
રાજ ગોસ્વામી
મધ્ય પૂર્વમાં, લિક્વિફાઈડ નેચરલ ગેસના સૌથી મોટા નિકાસકર્તા દેશ કતરમાં, ભારતીય નૌસેનાના આઠ ભૂતપૂર્વ ઓફિસર્સનો એક ‘વિચિત્ર અને રહસ્યમય’ કેસ ચાલી રહ્યો છે. વિચિત્ર અને રહસ્યમય એટલા માટે કે કતારી સત્તાવાળાઓ એ વિશે કોઈ જ અધિકૃત બયાન જારી કર્યું નથી અને એ આઠે ઓફિસર્સને અજ્ઞાત આરોપોસર છેલ્લા આઠ મહિનાથી એકાંત કારાવાસમાં પુરવામાં આવ્યા છે. ગયા વર્ષે 30મી ઓગસ્ટે, કતરની ગુપ્તચર સંસ્થા સ્ટેટ સિક્યોરિટી બ્યુરો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. એકાંત કારાવાસની સજાનો અર્થ એ થયો કે તેમને સુરક્ષાનાં કારણોસર પકડવામાં આવ્યા છે.
એ પછી લગાતાર ભારતીય મીડિયામાં તેને લઈને છૂટક સમાચારો આવતા રહ્યા છે, પણ એ બધા સમાચારો ‘કહેવાય છે અને સંભળાય છે’ આધારિત છે. હમણાં છેલ્લે 16મી માર્ચે, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિન્દમ બાગચીએ એક બયાનમાં કહ્યું હતું કે કતરમાં અટકાયતમાં લેવામાં આવેલા નૌસેનાના આઠ ઓફિસર્સનો મુદ્દો ભારત માટે સૌથી પ્રાથમિક છે અને તેઓ જલદીથી પાછા આવે તેના પ્રયાસો જારી છે.
તેમની સામે શું આરોપો છે તેવા સવાલના જવાબમાં બાગચીએ કહ્યું હતું કે આ સવાલ કતરના અધિકારીઓને પૂછવો જોઈએ. આ ઓફિસરોના પરિવારજનોનું કહેવું છે કે કતરના અધિકારીઓએ તેમને આરોપો અંગે કોઈ જાણકારી આપી નથી. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓએ પણ મીડિયાને કહ્યું હતું કે તેમની પાસે પણ આ બાબતે કોઈ જાણકારી નથી.
તાજા સમાચાર એ છે કે તેમની સામે હવે કતરની અદાલતમાં આરોપો ઘડવાની તૈયારી થઇ રહી છે એને તે સાથે જ તેમના ભારત પાછા ફરવાની શક્યતાઓ ધૂંધળી પડતી જાય છે.
અમુક તો ડેકોરેટેડ કહેવાય તેવા આ આઠ ઓફિસર્સે એવું તે શું કર્યું છે કે તેમને કેદ કરવામાં આવ્યા છે અને જેમના સુખરૂપે ઘરે આવવાની કેમ કોઈને ખબર નથી? આશ્ચર્ય તો એ છે કે કતર અને ભારત વચ્ચે મજબૂત મૈત્રી છે અને બંને દેશોએ સંયુક્ત નૌસેના અભ્યાસ પણ કર્યો છે. અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ કેસની વિગતો કંઇક આવી છે :
અટકાયત કરવામાં આવેલા ઓફિસર્સનાં નામ આ પ્રમાણે છે; કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પુર્નેંદુ તિવારી, કમાન્ડર સુગુનકર પકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ.
દોહામાં ભારતીય એમ્બેસીને તેમની અટકાયતની જાણ સપ્ટેમ્બરના મધ્યમાં થઇ હતી અને ઓક્ટોબર-ડિસેમ્બરમાં કતારી સત્તાવાળાઓ દ્વારા એમ્બેસીને કોન્સુલર એક્સેસ આપવામાં આવી હતી. તે સમયથી ઓફિસરોના પરિવારોને અટકાયતીઓ સાથે અઠવાડિયે રૂબરૂ અથવા ફોનથી સંપર્ક કરવા દેવામાં આવે છે.
આ અટકાયતીઓમાંથી અમુક તો યુદ્ધજહાજો પર સેવા આપી ચુક્યા છે. જેમાં કે, કેપ્ટન ગિલ આઈ.એન.એસ. વિક્રાંત પર નેવિગેશન ઓફિસર હતા અને તેમને કેડેટ તરીકે સ્વોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે 2002માં નિવૃત્તિ લીધી હતી અને કતર સાથે ભારતના સંબંધને મજબૂત કરવા બદલ તેમને 2019માં પ્રવાસી ભારતીય સન્માન આપવામાં આવ્યું હતું.
આ આઠે ઓફિસરો કતરની દાહરા ગ્લોબલ ટેકનોલોજીઝ એન્ડ કન્સલ્ટિંગ સર્વિસ નામની કંપની માટે કામ કરતા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, તેમની અટકાયત પછી કંપનીની વેબસાઈટ બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ તે સક્રિય હતી ત્યારે તેમાં લખેલું હતું કે કંપની કતારી નૌસેનાને તાલીમ પૂરી પાડવાનું કામ કરે છે. કંપની ખુદને સંરક્ષણ સાધનો ચલાવામાં અને સમારકામની નિષ્ણાત ગણાવે છે.
તેની નવી વેબ સાઈટનું નામ દાહરા ગ્લોબલ છે. તેમાં કંપની અને કતર નૌસેનાનું કોઈ કનેક્શન બતાવામાં આવ્યું નથી કે ન તો તેમાં ભારતના ભૂતપૂર્વ નૌસેના ઓફિસરોનો કોઈ ઉલ્લેખ. અટકાયત પહેલાં આ લોકો કંપનીની લીડરશીપની ભૂમિકામાં હતા.
ગયા વર્ષે ડિસેમ્બર સુધી આ કંપનીમાં ભારતના 150 જેટલા ભૂતપૂર્વ નૌસેના કર્મચારીઓ કામ કરતા હતા. તેના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર તરીકે ખામિસ અલ અમિન નામના ઓમાની હવાઈ દળના એક નિવૃત્ત અધિકારી કામ કરતા હતા. એવું કહેવાય છે કે તેમને જ્યારે ખબર પડી કે તેમના કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે તેમની મુક્તિનો પ્રયાસ કરવા માટે તે દોહા ગયા હતા, પરંતુ ત્યાં તેમને પણ ટૂંકા સમય માટે અટકમાં લેવામાં આવ્યા હતા.
ગયા નવેમ્બરમાં, કતારે ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કર્યું તેના થોડા જ દિવસો પહેલાં ખામિસ અલ અમિનને છોડી મુકવામાં આવ્યા હતા. કતરે આ વર્લ્ડ કપને આરબ એકતાના રૂપમાં પેશ કર્યો હતો અને તેમને ત્યાં એક ઓમાની નાગરિકની અટકાયત થયેલી હોય તે બરાબર ન લાગે એટલે અમિનને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
આ આઠ ઓફિસરોની ટીમ છેલ્લાં. પાંચ વર્ષથી અહીં કામ કરતી હતી. ગયા ઓગસ્ટ મહિનામાં તેમની અટકાયત કરવામાં આવી ત્યારે તેઓ બધા ઘરે હતા. તેમને કોઈ નોટિસ જારી કરવામાં આવી હતી. કતરની સ્ટેટ એજન્સીની એક ટુકડી આવી અને ટ્રેનિંગમાં જવાનું છે કહીને આઠેને લઇ ગઈ.
શરૂઆતમાં, અમુક સમાચારોમાં એવી માહિતી હતી કે આ આઠે સેવા નિવૃત્ત ઓફિસર્સને ઇઝરાયેલ માટે જાસૂસી કરવાની શંકા પરથી પકડવામાં આવ્યા છે, જો કે અમુક મીડિયા સંગઠનોએ અજ્ઞાત ગુપ્તચર સૂત્રોના હવાલો આપીને આ થિયરીને ખારીજ કરી નાખી હતી.
ઇઝરાયેલ સાથે કતરના સંબંધો કાયમ ઉતાર-ચઢાવવાળા રહ્યા છે. 1996માં, કતરે ઇઝરાયેલ સાથે વ્યાપારી સંબંધોની શરૂઆત કરી હતી. ત્યારે ઇઝરાયેલ સાથે સંબંધ સ્થાપિત કરનારો કતર પહેલો આરબ દેશ હતો. 2009 સુધી બંને દેશોના સંબંધો રાજનૈતિક અને આર્થિક હતા, પરંતુ ઇઝરાયેલના ઓપરેશન કાસ્ટ લીડ પછી કતરે ઇઝરાયેલ સાથે સંબંધ કાપી નાખ્યો હતો. ઓપરેશન કાસ્ટ લીડ 2008માં શરૂ થયું હતું અને તેમાં ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો. તેમાં પેલેસ્ટાઇનને ઘણી બરબાદી થઇ હતી. એ પછી કતર અને અન્ય ખાડી દેશોએ પેલેસ્ટાઇનને બેઠું કરવા માટે શપથ લીધા હતા.
આ ઓફિસરોની મુક્તિ માટે કરવામાં વાઈ રહેલા પ્રયાસોના સંદર્ભમાં એક સવાલના જવાબમાં વિદેશમંત્રી એસ. જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે આ એક સંવેદનશીલ મામલો છે અને તેમની મુક્તિ અમારી પ્રાથમિકતામાં છે.
તેમણે આ કહ્યું તેને પણ ચાર મહિનાનો સમય વીતી ગયો છે અને હવે તો ઓફિસરો સામે અદાલતી કાર્યવાહી શરૂ થવાની છે જે પછી તેમને વિધિવત સજા જ ફરમાવામાં આવશે. તેમનો શું અપરાધ છે અને શું સજા થાય છે તે તો હવે અદાલતમાંથી જ ખબર પડશે. મામલો કેટલો અશક્ય છે તે એ વાત પરથી જ ખબર પડે છે કે છેલ્લા આઠ મહિનામાં આ ઓફિસરોની જમીન અરજી આઠ વખત ખારીજ થઇ ચૂકી છે.
ઓફિસર પુર્નેંદુ તિવારીની બહેન મીતુ ભાર્ગવે કતર સરકારને અપીલ કરી છે કે માનવીય આધાર પર તેમને છોડી મુકવામાં આવે. તેનો પણ જવાબ નથી. 15મી માર્ચે મીતુએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આ સેવાનિવૃત્ત ઓફિસરો એકાંત કારાવાસમાં રહીને માનસિક રૂપે તુટવાની અણી પર છે. તેઓ અનેક બીમારીઓનો ભોગ બન્યા છે. તેમનું વજન 10થી 15 કિલો ઘટી ગયું છે.
દેખીતી રીતે જ, આ આઠ ઓફિસરોનો મામલો ભારત સરકારના કતર સ્થિત અધિકારીઓ યોગ્ય કૂટનીતિક વાતચીત સુધી લઇ જઈ શક્યા નથી. એવું થાય એ પણ આશ્ચર્ય છે. પાકિસ્તાન જેવો કોઈ દુ:શ્મન દેશ હોય તો આવી અડચણ સમજમાં આવે છે, પણ કતર સાથે દાયકાઓથી ભારતની મૈત્રી છે. 2008માં, ડો. મનમોહન સિંહની યાત્રા પછી આ સંબંધ વધુ મજબૂત થયો હતો. 2015માં, કતરના અમીર શેખ તમીમ હમાદ અલ થાની ભારત આવ્યા હતા અને 2016માં નરેન્દ્ર મોદી કતર ગયા હતા. ખુદ જયશંકર અત્યાર સુધી ત્રણ વાર કતરના મહેમાન બની ચુક્યા છે.
કાઁગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદીની સરકાર આઠ ઓફિસરોની મુક્તિ માટે કતર સરકાર પર કૂટનીતિક દબાણ લાવતાં ખચકાય છે ત્યારે 6 એપ્રિલે વિદેશ મંત્રાલયે તેના જવાબમાં કહ્યું હતું કે ભારત કતરની કાનૂની પ્રક્રિયામાં દખલઅંદાજી નહીં કરે. કાઁગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું હતું કે, ‘કતરે ઓમાનના નાગરિકને છોડી દીધો પણ આઠ ભારતીયો હજુ અટકાયતમાં છે, એવું કેમ?”
‘ધ ન્યૂ ઇન્ડિયન એકપ્રેસ’ના અહેવાલ પ્રમાણે, કતરના કાનૂન હેઠળ આ આઠે ઓફિસરો સામે અલગ-અલગ આરોપો ઘડવાની તૈયારી થઇ ચૂકી છે. તેમની અંતિમ જમીન અરજી 19 માર્ચના રોજ ખારીજ કરવામાં આવી ત્યારે તેમને જણાવામાં આવ્યું હતું કે તેમની સામે વ્યક્તિગત ધોરણે આરોપો ઘડવામાં આવશે.
લાસ્ટ લાઈન:
“બોલતી વખતે કશું જ ન કહેવું એનું નામ ડિપ્લોમસી.”
— વિલ ડુરાં
પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 16 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર