સીધા સાદા નામ ‘કોલાબા’ અંગે વિદ્વાનોના આટાપાટા
ભાટિયા બાગની ચડતી, પડતી, ચડતી
કોણ હતા વાલચંદ હીરાચંદ?
સપનાં લો કોઈ સપનાં,
અવાવરુ કો હૈયા ખૂણે
નાખી રાખો, નહિ કંઈ પૂણે
નીવડશે કદી ખપનાં.
− ઉમાશંકર જોશી
એપ્રિલ ૧
બ્રેકિંગ ન્યૂસ : મુંબઈ મહાનગર પાલિકાની અસાધારણ બેઠકમાં બરાબર રાતના બાર વાગે એક ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે મુંબઈના રસ્તાઓનાં જે નામ ૧૯૪૭ પહેલાં હતાં તે પ્રમાણે ફરી રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું, જેથી મુંબઈ શહેરના ભવ્ય ઇતિહાસને હંમેશ માટે જાળવી રાખી શકાય. રસ્તાઓને તેનાં જૂનાં નામ પાછાં આપવાની આ કામગીરી એક મહિનામાં પૂરી કરવાનું પણ ઠરાવવામાં આવ્યું હતું. ખાસ નોંધપાત્ર વાત એ છે કે બધા જ રાજકીય પક્ષોના સભ્યોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો.
ચિંતા ન કરતા હો! ક્યારે ય સાચું ન પડે એવું આ તો એક સપનું માત્ર હતું. હકીકતમાં તો રસ્તા, ગલ્લી, સ્ટેશન, ચોક-ચબૂતરા, ઇમારતો વગેરેનાં નામ બદલવાની હોડ જામી છે. અંગ્રેજોએ આપેલાં ઘણાંખરાં નામ તો બદલાઈ ગયાં – એકાદ એલ્ફિન્સ્ટન કોલેજને બાદ કરતાં. હવે શું બદલવું? બદલો ‘લઘુમતિ જાતિઓ’નાં નામ. કેટલીક વાર તો ડિમાંડ કરતાં રસ્તા ઓછા હોવાને કારણે રસ્તાને અગાઉ આપેલું નામ ગુપચૂપ રાતોરાત બદલી નાખવામાં આવે છે. પણ આ બધા તો સત્તાધારીઓના ખેલ. લોકો તો જે હૈયે તે જ હોઠે એમ માનીને જૂનાં નામ જ વાપરે છે.
હિન્દીમાં એક કહેવત છે : હાથ કંગન કો આરસી ક્યા? પણ આ વાત તો મારા-તમારા જેવા આમ આદમી માટે. સાક્ષરો તો પાણીમાંથી પોરા કાઢે. એટલે જ તો સંસ્કૃતમાં કહેવાયું છે : સાક્ષરા: વિપરીતા: રાક્ષસા: ભવતી. એક, સાક્ષરા: શબ્દને ઊંધો વાંચો તો વંચાય રાક્ષસા:, અને જો સાક્ષરો અવળા થાય તો રાક્ષસો જેવું કામ કરે. જે નામ સાવ સાદું સીધું હોય તેને માટે પણ સાક્ષરોમાં મતમતાંતર જોવા મળે. મુંબઈના અસલ સાત ટાપુમાંનો છેવાડાનો એક નાનકડો ટાપુ. દરિયાનાં પાણીથી ઘેરાયેલો. પણ પાણી બહુ ઊંડાં નહિ એટલે ત્યાં જવા-આવવા માટે નાની હોડી બસ થાય. વસ્તી એ વખતે તો કોળીઓની. પ્રાગઐતિહાસિક કાળથી તેઓ અહીં વસે. માછીમારી એમનો મુખ્ય ધંધો. સાથે થોડાં શાકભાજી પણ ઉગાડે. પુરુષો તો મોટે ભાગે દરિયે હોય, એટલે કુટુંબમાં સ્ત્રીઓનું વર્ચસ્વ. માછલી વેચવાથી અવારનવાર સોનું ખરીદવા સુધીનાં ઘણાંખરાં કામ સ્ત્રીઓ કરે.
૧૯મી સદીના પ્રખ્યાત ચિત્રકાર ધુરંધરની પીંછીએ કોળી પતિ–પત્ની
કોળીઓ મોટેભાગે દેવી પૂજક. તેમની એક દેવી તે મુંબા આઈ. તેના પરથી આપણા આ શહેરને નામ મળ્યું મુંબાઈ-મુંબઈ. કોળીઓની વસ્તી માટેનું એક નામ કોલભાટ. ગિરગામ વિસ્તારમાં એક કોલભાટ લેન પણ હતી. આ કોલભાટ પરથી નામ પડ્યું કોલાબા. પણ સંસ્કૃતના પ્રકાંડ પંડિત મોલ્સવર્થે કહ્યું કે ના. આ નામ તો અરબી ભાષામાંથી આવ્યું છે જેનો અર્થ થાય છે દરિયાના પાણી વચ્ચેની નાની, પાતળી, ગરદન જેવી જમીન, ભૂશિર. તો બીજા એક પારસી વિદ્વાન ડો. જીવણજી જમશેદજીએ કહ્યું કે ફારસી શબ્દ ‘આબ’ (પાણી) અને કોળી, એ બે નામ ભેગાં થતાં બન્યું કોલાબા. તો વળી બીજા એક વિદ્વાને કહ્યું કે ના ભાઈ ના. આ કોલાબા નામ તો બન્યું છે બે ફારસી શબ્દો ભેગા કરીને : કાલા+આબ (પાણી) = કાલાબા, કોલાબા.
છેક ૧૮૩૮ સુધી કોલાબા ટાપુ બીજા બધા ટાપુથી અલગ હતો. તેને બીજા ટાપુઓ સાથે જોડવાની યોજના તો છેક ૧૮૨૦માં ઘડાઈ હતી, પણ તેની શરૂઆત થઈ ૧૮૩૫માં! એટલે જ તો સૂરદાસજીએ ગાયેલું : સરકારી ગત ન્યારી, ઊધો! સરકારી ગત ન્યારી!’ પચીસ-ત્રીસ વરસ પહેલાં બંધાયેલા પૂલ આજે તોડીને નવેસરથી બાંધવા પડે છે. પણ એ પૂલ તોડતાં પહેલાં કોઈ એવો સવાલ કરતું નથી કે પૂલ એવો તે કેવો બંધાયેલો, કોણે બાંધેલો, કે આટલા ઓછા વખતમાં એ ખખડધાજ બની ગયો? ક્યારેક બ્રિટિશ શાસનમાં પણ આવું બનતું હો! ૧૮૩૮માં બંધાયેલો કોલાબા કોઝવે ૧૮૬૧-૧૮૬૩ દરમ્યાન તોડીને ફરી બંધાયો! એટલે હાથકંગન જેવી વાત એ કે જે નાનકડા ટાપુ પર કોળીઓની વસ્તી તેનું નામ પડ્યું કુલાબા કે કોલાબા.
કોળીઓ પછી આવ્યા ભંડારીઓ. તેમના નામ પરથી પણ એક રસ્તાનું નામ પડ્યું ભંડારી સ્ટ્રીટ. અગાઉના ફોકલેન્ડ રોડથી ભંડારવાડા સ્ટ્રીટ સુધી જતા રસ્તાનું એ હતું નામ. મુખ્ય ધંધો તાડી બનાવવાનો અને વેચવાનો. એક જમાનામાં મુંબઈમાં તાડીનું ચલણ ઘણું. આ લખનારે નાનપણમાં રસ્તાઓ પર ઠેર ઠેર ‘તાડી માડી કેન્દ્ર’નાં બોર્ડ જોયાં છે. ગુજરાતી અને મરાઠીના ‘તાડી’ શબ્દ પરથી અંગ્રેજોએ બનાવ્યો શબ્દ toddy. અંગ્રેજી ભાષામાં આ શબ્દ પહેલવહેલી વાર વપરાયો ઈ.સ. ૧૬૦૯માં. ૨૦૧૬ના ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર સરકારે તાડીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો. પણ તેને પરિણામે બીજાં ભેળસેળવાળાં જોખમી પીણાં વેચાવા લાગ્યાં એટલે આ પ્રતિબંધ ૨૦૧૭ના ઓગસ્ટમાં પાછો ખેંચી લીધો. આ ભંડારીઓમાં પાછી પાંચ ઉપજાતિ : શિંદે, ગૌડ, મોરે, કિરપાલ, અને કિત્રે. આ બધા આમ તો ભંડારી, પણ તેમના વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર નહિ. ભંડારવાડા નામ પણ આ ભંડારીઓ પરથી.
તાડી માડી ભંડારી
અગાઉ ઉજ્જડ ટેકરી હતી તે મલબાર હિલ પર ૧૮૬૪ પછી મુંબઈના માલેતુજારો બંગલા બંધાવી રહેવા લાગ્યા. પણ એ પહેલાં મુંબઈના શ્રેષ્ઠીઓ ક્યાં રહેતા? સર દિનશા વાચ્છાના કહેવા પ્રમાણે એ પહેલાં ધનિકોની વસ્તી બહાર કોટ વિસ્તારમાં, એટલે કે કિલ્લાની બહારના ભાગમાં હતી. તેમાં પારસી વેપારીઓ, કપોળ વાણિયા, મંગળદાસ નથ્થુભાઈ અને વરજીવનદાસ માધવદાસ જેવા શ્રેષ્ઠીઓ, પણ અહીં જ રહેતા. બજાર ગેટ સ્ટ્રીટ અને જૂની મોદી સ્ટ્રીટમાં મુખ્યત્ત્વે ભાટિયાઓની વસતી. ગોકુલદાસ તેજપાલ, ગોકુલદાસ લીલાધર, ખટાઉ મકનજી, જીવરાજ બાલુ, જયરામ સવજી, જેવી હસ્તીઓ બજાર ગેટ સ્ટ્રીટ અને પારસી અગિયારી સ્ટ્રીટ પર રહેતી. હોળી ચકલામાં પણ ભાટિયાઓની મોટી વસતી. ઘણા લોકો એ વિસ્તારને ‘ભાટિયા વાડ’ તરીકે ઓળખતા. બોરી બંદરથી થોડે દૂર આવેલા ભાટિયા બાગ વિસ્તારમાં પણ તેમની ઝાઝી વસતી.
આ વિસ્તારમાં આવેલા ભાટિયા બાગની વાત ‘ઘડીમાં ઉપર, ઘડીમાં નીચે’ એવી છે. ચોક્કસ વરસ તો જાણવા નથી મળ્યું, પણ બોરી બંદર – આજના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – થી થોડે દૂર આવેલો આ બાગ લગભગ દોઢસો વરસ જૂનો તો છે જ. નહોતો બહુ મોટો, કે નહોતો આલા દરજ્જાનો બાગ. આસપાસનાં છોકરાં રમવા આવે, ગલઢેરાઓ સાંજે બાંકડે બેસવા આવે. ધીમે ધીમે ઘસાતો ચાલ્યો. સારસંભાળને નામે મીંડું. એટલે પછી પંદરેક વરસ બંધ રહ્યો – નો એન્ટ્રી. હા, ગંજેરી ભંગેરી વિના રોકટોક આવજા કરતા અને પોતાના ગોરખ ધંધા ચલાવતા. પછી વળી મ્યુનિસિપાલિટી સફાળી જાગી. આનું તો નવીનીકરણ કરવું જોઈએ. સફાઈ કરી, બાળકો માટે હિંચકા, લસરપટ્ટી વગેરે ગોઠવ્યાં. થોડા બાંકડા પણ ખરા. ટેવ પ્રમાણે લાલ-લીલા ભડક રંગે બધું રંગ્યું. આ બધા પાછળ એક કરોડ સિત્તેર લાખ રૂપિયા ખર્ચાયા.
કલકત્તાની ટ્રામને પહેરાવ્યા મુંબઈના વાઘા
થોડા વખતમાં નજીકના CSMTને વર્લ્ડ હેરિટેજનું લેબલ લાગ્યું. અરર, આટલી ભવ્ય ઈમારતની નજીક આવેલો બાગ આવો ભૂખડી બારસ? આવા ભડક રંગો? આવા ભંગાર બાંકડા? ના ચાલે, ચાલે ના. ફરી તોડફોડ. નવી ગિલ્લી નવો દાવ, પૂરી નહિ તો શીરો લાવ. ત્યાં વળી કોઈના ભેજામાં ફળદ્રુપ વિચાર આવ્યો. એક જમાનામાં મુંબઈના રસ્તા પર ટ્રામ દોડતી. એ ‘હેરિટેજ’ની યાદમાં મૂકીએ અહીં એક ટ્રામ. પણ ટ્રામ લાવવી ક્યાંથી? ૧૯૬૪માં મુંબઈમાં ટ્રામ બંધ થઈ પછી બધી વેચાઈને ભંગાર વાડે ગઈ. હવે? અરે, કલકત્તામાં હજી ચાલે છે ટ્રામ. તો ત્યાંથી લઈ આવો. આવી. વાજતે ગાજતે મેયરને હાથે ગોઠવાઈ. પણ જેણે મુંબઈની ટ્રામ જોયેલી એ તો તરત કહી દે : ‘મુંબઈમાં જે ટ્રામ દોડતી તે આવી તો નહોતી!’ કારણ મુંબઈ-કલકત્તાની ટ્રામની ડિઝાઈન, રૂપરંગમાં ફેર. ટ્રામ બંધ કર્યા પછી કોઈને એકાદ નમૂનો પણ રાખવાનું સૂઝ્યું નહિ. નાખો બધી ભંગાર વાડે. અને પછી ટ્રામ લાવો ભાઈ ટ્રામ! પહેલાં થૂંકીને ઇતિહાસ ભૂંસો, પછી થૂંકેલું ચાટો!
આ ભાટિયા બાગ આવેલો છે તે રસ્તાનું અસલ નામ ફોર્ટ સ્ટ્રીટ. ખાસ્સો લાંબો-પહોળો રસ્તો એને ‘સ્ટ્રીટ’ કેમ કહ્યો હશે, એ તો અંગ્રેજો જાણે. અસલ ફ્રેરે રોડથી હોર્નબી રોડ સુધી જતો આ રસ્તો. પણ ફોર્ટ કહેતાં કિલ્લો તો આ સ્ટ્રીટથી દૂર છે. છતાં આ નામ કેમ? કારણ અસલ ફોર્ટ નાનો પડવાને કારણે નજીકમાં બીજો કિલ્લો ફોર્ટ સેન્ટ જ્યોર્જ બાંધવામાં આવેલો. અને આ રસ્તો એ કિલ્લા સુધી જતો એટલે ફોર્ટ સ્ટ્રીટ એવું નામ.
વાલચંદ હીરાચંદનાં માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ
આ રસ્તાનું આજનું નામ વાલચંદ હીરાચંદ માર્ગ. એમનો જન્મ ૧૮૮૨માં, અવસાન ૧૯૫૩માં. એ જમાનામાં ‘સ્વદેશી’ ઉદ્યોગોના પુરસ્કર્તા. કામની શરૂઆત કરી રેલવેના કોનટ્રેક્ટર તરીકે. ૧૯૦૮માં વાલચંદ નગર ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી. શરૂઆત ખાંડના ઉત્પાદનથી. પણ તેમનું સૌથી મોટું સાહસ તે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની. નરોત્તમ મોરારજી અને કિલાચંદ દેવચંદ સાથે મળીને માત્ર એક સેકંડ હેન્ડ સ્ટિમરથી તેમણે આ કંપની શરૂ કરી. પછી ૧૯૨૭માં ફ્રી પ્રેસ ઓફ ઇન્ડિયા નામની ન્યૂસ એજન્સી શરૂ કરી. સ્ટીમર પછી વિમાન! ૧૯૩૯માં બેંગ્લોરમાં શરૂ કરી હિન્દુસ્તાન એરક્રાફ્ટ. જો કે ૧૯૪૨માં બ્રિટિશ સરકારે એ કંપની હસ્તગત કરી લીધી. કારણ ત્યારે બીજું વિશ્વ યુદ્ધ ચાલતું હતું અને એટલે વિમાન બનાવતી કંપની ખાનગી ક્ષેત્રમાં હોય તે સરકારને પોસાય નહિ. આજની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL)ની એ માતૃ સંસ્થા. ઘણા દેશોમાં રસ્તાને જો કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય તો તે વ્યક્તિની થોડી જાણકારી પણ બાજુમાં મૂકવાનો ચાલ છે. આપણે ત્યાં નથી. એટલે આપણા લોકો એવી જાણકારીથી વંચિત રહે છે.
એટલે જ નરસિંહ મહેતાએ ગાયેલું : રોડ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં …
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 01 એપ્રિલ 2023