રાજકારણ અને ધ્રુવીકરણ એક જ સિક્કાની બે બાજુ બની ગયાં છે. પહેલાં ધર્મને નામે ભાગલાં કરો, એ પતે પછી જાતિવાદની કરવત ચલાવો અને બચી ગયું છે તો ભાષાવાદના દેકારા કરી વાડાબંધી કરો.

ચિરંતના ભટ્ટ
મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે શતરંજની બાજી ખેલાઇ રહી છે. જે પક્ષને 1999માં સ્થાપ્યો હતો તે નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના (NCP) સુપ્રીમો શરદ પવારે પોતાનું રાજીનામું જાહેર કરવાની વાત કરીને મોટો જુગાર રમી નાખ્યો. આ અણધાર્યા નિર્ણય પાછળ એક માત્ર હેતુ છે કે ફરી એકવાર એ પક્ષની પૂરેપૂરી લગામ પોતાના હાથમાં લઇ લેવી.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી NCPના નેતાઓ વચ્ચે સંતુલન પાછું લાવવા માટે શરદ પવાર આકાશ પાતળ એક કરી રહ્યા હતા અને એમાં તેમને કોઇપણ પ્રકારની ધારી સફળતા નહોતી મળી રહી. એન.સી.પી.નો એક હિસ્સો મહા વિકાસ અઘાડી(MVA)ના ગઠબંધનમાંથી નીકળી જવાની ભાંજગડમાં હતો અને આ માટે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે વાટાઘાટ કરી રહ્યા હોવાની વાતો ચાલી રહી હતી. MVA કાઁગ્રેસ, NCP અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે)નું ગઠન છે. શરદ પવારના ભત્રીજા અજીત પવારે અમિત શાહ સહિત ભા.જ.પા.ના બીજા મોટાં માથાઓ સાથે બેઠક કરી હોવાની ચર્ચાએ મુંબઈમાં સારી એવી હવા પકડી. જો કે અજીત પવારે આવું કંઇપણ થયું હોવાની કોઈ વાત સ્વીકારી નહીં. NCPમાંથી મોટી સંખ્યાના ધારાસભ્યો નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.-શિંદેના નેતૃત્વ હેઠળની સેના તરફ સરકવા થનગની રહ્યા હતા, કારણ કે ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળના પક્ષમાં જવામાં તેમને કોઇ લાભ નહોતો દેખાતો. આ તરફ NCPની મુખ્ય સમિતિએ શરદ પવારના રાજીનામાનો અસ્વીકાર કર્યો છે. પક્ષ માટે સૌથી મોટું કામ છે શરદ પવાર અને અજીત પવારને ભેગા રાખવા અને આગામી ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની સેના અને કૉંગ્રેસ કોને MVAમાંથી મુખ્ય મંત્રીના પદનો ચહેરો ઠેરવે છે તેનો નિર્ણય લેવાની સૂચના પણ અપાઇ છે. શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત પાર્ટીનો ભંગ અટકાવવા માટેનું પગલું હતી તેમ માનવામાં આવી રહ્યું છે. પક્ષના વરિષ્ઠ નેતા છગન ભૂજબળે એમ કહ્યું હતું કે શરદ પવાર પછી રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં સુપ્રિયા સૂલેને આગળ કરવાં જોઇએ અને અજીત પવારને રાજ્ય સ્તરના રાજકારણની જવાબદારી સોંપવી જોઇએ. અજીત પવારે 2018માં જ્યારે દેવેન્દ્ર ફડણવીસની સાથે શપથ વિધિમાં જોયા ત્યારે શરદ પવારને ઝટકો લાગ્યો હતો કારણ કે તે NCPના સાંધા મજબૂત કરવા માટે મથી રહ્યા હતા. અજીત પવારનું એ પગલું – ઘર કા ભેદી લંકા ઢાયે જેવું સાબિત થયું હતું.
આટલા બધા હાઇ-પોલિટીકલ ડ્રામા વચ્ચે તાજેતરમાં જ ઉદ્ધવ ઠાકરે જૂથના મુખપત્ર સામનામાં અમિત શાહની ટીકા કરવામાં આવી અને લખાયું કે ભા.જ.પા. મુંબઈને તોડવા માગે છે અને એટલે જ અમિત શાહ વારંવાર મુંબઈની મુલાકાતે આવે છે. આ થયું અને ભા.જ.પા.ના વિધાનસભ્ય અને પ્રવક્તા નીતેશ રાણેએ ઠાકરે પરિવારને ગુજરાતીઓ તરફથી મળતી કમાણીમાં રસ છે, તેની સાથે બિઝનેસ પાર્ટનરશીપ માફક આવે છે પણ ગુજરાતીઓથી હવે તેમને એલર્જી થાય છેની વાત કરી.
આ જે પણ થઇ રહ્યું છે, કહેવાઈ રહ્યું છે ત્યારે એ વિચારવું રહ્યું કે મહારાષ્ટ્રની ઓળખ, પાટનગર અને દેશનું આર્થિક પાટનગર ગણાતું મુંબઈ ગુજરાતીઓ થકી સમૃદ્ધ થયું છે. બાળ ઠાકરે જ્યારે મુંબઈ પર ‘રાજ’ કરતા હતા અને તેમણે બિન-મરાઠીઓને નિશાને લીધા હતા ત્યારે તેમણે ગુજરાતીઓ સાથે ક્યારે ય કોઈ સીધી બબાલ ખડી નહોતી કરી. મુંબઈને ઘડવામાં ગુજરાતી, પારસી, દક્ષિણ ભારતીય, રાજસ્થાનીનો નોંધપાત્ર ફાળો છે વળી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના લોકોએ પણ મુંબઈનું ઘડતર કરવામાં પોતાનું યોગદાન આપ્યું જ છે. આપણે માત્ર ગુજરાતીઓની જ વાત કરીએ તો ચંદ્રકાંત બક્ષીએ જે વાત કરી હતી તે યાદ કરવી રહી. અંદાજે 300થી પણ વધુ વર્ષ પહેલાં રૂપજી ધનજી દીવથી મુંબઈ આવીને વસ્યા. કપોળ અને ભાટિયાઓ મુંબઈ આવ્યા અને 19મી સદીમાં મુંબઈ ગુજરાતીઓનું મુંબઈ જ કહેવાતું અને 20મી સદીમાં મુંબઈના ગુજરાતીઓની ઓળખ ઘૂંટાઈ. 700 વર્ષથી મુંબઈને ગુજરાતીઓએ મન મૂકીને પ્રેમ કર્યો છે. 1671માં સુરતના વાણિયા મહાજને ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે વેપાર સ્વતંત્રતાની માંગણી કરી અને તે મંજૂર થઇ. 1803માં ગુજરાતના દુકાળે ઘણા ગુજરાતીઓને મુંબઈ તરફ વાળ્યા. અંગ્રેજ રાજ દરમિયાન ગુજરાતીઓને કારણે મુંબઈમાંથી રૂની નિકાસ થતી તો સટ્ટા બજાર અને હીરા બજાર શરૂઆતથી માંડીને આજ સુધી ગુજરાતીઓથી ઉબાય છે. 19મી સદીમાં ધીરુભાઇ અંબાણી અને પ્રેમચંદ રાયચંદ મુંબઈ આવ્યા. અંગ્રેજોએ ગુજરાતીઓને બોમ્બે સ્ટેટમાં આવાકાર આપ્યો કારણ કે ગુજરાતીઓ બિઝનેસ લાવી આપતાં, આજે પણ લાવી આપે છે. પારસીઓ પણ તો ગુજરાતીપણાના રંગે રંગાયેલા છે જ અને જમશેદજી જીજીભૉય, અબ્દુલ હુસેન આદમજી પીરભૉય, સર કાવસજી જહાંગીર જેવા પારસીઓએ મુંબઈને ખોબલે ખોબલે આપ્યું છે. ઠાકરશી પરિવારને લીધે આજે મુંબઈ પાસે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી છે. ક્રૉફ્રડ માર્કેટમાં આવેલા કાપડ બજારો, મુંબઈની જાણીતી હૉસ્પિટલ્સ, વિલે-પાર્લે કેળવણી મંડળ જેવું તો કેટલું બધું આજે મુંબઈમાં ગુજરાતીઓને કારણે છે. નાના ચુડાસમા જેવા કેટલા ય મોટાં નામો છે જે મુંબઈની ઓળખ ઘડવામાં મોખરે રહ્યા છે અને તે પણ અલગ અલગ વ્યવસાયોમાં – કોઈ ધારાશાસ્ત્રી તો કોઇ ડૉક્ટર્સ તો કોઈ બિલ્ડર્સ અને ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં કામ કરતા ગુજરાતીઓ પાછા છોગાંમાં.
જે ગુજરાતીઓને કારણે મુંબઈમાં વેપાર વાણિજ્યનો વિકાસ થયો તેમની સાથે બાથ ભીડવામાં કંઇ સાર નથી એ રાજકારણીઓ સમજવું જોઇએ. ગુજરાતીઓ સુરત તરફથી મુંબઈ આવ્યા તેનું કારણ એ પણ હતું કે શિવાજી અને તેમની ગેરીલા સેના દ્વારા થતી હેરાનગતી. સુરતને અનેકવાર લૂંટનારા મરાઠાઓથી કંટાળીને ગુજરાતીઓ મુંબઈ તરફ વળ્યા હતા. તમે મુંબઈમાં ગાંધિયાણું લેવા જશો અને ત્યાં બેઠેલો દુકાનદાર ગુજરાતી ન નીકળે તો જ નવાઈ. આવામાં મુંબઈ કોનું – વાળી બબાલ કરવાનું મૂકીને વિકાસ – સાચા અર્થમાં કોના થકી થયો છે તે સમજીને ડહાપણભર્યું વર્તન કરવું.
બાય ધી વેઃ
રાજકારણ અને ધ્રુવીકરણ એક જ સિક્કાની બે બાજુ બની ગયાં છે. પહેલાં ધર્મને નામે ભાગલાં કરો, એ પતે પછી જાતિવાદની કરવત ચલાવો અને બચી ગયું છે તો ભાષાવાદના દેકારા કરી વાડાબંધી કરો. ‘ચક દે’ ફિલ્મમાં એક દૃશ્ય છે જેમાં હૉકી કૉચનું પાત્ર ભજવનારા શાહરૂખ ખાન પોતાની હૉકી ટીમને પોતાની ઓળખ આપવા કહે છે અને તે દરેક ખેલાડી પોતાના રાજ્યના નામથી પોતાની ઓળખાણ આપે છે. આ પછી શાહરૂખ ખાન કહે છે કે આમ તો તમે જીતી જ નથી શકવાના, કૉચ પાસેથી મુદ્દો સમજ્યા પછી દરેક ખેલાડી પોતાની ઓળખાણ ભારતીય તરીકે આપે છે અને પછી દરેકનો અભિગમ બદલાય છે. આપણા રાજકારણીઓએ આ ફિલ્મ જોવી જોઇએ કારણ કે અંગ્રેજોની જેમ ભાગલા કરો અને રાજ કરોના ગણિતમાં બધા પોતાની જ ઘોર ખોદે છે. આપણે પ્રજા તરીકે સત્તાની લાલચમાં ભાગલા પાડનારા રાજકારણીઓથી અંજાઇ ન જવું અને મગજ વાપરીને એકતા દાખવીને પોતાના તથા બીજાના વિકાસની દિશામાં કામ કરવું તો જ લોકલ, ગ્લોબલ બધે સ્તરે સાચા અર્થમાં ઉજળો, લગભગ નિષ્પાપ કહી શકાય તેવો વિકાસ થશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 મે 2023