Opinion Magazine
Number of visits: 9504131
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધરાસણાનો કાળો કેર (ધરાસણાની લડતનો અહેવાલ)

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|18 May 2023

મે  મહિનો આવે એટલે ધરાસણાનો સત્યાગ્રહ યાદ આવે. આ પુસ્તક પરિચય વાંચો. વલસાડના જિજ્ઞેશ પટેલે ડોક્યુડ્રામા કે ફિલ્મના હેતુથી પ્રપોઝલરૂપે બનાવેલી ફિલ્મ પણ જુઓ.

પુસ્તક પરિચય 

 ‘એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી

એ પથ્થર પર કોઈ કોતરશો નવ કવિતા લાંબી

લખજો : ‘ખાખ પડી અહીં કોઈના લાડકવાયાની’ 

ઝવેરચંદ મેઘાણી રચિત આ કાવ્ય ધરાસણા સત્યાગ્રહમાં સરકાર દ્વારા જે કેર વર્તાવવામાં આવેલો તેમાં શહીદ થયેલા યુવાનોને અને પછી તો તમામ શહીદોને  હ્યદયાંજલિ રૂપે લોકહૈયૈ વસી ગયું એવી લોકસમજ છે.

નમક સત્યાગ્રહ – દાંડી સત્યાગ્રહનાં મૂળ ૧૯૨૦-‘૨૨ની સવિનય કાનૂનભંગની પછીતના વિચારમાં ને ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના પૂર્ણ સ્વરાજ ને સાર્વભૌમત્વના એલાનમાં ગૂંથાયેલી છે. વાસ્તવિકતા એવી હતી કે દરિયાના કુદરતી ખારા પાણીમાંથી મીઠું પકવી લેતી પ્રજા પર ૧૮૮૨માં બ્રિટિશ સરકારે નમક કાયદા દ્વારા કર ઝીંક્યો ને કુદરતી સંસાધન પરથી લોકોનો હક્ક છીનવ્યો, પરંતુ ગાંધીજીએ છેક ૧૯૩૦માં તેને આંદોલનના મુદ્દા તરીકે કેન્દ્રબિન્દુ બનાવી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. જો કે તે પહેલા સુરતમાં વિરોધનો એક આંદોલિત પ્રયાસ થઈ ચૂક્યો હતો જેને ખાસ સફળતા ન મળેલી એવું માની શકાય છતાં બીજ રોપાયેલું તે તો સાચું જ. ટૂંકમાં દાંડી સત્યાગ્રહે ઇતિહાસ રચ્યો. તો પણ કહેવું જોઈએ કે ક્યારે ય દાંડી-ધરાસણા સાથે ન બોલાયું; બાકી ખરી લોકલડત તો ધરાસણાની જ હતી જે કાળની ગર્તામાં વિલીન થઈ ગઈ!

૧૨ માર્ચે ગાંધીજીએ ૭૮ સાથીઓ સાથે સાબરમતી આશ્રમથી પ્રસ્થાન કર્યું ને ૨૪ દિવસમાં ૨૪૦ માઈલનું અંતર કાપીને છઠ્ઠી એપ્રિલે સવારે ૬:૩૦ કલાકે સવિનય કાનૂન ભંગ દ્વારા મીઠા પર વેરાનો કાયદો તોડ્યો. ત્યાર પછીના દિવસોમાં ગાંધીજીએ બાવીસ જેટલાં ગામોમાં ફરીને માહોલ તૈયાર કર્યો તે બાબતો ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ દ્વારા પુસ્તક રૂપે ઉપલબ્ધ છે. ગાંધીજીની વ્યૂહરચના હંમેશાં સંપૂર્ણ રહે એવો એમનો આગ્રહ દેખાઈ જ આવે. અભ્યાસનો વિષય બનાવી શકાય કે આવું બીજું ધ્યાન કોણે રાખ્યું ને સારીનરસી કોઈપણ વ્યૂહરચના ગોઠવી! પછી એમણે છઠ્ઠી મેના રોજ ધરાસણાની ધાડનું એલાન કર્યું ને ગાંધીજીની અન્ય નેતાઓ સાથે ૪-૫ મેના દિને મધરાતે ધરપકડ થઈ. આ ધરપકડ પછી ખરો સત્યાગ્રહ અને પોલીસરાજનો વરવો અત્યાચાર શરૂ થયો. લડતનો દોર  કસ્તૂરબા, સરોજિની નાયડુ, અબ્બાસ સાહેબ તૈયબજી, ભાઈલાલભાઈ પટેલ, નરહરિ પરીખ અને લોકાના હસ્તક આવ્યો. નમક સત્યાગ્રહનું ખરું આંદોલન ધરાસણા ખાતે ગણવું જોઈએ જયાં પૂર્ણ અહિંસક રીતે સવિનય કાનૂન ભંગ થતો રહ્યો અને સરકારી દમનનો દોર ચાલતો રહ્યો. ૬/૫/૧૯૩૦થી ૬/૬/૧૯૩૦ સુધીમાં કુલ ૨,૬૯૯ (બે વાર ગણીને  અંતે – ૨,૬૪૦) સત્યાગ્રહીઓમાં ત્રણ શહીદ થયા, ૨૮૬ ને સજા થઈ ૧,૩૨૯ ઘવાયેલા એવા આંકડા નોંધાયેલા છે.

લાઠીમાર તે પણ માથા, પીઠ ને છાતી પર, ગુહ્યેન્દ્રિય પર દબાણ, ગુદાપર લાકડી મારવી કે ખોસવી, પહેલા લોહીલુહાણ માર ને પછી મૂંગો માર, પાણી, ખાવાનું ન આપવું , ન સાંભળી શકાય તેવી ગાળો બોલવી, અપશબ્દો બોલવા, અપમાન કરવું, બેભાન થાય ત્યાં સુધી મારવું, કાંટા ખોસવા, સત્યાગ્રહીઓને વાડમાં નાખવું, ઘોડા દોડાવવા, ઘોડા આનાકાની કરે તો બળજબરી કરવી, રેડ ક્રોસ કે રાહતના કાર્યકર્તાઓને પણ કનડવા જેવી અમાનુષી રીતો દ્વારા પોલીસરાજની ભૂંડી ભૂમિકા તે સમયે દેખાતી થઈ. જો લોકલ પોલીસ જરા પણ આનાકાની કરે તો અધિકારીઓએ પણ હિંસા કરી. આલમશાહ, ઈસ્માઈલ દેસાઈ, ગોરા અધિકારી નીલ ને આંટિયા જેવાના નામ તે સમયે ખૂબ ગાજેલા. તે સામે સત્યાગ્રહીઓનો શાંત પ્રતિકાર, અપ્રતિમ સહનશક્તિ, ઘાયલોની સેવા ને લડતનો આંખે દેખ્યો અહેવાલ દુનિયાને પહોંચાડવા માટે આતુર પત્રકારત્વ, દેશપરદેશના નિરીક્ષકો ને લોક જુવાળ પણ લાજવાબ! વલસાડ, ઊંટડીના રાહતકાર્યો, હોસ્પિટલ, ડોક્ટરોની સેવા, ગામેગામથી વહેલો સૈનિકોનો પ્રવાહ ને મિજાજ ભૂલાભાઈ દેસાઈ, મીરાબહેન, કસ્તૂરબાની કેફિયત, માજી જજ હુસેન તૈયબજી ને બીજા અનેકની કેફિયત, નિવેદન આ પુસ્તિકામાં નોંધાયેલાં છે. બહેનોનાં નિવેદન ધ્યાનાકર્ષક છે જ. વીરમગામની પરિસ્થિતિની કેફિયતમાં બાઈ મંછાની વર્ણનશૈલી જુઓ. ‘મને એટલું માર્યું કે માથામાં બટાકા જેવડું ઢીમણું ઊપસી આવ્યું છે.’ (પાન:૬૭) તો સરોજિની નાયડુની સરદારી માટે તે સમયે પોલીસ સુપ્રિટેન્ડન્ટે ટીકા કરેલી કે It is a Shame on you that you bring a woman for fighting જો કે એનો મોંતોડ જવાબ પણ આપવામાં આવેલો! (પાનું ૧૦) બહેનોનું સત્યાગ્રહીઓ અને લોકોને પાણી પીવડાવવા જવું પણ તે સમયે હિંમતનું કામ ગણાયેલું કારણ કે પોલીસ બાળકો સહિત કોઈને છોડતી ન હતી. તો ક્યાંક પડે દુ:ખ ને આવે હસવું જેવી રમૂજી વાત પણ બનતી.

અહિંસક આંદોલનની શૈલી, લોકોનું વલણ, બહેનો ને અન્યોનો સહભાગ, સત્યાગ્રહીઓની અને નેતાઓની રીતભાત, પોલીસ અને સત્તાશીલોનું વલણ, વર્તન ને અત્યાચારની તુલના દરેક આંદોલન સંદર્ભે કરવી જરૂરી છે. પછી શાસન કોઈનું પણ હોય. તમારા જ રાજા – મહારાજા કે નવાબ- બાદશાહ, બ્રિટિશ સરકાર કે ચૂંટેલા પ્રતિનિધિઓની કોઈપણ પક્ષની સરકાર હોય, એક બાબત તો આંખે ઊડીને વળગે કે એમાં કોણ સારું તે નક્કી ન કરી શકાય! એકનો સત્યાગ્રહ બીજાની દૃષ્ટિએ બળવો કે આતંક ગમે તે હોય શકે! એકની શહીદી બીજાને માટે ગુનાની સજા એવો અર્થ હોય શકે.

હાલ મેં આંદોલનને લગતાં પુસ્તકો વાંચ્યાં, કેટલીક મુલાકાતો લીધી ને મારા જૂના દિવસો પણ યાદ કરતી રહું છું ત્યારે મને સતત એક ગીત યાદ આવ્યા કરે છે, હું પૂરું ગીત શોધું છું પરંતુ જડતું નથી!

‘આ દુનિયામાં  ચારેબાજુ ચોર, ચોર, ચોર,

કોઈ તનનો ચોર, કોઈ મનનો ચોર, કોઈ ચિતડાંનો ચોર, આ દુનિયામાં ….

ધરાસણામાં મીઠું ચોર્યું, ગાંધીજી પણ ચોર …… આ દુનિયામાં … ‘

 વાસ્તવમાં ગાંધીજીની તો ધરાસણામાં મીઠું ચોરતા પહેલા ધરપકડ થઈ ગયેલી છતાં ગીત તો એમને નામે જ લખાયેલું. જો કે એ સહજ ગણાય કારણ કે સુકાની તેઓ હતા. હકીકતે આઝાદી ને આંદોલનના દરેક ગીત પછી તે કાવ્ય રૂપ હોય કે ફિલ્મી, લોકગીત કે ગરબા રૂપે તેનું જો સંકલન ને સંપાદન સાથે અભ્યાસ થાય તો રોચક તારણ મળે. આમ પણ સમગ્રતામાં સંપૂર્ણ ઉપલબ્ધ માહિતી કે સામગ્રીનું  સામાજિક, ભૌગોલિક, સાંસ્કૃતિક, માનસશાસ્ત્રીય, નારીવાદી, માનવીય, વર્તનશાસ્ત્ર એમ તમામ શક્ય શાસ્ત્રીય અભ્યાસુ મૂલ્યાંકન થાય તો વર્તમાન ને ભવિષ્યની પ્રજાનું – દુનિયાનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે. મારી સમજ મુજબ છૂટું છવાયું તો થયું છે પરંતુ એક જ સ્થળે બધી જ વિગતો તો મળે એવું કોઈ કેન્દ્ર ધ્યાનમાં આવતું નથી. તે થવું જરૂરી છે કે નહીં? 

૨૦૦૩માં  આ પુસ્તિકાનું  ૫૪માં ગાંધી મેળા સમયે ગાંધીમેળા પ્રબોધક સમિતિ દ્વારા પુન: પ્રકાશન થયું . મુદ્રક : જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ, પ્રસ્તાવના બલ્લુભાઈ દેસાઈ : ભગુભાઈ દરજીની, આર્થિક સહયોગ : સુમિત્રાબહેન મોહનલાલ નાયક થકી મળ્યો. નટુભાઈ દેસાઈ, ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈના પ્રયત્નો નોંધપાત્ર ગણાય. આ બાબતો  પુન: પ્રકાશન માટે નોંધનીય ગણાય.  

https://youtu.be/MZC24H5yUtc

સૌજન્ય : બકુલાબહેન દેસાઈ-ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

18 May 2023 Vipool Kalyani
← કર્ણાટકનાં પરિણામો પછી ભા.જ.પે. કેટલુંક નવેનામથી વિચારવું પડશે
રજામાં સજા … →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved