કપાયેલાં માનવશરીરોથી ભરેલી ‘ભૂતિયા ટ્રેન’ની ખબર કોઈ લાવ્યું ત્યારે ગામલોકોએ ધ્યાન ન આપ્યું. દૂર ક્યાંક કશીક કાપાકાપી થાય તેમાં આપણે શું? પહેલી ‘ભૂતિયા ટ્રેન’ ચૂપચાપ પાટા પર સરકી આવી ત્યારે લોકો હેબતાઈને જોઈ રહ્યા. બીજી ટ્રેન આવી ત્યારે લોકોને ફરમાવાયું કે મડદાં જલદી બાળી નાખો, ચોમાસું માથા પર છે. પણ સરળ ગામલોકો સામે વાસ્તવિકતાનો ખરો બિહામણો ચહેરો તો ત્યારે આવ્યો જ્યારે ગામના મુસ્લિમોને હાથમાં લેવાય તેટલું લઈ ગામબહાર એક કૅમ્પમાં લઈ જવામાં આવ્યા અને શીખોને શસ્ત્રો આપી પાકિસ્તાન તરફ જતી ટ્રેન પર હુમલો કરવાનું કહેવામાં આવ્યું. આ જ ટ્રેનમાં તેમના જૂના મિત્રો ને પાડોશીઓ જવાના હતા, જુગ્ગતની મુસ્લિમ પ્રિયતમા નૂરાં પણ …
— ખુશવંત સિંહ
(‘ટ્રેન ટુ પાકિસ્તાન’)
‘ઇતિહાસ મને હાડપિંજર આપે છે. હું તેના પર માંસ વીંટું છું. લોહી પૂરું છું’ આ શબ્દો છે જબરજસ્ત લેખક-પત્રકાર ખુશવંતસિંહના. 25 વર્ષની મહેનતથી લખાયેલી નવલકથા ‘દિલ્હી’ અને ખુશવંતસિંહના નામ સાથે હંમેશાં જોડાતી લઘુ નવલકથા ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ સંદર્ભે તેમણે આવું કહ્યું હતું.

ખુશવંત સિંહ
2014ની 20 માર્ચે તેમને ચિરવિદાય લીધી અને ભારતના અંગ્રેજી ભાષામાં લખનારા જૂજ શ્રેષ્ઠ લેખકોમાંથી એકની બાદબાકી થઈ ગઈ. સાચી ધર્મનિરપેક્ષતા, ઉર્દૂ કવિતા પરનો ઝનૂની પ્રેમ અને ડર્ટી જોક્સ માટે જાણીતા આ તીખા, બુદ્ધિજીવી લેખકની કલમમાંથી વિવિધ વિષયો પરનાં પુસ્તકો અવતર્યાં છે. પોતાને નાસ્તિક ગણાવતા ખુશવંત સિંહ કાયમ શીખોની ઓળખરૂપ પાઘડી અને કેશ ધારણ કરતા અને શીખ ધર્મ વિશે કોઈ પણ હયાત શીખે લખ્યું હોય તેના કરતાં વધારે લખ્યું હોવાનો દાવો કરતા. કોઈએ તેમને પૂછ્યું, ‘તમે ઇતિહાસમાં કઈ રીતે ઓળખાવું પસંદ કરશો – પત્રકાર, સર્જક કે ઇતિહાસકાર?’ ત્યારે તેમણે કહ્યું, ‘ત્રણે તરીકે કેમ નહીં? એ ત્રણે પાછળ મેં ખૂબ મહેનત કરી છે.
‘ટ્રેન ટુ પાકિસ્તાન’ 1956માં પ્રગટ થયેલી, માત્ર 207 પાનાંની, ભારતના ભાગલાના વાતાવરણમાં સર્જાયેલી નવલકથા (લઘુનવલ) છે. વાત છે 1947ની – સતલજ નદીથી પાંચ જ કિલોમીટર દૂર આવેલા એક નાના ગામ મનોમાજરાની. વસ્તી મુખ્યત્વે શીખ અને મુસ્લિમ ખેડૂતોની છે. ચારે બાજુ શીખો-મુસ્લિમોની કત્લેઆમ ચાલી રહી છે, પણ આ ગામમાં શાતિ છે. પેઢીઓથી સાથે રહેતા અને લગભગ એક જ પ્રકારની જિંદગી જીવતા શીખો-મુસ્લિમો વચ્ચે સંપ છે. મુલ્લા વહેલા વહેલા ઊઠી મસ્જિદમાં જાય છે ને મક્કા તરફ મોં રાખી બાંગ પોકારે છે. શીખ ધર્મગુરુ એમની બાંગથી જાગે છે, ગુરુદ્વારાના કૂવામાંથી પાણી ખેંચી શરીર પર રેડે છે. પાણીના છપ-છપ અવાજ સાથે એમના મોંમાંથી ગુરુબાનીના શબ્દો સરે છે. રોજ બહારથી જાતજાતની અફવાઓ આવે છે, લોકો સાંભળીને ભૂલી જાય છે – ‘બીજે થતું હશે, આપણે ત્યાં થોડું આવું બધું થાય?’ એક દિવસ ત્યાંના શાહુકારનું ખૂન થાય છે. આરોપ ગામના એક દાદાગીરી કરતા રહેતા યુવાન જુગ્ગત સિંહ પર આવે છે. જુગ્ગત સિંહ એક મુસ્લિમ યુવતી નૂરાંના પ્રેમમાં છે.
એક દિવસ કોઈ વાત લાવે છે, ગામ પાકિસ્તાનમાં જવાનું છે. એક મુસ્લિમ કહે છે, ‘પાકિસ્તાનનું આપણે શું કામ? આપણા બાપદાદા અહીં જન્મ્યા અને અહીં મર્યા. આપણે તો અહીં જ રહીશું.’ પણ સલામતીને નામે મુસ્લિમોને ગામ બહાર રેફ્યુજી કૅમ્પમાં ખસેડવામાં આવે છે ને શીખોને કહેવામાં આવે છે કે મુસ્લિમો તો દુ:શ્મન છે, કાઢી મૂકવાના લાગના જ હતા. તમે તમારે શાંતિથી રહો. હવે તમે સ્વતંત્ર થશો. લોકોની મતિ મુંઝાઈ જાય છે: ‘સ્વતંત્રતા? તે તો છે તેને માટે લડી રહેલા ભણેલાઓ માટે. આપણે તો પહેલા અંગ્રેજોના ગુલામ હતા ને હવે ભણેલાઓના ગુલામ થવાના. ભણેલાઓ ભલે પોતાને ભારતના કે પાકિસ્તાનના કહેવડાવે, એમાં આપણે શું?’
પણ અજાણ્યા ધર્મઝનૂનીઓ ગામમાં ઠલવાતા જાય છે. તેઓ મુસ્લિમોનાં મનમાં ઝેર રેડે છે કે આ શીખો તમને લૂંટી લઈને પાકિસ્તાનમાં હાંકી મૂકશે અને શીખોને ઉશ્કેરે છે કે મુસ્લિમો કોઈના થયા છે કે તમારા થશે? એમની ટ્રેન ગામ છોડે એ પહેલાં એમને કાપી નાખો. ગામલોકોના ભોળાભલા ચહેરા એવી રીતે ક્રૂર બનતા જાય છે કે વાચકોના જીવ બળી જાય.
હત્યાકાંડ શરૂ થાય છે. ગામની શેરીઓમાં લોહીની નદીઓ વહે છે. ભ્રષ્ટ, નિષ્ક્રિય સરકારી અધિકારીઓ શાંતિ સ્થાપવાના કહેવા પૂરતા થોડા પ્રયત્ન કરે છે. ન્યાય અને વ્યવસ્થાથી નિરાશ લોકોના મનમાં ભણેલા માણસો વળી લોકશાહી ને સમાજવાદના અધકચરા વિચાર રેડે છે. સ્તબ્ધ વાચકોની આંખ સામે કરપીણ દૃશ્યો ભજવાતાં જાય છે.
ભાગલાના રાજકારણની ઝાઝી વિગત અહીં નથી. લેખકનું લક્ષ્ય માનવીય અને સામાજિક પ્રત્યાઘાતો છે. અંગ્રેજોએ દિલ્હીથી રેડક્લિફને તેડાવીને બહુ ઊતાવળે કાગળ પર વિભાજનની રેખાઓ પડાવી ભારત અને પાકિસ્તાન એવા બે ભાગ કરી નાખ્યા, પણ તેનાથી જુદા જુદા ધર્મના લોકો બહુ ખરાબ રીતે અને વિસ્થાપિત થયા અને એકબીજાને હાથે માર્યા ગયા.
લેખકે દેખાડ્યું છે કે ભાગલા જેણે, જેવી રીતે પાડ્યા એ બીજી વાત છે, પણ હિંસાના ભયાનક વિસ્ફૉટની જવાબદારી સૌથી વધારે લોકોની હતી. લોકોની નીતિમત્તા મૂળમાંથી ઊખડી ગઈ તેથી એવું બધું થયું જે કદી નહોતું થવું જોઈતું. જુગ્ગત સિંહ અને ઈકબાલ આ બે જાણે દેશના બે વર્ગોના પ્રતિનિધિ હોય એવા છે. બન્ને પરસ્પર વિરોધી સ્વભાવ ધરાવે છે. ઈકબાલ બ્રિટનથી ભણીને આવ્યો છે અને સમાજ-ઉપયોગી કામ કરતો સુંવાળો બુદ્ધિજીવી છે જ્યારે જુગ્ગત અશિક્ષિત, હટ્ટોકટ્ટો, મગજથી નહીં પણ શરીરબળથી કામ લેનારો અને જેલમાં જતોઆવતો રહેનારો છે. શાહુકારનું ખૂન બેમાંથી એકેએ નથી કર્યું, પણ બંનેને પકડી જેલની બાજુબાજુની ખોલીમાં પૂરવામાં આવે છે. જેલમાંથી છૂટે છે ત્યારે બંનેને ખબર પડે છે કે એક ટોળકી મુસ્લિમોની ટ્રેન પર હુમલો કરવાની છે. બંને આ અટકાવી શકે તેમ છે, પણ તેમ કરતાં જીવ જશે એ નક્કી છે. જુગ્ગત તરત જ ઝુકાવે છે અને ટ્રેનને બચાવવા જતાં મૃત્યુ વહોરે છે. ઈકબાલ પરિસ્થિતિનું અને પોતે શું કરવું જોઈએ તેનું પૃથક્કરણ કરવા પાનાં ભરીને નોંધો લખે છે.
કંઈ ખોટું થઈ રહ્યું હોય ને તેને રોકવાની શક્તિ હોય ત્યારે માણસે શું કરવું એ પ્રશ્ન લેખકે વારંવાર ઉઠાવ્યો છે. ખુશવંત સિંહ હંમેશાં ખૂબ સ્પષ્ટ અને પ્રામાણિક લેખક રહ્યા છે. હત્યા, લૂંટફાટ અને અત્યાચારનું નિર્દય ને નગ્ન ચિત્ર નિર્મમતાથી રજૂ કરીને પછી એમણે એ પ્રતીતિ કરાવી છે કે જે ખોટું છે, ખરાબ છે તેના તરફ પીઠ કરી શકાય નહીં. સાથે તેઓ જે પણ બન્યું તેને માટે કોઈ એક સમૂહ જવાબદાર નહોતો એ હકીકત તરફ પણ કવર-પેજમાં અંગુલિનિર્દેશ કરે છે : ‘મુસ્લિમ્સ એન્ડ હિંદુઝ હેડ પ્લાન્ડ એન્ડ સ્ટાર્ટેડ કિલિંગ. ધ ફૅક્ટ ઈઝ, બોથ સાઈડ્ઝ કિલ્ડ. બોથ શૉટ એન્ડ સ્ટૅબ્ડ એન્ડ સ્પિયર્ડ એન્ડ ક્લબ્ડ. બોથ ટૉર્ચર્ડ. બોથ રેપ્ડ. બાય ધ સમર ઑફ 1947 … ટેન મિલિયન પીપલ – મુસ્લિમ્સ એન્ડ હિંદુઝ એન્ડ શીખ્સ – વેર ટુ ફ્લાઈટ. ઑલમૉસ્ટ અ મિલિયન ઑફ ધેમ વેર કિલ્ડ.’
‘ટ્રેન ટુ પાકિસ્તાન’ની અનેક આવૃત્તિ થઈ. વિદેશોમાં પણ એ વંચાઈ અને ખુશવંત સિંહનો અભિન્ન હિસ્સો બની રહી. તેના પરથી 1998માં પામેલા રુક્સે આ જ નામની હિંદી ફિલ્મ બનાવી હતી; તેમાં નિર્મલ પાંડે (જુગ્ગત), રાજિત કપૂર (ઈકબાલ), સ્મૃતિ મિશ્ર (નૂરાં) ઉપરાંત મોહન અગાશે, દિવ્યા દત્તા અને મંગલ ધિલ્લોં જેવાં કલાકારો હતાં. એક સૉર્સ કહે છે કે શશી કપૂર, શબાના આઝમી અને અન્ય ઘણાં આ વાર્તા પરથી ફિલ્મ બનાવવા માગતાં હતાં, પણ વિષયની સંવેદનશીલતા જોઈ કોઈએ સાહસ કર્યું નહીં. ઈસ્માઈલ મરચન્ટે ફિલ્મ બનાવવી શરૂ કરી હતી જેમાં રુક્સ નૂરાંના પાત્રમાં હતી. ફિલ્મ બની નહીં. 1993માં પોતાની જ નવલકથા પરથી બનાવેલી ફિલ્મ ‘મિસ બેટ્ટીઝ ચિલ્ડ્રન’ને નેશનલ અવૉર્ડ મળ્યો તે પછી પામેલાએ ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ બનાવી. સેન્સર બૉર્ડ સાથે એક લડાઈ બાદ ફિલ્મ ભારતમાં રિલિઝ થઈ શકી. પછી તો તે અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફૅસ્ટિવલોમાં ગઈ અને વખણાઈ.
2010માં ખુશવંત સિંહની અંતિમ નવલકથા ‘સનસેટ ક્લબ’ આવી. તેમાં 80 વર્ષ આસપાસના, સાંજે સાથે ફરવા જતા વૃદ્ધોની વાત છે. જિંદગીમાં જે પણ કરવાનું શક્ય ન બન્યું એ બધું તેઓ કલ્પનામાં કરી લે છે જેમાં હિંસા, બલિદાન, ઝનૂન, કવિતા અને સેક્સ બધું જ છે. આ પુસ્તક ખુશવંત સિંહને ઘણું ગમતું.
ખુશવંત સિંહ હંમેશાં વિરોધો ને વિવાદોથી ઘેરાયેલા રહ્યા ને એને માણતા, પોતાની રીતે જીવતા રહ્યા. કહેતા, ‘લાઈફ ડઝન્ટ સ્ટૉપ. કીપ ધ સ્પિરિટ હાઈ.’ આમ કહેતી વખતે તેમણે તોફાની સ્મિત સાથે શરાબનો ગ્લાસ ઊંચો કરીને બતાવ્યો હશે એમ કલ્પવું અઘરું નથી.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 માર્ચ 2023