
રમેશ ઓઝા
આમ તો ઇતિહાસનું વિષયવસ્તુ ઇતિહાસ એટલે કે અતીતની ઘટનાઓ હોય છે, પણ તેનો ખપ વર્તમાનમાં હોય છે. અંગ્રેજોએ ભારત ઉપર ભારતને સંસ્થાન બનાવીને બને એટલો લાંબો સમય રાજ કરવું હતું એટલે તેમણે તેમને અનુકૂળ આવે એ રીતનો ઇતિહાસ લખ્યો હતો. ભારત ઉપર રાજ કરવું અને ભારતને સંસ્થાન બનાવીને રાજ કરવું એ બેમાં જમીન આસમાનનો ફરક છે. સંસ્થાનનાં કેન્દ્રમાં સત્તા સાથે અને સત્તાથી વિશેષ શોષણ હોય છે. શોષણ લાંબો સમય તો જ ટકે જો શોષણકર્તા સત્તાધીશોનો સમાજના દરેક ઘટક હોંશે હોંશે સ્વીકાર કરે. આને માટે અંગ્રેજોએ એવી રીતે ભારતનો ઇતિહાસ લખ્યો કે દરેક સમાજઘટકને અંગ્રેજો પોતાનાં લાગ્યા હતા. હિંદુઓ અંગ્રેજોને કારણે પોતાને મુસલમાનોથી સુરક્ષિત માનતા હતા અને મુસલમાનો અંગ્રેજોને કારણે પોતાને હિંદુઓથી સુરક્ષિત માનતા હતા. દલિતો અને પછાત કોમો અંગ્રેજોને કારણે પોતાને સવર્ણ હિંદુઓથી સુરક્ષિત માનતા હતા. દક્ષિણના દ્રવિડો અંગ્રેજોના કારણે પોતાને ઉત્તરના આર્યો સામે સુરક્ષિત માનતા હતા. શોષણ દરેકનું થતું હતું, પણ એ છતાં ય તેમને અંગ્રેજો તારણહાર લાગતા હતા. આ અંગ્રેજોએ લખેલા ભારતના ઇતિહાસની કમાલ હતી.
જેઓ દેશની આઝાદી માટે લડ્યા હતા એ લોકોને સમજાઈ ગયું હતું કે અંગ્રેજોએ તેમને માફક આવે એવો જે ઇતિહાસ લખ્યો છે એ રાષ્ટ્રીય એકતાનાં પાયામાં રોપવામાં આવેલી સુરંગ છે. જ્યાં સુધી રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી ઇતિહાસ નહીં લખાય ત્યાં સુધી રાષ્ટ્રનિર્માણ થવાનું નથી. એટલે આઝાદી પછી રાષ્ટ્રીય ઇતિહાસલેખન કરવાનો ઉપક્રમ સરકારે, વિવિધ સંસ્થાઓએ અને વ્યક્તિગત રીતે કેટલાક ઇતિહાસકારોએ હાથ ધર્યો. એ ઇતિહાસલેખનના કેન્દ્રમાં ભારત અને ભારતની પ્રજાની અંદર રહેલી એકતા હતાં. વિવિધતાનો સ્વીકાર તેમ જ આદર અને તેનાં દ્વારા એકતાને ઘનીભૂત કરવી. જે લોકોએ આઝાદીનાં આંદોલનમાં ભાગ નહોતો લીધો અને લેવો પણ નહોતો તેમને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ વધારે માફક આવતો હતો. શું કરીએ અમે તો દેશ માટે સમર્પિત છીએ, પણ બીજા નથી.
ઇતિહાસ લેખનની ત્રીજી સ્કૂલ માર્કસવાદીઓની છે. જગતનો ઇતિહાસ મુખ્યત્વે શોષણનો ઇતિહાસ છે. એક વર્ગ બીજા વર્ગનું શોષણ કરે છે અને એ જ જગતનું સત્ય છે. શોષણ કરનારી વ્યવસ્થા હંમેશાં પોતાનાં હિતમાં કાયમ રહે એ માટે શોષણકર્તાઓ શાસકોનો, ધર્મ અને ધર્મગુરુઓનો, સામાજિક અને સાંસ્કૃતિક રીતિરિવાજોનો, શિક્ષણનો ઉપયોગ કરે છે. જગતમાં સપાટી ઉપર જે બની રહ્યું છે એ વાસ્તવમાં વર્ગસંઘર્ષ છે. આનો અર્થ એ થયો કે વર્ગસંઘર્ષનો ઇતિહાસ એ જ માનવસમાજનો ઇતિહાસ.
ઇતિહાસ લેખનની ચોથી સ્કૂલ આજકાલ ભારતમાં નજરે પડી રહી છે એ હિંદુ રાષ્ટ્રવાદીઓની છે. રાષ્ટ્રવાદી ઉતિહાસ લેખન નહીં, હિંદુ રાષ્ટ્રવાદી ઇતિહાસ લેખન. ભારતમાં રાષ્ટ્રવાદી ફક્ત હિંદુ જ હોય એવું તેમનું ગૃહિત છે. તેઓ અંગ્રેજોના ઇતિહાસમાંથી એટલું લે છે જે હિંદુઓને માફક આવે અને એ નથી લેતા જે હિંદુઓને માફક ન આવે. તેઓ હિંદુઓને માફક ન આવે એવી ઐતિહાસિક ઘટનાઓને, હિંદુઓએ શરમાવું પડે એવા પરાજયોને, સામાજિક-સાંસ્કૃતિક રીતિરિવાજોને ભૂલવાડી દેવા માગે છે, ભૂંસી નાખવા માગે છે. એને માટે તેઓ નવેસરથી ઇતિહાસ લેખન કરે છે જેમાં કાપકૂપ અને ઉમેરણ બન્નેનો સમાવેશ થાય છે.
પણ આ ચારમાંથી કોઈએ સ્ત્રીઓની, દલિતોની, જંગલમાં રહેતા આદિવાસીઓની, ખેતમજૂરોની, બંધવા મજદૂરોની વાત કરી નથી. શું આ હાંસિયામાં રહેલી પ્રજાની અંદર કોઈ ચેતના જ નહોતી? શું તેમણે તેમની પીડાને કોઈ દહાડો વાચા આપી જ નહોતી? શું તેમણે ક્યારે ય વિદ્રોહ કર્યો જ નહોતો? તેમણે ખૂબ પીડા સહન કરી હતી, પણ શું તેમની સહન કરવાની ક્ષમતાએ ક્યારે ય જવાબ આપ્યો જ નહોતો? શું તેમણે ઊંહકારો કર્યો જ નહોતો? ન્યાય અન્યાય શું કહેવાય તેની તેમને જાણ નહોતી? પણ આશ્ચર્યની વાત છે કે અંગ્રેજોએ, રાષ્ટ્રવાદી ઇતિહાસકારોએ, માર્કસવાદીઓએ કે હિંદુ રાષ્ટ્રવાદીઓને તેમના તરફ કાન માંડવાની તસ્દી નહોતી લીધી. માર્કસવાદીઓએ તેમનાં વર્ગસંઘર્ષકેન્દ્રી ઇતિહાસ લેખનનાં ખાનાંમાં હાંસિયામાં રહેલી પ્રજાઓનાં શોષણનો અને શોષણ સામેના સંઘર્ષનો સમાવેશ નહોતો કર્યો, જે તેમની પાસે અપેક્ષિત હતો.
આ કામ રણજીત ગુહાએ કર્યું હતું જેમનું હમણાં સો વર્ષની વયે ૨૮મી એપ્રિલે અવસાન થયું. વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર રણજીત ગુહાએ ૧૯૮૦માં સબાલ્ટર્ન સ્ટડીઝનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. સબાલ્ટર્નનો અર્થ થાય છે હાંસિયામાં સ્થાન પામતા લોકો. એવા લોકો જેઓ બીજાની મરજીથી જીવે છે અને બીજાનાં આદેશોનું પાલન કરે છે. એવું નથી કે તેમના જીવનની કોઈ કિંમત હોતી નથી, પરંતુ કિંમત કરનારાઓએ કિંમત કરી નથી. સામાન્ય પ્રજા તો ઠીક, પ્રગલ્ભ ઇતિહાસકારોને પણ તેમના તરફ નજર કરવાની જરૂર નહોતી લાગી. રણજીત ગુહાએ કહ્યું કે તેમણે પણ સંઘર્ષ કર્યો છે, કારણ કે તેમની અંદર પણ જીવતી ચેતના હતી. તેમણે પણ શોષણ સામે વિદ્રોહ કર્યો હતો. પરંતુ તેમની અભિવ્યક્તિની, અભિવ્યક્તિનાં સ્વરૂપની, અભિવ્યક્તિનાં માધ્યમોની, તેમણે કરેલા સંઘર્ષની, તેમની શહીદીની કોઈએ નોંધ પણ નથી લીધી. અંબાજી નજીક ગુજરાત-રાજસ્થાનની સરહદે ભીલોએ કરેલો વિદ્રોહ અને દક્ષિણ ગુજરાતની રાનીપરજ પ્રજા હોળીના દિવસે શોષણકર્તા પારસીઓને ગાળો આપતાં ગીતો ગાય એ બન્ને પીડાને આપવામાં આવેલી અભિવ્યક્તિ છે. તમને નથીં લાગતું કે તેમની વ્યથાની અને વાચાની નોંધ લીધા વિના ભારતનું ઇતિહાસ લેખન અધૂરું છે? રણજીત ગુહાએ ચાલીસ વર્ષ પહેલાં આ પ્રશ્ન કર્યો હતો.
ઇતિહાસ લેખનના વિષયવસ્તુ તરીકે સબાલ્ટર્ન એવો શબ્દપ્રયોગ તેમણે સૌથી પહેલાં કર્યો હતો. આમ તો ઇટાલિયન સામ્યવાદી ફિલોસોફર એન્ટોનિયો ગ્રામસીએ આ શબ્દ પ્રયોજ્યો હતો પણ એ જુદા સંદર્ભમાં. ગુહા સાથે કેટલાક મેધાવી ઇતિહાસકારો જોડાયા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસની સાથે મળીને સબાલ્ટર્ન સ્ટડીઝ પ્રોજેક્ટ શરૂ થયો. ધીરેધીરે ઇતિહાસકારો જોડતા ગયા અને સોએક ઇતિહાસકારોનું એક રાવણું બની ગયું જેમાં ડેવિડ હાર્ડીમેન જેવા વિદેશીઓ પણ હતા. કેટલાક વૈચારિક મતભેદ થતા પ્રોજેક્ટમાંથી નીકળી પણ ગયા. અત્યાર સુધીમાં હાંસિયામાં રહેલી પ્રજાએ દાખવેલી ચેતનાને અને તેમના સંઘર્ષને વાચા આપતાં ૧૧ ખંડો પ્રકાશિત થઈ ચુક્યાં છે જેમાંથી પહેલા છ ખંડોનું સંપાદન રણજીત ગુહાએ કર્યું હતું. રણજીત ગુહાને અનુસરીને બીજા દેશોમાં પણ આ રીતનું સબાલ્ટર્ન ઇતિહાસ લેખન શરૂ થયું છે.
તમે ક્યારે ય વિચાર્યું હતું કે ઘરમાં ગોંધી રાખેલી સ્ત્રી પણ પોતાને કોઈને કોઈ રીતે વ્યક્ત કરે છે? ક્યારે ય કાન આપવાની કોશિશ કરી છે? માટે રણજીત ગુહા સાંપ્રત યુગના મહાન ઇતિહાસકારોમાં સ્થાન ધરાવે છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 07 મે 2023