Opinion Magazine
Number of visits: 9447419
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—197

દીપક મહેતા|Opinion - Opinion|20 May 2023

ઢબુના સિક્કા : સાપ તો ગયા, લીસોટા ય ન રહ્યા!

ભીંડી બજારમાં ભીંડા વેચાતા નહોતા!

મુંબઈમાં આઝાદીની લડતનું કેન્દ્ર હતું કાઁગ્રેસ હાઉસ  

ભાષા અને જીવન એકબીજા સાથે સતત સંકળાયેલાં રહે છે. જેવું જીવન તેવી ભાષા. એટલે જીવન બદલાય તેમ તેમ ભાષા પણ બદલાતી રહે. એટલે કેટલાયે શબ્દો એવા છે જે હવે માત્ર શબ્દકોશમાં જીવે છે. આવો એક શબ્દ છે ઢબુ. જ્યારે રૂપિયા, આના, પાઈનું ચલણ હતું ત્યારે એક સિક્કો ઢબુનો હતો. આ ઢબુ એટલે અડધો આનો. કેટલાક તેને ‘બેવડિયું કાવડિયું’ પણ કહેતા. છેક ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વખતથી તેનું સત્તાવાર નામ હતું ‘અડધો આનો. શા માટે એની તો ખબર નથી, પણ મૂરખ, બેવકૂફ માણસ માટે પણ આ ‘ઢબુ’ શબ્દ વપરાતો. દીપકભાઈ તો સાવ ઢબુ જેવા છે એમ કોઈ કહે તો એનો અર્થ એ કે એ ભાઈ તો સાવ મૂરખ છે. હા, શાણા, સમજુ વાચકો તો માથું ખંજવાળતા હશે કે આજે મુંબઈની વાતોમાં આ ઢબુ ક્યાંથી ટપકી પડ્યો? 

બે કારણ : એક, ઢબુનો આ સિક્કો મુંબઈમાં સારો એવો પ્રચલિત હતો, એક જમાનામાં. આ લખનાર ન્યૂ ઈરા સ્કૂલમાં ભણતો ત્યારે ‘સ્કૂલમાં વાપરવા માટે’ (એ વખતે ‘પોકેટ મની’ શબ્દો અજાણ્યા) તેને રોજના ચાર આના (આજના ૨૫ પૈસા) મળતા. બાર વરસની ઉંમર સુધી ટ્રામમાં અડધી ટિકિટ એટલે કે અડધો આનો. એટલે આવતાં-જતાં એક એક ઢબુ, મતલબ કે કુલ એક આનો ટ્રામનો. બપોરની રિસેસમાં અંબુભાઈની કેન્ટિનમાંથી નાસ્તાની એક પ્લેટ બે આનામાં લેવાની. આખા અઠવાડિયાનું મેનુ પહેલેથી ફિક્સ. રોજની એક આઈટમ બને : બટેટા વડા, ઉપમા, ઇટલી, ભેળ, વગેરે. સેન્ડવિચ રોજ મળે. ચા-કોફી માત્ર શિક્ષકો માટે, વિદ્યાર્થીઓ માટે નહિ. આજે એ ન્યૂ ઈરા સ્કૂલ નથી રહી.

કંપની સરકારનો ઢબુ, ૧૮૩૫

ગણિતમાં પાવરધા વાચકોના મનમાં થતું હશે : કુલ ત્રણ આના વપરાયા. ચોથો આનો ક્યાં ગયો? એ ચોથો આનો તો મળતો ઈમરજન્સીમાં વાપરવા માટે. અને ઈમરજન્સી કાંઈ રોજ રોજ આવે નહીં, એટલે મોટે ભાગે ચોથો આનો સાંજે પાછો આપી દેવાનો! પણ પછી આવી ૧૯૫૭ના વરસના એપ્રિલની પહેલી તારીખ. રૂપિયા, આના, પાઈ ગયાં અને આવ્યા ‘નવા પૈસા.’ ધીમે ધીમે આના-પાઈ ઘસાતાં ગયાં. પછી બંધ થયાં. ઢબુ ને પાવલી જેવા શબ્દો ભૂલાતા ગયા. પણ કવિ નર્મદે ગાયું હતું તેમ ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં નવ કરશો કોઈ શોક.’

પણ આજે આ ઢબુભાઈએ ઢબુજીને યાદ કર્યા એનું બીજું કારણ? બીજું કારણ એ કે આપણા આ મુંબઈમાં એક જમાનામાં ‘ઢબુ સ્ટ્રીટ’ હતી! એ વખતના ગ્રાન્ટ રોડથી અર્સકિન રોડ સુધી જતા રસ્તાનું નામ હતું ઢબુ સ્ટ્રીટ! પણ આ’ઢબુ’ તે કોઈ સિક્કો નહીં, પણ માણસ. અસલ નામ બાબા સાહેબ ઢબુ સ્ટ્રીટ. આ બાબા સાહેબ હતા કોંકણી મુસ્લિમ, અને એક જમાનામાં આ વિસ્તારની ઘણી જમીનના એ હતા માલિક. આ સ્ટ્રીટ હતી ભીંડી બજાર વિસ્તારનો એક ભાગ. આ વિસ્તાર હતો આજે જેને આપણે ‘લેબર કેમ્પ’ કહીએ તેવો. ૧૮૫૦ના અરસામાં મુંબઈમાં ઠેકઠેકાણે નવાં બાંધકામ શરૂ થયાં. તેને માટે મજૂરો લાવ્યા મુંબઈ બહારથી. એમને રહેવા માટે સરકારે અહીં ખાસ મકાનો બાંધ્યાં. એ વખતે મુંબઈમાં પૈસો ઊભરાતો હતો.

પણ પછી ૧૮૬૫માં અમેરિકન સિવિલ વોર પૂરી થતાં રૂ કહેતાં કોટનની નિકાસ તળિયે ગઈ, કેટલીયે ખાનગી બેંકો રાતોરાત ભાંગી. નાણાંની ભરતી હતી ત્યાં એકાએક ઓટ આવી. બહારથી આવેલા મજૂરો પોતપોતાને ‘દેશ’ પાછા ગયા. ભીંડી બજારનાં ખાલી પડેલાં મકાનો સરકારે ખાનગી માલિકોને વેચી નાખ્યાં, લગભગ પાણીના ભાવે. નવા મકાન માલિકોએ પોતાનાં મકાન ‘પાઘડી’ પદ્ધતિથી ભાડે આપ્યાં. હવે આ વિસ્તારનું ‘રિડેવલપમેન્ટ’ શરૂ થયું છે, પણ ગોકળગાયની ગતિએ ચાલે છે. ભીંડી બજાર વિસ્તારના કેટલાક રસ્તાનાં અસલ નામ હતાં સૈફી જ્યુબિલી સ્ટ્રીટ, ખારા તળાવ રોડ, પાકમોડિયા સ્ટ્રીટ, ઝૈનાબિયા રોડ, વગેરે.

ભેન્ડીનાં ફૂલ

અંગ્રેજીમાં લેડીઝ ફિંગર કે ઓકરા, ગુજરાતીમાં ભીંડા, હિન્દીમાં ભીંડી, મરાઠીમાં ભેંડી. સુજ્ઞ વાચક, તમે પૂછશો : તે શું એક જમાનામાં અહી ઢગલાબંધ ભીંડા થતા હતા કે વેચાતા હતા?  ના હોં. આ વિસ્તારમાં નહોતી ભીંડાની વાડીઓ, કે નહોતા ઢગલાબંધ ભીંડા વેચતી દુકાનો. તો? આ વિસ્તારના નામને ભીંડા નામના શાક સાથે સ્નાન-સૂતકનો ય સંબંધ નથી. તો? અહીં ભેન્ડી નામનાં પુષ્કળ ઝાડ ઊગેલાં હતાં એક જમાનામાં. એ ઝાડનું શાસ્ત્રીય નામ Hibiscus populnea. પીળા રંગનાં મોટાં ફૂલ. દરિયા કિનારે વધુ જોવા મળે. હા જી. તમે પૂછશો કે આ વિસ્તારમાં તે વળી દરિયો ક્યાં આવ્યો? પણ આ આજની વાત નથી. ૧૯મી સદીની છે. પાયધુની સુધી ખાડીનાં પાણી હતાં. ઓટને વખતે લોકો એક ટાપુ પરથી બીજા ટાપુ પર ચાલીને જઈ શકતા. એ ખાડીને કિનારે આવાં પુષ્કળ ઝાડ. એટલે આ વિસ્તારનું નામ પડ્યું ભીંડી બજાર. આ ઝાડને ‘ઇન્ડિયન ટુલિપ’ પણ કહે છે.

જેમ દરિયાની રુખ બદલતી રહે છે, હવાની રુખ બદલતી રહે છે, એમ રસ્તાઓની પણ રુખ બદલતી રહે છે. એવા એક રસ્તાની થોડી વાત. ૧૯૧૩ના મે મહિનાની પહેલી તારીખે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના માનવંતા સભ્યોની બેઠક મળી છે. રોજિંદું કામ પૂરું થયા પછી કમિશનર પી.આર. કેડલ ઊભા થાય છે. માનવંતા સભ્યોને સંબોધીને કહે છે : ક્વીન્સ રોડના છેડાથી ગિલ્બર્ટ સ્ટ્રીટ સુધીનો સરસ મજાનો, પહોળો રસ્તો બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટે તૈયાર કર્યો છે. અગાઉના બે રસ્તા ઓલ્ડ ડિપો લેન અને ચૂના ભટ્ટી સ્ટ્રીટને સાંકળી લઈને આ નવો નક્કોર રોડ તૈયાર થયો છે. મુંબઈ શહેરના વિકાસમાં આ રસ્તો એક મહત્ત્વના માઈલ સ્ટોન જેવો બની રહેશે. રસ્તો તો તૈયાર છે, પણ તેને હજી નામ આપવાનું બાકી છે. આથી હું દરખાસ્ત રજૂ કરું છું કે આ નવા રસ્તાને લેમિંગ્ટન રોડ એવું નામ આપવામાં આવે. ખાસ તો એટલા માટે કે તેઓ નામદારને મુંબઈના રસ્તાઓ પર ફરવાની ટેવ હતી. એ વખતે તેઓ રસ્તાઓની હાલત કેવી છે એનું નિરીક્ષણ કરતા અને જ્યાં જરૂર લાગે ત્યાં સાથેના અમલદારોને રસ્તાની હાલત સુધારવા હુકમ પણ આપતા. (આઝાદી પછી આપણો કોઈ ગવર્નર આ રીતે મુંબઈન રસ્તાઓની હાલત જોવા નીકળ્યો હશે?) આ દરખાસ્તને સર ફિરોઝશાહ મહેતાએ વિધિવત રજૂ કરી હતી જે સર્વાનુમતે પસાર થઈ હતી.

લોર્ડ લેમિંગ્ટન

આ લોર્ડ લેમિંગ્ટન ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૨મી તારીખથી ૧૯૦૭ના જુલાઈની ૨૭મી સુધી મુંબઈના ગવર્નરના પદે રહ્યા હતા. ૧૯૪૦ના માર્ચની ૧૩મી તારીખે સ્વાતંત્ર્ય સૈનિક ઉધમ સિંહે લંડનના કેકસ્ટન હોલ ખાતે અંધાધુંધ ગોળીબાર કર્યો ત્યારે જે ચાર અંગ્રેજો તેનો ભોગ બન્યા તેમાંના એક હતા લોર્ડ લેમિંગ્ટન. આ ગોળીબારમાં હિન્દુસ્તાનના માજી લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓડ્વાયરનું તત્કાલ મૃત્યુ થયું. જ્યારે બાકીના ત્રણને ઓછીવધતી ઈજાઓ થઈ હતી. સ્કોટલેન્ડના લેન્કશાયર ખાતે આવેલા લેમિંગ્ટન હાઉસ ખાતે લોર્ડ સાહેબનું અવસાન ૧૯૪૦ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે થયું હતું.

