Opinion Magazine
Number of visits: 9449049
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મજમુદાર, વૈદ્ય, ઝવેરી અને પટેલ ગંગાબહેન

કેતન રુપેરા|Gandhiana|24 March 2023

પરિશિષ્ટ : ક યાં ગંગાબહેન કોણ?

ગાંધીયુગમાં એક નહિ, બે નહિ, ચાર ચાર ગંગાબહેનો લગભગ એક જ અરસામાં ગાંધીજી સાથે પ્રત્યક્ષપણે સંકળાયેલાં રહ્યાં. આ ઉપરાંત, ગાંધીજીએ જેમને લાઠીથી તેડાવ્યાં અને જેમની પાસેથી વણાટકામ શીખ્યા તે રામજીભાઈ બઢિયાનાં પત્ની પણ ગંગાબહેન તથા કરાચીમાં નમક સત્યાગ્રહથી લઈને વિવિધ ચળવળોમાં ભાગ લઈ જેલવાસ ભોગવનાર ને આઝાદી પછી જામનગર આવીને વસનાર એ પણ ગંગાબહેન. વળી, આણંદનાં એક ગંગાબહેને પણ સત્યાગ્રહની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આમ, ઓછામાં ઓછા સાત ગંગાબહેનો ગાંધીજી અને/અથવા સ્વાતંત્ર્ય ચળવળ સાથે જોડાયેલાં હતાં. 

જો કે, ગાંધીજીનો પત્ર-વ્યવહારથી લઈને અન્ય સંપર્ક-વ્યવહાર આમાંથી મુખ્યત્વે ચાર ગંગાબહેન સાથે રહેલો. પરંતુ જેમને એક પણ ગંગાબહેનના સીધા સંપર્કમાં આવવાનું થયું નથી અને ગાંધીસાહિત્યના વાચનમાત્રથી આ બધાં ગંગાબહેનોનાં જીવન અને કાર્યોનો છૂટોછવાયો પરિચય મેળવવાનો રહે છે, તેમના માટે એકના બદલે બીજા કે બીજાને બદલે ત્રીજા-ચોથા ગંગાબહેનનાં નામ કે કામ એકમેકમાં ભળી જવાં સંભવ છે; મોટેભાગે આ ભેળસેળ ચાર ગંગાબહેનો – મજમુદાર, વૈદ્ય, ઝવેરી અને પટેલ–માં થતી જોવા મળે છે. પુસ્તક[ગાંધીવારસાનાં નારીરત્નો]માં ચારેય ગંગાબહેનોનાં જીવન અને કાર્ય વિશે સંક્ષિપ્ત આલેખન છે જ, પણ જો ‘કયાં ગંગાબહેન કોણ?’ એવો ટૂંકો પરિચય એક જ પ્રકરણમાં અપાઈ જાય તો એમના વિશે આપણાં સૌની, અને તેથી કરીને આપણાં થકી અન્ય સૌની સમજણ સ્પષ્ટ થાય. અત્યારની નહીં, એ યુગની ગંગા જેવી શુદ્ધ થઈ થાય. શરૂ કરીએ શરૂઆતથી …

મજમુદાર ગંગાબહેન

આ ગંગાબહેને ગાંધીજીને રેંટિયો શોધી આપ્યો હતો. ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’માં ૧૯૦૯માં રેંટિયાનો વિચાર તો મૂક્યો, “રેંટિયા વિના સ્વરાજ અશક્ય છે”, પણ ત્યારે હજુ રેંટિયો જોયો નહોતો. એ જોયો તેના નવ વર્ષ પછી – ૧૯૧૮માં. અને એ શોધી આપનાર બહેન તે ગંગાબહેન મજમુદાર. એટલું જ નહિ, રેંટિયો કાંતનાર કુટુંબોને પણ શોધી આપ્યાં. એ વખતે રૂની પૂણી પણ મિલમાં બનેલી આવતી હતી. ગાંધીજીના કહેવાથી તેમણે રૂની પૂણીઓ બનાવનાર પીંજારાને પણ શોધી કાઢ્યો ને તેની પાસે મોટા પાયે કામ લીધું. કામ આટલેથી પૂરું થયું ન હતું. એ વખતના રેંટિયા દ્વારા કાંતેલું સૂતર જાડું હોવાને કારણે ખાદી બહુ જાડી અને પાછી ટૂંકા પનાની રહેતી હતી. ગાંધીજીએ ગંગાબહેનને રીતસરની “ચેતવણી” જ આપી કે જો ૪૫ ઇંચ પનાનું ખાદીનું ધોતિયું એક માસની અંદર પૂરું ન પડે તો એમને જાડી ખાદીનું અડધિયું પહેરીને નિભાવ કરવો પડશે. પણ ગંગાબહેન એટલે ગંગાબહેન. સૉરી, મજમુદાર ગંગાબહેન એટલે મજમુદાર ગંગાબહેન. એમણે ગાંધીજીએ માંગ્યું હતું એનાથીયે પાંચ ઇંચનો વધારે, પચાસ ઇંચનો ધોતીજોટો પૂરો પાડ્યો ને ગાંધીજીએ કહ્યું “મારું દારિદ્ર્ય ફિટાડ્યું.”

યાદ રાખવા માટે; ગાંધીજીના શબ્દોમાં “મહાસાહસી” બહેન, મજમુદાર ગંગાબહેન; મ-મનો પ્રાસ. ઘોડે ચઢી, “દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ રેંટિયાની શોધમાં” ભમી ગાયકવાડ રાજ્યના વિજાપુરમાંથી અભરાઈએ ચઢાવી દીધેલા રેંટિયા આ ગંગાબહેને ઉતરાવ્યા હતા. ૧૯૧૭માં ભરૂચ કેળવણી પરિષદમાં મજમુદાર ગંગાબહેનની ગાંધીજી સાથે સૌપ્રથમવાર મુલાકાત થઈ હતી. ગોધરાની રાજકીય પરિષદમાં ગાંધીજીએ રેંટિયા અંગે પોતાની વાત એમને કરી હતી. ગંગાબહેન નાની ઉંમરે વિધવા થયાં હતાં. અસ્પૃશ્યતા-નિવારણનું કામ તો કરતાં જ હતાં. ગાંધીજી સાથેના પરિચય પછી ખાદી-ગ્રામોદ્યોગ અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ પણ વળ્યાં.

વૈદ્ય ગંગાબહેન

સત્યાગ્રહ આશ્રમ-સાબરમતીના સંયુક્ત રસોડાની જવાબદારી સંભાળનાર તે આ ગંગાબહેન.

વૈદ્ય ગંગાબેન અને ગાંધીજીની મુલાકાત ૧૯૧૯માં થઈ. ગંગાબહેન મુંબઈ રહેતાં હતાં. પતિ ગુજરી ગયા હતા. એક દીકરી હતી. રૉલેટ બિલનો વિરોધ કરવા ગાંધીજીએ મુંબઈમાં બહેનોની એક સભા કરી. ગંગાબહેન ગાંધીજીને સાંભળવા ગયાં. ત્યારે ગાંધીજી માટે વૈદ્ય ગંગાબહેનના શબ્દો હતા, “મને તેમનાં પ્રથમ દર્શન થયાં, મારા હૃદયમાં તેઓ સ્થપાઈ ગયા.” આ પછી ‘ભગિની સમાજ’ના એક કાર્યક્રમમાં સ્વદેશી ઉપર ગાંધીજીનું ભાષણ હતું. ગંગાબહેને તે પણ સાંભળ્યું ને તત્કાલ ‘સ્વદેશી’નું વ્રત લઈ લીધું. એ પછી તો ગાંધીજી અને ગંગાબહેનનો પત્રવ્યવહાર પણ ચાલ્યો. ગાંધીજીએ મુંબઈમાં ‘મણિભવન’માં રેંટિયાશાળા ખોલી ને તેમને રેંટિયો કાંતતા શીખવા માટે આમંત્ર્યાં. ગંગાબહેન ગયાં. થોડી વારમાં જ પૂણીમાંથી સૂતરના તાર નીકળતા થઈ ગયા. અત્યાર સુધીના પરિચયથી ગાંધીજીએ જોયું કે ગંગાબહેન પ્રેમમૂર્તિ તો છે જ, ઉત્કટ સેવાભાવનાવાળાં પણ છે. તેમનું અંદરનું તેજ ખિલવી શકાય એમ છે. પત્રવ્યવહાર ચાલુ રહ્યો. ગાંધીજી તેમને આશ્રમમાં આવવા પ્રેરતા રહ્યા. બીજી બાજુ, ૧૯૨૪માં પૂનામાં ગાંધીજીનું એપેન્ડિસાઇટિસનું ઑપરેશન થયું. ઑપરેશન પછી જૂહુ-મુંબઈમાં ગાંધીજીનો ઉતારો હતો, ત્યારે ગંગાબહેન ગાંધીજીને મળ્યાં. આશ્રમમાં રહેવા આવવાની વાત મૂકી. બાપુએ વધાવી લીધી. ગંગાબહેન આશ્રમવાસી બન્યાં.

ગંગાબહેનમાં ઔષધિવિદ્યાની સૂઝ પહેલેથી હતી. પરિવારમાં માંદગી આવી ત્યારે હકીમસાહેબ પાસેથી શિખેલાં હતાં. એથી આશ્રમ વસવાટ પછી, આશ્રમવાસીઓના નાનામોટા રોગની સારવાર તો કરતાં જ, કાકાસાહેબને ક્ષયનો રોગ થયો ત્યારે તેમની સેવાચાકરી પણ ગંગાબહેને કરી હતી. દસપંદર માણસોની રસોઈ કરી જમાડવાં એ ગંગાબહેન માટે રમતવાત હતી. એટલે આશ્રમમાં ગાંધીજીએ જ્યારે સંયુક્ત રસોડાનો પ્રયોગ શરૂ કર્યો ત્યારે એ જવાબદારી વૈદ્ય ગંગાબહેનને સોંપી. એ તેમણે એટલા માધુર્યથી નિભાવી કે ગંગાબહેનને હવે સૌ ‘ગંગાબા’ કહેતાં થઈ ગયાં. 

આહાર એ જ ઔષધ એવું કહેવાય છે. ગંગાબહેન ઔષધિવિદ્યાનાં જાણકાર હતાં એટલે યાદ રાખવા માટે, આશ્રમમાં આહાર (એટલે કે રસોડાની જવાબદારી) અને ઔષધિ થકી જેમણે સૌને સ્વસ્થ રાખ્યાં એ ગંગાબા, વૈદ્ય ગંગાબહેન.

વૈદ્ય ગંગાબહેને વિવિધ ચળવળોમાં પણ ભાગ લીધો હતો. માથે લાઠીના ઘા પણ ઝીલ્યા હતા. પાંચ વખત જેલવાસ પણ ભોગવેલો. અન્ય કામમાં રોકાયેલાં ન હોય ત્યારે રામનામ લેતાં લેતાં સતત રેંટિયો કાંતતાં. આશ્રમ વિખેરાયા પછી ગંગાબા વલ્લભ વિદ્યાલય-બોચાસણ સ્થાયી થયાં. અહીં બાપુના સૂચનથી જ તેમણે એક ગાય રાખી હતી ને જોતજોતામાં ગૌશાળા પણ બની ગઈ હતી. બાકીનું જીવન અહીં જ રહીને ઔષધાલય અને ગૌશાળા વિકસાવ્યાં. વિદ્યાલય અને આસપાસનાં ગામલોકોની સેવા કરી.

ઝવેરી ગંગાબહેન

ઝવેરી જેમ રત્નને પારખી લે એમ જગ્યાને પારખી લેનાર તે ઝવેરી ગંગાબહેન.

ગંગાબહેન ઝવેરીએ ૧૯૨૧માં અમદાવાદમાં કાઁગ્રેસના અધિવેશનમાં ગાંધીજીને સૌપ્રથમવાર જોયાં-સાંભળ્યાં. પણ એ વખતે મળવાનું નહોતું થયું. ગંગાબહેન પહેલાં એમના પુત્ર સ્વયંસેવક તરીકે આ અધિવેશનમાં જોડાઈ ગયા હતા. ગંગાબહેનનો પ્રવેશ પછી થયો.

ગંગાબહેનના પુત્રો ખેતી માટે જમીન ખરીદવાનું વિચારી રહ્યા હતા, ત્યારે ગંગાબહેનની કોઠાસૂઝ કામ લાગી ને તેમણે આશ્રમની આસપાસ જમીન લેવા સૂચવ્યું. થયું પણ એવું જ. જમીન ત્યાં મળી ગઈ ને પરિવાર સમેત આશ્રમ નજીક રહેવાનું શરૂ કર્યું.

એક વાર ગંગાબહેન એમના કોઈ સંબંધીને મળવા આશ્રમ ગયાં ત્યારે પહેલી વાર ગાંધીજી સાથે સંવાદ થયો. પહેલી મુલાકાતમાં જ ગાંધીજીના કહેવાથી ગંગાબહેને ખાદી ગ્રહણ કરી. ગંગાબહેન નજીક રહેતાં હોઈ સવાર-સાંજની પ્રાર્થનામાં આવતાં. એક વાર એમના પગે ઇજા થતાં પ્રાર્થનામાં આવવાનું બંધ થયું. ગાંધીજીએ તે જાણ્યું. પહોંચી ગયા ગંગાબહેનના ઘરે. એક-બે દિવસ નહિ, જ્યાં સુધી મટ્યું નહિ ત્યાં સુધી ગાંધીજી ઔષધિનાં પાન લઈને જાય અને જાતે પાટો બાંધી આપે. સારું થયા પછી ગંગાબહેન આશ્રમની બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં થયાં. આશ્રમના રસોડે જમતાં પણ થયાં.

આ ગંગાબહેનનાં પણ નાની ઉંમરે લગ્ન થઈ ગયાં હતાં. લગ્ન વખતે તેમના પતિની ઉંમર તેમનાથી ચાર ગણી હતી અને લગ્નનાં ચાર જ વર્ષ પછી તેઓ વિધવા થયાં હતાં. તેમનાથી ઉંમરમાં થોડાં જ નાનાં એમ કુલ મળીને પાંચ સંતાનોની જવાબદારી તેમના પર આવી પડી હતી. પુત્રવધૂ નાનીબહેન અને એમને એકબીજા સાથે સારું ભળતું. ગાંધીજી તેમને આદર્શ જોડી ગણતા. કહેતાં, “તમે સાસુ-વહુ નથી પણ સગી બહેનો કરતાં વિશેષ છો.” પત્રો પણ ઘણી વાર બંનેને સાથે સંબોધીને જ લખતાં.

બાળલગ્ન અને કૌટુંબિક જવાબદારીના કારણે ગંગાબહેન એ વખતે ઇચ્છા છતાં ભણી નહોતાં શક્યાં. હવે એમણે ભાવનગર જઈને દક્ષિણામૂર્તિમાં મૉન્ટેસોરી પદ્ધતિની તાલીમ લીધી ને પછી આશ્રમમાં ચાલતાં બાલમંદિરમાં શિક્ષિકા બન્યાં. આગળ જતાં આ ગંગાબહેને ઘણી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. જેલવાસ પણ ભોગવ્યો. પછીનાં વર્ષોમાં ‘જ્યોતિસંઘ’, ‘વિકાસગૃહ’ જેવી સંસ્થાઓમાં જોડાઈને કાર્ય કર્યું.

પટેલ ગંગાબહેન

ગુજરાતી ભાષાની પહેલી નારી-આત્મકથા (‘જીવન સંભારણાં’, શારદાબહેન મહેતા) પછી, આત્મકથા નહિ તો ય સંસ્મરણ કથા અને એય છેક છવ્વીસ વર્ષે, જો કોઈએ આપી હોય તો એ ગંગાબહેન પટેલે. ખાદી, સ્વદેશી, સરઘસ, દારૂ અને વિદેશી કાપડની દુકાનોમાં પિકેટિંગ … જેવી સત્યાગ્રહની અનેકવિધ પ્રવૃત્તિઓની ઓછેવત્તે અંશે બધાં ગંગાબહેનોમાં સમાનતા પછી, જો કોઈ તત્ત્વ આ ગંગાબહેનને અન્ય ગંગાબહેનોથી નોખાં તારવી આપતું હોય તો એ તેમનું લેખન અને પ્રભાવશાળી વક્તવ્ય.

ગંગાબહેન પટેલે ગુજરાતી સાહિત્યને પ્રારંભના નારીસાહિત્યમાં અચૂક નોંધ લેવડાવે એવી સંસ્મરણ કથા ‘સ્મૃતિસાગરને તીરે’ની ભેટ આપી છે. ચરોતરની પટેલ જ્ઞાતિનાં રીતિરિવાજો અને લોકમાનસનું તેમાં રસાળ વર્ણન છે.

અન્ય ગંગાબહેનોથી અલગ આ ગંગાબહેનનું જીવન મોટેભાગે મુંબઈમાં વીત્યું. લગ્ન નાની ઉંમરે થઈ ગયાં, જેના કારણે મોટા ભાગે ભણવાનું અટકી પડે; પણ અહીં પતિનો સહકાર મળતાં એવાં તો ભણ્યાંગણ્યાં કે કૉલમ લખતાં થયાં, તંત્રી બન્યાં ને મેદની વચ્ચે પ્રભાવક વક્તવ્યો ય આપ્યાં. એક, બે નહીં, છ છ વાર જેલવાસ ભોગવ્યો. એમના માટે કહેવાતું કે મુંબઈની એકેય જેલ બાકી નહોતી રાખી. આઝાદી પછી મુંબઈની શહેર સુધરાઈમાં પણ સક્રિય રહ્યાં. હવે, પરિચયની રીતે નહીં, પણ ચારેય ગંગાબહેનોમાં કોણ-કયાંની રીતે યાદ રાખવા માટે – આ ગંગાબહેન, ગુજરાતી સાહિત્યનાં અગ્રણી લેખિકા-નવલકથાકાર ધીરુબહેન પટેલનાં માતુશ્રી.

અને છેલ્લે, આ ચાર ગંગાબહેનોમાંથી બે ગંગાબહેન – વૈદ્ય અને ઝવેરી – આશ્રમ સાથે સીધા સંકળાયેલાં હતાં. એટલે ગાંધીજી જ્યારે તેમને પત્ર લખતાં ત્યારે એકનો પત્ર બીજાને ન જાય અથવા પોતાની સ્વભાવસહજ સ્પષ્ટ અભિવ્યક્તિને કારણે પણ તેઓ બંનેને અલગ અલગ સંબોધન કરતાં. ગંગાબહેન ઝવેરી અને નાનીબહેન(સાસુ અને વહુ)ને ઘણે ભાગે ભેગો પત્ર લખવાનું થતું પણ જ્યારે એમ ન હોય ત્યારે ગંગાબહેન ઝવેરીને ‘ગંગાબહેન (ઝવેરી)’ એમ સંબોધન કરતા, જ્યારે વૈદ્ય ગંગાબહેનને ‘ગંગાબહેન (મોટાં)’ એમ લખતા.

હિંદની સ્વરાજની લડતમાં, અક્ષરસઃ ગાંધીગંગા કહી શકાય એવાં આ ચારેય કે સાતેય ગંગાબહેનોનું સહિયારું નારી-પ્રદાન પર્વત સરીખું કહેવામાં અતિશયોક્તિ નહીં લાગે. 

સંદર્ભ 

·       સત્યના પ્રયોગો અથવા આત્મકથા, મો. ક. ગાંધી, નવજીવન પ્રકાશન, ૨૦૧૪

·       હિંદ સ્વરાજ, મોહનદાસ કરમચંદ ગાંધી, નવજીવન પ્રકાશન, ૨૦૦૪

·       ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો (માહિતી કોશ), સં. ડૉ. જયકુમાર શુક્લ, પ્ર. ગુજરાત વિશ્વકોશ, ૨૦૦૮

·       સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યસૈનિકો અને લડતો, સં. જયાબહેન શાહ, પ્ર. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, ૨૦૧૭

·       ગાંધીજીનાં સહસાધકો, લે. નીલમ પરીખ, નવજીવન પ્રકાશન, ૨૦૧૦

·       સમગ્ર અરધી સદીની વાચનયાત્રા, સં. મહેન્દ્ર મેઘાણી, પ્ર. મિલાપ, wiki.ekatrafoundation.org, ૮-૧૦-૨૦૨૨

·       ગાંધીજીની દિનવારી, સં. ચંદુલાલ ભગુભાઈ દલાલ, પ્ર. માહિતી ખાતું-ગુજરાત રાજ્ય, ૧૯૯૦

·       ગાંધીવારસાનાં નારીરત્નો, લે. મોસમ ત્રિવેદી, સં. કેતન રુપેરા, પ્ર. અણમોલ પ્રકાશન-3S પબ્લિકેશન, ૨૦૨૩

·       ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ આત્મકથ્ય, સં. ઉષા ઉપાધ્યાય, પાર્શ્વ પ્રકાશન, ૨૦૦૬

·       ગાંધીજીનો અક્ષરદેહ, ખંડ ૪૪, નવજીવન પ્રકાશન, ૧૯૭૬, gandhiheritageportal.org

(‘ગાંધીવારસાનાં નારીરત્નો’માંથી) 

* * *

e.mail : ketanrupera@gmail.com

Loading

24 March 2023 Vipool Kalyani
← કાચી ઉંમરનો પ્રેમ અને પાકી ઉંમરનો વહેમ…
ગુજરાતનો વિકાસ એટલે વનનો વિનાશ …? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved