
રમેશ ઓઝા
આ કોલમમાં મેં લખ્યું હતું એમ જો દર્શન અને મૂલ્યોના બનેલા સાચા ધર્મને પ્રેમ કરશો તો વિવેક આપોઆપ જાગૃત થઈ જશે અને ઝનૂન ઓગળી જશે. જો લોકોના બનેલા દેશને પ્રેમ કરનારા સાચા દેશપ્રેમી બનશો તો બુદ્ધિ આપોઆપ ઠેકાણે આવી જશે અને પ્રશ્નોની જટિલતા સમજાવા લાગશે.
જેમ કે દેશનાં ત્રણ સમૃદ્ધ રાજ્યો દેશનાં ત્રણ ગરીબ રાજ્યો કરતાં ત્રણ ગણી વધુ મહેસૂલ કમાઈને આપે છે, પણ તેમને કેન્દ્ર દ્વારા પૈસાની જે ફાળવણી થાય છે એ ૧૯૭૧ના વસ્તી ગણતરીના આંકડાને આધારે થાય છે, જેમાં ઓછું રળીને આપનારાં રાજ્યો વધુ મોટો હિસ્સો લઈ જાય છે અને વધુ રળીને આપનારાં રાજ્યોને ઓછો હિસ્સો મળે છે. વળી ગરીબ રાજ્યોના લોકો રોજગારી મેળવવા સમૃદ્ધ રાજ્યોમાં ઠલવાય છે. તેઓ મહેમાન રાજ્યમાં સ્થાનિક નાગરિકના ભોગે પોતાની જગ્યા બનાવે છે અને પોતાનાં રાજ્યમાં વધારે મોટો હિસ્સો ધરાવે છે. આને અન્યાય કહેવાય કે યોગદાન? ક્યારે ય વિચાર કર્યો છે?
દેશમાં જે પ્રમાણમાં શહેરીકરણ થઈ રહ્યું છે એ જોતાં નાગરિકનું પ્રતિનિધિત્વ વસ્તીના આધારે કરવું જોઈએ કે પ્રદેશના? જેમ કે ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ મહારાષ્ટ્રની કુલ વસ્તી ૧૧ કરોડ છે જેમાંથી ૨ કરોડ ૩૫ લાખ લોકો મુંબઈ શહેરી પ્રદેશમાં (મુંબઈ, થાણે, પાલઘર, નવી મુંબઈ) રહે છે. મહારાષ્ટ્રની કુલ વસ્તીના વીસ ટકા. બીજી બાજુ મહારાષ્ટ્ર ૩,૦૭,૭૧૩ ચોરસ કિલોમીટર ભૂમિ ધરાવે છે જેમાં મુંબઈ શહેરી પ્રદેશનો હિસ્સો માત્ર ૬,૩૨૮ ચોરસ કિલોમીટર છે. કુલ ભૂમિના બે ટકા. હવે જો મહારાષ્ટ્રની બે ટકા ભૂમિમાં ૨૦ ટકા પ્રજા વસતી હોય તો કોને મહત્ત્વ આપવું? ભૂમિને કે પ્રજાની સંખ્યાને? વળી મહારાષ્ટ્રની બે ટકા ભૂમિમાં જે વીસ ટકા પ્રજા વસે છે એમાંથી અડધોઅડધ પ્રજા બિન મરાઠી છે. મહારાષ્ટ્રમાં શહેરીકરણનું પ્રમાણ અત્યારે ૪૫ ટકા છે જે વધવાનું છે, ઘટવાનું નથી. બીજું જે વાત મહારાષ્ટ્ર અને મુંબઈને લાગુ પડે છે એ દેશનાં તમામ પહેલી અને બીજી હરોળના શહેરોને લાગુ પડે છે. તો બોલો બંધુ, દેશપ્રેમી, પ્રતિનિધિત્વ વસ્તીના આધારે હોવું જોઈએ કે ભૂમિના?
લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીમાં કેટલીક બેઠકો હરિજનો અને આદિવાસીઓ માટે અનામત રાખવામાં આવે છે. તેમને પણ લોકપ્રતિનિધિગૃહમાં પ્રતિનિધિત્વ મળે એ એની પાછળનો ઉદ્દેશ છે. પણ હવે વધતાં શહેરીકરણનાં કારણે હરિજનો અને આદિવાસીઓ શહેરોમાં સ્થળાંતરિત થવા લાગ્યા છે. શરૂ શરૂમાં વિકસતાં શહેરોમાં હરિજન વિસ્તાર ઓળખી શકાતા હતા અને શહેરોમાં હરિજનો માટેની બેઠકો અનામત રાખી શકાતી હતી. પણ હવે શહેરીકરણનાં વર્તમાન સ્વરૂપમાં હિંદુ મુસ્લિમના ધાર્મિક ભેદને છોડીને જાતિ આધારિત મહોલ્લા નથી રચાતા. આવનારા બે-ત્રણ દાયકામાં જ્યારે ૮૦ ટકા પ્રજા શહેરોમાં વસતી હશે અને શહેરો પચરંગી હશે ત્યારે હરિજનો અને આદિવાસીઓ માટે શહેરોમાં અનમાત બેઠકોને કેવી રીતે ઓળખી કાઢવી? બીજી બાજુ તેમના વતનમાં તેમની વસ્તી પાંખી થઈ ચૂકી હશે તો ત્યાંની બેઠકને અનામત રાખવાનો શો અર્થ? પણ તો પછી સામાજિક ન્યાયનું શું?
દક્ષિણનાં રાજ્યો પ્રગતિશીલ છે. તેઓ બાકીનાં ભારત કરતાં વધુ શિક્ષિત છે. અતીતની જગ્યાએ ભવિષ્ય વિષે વધારે વિચારે છે. વસ્તીનું નિયંત્રણ કરે છે. દક્ષિણનાં રાજ્યોમાં આરોગ્યની સગવડ પ્રમાણમાં ઉત્તમ કક્ષાની છે અને પ્રજા આરોગ્ય અને બીજી બાબતે જાગૃત છે. આનાં બે પરિણામ આવે. એક તો જ્યાં વસ્તી નિયંત્રણ ઓછું છે એ ઉત્તર ભારતની તુલનામાં દક્ષિણ ભારતની વસ્તી ઘટતી જાય, દેશમાં તેનું પ્રમાણ ઘટતું જાય અને બીજું ઉત્તમ આરોગ્યસેવા અને જાગૃતિનાં કારણે આયુષ્યરેખા લંબાય જેને પરિણામે નહીં કમાનારા વૃદ્ધોની સંખ્યા દક્ષિણ ભારતમાં વધે. આની શરૂઆત થઈ ચૂકી છે. આનાં લાંબા ગાળાનાં પરિણામો વિષે વિચારો. ઉત્તર ભારતમાં કમાનારાઓની સંખ્યા વધુ અને દક્ષિણ ભારતમાં નિવૃત્તોની સંખ્યા વધુ. કમાવાની ઉંમરના ઉત્તર ભારતના યુવાનો કમાવાની જગ્યાએ ત્રિશૂળધારી બનીને ગાય-ગોબરમાં રચ્યાપચ્યા રહે તો? ગાય-ગોબરમાં રત આર્યાવર્ત દ્રવિડ ભારત ઉપર સાંસ્કૃતિક આક્રમણ કરે તો? જે પ્રદેશ વિકસિત છે એ દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતના યુવાનો અને પરિવારો મોટા પ્રમાણમાં સ્થળાંતર કરવા લાગે તો? શું થાય દક્ષિણ ભારતનું?
ભારત સંસદીય લોકતંત્ર ધરાવે છે અને લોકસભામાં કુલ બેઠકોનું પ્રમાણ નિશ્ચિત છે. કાર્નેગી એન્ડાઉમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ નામની વિશ્વપ્રસિદ્ધ સંસ્થા માટે જેમી હિન્સ્ટન અને મિલન વૈષ્ણવે તૈયાર કરેલા અભ્યાસ મુજબ ભારતની મોટી સમસ્યા લોકસભામાં પ્રતિનિધિત્વની છે. ભારત જો ૨૦૩૧ની વસ્તીના આધારે લોકસભાની બેઠકો નક્કી કરે તો ભારતની લોકસભા ૮૪૮ સભ્યોની બનવી જોઈએ. પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે એ સ્થિતિમાં લોકસભામાં ઉત્તર પ્રદેશના એકલાના ૧૪૩ સભ્યો હોય અને દક્ષિણનાં પાંચ રાજ્યો અને પોંડીચેરી મળીને ૧૬૫ સભ્યો હોય. લોકસભામાં દક્ષિણ ભારતની હાજરી વીસ ટકા કરતાં પણ ઓછી થઈ જાય. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મળીને ૩૭૪ સભ્યો હોય.
ધર્મસંકટ અહીં છે. લોકસભામાં પ્રજાના પ્રતિનિધિત્વને અંકુશમાં (૫૪૩ બેઠકો) રાખવામાં આવી રહ્યું છે એ પ્રજા સાથે (ખાસ કરીને ઉત્તર ભારતની પ્રજા સાથે) અન્યાય છે અને લોકતંત્રની ખામી છે. બીજી બાજુ જો વસ્તી મુજબ રાજ્યોને લોકસભાની બેઠક ફાળવવામાં આવે તો દેશનાં પ્રગતિશીલ રાજ્યોને અન્યાય થાય. એ રાજ્યો રાજકીય અને સાંસ્કૃતિક રીતે સાવ કચડાઈ જાય. હાંસિયામાં ધકેલાઈ જાય. આજે બી.જે.પી.ને મુસલમાનોના મત વિના જેમ ચાલે છે અને સત્તા મેળવવામાં કોઈ બાધા નથી આવતી એમ આવતીકાલે દક્ષિણ ભારતના મત વિના પણ ચાલી શકે. આવી સ્થિતિ દેશહિતમાં હશે?
તો કરવું શું? ૧૯૭૬થી ભારત સરકાર આ વિષે નિર્ણય લેવાનું ટાળે છે અને ૨૫ વરસ માટે તેને ભવિષ્યમાં ધકેલી દે છે. હવે ૨૦૨૬માં ભારત સરકારે લોકસભાની બેઠકો વિષે નિર્ણય લેવાનો છે. જો ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકાર અત્યાર જેટલી બહુમતી સાથે પાછી આવશે તો દક્ષિણનાં રાજ્યોને ભય છે કે તે લોકસભામાં બેઠકોની સંખ્યા વધારી દેશે અને દક્ષિણ ભારતને હાંસિયામાં ધકેલી દેશે. તામિલનાડુના મુખ્ય પ્રધાન સ્તાલીને તો આવો ભય વ્યક્ત પણ કર્યો છે.
અહીં પ્રચંડ વિવિધતા ધરાવતી જીવતી પ્રજાના જીવતા દેશના પ્રશ્નોનું આચમન માત્ર કરાવ્યું છે. આવા પાંચસો પ્રશ્નો છે. જી હાં, પાંચસો. અતિશયોક્તિ નથી. એને સમજવાનો પ્રયાસ કરશો તો સાચા અને ધબકતા દેશનો પરિચય થશે. દેશપ્રેમી તરીકેની જવાબદારીનું ભાન થશે અને તોર ઉતરી જશે. ખોટનો સોદો નથી જ નથી.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 11 જૂન 2023