એક જમાનામાં આ લેમિંગ્ટન રોડ મુંબઈની શાન જેવો હતો. એક બાજુ ધમધમતાં થિયેટરો. ટિકિટ ખરીદવા માટેની લાંબી લાઈનો. થિયેટરની બહાર બે-ચાર આનામાં વેચાતી ફિલ્મનાં ગીતોની ‘ચોપડી.’ તો બીજી બાજુ અંગ્રેજી અને મરાઠી પુસ્તકોની દુકાનો. લેમિંગ્ટન રોડની એક ગલીમાં આવેલું ‘કાઁગ્રેસ હાઉસ.’ લોકમાન્ય ટીળકના અવસાન પછી ગાંધીજીના નેતૃત્વ નીચે કાઁગ્રેસે ‘ટીળક સ્વરાજ્ય ફંડ’ શરૂ કર્યું હતું. તેમાં સૌથી વધુ ફાળો મુંબઈના લોકોએ આપ્યો હતો. આ ફાળાની રકમમાંથી કાઁગ્રેસ હાઉસનું મકાન ખરીદાયું હતું. ૧૯૨૫ના માર્ચની ૨૬મી તારીખે લગભગ ૪૦૦ જેટલા દેશપ્રેમીઓની હાજરીમાં ગાંધીજીએ કાઁગ્રેસનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને કાઁગ્રેસ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતીમાં કરેલા ટૂંકા પ્રવચનમાં તેમણે રાષ્ટ્રધ્વજની આન, બાન, અને શાન ગમે તે ભોગે જાળવવા લોકોને અપીલ કરી હતી.

કાઁગ્રેસ હાઉસમાં સભાને સંબોધતા ગાંધીજી

ઉદ્ઘાટન પછી એ જ સ્થળે મહિલાઓની સભાને ગાંધીજીએ સંબોધન કર્યું હતું. રાષ્ટ્રીય સ્ત્રી સભા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે ૨૦૦ સ્ત્રીઓ હાજર હતી. પ્રમુખપદે હતાં સરોજિની નાયડુ. ગાંધીજીએ પોતાના ભાષણમાં ચરખો અને ખાદીને અપનાવવા બહેનોને અપીલ કરી હતી. બહેનોએ રોજ અડધો કલાક દેશસેવાના કોઈને કોઈ કામને આપવો જોઈએ એમ ગાંધીજીએ ભાષણમાં કહ્યું હતું.

૧૯૩૦માં ‘નમક કા કાનૂન તોડ દિયા’ ચળવળની મુંબઈની શરૂઆત કાઁગ્રેસ હાઉસથી જ થઈ હતી. લગભગ બે હજાર લોકો અહીં એકઠા થયા હતા અને સરઘસ કાઢ્યું હતું. લેમિંગ્ટન રોડ, સેન્ડહર્સ્ટ રોડ, ગિરગામ બેક રોડ, ભૂલેશ્વર, કાલબાદેવી રોડ, મમ્માદેવી રોડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગિરગામ રોડ થઈને તે કાઁગ્રસ હાઉસ પાછું ફર્યું હતું. બીજે દિવસે, સાતમી એપ્રિલે સવારે અહીંથી દસ સત્યાગ્રહીઓ હોર્નબી વેલાર્ડ જવા નીકળ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા. કે.એફ. નરીમાનની આગેવાની નીચે દસ સત્યાગ્રહી અહીંથી રવાના થયા હતા. ચાર સ્વયંસેવકો દરિયાનું પાણી લઈ આવ્યા અને કમલાદેવી ચટોપાધ્યાય અને અવંતિકાબાઈ ગોખલેએ કોલસાની સગડી પર પાણી ગરમ કરી મીઠું પકવ્યું હતું. એટલું જ નહિ, કાઁગ્રેસ હાઉસની અગાસી પર કામચલાઉ અગર બનાવીને આઠમી એપ્રિલે મીઠું પકવવામાં આવ્યું જેને અનેક દેશપ્રેમીઓએ મોંમાગ્યા દામે ખરીદ્યું. જો કે દસમી તારીખે પોલીસે ધાડ પાડીને અગાસીમાં તૈયાર કરેલા અગરની તોડફોડ કરીને કેટલાક નેતાઓની ધરપકડ કરી હતી. … પણ વખત જતાં આ વિસ્તાર પરના ત્રિરંગાની જગ્યાએ ‘રેડ લાઈટ’ની બોલબાલા થઈ ગઈ! એટલે જ તો કહ્યું છે ને કે: 

સમય સમય બલવાન હૈ, નહિ પુરુષ બલવાન,

કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ, વહી બાણ.

હવે? આવતે શનિવારે એક નવું ધનુષ, નવું બાણ!

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 20 મે 2023

Loading

20 May 2023 Vipool Kalyani
← સાંજ ઝુલાવે ..
છે ને ટાઈટ સ્પોટ ? માથાભરેપણું અને પ્રતિષ્ઠા બન્ને એક સાથે ન ચાલે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved