે. બંધારણીય, શાસકીય અને માનવીય માનમર્યાદાનું પાલન શું માત્ર આપણે એકલાએ જ કરવાનું? આવી દલીલ કરતી વખતે તેમની સામે ઇસ્લામ, મુસલમાન અને ચીન છે. આ સિવાય આર્થિક મોરચે વિકાસનું ચરમબિંદુ આવી ગયું છે એટલે હવે આગળ વધવા માટે જગ્યા નથી. આર્થિક ગતિરોધના કારણે જગત આખામાં પ્રજામાનસ હતાશ છે અને તેઓ તેમની હતાશા “બીજા” સામે કાઢે છે. “આપણે” સંગઠિત થવું જોઈએ અને “આપણો” સ્વાર્થ જોવો જોઈએ.
બીજું અને વધારે મહત્ત્વનું કારણ એક સદી દરમ્યાન હિંદુ માનસમાં ધીરે ધીરે આરોપવામાં આવેલું ઝેર છે. “બીજાઓ” માટેનો દ્વેષ છે. ભય છે. લઘુતાગ્રંથિ છે જેને મહાનતાના વરખમાં છૂપાવવામાં આવે છે. જ્યાં આપણું અને આપણાં સંતાનોનું ભવિષ્ય છે એ ભવિષ્ય તરફ નજર કરવાની જગ્યાએ, લોકોને અતીતને લઈને વર્તમાનમાં હિસાબકિતાબ કરતા કરી મૂક્યા છે. આ બધું ધીરે ધીરે આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું છે. અનેક પ્રકારનાં ઝેર અને તેનાં રસાયણ તૈયાર કરવામાં આવ્યા છે. ઝેરને આરોપિત કરવાની અનેક રીત વિકસાવવામાં આવી છે. એક ડરાવે, બીજો રડાવે, ત્રીજો પોરસાવે, ચોથો લલકારે, પાંચમો સંગઠિત થવાના લાભ બતાવે, છઠ્ઠો ભલા હોવાના ગેરલાભ બતાવે અને શઠં પ્રતિ શાઠ્યના લાભ બતાવે, સાતમો પોતાનાં હોવાપણાનો સધિયારો આપે વગેરે.
ત્રીજું કારણ છે સોશ્યલ મીડિયા. ઝેરની ખેતી આસાન થઈ ગઈ અને ફસલ તરત મળતી થવા લાગી.
ઝેરનું વાવેતર સો વરસ દરમ્યાન શનૈ શનૈ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું છે. વિનાયક દામોદર સાવરકર નામના હિન્દુત્વવાદી વિચારકે કહ્યું હતું કે માણસાઈ હિંદુઓની નબળાઈ છે. હા, એક્ઝેક્ટલી આમ જ કહ્યું છે. માણસાઈ છોડો, સદ્દગુણ છોડો અને માથાભારે બનો. આ હિંદુઓનો દેશ છે કારણ કે હિંદુઓ બહુમતીમાં છે.
તો વાત એમ છે કે ભારતીય સમાજે, ખાસ કરીને હિંદુ બહુમતી સમાજે કરવટ બદલી છે. હિંદુ સમાજની અંદર એટલા પ્રમાણમાં કોમી ધ્રુવીકરણ થયું છે કે ભારતીય જનતા પક્ષ સ્પષ્ટ બહુમતી સાથે એકલા હાથે સરકાર રચી શકે. જો ધ્રુવીકરણમાં વધારો થાય તો બંધારણનું આખું માળખું જ બદલી નાખાવામાં આવે. આ ઘટના ભારત માટે અને હિંદુ સમાજ માટે અકલ્પનીય છે. અને માટે હિંદુ રાષ્ટ્રનો પ્રતિરોધ કરનારા રાજકારણને પુનર્વ્યાખ્યાયિત તેમ જ પુન:પ્રાસંગિક કરવું જરૂરી છે.
૨૦૧૪માં ભારતીય જનતા પક્ષની ભલે પાતળી પણ બહુમતી સાથે સરકાર આવી એ પછી વિરોધ પક્ષના રાજકીય નેતાઓને તેમ જ રાજકીય નિરીક્ષકોને એમ લાગતું હતું કે ધીરે ધીરે મતદાતાઓનો મોહભંગ થવા લાગશે અને બી.જે.પી.નો પરાજય કરી શકાશે. કેટલાક રાજકીય પક્ષોનો પ્રયાસ એવો હતો કે આપણે એવું આક્રમક સેક્યુલર રાજકારણ ન કરવું કે જેથી હિંદુઓ નારાજ થાય. હિંદુઓને ભા.જ.પ.ના પાલામાંથી બહાર કાઢવા આ જરૂરી છે. કાઁગ્રેસે આવી રણનીતિ અપનાવી હતી. રાહુલ ગાંધી અને કાઁગ્રેસે કેટલોક સમય પોતાને ધાર્મિક હિંદુ તરીકે રજૂ કરવાનો અને મુસલમાનોથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ વળી સવાયા હિંદુ તરીકે પોતાને રજૂ કર્યા હતા. આ સિવાય વિપક્ષી એકતા વગેરેના અન્ય બની શકે એટલા પ્રયાસ કર્યા હતા. પણ તેમના આશ્ચર્ય વચ્ચે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ભા.જ.પ.ને વધારે બેઠકો અને વધારે મત મળ્યા.
આમ કેમ બન્યું? અથવા વિરોધ પક્ષોની અને રાજકીય સમીક્ષકોની ધારણા કેમ ખોટી પડી? કારણ બહુ સ્પષ્ટ છે. ૨૦૧૯ની ચૂંટણીના અનુભવ પછી કારણ સ્પષ્ટ થયું કે હિંદુઓના એક વર્ગનું કોમી ધ્રુવીકરણ સંપૂર્ણપણે થઈ ચુક્યું છે અને તે જલદી તૂટવાનું નથી. તેમને બહુમતી હિંદુ રાષ્ટ્ર જોઈએ છે અને તે માટે તેઓ પોતાનું અને પોતાનાં સંતાનનું ભવિષ્ય હોડમાં મૂકવા તૈયાર છે. તમે તેમને કહેશો કે આ ખુવારીનો માર્ગ છે તો તેઓ ખુવાર થવા તૈયાર છે. હવે તેઓ નજીકના ભવિષ્યમાં પોતાનો મત બદલે એવી કોઈ શક્યતા નથી.
દેખીતી વાત છે કે જે અભિગમ ૨૦૧૯માં અપનાવ્યો હતો એ હવે ચાલે એમ નથી. સમર્થક જ્યારે ખુવાર થવા સુધીની તૈયારી બતાવે ત્યારે તમે કાંઈ જ ન કરી શકો. ગઈ સદીમાં ઇટલી અને જર્મનીમાં આવું જોવા મળ્યું હતું. પણ ભારતમાં સમર્થકોની સંખ્યા કેટલી? વધુમાં વધુ ૩૫ ટકા. બાકીના ૬૫ ટકા હિંદુઓ એવા છે જે ખુવાર થવા તૈયાર નથી. તેમને હિંદુ રાષ્ટ્ર જોતું નથી. તેમને સહિયારું, સેક્યુલર, લોકતાંત્રિક અને બંધારણીય રાષ્ટ્ર જોઈએ છે. તેમને આમાં આબાદી નજરે પડે છે અને હિંદુ રાષ્ટ્રમાં બરબાદી. ૨૦૧૯ પછી આવા હિંદુઓને પણ સમજાઈ ગયું કે ગુમાવેલી જમીન વિપક્ષી એકતા અને એવાં બીજાં ઠાગાઠૈયા કરવાથી પાછી મળે એમ નથી, પણ આપણી કલ્પનાના રાષ્ટ્રને બચાવી લેવાના સંકલ્પ દ્વારા અને એને સિદ્ધ કરી આપે એવા નવા રાજકારણ દ્વારા જ થઈ શકે એમ છે.
રાહુલ ગાંધી આ નવા રાજકારણને ઓપ આપી રહ્યા છે એમ દેખાય છે. એ કઈ રીતે એની વાત હવે પછી કરીશું.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 જૂન 2023