
રવીન્દ્ર પારેખ
ડાંગની મહિલાઓ વન વિભાગનાં નાહરી કેન્દ્રથી આત્મનિર્ભર બની એવા સમાચાર 21મી માર્ચે આવ્યા એ જાણીને આનંદ થયો. તે એટલે પણ કે 21મી માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ હતો. ડાંગના વઘઇ ખાતે વનવિભાગ દ્વારા પુરસ્કૃત, આ નાહરી કેન્દ્ર 2018થી શરૂ કરવામાં આવ્યું. તેનો હેતુ પ્રવાસીઓને શુદ્ધ અને સાત્ત્વિક ડાંગી ભોજન ઉપલબ્ધ કરાવવાનો હતો. છે. નાહરી કેન્દ્ર મહિલાઓ દ્વારા સંચાલિત છે. આ કેન્દ્રને લીધે મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે ને બારેક વનવાસી મહિલાઓ નાહરી કેન્દ્રમાં જોડાઈને આજીવિકા મેળવી રહી છે. આ મહિલાઓ ડાંગી ભોજન પીરસે છે અને વનવાસી ભોજનનો આનંદ પ્રવાસીઓ આ કેન્દ્ર પર જઈને મેળવે છે. ડાંગ જિલ્લો ઓર્ગેનિક જાહેર થયેલો છે, ત્યારે આ જિલ્લાની ભોજન સામગ્રીની વિશેષ ઓળખ ઊભી થઈ છે ને તેનું પ્રવાસીઓમાં આકર્ષણ પણ ઊભું થયું છે. અહીંનો ઓર્ગેનિક ખોરાક શુદ્ધ અને સાત્ત્વિક હોવાને કારણે ઘણા ઓર્ડરો કેન્દ્રને મળે છે ને એને લીધે અનેક મહિલાઓને રોજગારી મળતી થઈ છે. આ કેન્દ્રમાં ડાંગી થાળી ઉપરાંત નાગલીના પાપડ, વાંસનું અથાણું, નાગલીમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ્સ વગેરે વેચીને પણ આવક ઊભી કરવામાં આવે છે. એ આવક ધિરાણ માટે પણ ઉપયોગમાં લેવાય છે. નફાના દસ ટકા વન વિભાગને ચૂકવાય છે. આવું અન્ય વન ક્ષેત્રમાં પણ થતું હશે ને ત્યાંની સ્ત્રીઓ પણ આર્થિક રીતે સદ્ધર બનતી હશે. આ બધું જંગલોને આભારી છે. એને બદલે એમ ખબર પડે કે જંગલો વેચી દેવાય છે તો સવાલ એ થાય કે જે વેચી રહ્યા છે તે જંગલી છે કે જે વનમાં સદીઓથી રહે છે તે જંગલી છે? આ એવા લોકો છે જે ઓછામાંથી પણ ઓછું મેળવે છે. અછત જ એમની છત છે, એ છત છીનવાય ને બીજાને સોંપાય એમાં કુદરતી ન્યાય નથી. ભૂખ્યાંને ભૂખ્યાં રખાય ને ભરેલાંને ભરાય એ વિકાસ નથી, અન્યાય છે. આ ન થવું જોઈએ, પણ તે થાય છે ને શરમજનક રીતે થાય છે. કેવી રીતે તે જોઈએ.
એક સમય હતો જ્યારે આપણી ખેતી પૂર્ણપણે ઓર્ગેનિક હતી. એ હતું કે આર્થિક સગવડો ઓછી હોવાને કારણે પાક ઓછો લેવાતો હતો, સાધનો ઓછાં હતાં ને વરસાદ પર જ આધાર રહેતો હતો. એમાં સુધારાઓ જરૂરી હતા, પણ પછી વધુ પાક લેવાની લ્હાયમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધ્યો ને આજે તો એની એટલી આડઅસરો છે કે ફરી એકવાર આપણે ઓર્ગેનિક ફૂડનો મહિમા કરતાં થયાં છીએ. ઓર્ગેનિક જાણે આયાત થયું હોય તેમ આપણે અભિભૂત થઇએ છીએ. એમાં કોઈ શક નથી કે કેમિકલ કોઈક રીતે તો તેની અસરો છોડે જ છે, પણ આપણે અભિભૂત રહેવા ટેવાયેલા હોવાને કારણે મોડું સમજીએ છે. અત્યારે આપણે વિકાસ માટે મરણિયાં થયાં છીએ. જ્યાંને ત્યાં બધે વિકાસ, વિકાસ થઈ રહ્યું છે. વિકાસની જરા પણ ના નથી, પણ ક્યાંક તો કોઈ મર્યાદા નક્કી કરવી પડશેને ! ગમે એટલું વિકસીએ તો પણ ચામડીની બહાર તો જવાવાનું ને જીવાવાનું નથી. એવી જ રીતે વિકસીને પાકિસ્તાનમાં કે ચીનમાં પણ નીકળાવાનું નથી. ક્યાંક તો અટકવું પડશેને ! પણ અત્યારે આખો દેશ અટકવાના મૂડમાં નથી. બધા જ હૈસો હૈસો કરીને વિકસવા મથી રહ્યા છે. એમાં ગુજરાત પણ પાછળ નથી. ગુજરાત પણ વિકાસને નામે વહાણ હંકારી રહ્યું છે, પણ તે હલેસાં રેતીમાં મારતું હોય એવું વધારે લાગે છે. આપણે સૌથી વધુ વિકાસ ઉદ્યોગોનો / ઉદ્યોગોમાં માનીએ છીએ. ઉદ્યોગો વિકસે તેની પણ ના નથી, પણ તે પર્યાવરણને ભોગે થતો હોય તો ક્ષમ્ય નથી.
વન દિન તાજો જ ગયો. એ દિવસે સરકારી જાહેરખબરોમાં જે આંકડા અપાયા છે તે જોવા જેવા છે. આજકાલ તો સૂત્રોની બોલબાલા છે. સૂત્રો આપવાથી કે બોલવાથી જ કામ પૂરું થઈ જાય છે. એટલે સરકારે પણ જાહેરાતમાં સૂત્ર અંગ્રેજીમાં મૂકયું : HEALTHY FORESTS FOR HEALTHY PEOPLE. એ પાછું લીલા રંગમાં. વન લીલું હોયને એટલે. જો કે લીલાશ હવે રંગમાં જ રહી ગઈ હોય તો નવાઈ નહીં. એ જાહેર ખબરમાં ગુજરાતને હરિયાળું બનાવવાની વાત પણ છે. આપણે ક્યાં ક્યાં લીલોતરી કરી મૂકી છે તે સંદર્ભે કહેવાયું છે કે વનની બહારનાં વૃક્ષોમાં 2021 મુજબ 58 ટકાનો વધારો થયો છે. વનની બહાર ચાલુ વર્ષે 18,656 હેક્ટર વિસ્તારમાં 174.86 લાખ રોપાનું વાવેતર થયું છે. આ બધુ વનની બહાર થાય છે, તો એ વાતે આનંદ થાય કે જંગલમાં તો જંગલ સિવાય બધું જ હશે. છેલ્લાં બે વર્ષમાં વન આચ્છાદિત વિસ્તારમાં 69 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. આમ તો આ જાહેરાત છે ને જાહેરાતમાં હોય એટલો વિશ્વાસ આમાં પણ હોય જ ! જો આ સાચું હોય તો એ જ વન દિવસે આ સમાચાર પણ છે.
છેલ્લાં બે કેલેન્ડર વર્ષમાં જુદા જુદા ઔદ્યોગિક સાહસોએ જંગલોની જમીન માંગી, તેમાંની 30 દરખાસ્તો માટે 180.0825 હેક્ટર જંગલની જમીન ફાળવવામાં આવી છે. 2021માં 21 દરખાસ્તો માટે 172.7262 હેક્ટર જમીન ફાળવાઈ ને 2022માં 9 દરખાસ્તો માટે 7.3563 હેક્ટર જંગલોની જમીન ફાળવવામાં આવી. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં રાજ્યના વન-પર્યાવરણ મંત્રીએ એવો ખુલાસો કર્યો કે આ જંગલ જમીનની સોંપણીના બદલામાં ઉદ્યોગગૃહોએ કુલ 78,71,24,004 રૂપિયા ચૂકવ્યા છે. એટલે કે એક ચોરસ મીટરના 437 રૂપિયા ફક્ત. આટલો ઓછો ભાવ તો અંતરિયાળ ગામોની જમીન પેટે પણ વસૂલાતો નથી, પણ વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? એમાં 2021માં 77.86 કરોડ અને 2022માં 84.08 લાખ વસૂલાયા છે. વન-પર્યાવરણ મંત્રીએ એવી સ્પષ્ટતા પણ કરી કે 31-12-‘22ની સ્થિતિએ સુરતના હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડે તથા તત્કાલીન એસ્સાર સ્ટીલ લિમિટેડે વનખાતાની કુલ 93.67 હેક્ટર જમીન ઉપર દબાણ કર્યું હતું ને એ જમીનનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો હતો. એ જમીન પૈકી 65.73 હેક્ટર જમીનને ભારત સરકારની સંમતિથી 6.93 કરોડ વસૂલીને પરવાનગી આપી દેવાઈ છે, જ્યારે 20.76 હેક્ટરની દરખાસ્તને માત્ર સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. આ રીતે વનની ભૂમિ હડપીને, પછી દંડથી સમાધાન કરીને માલિકી ઊભી કરવાની યુક્તિ ઉદ્યોગોને કોઠે પડી ગઈ છે ને સરકાર પણ દંડ વસૂલીને ગેરકાયદેસરને કાયદેસર કરી આપે છે. આ કોઈક રીતે નિયંત્રિત થવું જોઈએ.
સામાન્ય રીતે જંગલની જમીન વિકાસ માટે આપવામાં આવતી નથી, પણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ગોચરની જમીન આપ્યા પછી હવે જંગલની જમીન પર ડોળો ઠર્યો છે. ગુજરાતમાં વિકાસની પ્રક્રિયા, શહેરીકરણ અને વસ્તી વધારાને કારણે પર્યાવરણની પથારી ફરી ગઈ છે. આ ઉપરાંત વૃક્ષ છેદનનો છેડો આવતો નથી. રાજ્યમાં છેલ્લા દાયકામાં ટ્રી કવર 34.32 ટકા ઘટ્યું છે. આ બધું જોતાં લાગે છે કે આપણે મૂરખ છીએ. એક બાજુ સરકાર વધુ વૃક્ષ વાવોના વાવટા ફરકાવતી રહેતી હોય ને આપણે પણ પાળેલા ટટ્ટુની જેમ ચારે બાજુ વૃક્ષ વૃક્ષ કરી મૂકીએ છીએ, પણ બેઝિક પ્રોબ્લેમ એ છે કે એમાં જીવ હોતો નથી. નરી બનાવટ છે આ. તે એટલે કે વૃક્ષો વાવવાનો પડઘો તો વૃક્ષો કાપવામાં પડતો હોય છે. એમ લાગે છે કે આપણી સાથે ગમ્મત થઈ રહી છે. જો સરકાર જ ઊઠીને ઉદ્યોગોને જંગલની જમીનો ફાળવી દેતી હોય ને પછી પર્યાવરણની જાળવણીની પંચાત કરતી હોય તો તેનાં ચાવવાના ને બતાવવાના જુદા છે એમ માનવું પડે. આમે ય ઉદ્યોગોએ પર્યાવરણના અઢળક પ્રશ્નો ઊભા કર્યા હોય ત્યાં જંગલોની જમીનો સોંપીને સરકાર પર્યાવરણના પ્રશ્નો જ વધારી રહી છે કે બીજું કૈં? ને આ ઉદ્યોગો, જંગલો રહેવા નથી જ દેવાના તે દીવા જેવી ચોખ્ખી વાત છે. વારુ, જે ઉદ્યોગો આ જંગલની જમીન પર ઊગશે તે અનેક પ્રકારનાં પ્રદૂષણ પણ ફેલાવશે ને લીલાશ ખતમ કરશે તે નફામાં. વર્ષોથી જ્યાં વનવાસી પ્રજા જંગલોમાં જીવે છે એમની જમીન જશે ને જે ત્યાં થોડું ઘણું કામકાજને લીધે કમાતાં હતાં તે કમાણી પણ જશે.
શરૂઆતમાં ડાંગનો દાખલો એટલે જ આપ્યો કે વન વિભાગ દ્વારા જે તકો મહિલાઓની રોજગારીની ઊભી થઈ છે તે તકો જંગલો વેચાતાં ઝૂંટવાશે. ઉદ્યોગોને જંગલો વેચવાનો અર્થ પર્યાવરણની ખુલ્લેઆમ થતી હત્યાથી વિશેષ કૈં નથી. વૃક્ષો વાવવાની વાતમાં ભરોસો એટલે નથી, કારણ, વાવીને કરવાનું શું, જો જંગલો તાસકમાં મૂકીને સરકાર જ મામૂલી ભાવના બદલામાં ઉદ્યોગોને સોંપી દેતી હોય તો?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 માર્ચ 2023