
રાજ ગોસ્વામી
2019માં, રેપ અને અપહરણ જેવા અનેક ગંભીર આરોપસર ભારતમાંથી ફરાર થઇ ગયેલા સ્વયંભૂ સંત સ્વામી નિત્યાનંદ યાદ છે? આ સ્વામીએ દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં વિશાળ જમીન ખરીદીને ત્યાં તેમનો ‘કૈલાસ’ આશ્રમ ખોલ્યો છે. એટલું જ નહીં, ‘કૈલાસ’ને તેમણે સ્વતંત્ર દેશ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા, પણ ઘોષિત કર્યો છે. ગયા મહિને, વિજયપ્રિયા નામની કૈલાસની પ્રતિનિધિએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકમાં હાજરી આપીને કૈલાસને માન્યતા આપવા માટે માંગણી કરી હતી. વિજયપ્રિયાએ દાવો કર્યો હતો કે તેમના ‘દેશ’માં 20 લાખ હિંદુઓ રહે છે અને 150 દેશોમાં તેમની એમ્બેસી પણ છે.
રાષ્ટ્રસંઘે જો કે આ પ્રસ્તાવને ‘અપ્રાસંગિક’ કહીએ ખારીજ કરી નાખ્યો છે. નિત્યાનંદના અનુયાયીઓ સોશિયલ મીડિયા પર તેમના આ કાલ્પનિક દેશની ગતિવિધિઓ પોસ્ટ કરતા રહે છે અને દાવા કરતા રહે છે કે તેઓ વિશ્વની સરકારો અને વિભાગો સાથે સક્રિય રીતે જોડાયેલા છે.
1933માં, મોન્ટેવીડિયો – ઉરુગ્વેમાં મળેલી અમેરિકન રાજ્યોની સાતમી આંતરરાષ્ટ્રીય પરિષદમાં રાજ્યનો દરજ્જો મેળવવાના નિયમો નક્કી કરવામાં આવ્યાં છે. એ અનુસાર, કોઈ પ્રાંતમાં કાયમી વસ્તી હોય, નિશ્ચિત ક્ષેત્ર ન હોય અને આંતરરાષ્ટ્રીય સંબંધો નિભાવાની ક્ષમતા હોય તો તેને અલગ રાજ્યનો દરજ્જો મળે છે.
જો કોઈ ક્ષેત્રને રાજ્યનો દરજ્જો ન મળ્યો હોય તો તેને માઈક્રોનેશન કહે છે. દુનિયામાં આવા કુલ 19 માઈક્રોનેશન્સ છે જે સ્વતંત્ર દેશની માન્યતા મેળવવા મથી રહ્યા છે. કૈલાસ આ વર્ગમાં આવે છે. તેનો દાવો છે કે તે ઈ-નાગરિકત્વ ઓફર કરે છે. તમને જો યાદ હોય તો, 80ના દાયકામાં, અમેરિકાના ઓરેગોન વિસ્તારમાં ભગવાન રજનીશ ઉર્ફે ઓશોએ રજનીશપૂરમ્ નામના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી.
આને યુટોપિયા એટલે કે કલ્પના-લોક અથવા આદર્શલોક કહે છે. 1516માં, સર થોમસ મોર નામના ઇંગ્લિશ લેખકે એક આદર્શ સમુદાયની કલ્પના કરતી નવલકથા ‘યુટોપિયા’ લખી હતી, ત્યારથી આ શબ્દ પ્રચલિત થયો હતો. એથી। ય આગળનું ઉદાહરણ જોઈએ તો, ઇસુ પૂર્વે 300મી સદીમાં ગ્રીક ચિંતક પ્લેટોએ ‘રિપબ્લિક’ નામનું પુસ્તક લખ્યું હતું જેમાં તેણે એક આદર્શ રાજ્ય કેવું હોય તેની ધારણા આપી હતી. સાદી ભાષામાં, પ્લેટોએ પહેલીવાર રામ-રાજ્યની કલ્પના કરી હતી.
માનવ ઇતિહાસમાં આવાં રામ-રાજ્યોની કલ્પના ઘણી લોકપ્રિય રહી છે. રજનીશપુરમ્ નામનું ‘સ્વર્ગ’ ઊભું કરવાના ઇતિહાસ વિષે રજનીશનાં લેફ્ટનન્ટ મા આનંદ શીલાએ એકવાર કહ્યું હતું કે, ‘ઓરેગોનમાં અમારું આવવું એ જાણે ક્ષિતિજના છેડે આવવા જેવું હતું. અમને લાગતું હતું કે અમે કોઈક ઇતિહાસ સર્જવા જઈ રહ્યાં છીએ. એ એક એવું બિયાબાં હતું, જ્યાં ભગવાન લોકો અને લોકોના ન્યુરોસિસ(વિક્ષિપ્ત માનસિકતા)થી દૂર રહીને આદર્શ માણસ અને આદર્શ સમાજની રચના કરી શકે.’
ઓરેગોનનું એન્ટેલોપ તો નગર પણ નો’તું. ત્યાં ૪૦ લોકો રહેતા હતા. રજનીશે એને ૧૯૮૧માં (આજના) દોઢ કરોડ ડોલરમાં ખરીદી લીધું હતું, અને ૧૨ કરોડ નાખીને રજનીશપુરમ્ નામના સ્વર્ગની ઇંટો ચણી હતી. ત્રણ વર્ષમાં 7,000 રજનીશીઓ, પોતાની પોલીસ, એરપોર્ટ, ફાયર સ્ટેશન, પોસ્ટ ઓફીસ, રેસ્ટોરન્ટ, દુકાનો, બસો, હોસ્પિટલ, બાગ-બગીચાઓ અને છોગાંમાં ‘ભગવાન’ની ૯૯ રોલ્સ રોયસ કાર સાથેનું રજનીશપુરમ્ ‘અચ્છે દિન’નું પ્રોમિસ હતું.
દુનિયામાં જેટલી પણ રાજકીય વિચારધારાઓ અને વ્યવસ્થાઓ છે તે આદર્શ સમાજ બનાવવા માટેની કોશિશ છે. ધર્મએ (હથેળીમાં) જે ચાંદ બતાવાનું શરૂ કર્યું હતું, રાજનીતિમાં પણ એ જ કાર્યક્રમ આગળ ચાલ્યો. નવા માણસ અને યુટોપિયાનો ઇતિહાસ બદતર છે. ૨૦મી સદીના ઇટલીમાંથી પૂરા યુરોપમાં ફેલાઈ ગયેલા ફાસીવાદની ધારણા પણ ‘આદર્શ માણસ’ની હતી. રજનીશનું જ્યારે પતન થવા તરફ હતું, ત્યારે એ પોતાને હિટલર સાથે સરખાવતા હતા. એ કહેતા હતા કે નવો માણસ સર્જવા માટે કામ કરનાર હિટલરને પણ મારી જેમ જ ગલત સમજવામાં આવ્યો હતો.
ઇતિહાસમાં આવા નિજી, રાજનૈતિક, આર્થિક અને સામાજિક રાજ્યોના અનેક પ્રયોગ થયા છે. અમેરિકામાં ૧૯મી સદી આવાં રાજ્યોનો સુવર્ણ કાળ ગણાય છે. ત્યાં એ સમયમાં આવા ૧૦૦ કમ્યુન(સમુદાય)ના પ્રયોગ થયા હતા. આપણે ત્યાં જે આશ્રમો અને સંપ્રદાયો પ્રત્યે જે મોહ છે તે પણ યુટોપિયન કલ્પના છે. માણસ અધૂરો છે, કાચો છે એટલે એના માટે પરિપૂર્ણ સમાજ બનાવી શકાય છે તેવી ધારણા યુટોપિયન રાજ્યના મૂળમાં છે. મોટા ભાગના આવાં રાજ્યો નિષ્ફળ જાય છે તેનું કારણ જ એ છે કે એમાં માનવીય સ્વચ્છંદતા(સ્વાયત્તતા)ની બુનિયાદી વૃત્તિને સામૂહિક રીતે કંટ્રોલ કરવામાં આવે છે.
અધૂરા માણસને આદર્શ બનાવાની ભાવનામાંથી જ મોટા ભાગનાં કમ્યુન આતંકનાં, જોરજબરદસ્તીનાં કેન્દ્ર બની જાય છે. સામ્યવાદ એક સમયે સૌથી આદર્શ સમાજનો રસ્તો ગણાતો હતો, અને એમાંથી જ કમાન્ડ-કંટ્રોલવાળા તાનાશાહો પણ આવ્યા હતા. ૨૦મી સદીના માર્ક્સવાદી-લેનિનવાદી-સ્ટાલિનવાદી રશિયામાં, ફાસીવાદી ઇટલીમાં અને નાઝી જર્મનીમાં આદર્શ સામાજિક, રાજકીય અને આર્થિક વાતાવરણ ઊભું કરવા માટે થઈને લાખો લોકોની કત્લેઆમ કરવામાં આવી હતી. ૧૯૨૦માં સ્ટાલિને તો એના એક બાયોલોજીસ્ટ ઈલ્યા ઈવાનોવને બંદરો અને મનુષ્યો વચ્ચે સંભોગ કરાવીને પરફેક્ટ ઇન્સાન પેદા કરવાનું કામ સોંપ્યું હતું.
હિટલરનું મહાયુદ્ધ અને કત્લેઆમ પૂરા જગતમાં ‘નવી વ્યવસ્થા’ (ન્યુ ઓર્ડર) સ્થાપવાના ખયાલમાંથી આવ્યું હતું. ૨૦મી સદીના બીજા ભાગમાં કમ્બોડિયા, નોર્થ કોરિયા અને સંખ્યાબંધ આફ્રિકન-સાઉથ આફ્રિકન દેશોમાં ધરતી પર સ્વર્ગ લાવવાના ધખારામાં હત્યાઓ, સામૂહિક કત્લેઆમ, જાતિસંહાર, લોહિયાળ ક્રાંતિઓ અને ગૃહયુદ્ધો થયાં હતા.
ઓશોનું રજનીશપૂરમ્ હોય કે મુસોલિની-હિટલરનો નવો સમાજ, યુટોપિયાની સૌથી મોટી જોખમી બાબત એ છે કે એમાં ઇન્સાનની નિજી આઝાદીનું બલિદાન લેવામાં આવે છે. મુક્ત સમાજમાં આઝાદી એટલે કોઈ બાબતને નાપસંદ કરવાનો અધિકાર. તમે કોઈ વસ્તુ, કોઈ વિચાર, કોઈ વ્યક્તિને નાપસંદ કરો છો તેનો ઓટોમેટિક અર્થ એવો થાય કે એ પરફેક્ટ નથી. યુટોપિયામાં ઈમ્પર્ફેક્ટને સ્થાન નથી એટલે ત્યાં પસંદ-નાપસંદની આઝાદી છીનવી લેવાય છે.
યુટોપિયન ખયાલોના પતનનું કારણ જ એ હકીકતમાં છે કે, પરફેક્ટ સમાજ અથવા પરફેક્ટ ઇન્સાન અસંભવ છે અને એને પરફેક્ટ બનવાના તમામ પ્રયાસો જોર-જબરદસ્તીમાં પરિણામે છે. આમ છતાં મોટાભાગના લોકોને એ સ્વીકારવા તૈયાર જ નથી કે સ્વર્ગ અશક્ય છે કારણ કે તેને એક એવા સ્વર્ગની ઓફર કરવામાં આવે છે જ્યાં તેના તમામ દુઃખ-દર્દો ગાયબ થઇ જશે અને તે કાયમ માટે પરમ આનંદમાં જીવશે.
આ યુદ્ધ જેવું છે. દરેક યુદ્ધમાં એવી ખાતરી આપવામાં આવે છે કે આ લડાઈ લડી લેશો તો પછી સ્વર્ગ જેવી શાંતિ થઇ જશે. કાલ્પનિક શાંતિ અને સુખની લ્હાયમાં માણસ યુદ્ધમાં પાયમાલ થઇ જવાનું પસંદ કરે છે. તેવી જ રીતે, નવા રાજ્યમાં આદર્શ જીવન જીવવા ઈચ્છુક લોકો સ્વર્ગના ઝાંસામાં આવી જાય છે. આ જ કારણ છે કે દરેક નવો બાવો અને દરેક નવો લીડર ધરતી પર સ્વર્ગની સ્કીમ વેચતો રહે છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસનો સ્વામી નિત્યાનંદ અને ખાલિસ્તાનનો નવો નેતા અમૃતપાલ સિંહ ખાલસા આનું લેટેસ્ટ ઉદાહરણ છે.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 02 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર