માળીને બગીચામાં નીંદામણ કરતો જોઈ ‘કયા છોડ નકામા છે, ને મૂળમાંથી જ ખેંચી કાઢીને ફેંકી દેવા જેવા છે, તે નક્કી કરનાર આપણે કોણ?’ આવું વિચારી શકતો ઈશાન આશ્રમ છોડી ઘેર આવે છે ત્યાંથી ‘આગંતુક’ નવલકથા શરૂ થાય છે અને એ ઘર છોડે છે ત્યાં તે પૂરી થાય છે. આ છોડવું – ત્યાગવું જ નવલકથાનું પ્રાણતત્ત્વ છે. ધીરુબહેનને અંતિમ પ્રયાણ વખતે ‘આગંતુક’ યાદ નહીં આવી હોય?
વર્ષો પહેલા દીપકભાઈ મહેતાએ રેડિયો પર ધીરુબહેન પટેલની મુલાકાત લેતાં પૂછેલું, ‘ધીરુબહેન, તમે ખાદીધારી ગાંધીજન, પણ ગાંધીવાદી નહીં અને નારીઅધિકારો અંગે ખૂબ સભાન છતાં નારીવાદી નહીં એવું હું કહું. તમે શું કહો છો?’ ત્યારે ધીરુબહેન હસી પડ્યાં, ‘સાચું સમજ્યા છો. હું એકે વાદમાં બંધાઉં એવી નથી.’ પછી ગંભીર અવાજે કહે, ‘કોઈએ ન બંધાવું જોઈએ.’

ધીરુબહેન પટેલ
ધીરુબહેન પ્રચલિત અર્થમાં ધાર્મિક નહીં, પણ કૃષ્ણ અને રમણ મહર્ષિને સમર્પિતભાવે લગભગ પૂજતાં. પ્રચલિત અર્થમાં સમાજસેવિકા નહીં, પણ પૂરેપૂરી સામાજિક નિસબત ધરાવતાં. પ્રચલિત અર્થમાં ઊર્મિશીલ નહીં, પણ ઊંડાણપૂર્વક ચાહી શકે અને ઘરની દીવાલોમાં ધરબાઈ ગયેલી અનેક બહેનોની સર્જનાત્મકતાને ખીલવી શકે. એમના જેવી સાદી છતાં જાજરમાન, બુદ્ધિના તેજથી ઓપતી, ભરપૂર મૂલ્યનિષ્ઠા ધરાવતી, મજબૂત અને સર્જનાત્મક સ્ત્રીઓ કદાચ ગાંધીયુગમાં જ પાકતી. એ યુગની સ્ત્રીઓની એક જુદી આભા હતી, જે ધીરુબહેનમાં દેખાતી. એમનાં જીવન અને સર્જન વિશે આ દિવસોમાં ખૂબ લખાઈ ચૂક્યું છે. વાત કરીએ એમની સાહિત્ય અકાદમી પારિતોષિક મેળવેલી સુંદર નવલકથા ‘આગંતુક’ની.
‘આગંતુક’ 1996માં લખાઈ અને તેને 2001ના વર્ષનું કેન્દ્ર સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું. ‘રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત ….’ સંન્યાસી થયેલો ઈશાન આશ્રમનો જ નહીં, ભગવાં કપડાંનો ય ત્યાગ કરીને મુંબઈ પાછો ફરી રહ્યો છે ત્યાંથી આ કથા શરૂ થાય છે. ગુરુજીના અવસાન પછી ગાદીપતિ થવા ઉત્સુક પ્રતાપગિરિથી ઈશાનનું તેજ સહન થતું નહીં, પણ ઈશાનને કશાનો મોહ નહોતો. ન ગાદીનો, ન આશ્રમનો, ન ભગવાં કપડાંનો ય.
મુંબઈ આવીને ઈશાન તેના ભાઈ આશુતોષના ઘરે જાય છે. આશુતોષની પત્ની રીમા આ ‘આવી પડેલી ઉપાધિ’ને દિયર અર્ણવને ત્યાં ‘પાર્સલ’ કરી દે છે. બંને ઘરે ઈશાન ‘આગંતુક’ તરીકે રહે છે. કોઈ આસક્તિ વિના, કોઈનો ય અનાદર કર્યા સિવાય સાક્ષીભાવે સ્નેહ વરસાવતો રહે છે. ‘મહામાયા માત્ર એક જ ડગલા પર પ્રકાશ પાડતી હતી. બીજો પગ ઉપાડતી વખતે વળી પાછી એક ડગલા જેટલી જગ્યા દેખાશે. જે લઈ જાય છે તે જાણે છે ક્યાં જવાનું છે, ક્યાં થઈને જવાનું છે.’ ભગવાં ત્યાગી ચૂકેલા ઈશાનની ભીતર ભરેલો ભર્યો ભર્યો ભગવો આ અનુભવોથી વધુ ને વધુ અર્થપૂર્ણ બનતો જાય છે.
અર્ણવને ત્યાં ઈશાનને નોકરની ઓરડીમાં રહેવું પડે છે. પણ નોકર ફ્રાન્સિસ ઈશાનમાં ફાધર હેરિસને જુએ છે ને મુગ્ધ બની જાય છે. કથા હવે થોડો વળાંક લે છે. અર્ણવના બિલ્ડિંગના સૌથી ઉપલા માળના બધા જ ફ્લૅટ જેના કબજામાં છે, એ એન. માણેકલાલની સુંદર દીકરી ઇપ્સિતા એક વાર લિફ્ટમાંથી બહાર નીકળતાં ઈશાનને જોતાં જ ‘ઈશાનબાબા ?’ કહેતી તેના ચરણમાં નમી પડે છે. અર્ણવ–શાલ્મલી છક થઈ જાય છે. ઇપ્સિતા અને એનો ભાઈ રજત આશ્રમમાં રહી ચૂક્યાં છે ને ઈશાનબાબાથી પ્રભાવિત છે. રજતને કોઈ જીવલેણ રોગ થયો છે અને તે બચે તેમ નથી. ઇપ્સિતાને લાગે છે, ઈશાનબાબાનું અહીં આવવું એ ‘મિરેકલ’ કદાચ રજતને બેઠો કરે. ઈશાન રજતમાં જીવવાની પ્રબળ ઇચ્છા જગવે છે ને રજતમાં ધીરે ધીરે જીવનશક્તિનો સંચાર થવા લાગે છે – આ ચમત્કારની વાત પ્રસરતાં જ ‘બાબા’નાં દર્શનાર્થે ટોળાં આવવા લાગે છે. હવે ઈશાનના ભાઈઓ એને પોતાને ત્યાં રાખવા હરીફાઈ કરે છે. ઇપ્સિતાનું સૌંદર્ય ઈશાનના ભીતરી ભગવા રંગ પર અસર કરી શક્યું નથી, પણ એને એન. માણેકલાલનો ઘરજમાઈ થયેલો જોવા ભાઈઓ ઉત્સુક છે. શહેરી સંસારીઓના સ્વાર્થી સંબંધો અને ધારણાઓ બાબતે લેખિકા સમભાવપૂર્વક હસે છે. ઈશાન બધું સમજે છે. કહે છે, ‘સર્વં કૃષ્ણમયં જગત્!’ – સાકાર પણ સાચું, નિરાકાર પણ સાચું. શુદ્ધ પ્રેમ પણ સાચો ને લાગણી ય સાચી.’ એ રજતને સમજાવે છે, ‘લાગણીને તુચ્છકારથી ન જોવાય, રજત! ઈશ્વરના આ લીલામય જગતની એ પણ એક માધુરી છે. એનું સન્માન કર, પણ એમાં ડૂબી ન જા.’
છેવટે પોતાની આસપાસ ચમત્કારી બાબા હોવાની વાડ રચાવાની શક્યતા ઊભી થતાં એ મુંબઈ છોડીને ચાલ્યો જાય છે. ગુરુજીની વાત એ અવારનવાર સંભારે છે – ‘પહુંચ જાના … ચાહે કહીં ભી રહો, ચલતે રહના.’ મુંબઈથી નીકળતી વખતે ક્યાં જવું એ નક્કી નથી. એને ગુરુજીની વાત યાદ આવે છે : ‘ગુરુજી ઘણી વાર વૃંદાવનની વાત કરતા હતા. એક વખત નજરે જોઈ લેવું. કોઈ ઓળખતું તો નથી, શાન્તિથી રહેવાશે … જોઈએ, વેદાન્તી મન પર કૃષ્ણનું કામણ અસર કરે છે કે નહીં ….’ કથાનાયકની તથા લેખિકાની સાધુતા અને સંન્યાસનો સાચો અર્થ પ્રગટાવતી દૃષ્ટિ તથા વિધાયકતા એ આ કથાનું આકર્ષણ છે.
ઈશાને મુંબઈ છોડ્યું, પણ ધીરુબહેનને છોડ્યાં નહીં હોય – કેમ કે લગભગ 25 વર્ષ પછી ‘આગંતુક’નો ઉત્તરાર્ધ પણ ધીરુબહેને લખ્યો હતો. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બંને ‘નવનીત સમર્પણ’માં પ્રગટ થયા હતા. બંનેને સમાવતું પુસ્તક પણ ઉપલબ્ધ છે. જેમણે ‘આગંતુક’ નવલકથા વાંચી છે તેમને આ પુસ્તક વધુ સમૃદ્ધ બનાવશે અને જેમણે હજુ સુધી નથી વાંચી એમને મળશે આટલાં વર્ષોની ધીરજ ધર્યાનું અતિ મીઠું ફળ. ગુર્જર પ્રકાશન દ્વારા ‘આગંતુક’ છપાઈ ત્યારે 156 પાનાંની હતી. એમાં છ પ્રકરણ હતા અને હવે છ પ્રકરણ નવા ઉમેરાયાં છે.
આગંતુક શબ્દથી યાદ આવે છે સત્યજિત રેની છેલ્લી ફિલ્મ. એનું શીર્ષક પણ આ જ હતું. ‘અતિથિ’ નામની તેમની જ નવલિકા પરથી 1991માં આ ફિલ્મ બની હતી. કલકત્તામાં રહેતી અનિલા બૉઝના ઘરમાં એક પત્ર આવે છે, ‘હું મનોમોહન મિશ્રા, તારો કાકો છું. વિદેશથી આવ્યો છું. મારાં સગાંસંબંધીમાં તારા સિવાય બીજું કોઈ નથી, તેથી હું થોડા દિવસ તારે ત્યાં રહેવા આવીશ.’ અને એન્થ્રોપોલોજિસ્ટ મનોમોહન એક દિવસ અનિલાના બારણે આવીને ઊભો રહે છે. વર્ષોથી ખોવાયેલા ને અચાનક આવી ચડેલા આ કાકા પર અનિલા અને તેના પતિ સુધીન્દ્રને જાતજાતની શંકાઓ છે, પણ એમનો દીકરો સાત્યકિ કાકાનો દિલોજાન દોસ્ત બની જાય છે. યજમાન દંપતીની શંકાઓને કારણે કાકાને કફોડી સ્થિતિઓમાં મુકાવું પડે છે, પણ તેઓ દરેક વખતે વધારે પુખ્ત અને સમજદાર જ નહીં, પ્રતિભાશાળી અને માઈન્ડ રિડર સાબિત થતા જાય છે. તેઓ ઑસ્ટ્રેલિયા જતા રહે છે અને અનિલા-સુધીન્દ્રને એમના ભાગે આવેલી વારસાની રકમ આપતા જાય છે ત્યાં ફિલ્મ પૂરી થાય છે.
આ ફિલ્મને નેશનલ અવૉર્ડ મળ્યો હતો. 25 વર્ષ પછી તેની પણ સિક્વલ બની હતી, ‘આગંતુક પોરે’. ‘આગંતુક’માં કાકા તરીકે ઉત્પલ દત્તે કરેલો રોલ એમાં ધૃતિમાન ચેટર્જીએ કર્યો હતો. જો કે આ ફિલ્મ સ્ક્રીન પર આવી નહોતી, એને સત્યજિત રેએ લખી નહોતી અને એના દિગ્દર્શક ઓર્કો સિન્હાના કહેવા મુજબ તેમાં પહેલી ફિલ્મ કરતાં જુદી જ વાર્તા હતી. જ્યારે ‘આગંતુક’ નવલકથાનો ઉત્તરાર્ધ ધીરુબહેન પટેલે પોતે જ લખ્યો હતો, એ પ્રગટ થયો અને એમાં મૂળ વાર્તાનો વિસ્તાર હતો.
માળીને બગીચામાં નીંદામણ કરતો જોઈ ‘કયા છોડ નકામા છે, ને મૂળમાંથી જ ખેંચી કાઢીને ફેંકી દેવા જેવા છે, તે નક્કી કરનાર આપણે કોણ?’ આવું વિચારી શકતો ઈશાન આશ્રમ છોડી ઘેર આવે છે ત્યાંથી શરૂ થતી ‘આગંતુક’ એ ઘર છોડે છે ત્યાં પૂરી થાય છે. આ છોડવું-ત્યાગવું જ નવલકથાનું પ્રાણતત્ત્વ છે. ધીરુબહેનને અંતિમ પ્રયાણ વખતે ‘આગંતુક’ યાદ નહીં આવી હોય?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 માર્ચ 2023