લોકશાહીને બચાવવાની તાતી જરૂરિયાત જે લોકોને ગળે ઉતારી શકશે એ જ રાજકીય પ્રવાહ દેશના ભાવિને ઉગારી શકશે

ચિરંતના ભટ્ટ
અત્યારે રાહુલ ગાંધી જે સ્થિતિમાં છે એમાં પેલું અંગ્રેજી વાક્ય તેમને બરાબર બંધબેસે છે – “લવ મી ઓર હેટ મી, બટ યુ કાન્ટ ઇગ્નોર મી”. રાહુલ ગાંધી બોલે તો ય મુદ્દો બને છે અને ન બોલે તો ય મુદ્દો બની જાય છે. રાહુલ ગાંધીના લંડન અને કેમ્બ્રિજના વિધોના પર થયેલા વિવાદનો મામલો હજી માંડ શમ્યો હતો. પણ ભા.જ.પા.ના મેનિફેસ્ટોમાં રાહુલ ગાંધી તો હોય જ. રાહુલ ગાંધીએ ચાર વર્ષ પહેલાં 2019માં કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કહ્યું હતું કે, ‘આ બધા ચોરોની અટક મોદી કેમ છે?’ ચાર વર્ષ જૂની વાતને લઇને સુરત ભા.જ.પા.ના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો દાવો માંડ્યો. સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી જેમાં તેમણે જામીન મેળવ્યા. આ મુદ્દે જ તેમની લોકસભાની સદસ્યતા તેમની પાસેથી લઇ લેવાઇ અને તેમનો બંગલો ખાલી કરવાની નોટિસ પણ અપાઇ છે. આ બધું કંઇ હજી અટક્યું નથી હવે આ કેસમાં પટણાથી રાહુલ ગાંધીને સમન્સ પણ આવ્યા તો લલિત મોદીએ પણ રાહુલ ગાંધીને યુ.કે. કોર્ટમાં ઢસડી જવાની ધમકી આપી છે. રાહુલ ગાંધીનું સંસદીય પદ જવા અંગે પહેલાં અમેરિકાએ પ્રતિક્રિયા આપી તો પછી જર્મનીએ પણ એમ કહ્યું કે રાહુલ ગાંધી પર જે પણ કાર્યવાહી થશે એમાં લોકશાહીના વ્યક્તિગત સ્વાતંત્ર્ય જેવી બાબતોને ગણતરીમાં લેવામાં આવશે. આ મુદ્દાને કારણે રાજકીય માહોલ ગરમાયો છે.
કાઁગ્રેસ મુક્ત ભારતનો દેકારો કરતી આવેલી ભા.જ.પા.એ પહેલાં સોનિયા ગાંધીનો અને હવે રાહુલ ગાંધીનો વારો કાઢ્યો છે. કોઈને ગમે કે ન ગમે પણ એ હકીકત છે કે રાહુલ ગાંધીને કારણે કાઁગ્રેસ સતત ચર્ચામાં રહે છે.
રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી હતી એમાં બદનક્ષીનો દાવો કરી દેવા જેવી વાત હતી ખરી? ખેર, જે હોય એ પણ આપણી નીચલી કોર્ટને એમ કરવું યોગ્ય લાગ્યું. જે આસાનીથી રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્યપદ છીનવી લેવાયું તે બતાડે છે કે ભારતના ન્યાય તંત્ર પર રાજકારણની કેટલી પકડ છે.
અહીં ભા.જ.પા. વિરોધી હોવાની વાત નથી પણ એ હકીકતને સ્વીકારવાનો મુદ્દો છે કે શાસનની વાત હોય ત્યાં મોદી સરકાર કામ કરે છે એની ના નહીં પણ રાજકીય સ્તરે જે ચાલે છે તેમાં નકરી સરમુખ્ત્યારશાહી છે. વળી રાહુલ ગાંધી સામે વૃશ્ચિક રાશીના નરેન્દ્ર મોદી જે ડંખ રાખી રહ્યા છે એ કેટલો યોગ્ય? એક તરફ રાહુલ ગાંધીને કોઇ ગણતું નથી એવો પ્રચાર-પ્રસાર તો ચાલુ છે જ તો બીજી તરફ લોકશાહીને નેવે મૂકીને ચાર વર્ષ પહેલાં બોલાયેલી વાત પર રાહુલ ગાંધીનું સંસદીય પદ લઇ લેવામાં ય ભા.જ.પા. સરકારને રસ છે. વડા પ્રધાન પોતે જે સ્તરે છે, જે સત્તા ધરાવે છે તેમાં તેમણે ખરેખર રાહુલ ગાંધી સાથેના જંગમાં સીધી કે આડકતરી રીતે ઉતરવાની જરૂર છે ખરી? આ જે પણ થઇ રહ્યું છે એ વડા પ્રધાનને ઇશારે નહીં પણ એમને પ્રભાવિત કરવા માટે કરાયું હોવાની શક્યતાઓ વધારે છે. વડા પ્રધાનને પોતાની સત્તાનો જેટલો મદ હશે તેના કરતાં કંઇ ગણો વધારે મદ તેમની આસપાસ, તેમની નીચે કામ કરનારાઓને હોય એમ લાગે છે. ચા કરતાં કિટલી ગરમની કહેવત અહીં લાગુ કરવામાં જરા ય શરમાવાની જરૂર નથી.
એ બધાં દેકારા કરતાં અહીં વધુ મહત્ત્વની વાત એ છે કે આપણું તંત્ર, આપણી લોકશાહી પાંગળાં બની રહ્યાં છે જ્યાં સત્તાધીશો તેમની ટીકા કરનારાઓનો છેદ ઉડાડવામાં ક્ષણભરની પણ વાર નથી લાગતી. માળું, રાહુલ ગાંધીને ચૂપ કરવા માટે કેન્દ્રમાં સત્તાએ બેઠેલાઓએ આટલો મોટો ઉપાડો લેવો પડ્યો? કાઁગ્રેસીઓ એમ કહે છે ભા.જ.પા. અને મોદીને રાહુલ ગાંધીનો ડર છે અને માટે તેને ચૂપ કરાવવાની આ બધી રમત છે. પરંતુ જો એ સાચું હોય રાહુલ ગાંધીનો જે દાવો છે કે ભા.જ.પા. લોકશાહી વિરોધી છે એ સાચું પડે એ માટે ભા.જ.પા. મર્યાદાનું ઉલ્લંઘન ન કરત. રાહુલ ગાંધીનો પ્રભાવ હોય કે ન હોય પણ વાસ્તવિકતા એ પણ છે કે તેમની ભારત જોડો યાત્રામાં ક્યાં ય પણ નરેન્દ્ર મોદીને નુકસાન પહોંચડવાનો ઉદ્દેશ નથી રાખ્યો, બલકે એમણે કાઁગ્રેસમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પર ધ્યાન આપ્યું અને તેમાં સફળતા પણ મેળવી. લંડનમાં એ જે બોલ્યા એવા અર્થનું તો એ 2021માં પણ બોલ્યા છે અને પછી ચાર રાજ્યોમાં ભા.જ.પ.ના સૂપડાં સાફ થઇ ગયા. ત્યારે ભા.જ.પા.એ રાહુલ ગાંધીને બહુ ગંભીરતાથી ન લીધા પણ અત્યારે રાહુલ ગાંધી જાણે ભા.જ.પા. માટે એક માત્ર અગત્યનો મુદ્દો બની ગયા છે. રાહુલ ગાંધીને હકાલી કાઢવા ભા.જ.પા. જે રીતે પગલાં લીધાં એમાં એ લોકો જાણે યેનકેન પ્રકારણે રાહુલ ગાંધીને જ આગલી ચૂંટણીમાં વડા પ્રધાનના પ્રતિસ્પર્ધી તરીકે જોવા માગે છે.
હવે રાહુલે ભારત જોડો યાત્રામાં ભેગા કરેલા ગુડવીલનો ઉપયોગ કરતા કાઁગ્રેસને આવડે છે કે પછી કાઁગ્રેસીઓ પણ રાહુલ ગાંધીની વાહવાહી કરવામાં સમય વેડફી નાખે છે એ જોવું રહ્યું. રાહુલ ગાંધીને પણ કોઇએ એ કડવું સત્ય કહેવું પડશે કે તેમની શાલિનતા તેમની ઢાલ નથી બનવાની. ભારતીય લોકશાહીનું પતન થયું હોય તો એમાં રાહુલ ગાંધીનો પણ એટલો જ ફાળો છે કારણ કે જ્યારે જે કામ, જે રીતે થવું જોઇએ એ રીતે તેમણે કે તેમના પક્ષે કર્યું નથી. રાહુલ ગાંધીને સવાલ કરનારાઓને તેમની આસપાસના લોકો, પરિવાર પર પરાલંબી જીવની માફક ચોંટેલા લોકો ચૂપ કરી દે છે, કાઁગ્રેસમાં વંશવાદનો વિરોધ કરનારાઓનું કંઇ ચાલતું નથી. ઉદાહરણ તરીકે જ્યારે શશી થરૂરે પક્ષ પ્રમુખની ચૂંટણી લડવાનું નક્કી કર્યું તો એમને એવા હાંસિયામાં ધકેલ્યા કે બીજા કોઇ કાઁગ્રેસી નેતા એવું કરવાનો વિચાર પણ ભવિષ્યમાં ન કરે. હવે આ પણ તો લોકશાહીનું હનન જ થયું કહેવાય. રાહુલ ગાંધીને મોદીને હરાવવાનો વિચાર હશે? કે પછી એ એવી કોઇ બાબતની રાહમાં છે જે મોદીને હરાવી શકે. આ તરફ નરેન્દ્ર મોદી રાહુલને ઉશ્કેરવામાં વ્યસ્ત છે. રાહુલ ગાંધીને પોતાની સાચી જવાબદારી સમજાશે તો કંઇ ફેર પડશે. રાહુલ ગાંધીની આસપાસના લોકો એમને ગેરમાર્ગે નથી દોરી રહ્યા, પણ સાચા માર્ગે પણ નથી જ દોરી રહ્યા.
ઇંદિરા ગાંધીનું સંસદીય પદ પણ છીનવાયું હોવાની વાતને પણ રાહુલના કિસ્સા સાથે સરખાવાય છે. ઇંદિરા ગાંધીનું ફોકસ રાજકારણ હતું અને રાહુલ ગાંધીને સમાજ સુધારણા કરવી છે. રાહુલ ગાંધી પ્રત્યે લોકોની, વિપક્ષોની સહાનુભૂતિ વધી રહી છે પણ છતાં ય 1977માં જે રીતે ઇંદિરા ગાંધીના જેલ વાસ પછી તેમનું જે ‘વિક્ટીમ કાર્ડ’ ચાલી ગયું હતું એવું રાહુલના મામલામાં થવાની શક્યતાઓ પાંખી છે.
આ તરફ ભા.જ.પા.ને રાહુલ ગાંધીનું નામ વાતે વાતે ઉછાળવાની મજા પડે છે. ભા.જ.પા. શાસનનું કામ ચાલુ રાખે છે પણ તેમું રાજકારણ કોઇ નેતાને પંચિગ બૅગ બનાવીને લડ્યા કરવાનું છે. અતિક અહેમદ હોય કે અદાણી હોય – એ બધા મુદ્દે ભા.જ.પા.ને ચૂપ રહેવું છે.
જો વિપક્ષો એક થઇ જાય તો મતદારોને લોકશાહી પર તોળાઇ રહેલા જોખમની વાસ્તવિક્તા બતાડી શકે પણ ભારતીય મીડિયામાં સત્તા પક્ષથી અલગ અવાજ સંભળાવવાનુ આજકાલ થોડું અઘરું બન્યું છે. રાજકીય ઐક્ય જ સરમુખત્યારી રાજકારણનો જવાબ બની શકે. રાહુલ ગાંધીએ પણ સંસદીય જવાબદારીમાંથી મળેલી મુક્તિનો ઉપયોગ ભારતની સમસ્યાઓને વધારે નજીકથી જોવામાં કરવો જોઇએ.
બાય ધી વેઃ
રાહુલ ગાંધીના ટ્વિટર બાયોમાં હવે ‘ડિસક્વૉલિફાઇડ એમ.પી.’ લખાયેલું છે. નીચલી અદાલતે રાહુલની અપીલ માટે એક મહિનાનો સમય આપ્યો છે. સસલા અને કાચબા વચ્ચે દોડવાની જે હરીફાઇ થઇ હતી એ વાર્તાનો સંદર્ભ લઇએ તો એમાં રાહુલ ગાંધી ધીરે ધીરે દોડતું સસલું હોય અને લોકશાહી પર બેઠેલા વજનદાર કાચબાથી આગળ નીકળી શકે – ભલેને લાંબે ગાળે – એવું પણ થઇ શકે છે પણ એ માટે આસપાસના ‘ચિયર લિડર્સ’ને દૂર કરી રાહુલ ગાંધીએ વૈચારિક નેતાઓને નજીક લાવવા પડશે. આ ક્ષણના નાયક રાહુલ ગાંધી નથી, પણ રાજકીય ખેલમાં ટલ્લે ચઢાવાતી લોકશાહી છે. લોકશાહીને બચાવવાની તાતી જરૂરિયાત જે લોકોને ગળે ઉતારી શકશે એ જ રાજકીય પ્રવાહ દેશના ભાવિને ઉગારી શકશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઍપ્રિલ 2023