Opinion Magazine
Number of visits: 9504442
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar, Diaspora - Literature|18 March 2023

કવિ દલપતરામનાં કાવ્યોમાંથી પસાર થતાં, દલપત ગ્રંથાવલિ-1; દલપત-કાવ્ય : ભાગ 1ના પૃ. 21 પરે ‘એક રાજાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર’ નામે એક કવિતા છે. સવાસોદોઢસો વરસ પહેલાંની આ રજૂઆતમાં, મનહર છંદમાં, કવિ જણાવે છે :

સ્વદેશ સુધારવાની સભાનો છું સભાસદ,
સુબોધક સજ્જનોના સાથમાં સામીલ છું;

ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,
જાણી તેનું દુ:ખ ઘણો દીલગીર દીલ છું;

હિંદી ને મરાઠી હાલ, પામી છે પ્રતાપ પ્રૌઢ,
સ્વદેશી શિથિલ રહી, તે દેખી શિથિલ છું;

કહે દલપતરામ રાજા અધિરાજ સુણો,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

કહેવાય છે કે, જે વ્યક્તિ પાસે પોતાની માતૃભાષાની સારી જાણકારી હોય તે અન્ય ભાષા સારી રીતે અને ઝડપથી શીખી શકે. માતૃભાષા આપણો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની? માતૃભાષા વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે. આ વાત વિવિધ અભ્યાસોના તારણ પરથી સાબિત પણ થઈ છે. ઇંગ્લેન્ડમાં વસતાં ગુજરાતીઓમાં 1970ના દાયકામાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું પસંદ કરતાં હતા. પણ એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે જે બાળકને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળે છે તે આગળ જતાં વધુ સારો અભ્યાસ કરી શકે છે. યુરોપિયન યુનિયનના દેશોના લોકો પણ પોતાના બાળકોને જર્મન, ફ્રેન્ચ જેવી પોતાની મૂળ ભાષામાં શિક્ષણ આપી રહ્યાં છે. મનોચિકિત્સકોનું માનવું છે કે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા સારી રીતે સમજી શકે તે સરેરાશ ચારથી પાંચ ભાષા ઝડપથી શીખી શકે. માતૃભાષા આપણો વારસો છે અને તે, સ્વભાવગત, આત્મવિશ્વાસ પ્રદાન કરે છે. 

જાણે કે આ મૂળગત બાબતને ધ્યાનમાં રાખી, વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ગઈ સદીના આઠમા દાયકાના આરંભથી જ વારસાની ભાષા અંગેનો પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. ભાષાશિક્ષણના પ્રકલ્પમાં, આથીસ્તો, અકાદમીનું સૂત્ર : ‘ગુજરાતી સાંભળીએ – ગુજરાતી બોલીએ – ગુજરાતી વાંચીએ – ગુજરાતી લખીએ – ગુજરાતી જીવીએ’ ધમધમતું રહ્યું.

અકાદમીએ અભ્યાસક્રમ ઘડી આપ્યો. પાઠ્યક્રમની સગવડ કરી આપી. તેને આધારે પાંચ સ્તરનું ભાષાશિક્ષણનું કામ આદરાયું. પાઠ્યપુસ્તકો થયાં. અઢારઅઢાર વરસો સુધી સર્વત્ર પરીક્ષાઓનું આયોજન કરાયું. શિક્ષણકામની સરળતાને ધ્યાનમાં રાખી, વિલાયતની તાસીર અનુસાર, શિક્ષક તાલીમની જોગવાઈ કરવામાં આવી. આશરે પાંચસોક શિક્ષકોને તાલીમબદ્ધ કરાયાં અને તે ય વિલાયતને ખૂણે ખૂણે. એક સમે એકાદ લાખ બાળકો અહીં ગુજરાતીનું શિક્ષણ લઈ રહ્યાં હતાં.

બ્રિટનના એક અવ્વલ ગુજરાતી શિક્ષિકા અને અકાદમીનાં સહમંત્રી વિજ્યાબહેન ભંડેરીના કહેવા મુજબ, બ્રિટનનાં બિન ગુજરાતી પાશ્ચાત્ય વાતાવરણમાં ઉછરતાં, ગુજરાતી ભાષા અને સાહિત્યથી અપરિચિત રહેતાં આપણાં ગુજરાતી બાળકો તેમ જ, આ બાળકોને ભાષા શીખવતાં શિક્ષકોને કેન્દ્રસ્થાને રાખીને, આશરે ૧૯૮૩માં, અકાદમીને પરીક્ષાઓની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી. આથી, દિવંગત પોપટલાલ જરીવાળાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ, ૧૯૮૪માં અકાદમીના અભ્યાસક્રમની રચના કરવામાં આવી. આ અભ્યાસક્રમને આધારે, બ્રિટનના માહોલને ધ્યાનમાં રાખીને, ગુજરાતી ભાષા શિક્ષણમાં એકસૂત્રતા સ્થાપવા માટે, પોપટભાઇની આગેવાની હેઠળ, જગદીશભાઈ દવેએ પાઠ્ય-પુસ્તકો તૈયાર કરવાની જવાબદારી સંભાળી. ૧૯૮૬માં, ચાર ધોરણે પાઠ્ય-પુસ્તકોની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. ત્યારબાદ, પુસ્તકોની માંગ વધતાં બીજી બે આવૃત્તિઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવી. આ પાઠ્ય‑પુસ્તકોનો, બ્રિટનમાં ગુજરાતી શીખવતી કેટલી ય ઐચ્છિક શાળાઓ વર્ષોથી ઉપયોગ કરે છે. પાઠ્ય-પુસ્તકોનાં પ્રકાશનમાં, મધ્ય ઇંગ્લૅન્ડમાં આવ્યા વેલિંગબરૉસ્થિત ‘બીદ એન્ટરપ્રાઇસ’ના ભીખુભાઈ શાહ અને સ્વર્ગીય શાંતિભાઈ શાહ તેમ જ, મુંબઈના ‘નવભારત સાહિત્ય મંદિર’નો ખૂબ જ સાથ અને સહકાર કેટલાં ય વર્ષો સુધી મળતો રહ્યો. 

ઇતિહાસ સાહેદી પૂરે છે કે બ્રિટનમાં સન 1964થી ગુજરાતી શિક્ષણ અપાવું શરૂ થયેલું અને તેનો યશ લેસ્ટર શહેરને ફાળે છે; પરિણામે ‘ઇન્ડિયન એજ્યકેશન સોસાયટી’ તેને સારુ મગરૂબી અનુભવે તે તદ્દન સ્વાભાવિક છે. એ દિવસોમાં આ સંસ્થા હેઠળ મોટા કદની પાંચપાંચ નિશાળોમાં ભરચક્કપણે દર સપ્તાહઅંતે ગુજરાતીનું શિક્ષણ અપાતું.

યુનાઇટેડ કિંગ્ડમના મોટા ભાગના વિસ્તારોમાં ગુજરાતી શીખવવાના વર્ગો ધમધમતા હતા. આજે તેમાં ઓટ આવી છે. પ્રતિકૂળ પરિસ્થિતિ અનુસાર, દરમિયાન, અહીંની અકાદમીએ પરીક્ષા લેવાનું સમેટી લેવાનું રાખ્યું. બીજી બાજુ, શનિવાર-રવિવારે ચાલતી આ ઐચ્છિક શિક્ષણ પ્રવૃત્તિઓ સારુ ભાડૂતી જગ્યાઓ પણ મોંઘી થવા લાગી. બાકી હતું તો ખાનગી ટ્યૂશનોનું જોર વધવા લાગ્યું. અને તેની અસરે સામૂહિક જોમ ઓસરવા માંડ્યું. પરિણામે, હવે ગણીગાંઠી જગ્યાએ ગુજરાતી શિક્ષણ અપાતું હોય તો અપાતું હોય. વિજ્યાબહેનના મત અનુસાર, બદલાતા માહોલ, ગુજરાતી શીખવા પ્રત્યે વાલીઓ તેમ જ, બાળકોની અરુચિના પરિણામે પરીક્ષાર્થીઓની ઘટતી જતી સંખ્યા, એમ કેટલાંક આનુષંગિક કારણોસર છેવટે, ૨૦૦૨માં અકાદમીને પરીક્ષાઓ સ્થગિત કરવી પડી.

યુરપમાં પોર્તુગલના પાટનગર લિસબનમાં આજે ય ગુજરાતી ભણાવાઈ રહ્યું છે. એક સમયે સ્વીડનમાં તેમ જ બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં ગુજરાતી ભાષાશિક્ષણ અપાતું. વિલાયતની અકાદમી હેઠળ, ત્રણેક દાયકાના ગાળા પહેલાં, બે’ક વરસ સુધી તો દર સપ્તાહઅંતે, અહીંથી કુંજ કલ્યાણી એન્ટવર્પ ગુજરાતી ભણાવવા આવનજાવન કરતાં રહ્યાં જ હતાં ને.

પૂર્વ આફ્રિકાના દેશો – યુગાન્ડા, કેન્યા તથા ટાન્ઝાનિયા – તેમ જ દક્ષિણ આફ્રિકામાંના ડરબન જેવા શહેરોમાં આજે ગુજરાતી ભણાવવાના વર્ગોનું સંચાલન થતું હોય તો નવાઈ નહીં. એક સમે તો ગુજરાતી શિક્ષણનો જબ્બર મહિમા થતો હતો. અરે, અરુશા (ટાન્ઝાનિયા) માંહેની મારી નિશાળમાં એક દા માધ્યમ જ ગુજરાતી હતું ! અને આવું અનેક સ્થળોએ થતું. લાંબા અરસા સુધી પૂર્વ આફ્રિકાની ચલણી નોટો પર પણ ગુજરાતી લિપિમાં અધિકૃત લખાણ છપાતું જ આવેલું. આફ્રિકાના બીજા મુલકોમાં ય – સુદાન, ઇથિયોપિયા, રવાન્ડા, બુરુન્ડી વગરેમાં પણ ગુજરાતીનું શિક્ષણ અપાતું તેમ માનવાને અનેક કારણો છે. આ જ રીતે મધ્ય પૂર્વના એડન, અબુધાબી, મસ્કત વગેરેમાં ય ગુજરાતી ભણાવાતું હતું, તેમ જાણવા મળે છે.

આવું દૂરપૂર્વના દેશોમાં – સિંગાપોર અને હૉન્ગ કૉન્ગમાં – ગુજરાતી શિક્ષણનું ચલણ હતું. સિંગાપોરમાં તો ‘સિંગાપોર ગુજરાતી સ્કૂલ લિમિટેડ’ નામે સંસ્થા સને 1947થી અસ્તિત્વમાં રહી છે અને આજે ય દર શનિવારે તેમાં ગુજરાતીનું શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે હૉન્ગ કૉન્ગમાં એનું વાતાવરણ આજે નથી રહ્યું તેમ સમજાય છે.

ઑસ્ટૃાલિયા – ન્યુઝિલૅન્ડમાં ગુજરાતી વસાહત મોટી છે અને જામતી જાય છે. દક્ષિણ ગુજરાતમાંથી સ્થળાંતર થયેલી જમાત એકાદ સૈકા ઉપરાંતના ગાળાથી ન્યુઝિલૅન્ડમાં વસવાટ કરી રહી છે. જ્યારે ઑસ્ટૃલિયાના વસવાટીઓ બહુ પાછળથી આવ્યા. એક વખતે પ્રવીણભાઈ વાઘાણી અને એમનાં પત્ની મંજુબહેને ગુજરાતી શિક્ષણ આપવાનો દાખલો બેસાડેલો. તેને ય ત્રણચાર દાયકાઓ થયા હોય. એ પછી થોડોક વખત એમણે ગુજરાતીમાં ‘માતૃભાષા’ નામે સામયિક પણ ચલાવી જાણેલું. એક માહિતી મુજબ, ભારતીબહેન મહેતા અને સાથીમિત્રો હાલે ‘ગાંધી સેન્ટર, ઑસ્ટૃાલિયા’ને ઉપક્રમે, સિડનીમાં, સપ્તાહઅંતે, ગુજરાતી શિક્ષણના વર્ગો લે છે અને ‘ગુર્જર ધારા’ નામક એક સામયિક ચલાવે છે. બીજા વિસ્તારોમાં છૂટછવાયા વર્ગોમાં ગુજરાતી ભાષાશિક્ષણનું કામ થતું જ હોય. વરસો વીતી ગયા; તે દિવસોમાં જાણ્યું ય હતું કે ન્યુઝીલૅન્ડના ઓકલૅન્ડ સરીખા શહેરોમાં ગુજરાતી શીખવવવાના વર્ગો ય બેસતા હતા.

વાત રહી, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકા નામક દેશોની વાત. ગુજરાતી ભાષા શિક્ષણની ચિંતા યુ.એસ.એ.સ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના એક વેળાના આગેવાન – પ્રમુખ ડૉ. ભરતકુમાર શાહે ખૂબ કરી. એમણે લેખો આપ્યા. એમણે પુસ્તકો ય આપ્યાં. એ મુજબ હું જો ભૂલતો ન હોઉં તો કિશોરભાઈ શાહે પણ પુસ્તકો કરેલાં. આ બન્ને વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ગુજરાતી શીખવવાનું કામ ચાલે છે ખરું.

યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીના અનિયતકાલીન ‘અસ્મિતા’ના 1996 વર્ષમાં પ્રગટ આઠમા અંકમાંની નોંધ મુજબ, ઑસ્ટૃાલિયામાંના એક વેળાના વસવાટી, ભેરુ મશાલચી પ્રવીણ વાઘાણીના કહેવા પ્રમાણે પહેરવેશ, ખોરાક, રીત-રિવાજો, રહેણી-કરણી, એ બધાં સંસ્કૃતિનાં અંગો છે. તો, બીજી પાસ પ્રણાલિકાઓ, ઉપરાંત, ભજનો, ગરબા, ગીતો, છંદો, વાર્તાઓ, ધાર્મિક પ્રસંગો, ઇત્યાદિમાં ભાષાનું મોખરાનું સ્થાન છે. આ બધાંમાંથી ગુજરાતી ભાષાનું નામું વાળી લઈએ તો ‘બચેલી’ સંસ્કૃતિમાં કોઈ જીવ રહ્યો હશે કે ? આમ, ભાષા સંસ્કૃતિનું જીવન છે. 

પ્રવીણભાઈ આગળ કહે છે, ‘ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની સંભાળ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. દરેક ગુજરાતીની ફરજ છે અને દરેક ગુજરાતીના ઘરમાં તેનું પોષણ અને તેની પ્રગતિ જરૂરી છે.’ 

ગુજરાતી ભાષાને થતા ઘોર અન્યાય સામે આશરે 28 વરસ પહેલાં મુંબઈમાં આંદોલનની દુંદુભી વાગી હતી. મુંબઈ સહિત મહારાષ્ટૃની નિશાળોના અભ્યાસક્રમમાં ધોરણ નવ-દશ માટેની ત્રીજી વૈકલ્પિક ભાષાની યાદીથી ગુર્જર પ્રજાને આઘાત થયો અને “‘નો મિનિસ્ટર!’ આપણી સ્કૂલોમાંથી ગુજરાતી ભાષાને હરગિઝ કાઢી નહીં શકાય.” કહીને દિવંગત વ્યાપારી મૂકેશ પટેલે અખબારોમાં પહેલે પાને જાહેરખબરો મુકાવીને જેહાદ ચલાવી હતી. ‘એકલવ્યનો અંગૂઠો’ની નામે “સમકાલીન” દૈનિકમાંની પોતાની કટારમાં કવિ-શિક્ષણકાર અનિલ જોશીએ નોબતની દાંડી પીટી, અને મુંબઈના બધા ગુજરાતીઓ, સાહિત્યકારો, નાટ્યકારો, કવિઓ, શિક્ષણશાસ્ત્રીઓ, રાજકારણીઓ, વ્યાવસાયિકો, વેપારીઓ એક થઈ ગયા.

તેના પરિણામે ચંદ્રકાન્ત બક્ષી લખેલું, ‘આ ગુજરાતી ભાષા જીવે છે, જીવશે ! ભાષા એક ભાવુક પ્રશ્ન છે, એક આખી પ્રજામાં એકતા સીંચી શકે છે. … 1942ના સંઘર્ષમાં સહન કરનાર મુંબઈના ગુજરાતીઓના આદરણીય નેતા ડૉ. ઉષા મહેતાની અધ્યક્ષતામાં જંગનું નિશાન ચડી ગયું, પૂર્વ શેરિફ નાના ચુડાસમાથી યુવા ભાજપી કિરીટ સોમૈયા અને કપોળ બૅન્ક ચેરમેન કે.ડી. વોરાથી પૂર્વ ઉપકુલપતિ સિતાંશુ મહેતા સુધીના સેંકડો ગુજરાતી બૌદ્ધિકોને એક સાથે, એક મંચ પર, એક ભાષા બોલતા, એક જયઘોષ કરતા જોવા અત્યાર સુધી સંભવ થયું ન હતું. આ વખતે થયું.’

… અને પરિણામે, ગુજરાતીઓએ જીત મેળવી; ગુજરાતી ભાષાને પૂર્વવત્‌ પોતાનું સ્થાન સરકારને આપવું પડ્યું.

સામી પાસ, માર્ચ 1994ના, આપણા એક આગેવાન ચિંતક, વિવેચક, અને લેખક યશવંત દોશીને ટાંકતાં મેં લખેલું, ‘ગુજરાતી ભાષાની બાબતમાં, તેના વપરાશની બાબતમાં, તેના શિક્ષણની બાબતમાં, તેને તેનું યોગ્ય સ્થાન આપવાની બાબતમાં આપણે સૌ અપ્રમાણિક છીએ, એમ યશવંત દોશી કહે છે એમાં ભારોભાર તથ્યાંશ છે.’

યશવંતભાઈ કહેતા હતા, ‘આપણામાંથી કોઈ આ (ભાષાના) વિષયમાં પોતાની ફરજ બજાવતું નથી અને બીજાઓ ઉપર જવાબદારી નાખવાનો અને દોષ ઢોળવાનો પ્રયત્ન કરે છે. આ બાબતમાં કોઈક તાત્કાલિક સમસ્યા ઊભી થાય ત્યારે બાંયો ચડાવવાનો દેખાવ કરી આપણે કંઈક કર્યાનો સંતોષ મેળવી લઈએ છીએ. પણ ખરેખરી પરિસ્થિતિ શી છે, પરિસ્થિતિમાં સમસ્યા ક્યાં રહેલી છે અને એ સમસ્યાનો નિકાલ લાવવાનો તાર્કિક અને વ્યવહારુ માર્ગ શો છે તેની સમજપૂર્વકની વિચારણા કરવાનું આપણે શીખ્યા નથી.’

એક અરસાથી આપણે અનુભવીએ જ છીએ ને 21 ફેબ્રુઆરીએ તેમ જ 24 ઑગસ્ટે આપણને સોલો ચઢી આવે છે અને ‘માતૃભાષા અભિયાન’ના નારા લગાવતા થઈ જઈએ છીએ. જાણે કે એક દિવસના આ ધૂણવાથી ભાષા બચી જવાની હોય ! આવું વળી ‘વાંચે ગુજરાત’ જેવાં સૂત્રને માટે સ્પષ્ટ કહી શકાય. મૂળગત ગુજરાતી ભાષાની જાળવણી માટે આપણી પાસે કોઈ સ્પષ્ટતા નથી, કે નથી કોઈ નક્કર કાર્યક્રમ. તો પછી કોઈક જાતના આંદોલનની વાત જ ક્યાં રહી ?

ગુજરાતી ભાષાના ભવિષ્યને વિષમતાનો એરુ આભડી ન જાય તે જોવાનું આમ આપણું દરેકનું કર્તવ્ય બને છે. કાકાસાહેબ કાલેલકર કહેતા તેમ ‘ગુજરાતી ભાષાના આરોગ્ય, એની શક્તિ, એના વિકાસ અને એની કૃતાર્થતા માટે સતત ચિંતન અને પ્રયત્ન કરતા રહેવું જોઈએ’. આ સતત લોકશિક્ષણનું કામ છે.

અમેરિકાસ્થિત લેખક પ્રવીણકાન્ત શાસ્ત્રીએ એમની ફેઇસબૂક દીવાલે હમણાં લખાણ કર્યું હતું : ‘પરદેશમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય પહેલી પેઢી પૂરતું જ મર્યાદિત છે. મારું લખેલું મારા ઘરમાં જ કોઈ વાંચી શકતું નથી.’

વાત તદ્દન ખરી છે. અને તેમ છતાં, તળ ગુજરાતની દૂરસુદૂર આ વિવિધ વિસ્તારોમાં ગુજરાતી વાચકોને કેન્દ્રમાં રાખીને સમસામયિકો પ્રગટ થતાં આવ્યાં છે. આજે ય યુનાઇટેડ કિંગ્ડમમાં તેમ જ યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકામાં ઠીકઠીક પ્રમાણમાં આવાં સામસામાયિકો ચાલે છે. તેમાં ‘ગરવી ગુજરાત’, ‘ગુજરાત સમાચાર’, ‘ઓપિનિયન’, ‘ગુર્જરી ડાયજેસ્ટ’, ‘ગુજરાત ટાઈમ્સ’, ‘ગુજરાત દર્પણ’, ‘દેશ-પરદેશ’ વગેરે વગેરેનો સહજ ઉભડકપણે તો ઉભડકપણે ઉલ્લેખ કરી લેવાય. ગીતસંગીતના નાનામોટા અવસરો થયા કરે છે, તેમ ભજનસંધ્યાના પણ. કવિમુશાયરાઓ તો હોય જ. બ્રિટનમાં તેમ ઑસ્ટૃાલિયામાં ગુજરાતી માધ્યથી રેડિયો પ્રસારણ પણ વિવિધ સ્થળોએ થતું આવ્યું છે. તેમાં મીરાં ત્રિવેદી અને આરાધના ભટ્ટ અગ્રેસર રહ્યાં છે. પરાપૂર્વમાં, પૂર્વ આફ્રિકાના મુલકોમાં અને આ સૈકા વેળા, અહીં વિલાયતમાં તેમ જ અમેરિકામાં રંગમંચે નાટકો થયાં. ગુજરાતી પ્રસાર અને પ્રચાર સારુ એક ભારે અગત્યનું આંદોલન હતું. અમેરિકે મધુ રાય, રજની પી. શાહ વગેરેની જમાતે જેમ ભાતીગળ કામ આપ્યું છે તેમ પૂર્વે આફ્રિકે તેમ જ વિલાયતે નટુભાઈ સી. પટેલની આગેવાનીમાં પ્રીતમ પંડ્યા, ઉષાબહેન પટેલ, પ્રવીણ આચાર્ય વગેરે વગેરેની જમાત સક્રિયપણે કાર્યરત રહી. બીજી પાસ, નાટકને ક્ષેત્રે, લેસ્ટરના વિનય કવિનું અલાયદું કામ વિસારી શકાય તેમ નથી. આ અને આવી નાનીમોટી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને કારણે ગુજરાતીનો પ્રસાર સતત વહેતો રહ્યો છે. 

ગુજરાતીના પ્રસાર અને પ્રચાર અંગે બીજાં બેએક ક્ષેત્રો ધ્યાનમાં રાખવા જેવા છે : પુસ્તકાલયો, વાંચનાલયો તેમ જ કૉલેજો, યુનિવર્સિટીઓ સરીખી વિદ્યાશાખાઓ. લંડન યુનિવર્સિટીના સ્કૂલ ઑવ્‌ ઑરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં ગુજરાતીનું શિક્ષણ દાયકાઓથી અપાતું રહેતું. એ એક જમાનો હતો. આજે ‘સોઆસ’માં ગુજરાતી વિષયનું નામોનિશાન સુધ્ધા નથી ! દુ:ખદ હાલત છે. ચારપાંચ દાયકા પહેલાંની જો વાત કરું તો ડૉ. ઈઅન રેસાઇટ [Ian Raeside] અને ડૉ. રેચલ ડ્વાયર સરીખાં અધ્યાપકો ય હતાં. આપણા શિરોધાર્ય ભાષાશાસ્ત્રી ડૉ. પ્રબોધ બેચરદાસ પંડિત તો અહીં ભણ્યા જ હતા ને ! ૧૯૪૯માં આ પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રીએ ડૉ. રાલ્ફ ટર્નરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરી ને અહીં જ ઐતિહાસિક ભાષાશાસ્ત્ર ઉપરાંત ધ્વનિવિજ્ઞાનના અભ્યાસક્રમો કર્યા. એવું જ કામ પારિસની સોરબૉન યુનિવર્સિટીનું ચિત્ર સામે આવે. ડૉ. ફ્રાન્સવા માલિંઝોની દેણગી ધ્યાનાકર્ષક રહી છે. મૉસ્કોની અને ફિલાડેલ્ફિયાની યુનિવર્સિટીઓમાં પણ ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસનો પરચમ એક અરસા લગી લહેરાતો રહેલો. રશિયાનાં લ્યુદ્દમિલા સાવેલ્યેવા, અતુલ સવાણી, તેમ જ કેલિફોર્નિયાના ફ્રેસકોમાં એક સમે વસતા આપણા જાણીતા ભાષાશાસ્ત્રી, કવિ દિવંગત પુરુષોત્તમ મિસ્ત્રી, ફિલાડેલ્ફિયામાં બીજા ભાષાશાસ્ત્રી બાબુ સુથાર અને એમના પુરોગામી પન્ના નાયકની અમેરિકા ખાતેની દેણગીને લગીર પણ વિસરી ન શકાય. ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા, દાયકાઓથી લેવાતી રહેતી ગુજરાતીની પરીક્ષાઓનો દબદબો ઘણાંબધાંને સાંભરતો હશે. ભાંગ્યું તો ય ભરુચ, – આજે તેનું તેજ, તેનું વહેણ ક્યાં ય નબળું થયું છતાં, તે કડેધડે છે જ ને !   

જ્યાં જ્યાં ગુજરાતીઓ વસ્યા છે ત્યાં ત્યાં પુસ્તકાલયો, વાંચનાલયોમાં ગુજરાતી પુસ્તકો તેમ જ વિવિધ સમસામયિકોની ભાળ જ માત્ર ન મળે વાંચવા કરવા સારું ય એ સઘળું મળે જ મળે. સંશોધકોને સારુ જેમ અહીં બ્રિટિશ લાઇબ્રેરી અગત્યનું મથક છે તેમ જગતના વિવિધ દેશોમાં પણ કેટલીક લાઇબ્રેરીઓ આજે ય અગત્યનું કામ આપે છે. તેમાં વૉશિંગ્ટનની લાઇબ્રેરી ઑવ્‌ કૉંગ્રેસ અગ્રગણ્ય છે. … ખેર ! 

ચાલુ સાલની સાતમી ઑગસ્ટે આપણા જાણીતા સાહિત્યકાર પત્રકાર રવીન્દ્ર પારેખ, એમની “ધબકાર” માંહેની કટારમાં કરડાઇએ લખતા હતા, તેમાંથી આ બે’ક ફકરાઓ જોવા વિચારવા સમ છે, તેમ સમજી અહીં શબ્દશ: ટાંકું છું :

‘એક સમય હતો જ્યારે ગુજરાતમાં ‘જય જય ગરવી ગુજરાત’ સરકારી કે અન્ય કાર્યક્રમોમાં શરૂઆતમાં ગવાતું. હવે એ ગવાય જ નહીં એવા સંજોગો છે. જો ગાવું જ પડે તો એનો અંગ્રેજી અનુવાદ વેસ્ટર્ન મ્યુઝિકમાં સરકાર ગવડાવે એમ બને, કારણ થોડાં વર્ષ પછી ગુજરાતી બોલવાના જ ફાંફાં હોય ત્યાં ‘જય જય ગરવી ગુજરાત’ ન ગાઈ શકાય એટલી વરવી ગુજરાત કરવા સરકાર ખૂબ મહેનત કરી રહી છે. ગુજરાતી બોલનારા જ ન રહે એ રીતે સરકાર જ માતૃભાષાનો એકડો કાઢી નાખવા બેઠી છે ને પ્રયત્ન એ ચાલે છે કે ગુજરાતની માતૃભાષા અંગ્રેજી બને. ગુજરાતમાં ગુજરાતી મરવા પડે તો તેનો બધો યશ કેસરિયાં કરતી સરકારને આપવો પડે એ હદે તે ગુજરાતી ભાષા પરત્વે ઉદાસીન છે. આ કેળવેલી ઉદાસીમાં શરમ ને સમજ વગરની, મતલબી ને સ્વાર્થી પ્રજાનો પણ એટલો જ ફાળો છે. કોઈ પ્રજા આટલી સ્વમાન વિહોણી પણ હોઈ શકે એનું ઉત્તમ દૃષ્ટાંત ગુજરાતે પૂરું પાડ્યું છે. જે પ્રજાને પોતાની ભાષા માટે માન નથી એનું  દુનિયા અપમાન કરે તો આશ્ચર્ય ન થવું જોઈએ.

“આમ તો ભેંશ આગળ ભાગવત જેવું જ છે, પણ સંઘના પ્રમુખે પણ માતૃભાષાનો મહિમા કરતાં યોગ્ય રીતે જ કહ્યું છે કે આપણે નેમ પ્લેટ માતૃભાષામાં લગાવી શકીએ, નિમંત્રણો માતૃભાષામાં પાઠવી શકીએ. સંઘ પ્રમુખે એ પણ સ્પષ્ટ કર્યું છે કે માતૃભાષામાં શિક્ષણ આપતી નીતિ બનવી જોઈએ. આ બધું તો આપણા હાથમાં છે. એક પ્રજા તરીકે એટલું તો આપણે કરી જ શકીએ, પણ એવું ઓછું જ થાય છે. એ દુ:ખદ છે કે શિક્ષણને આપણે કમાવાનું સાધન માત્ર બનાવી મૂક્યું છે. શિક્ષણથી કમાણી નથી જ થતી એવું નથી, ન કમાવું એવું પણ કહેવાનું નથી, પણ શિક્ષણ સાહિત્ય, કળા કે સંસ્કારનું સિંચન પણ કરે તો તેમાં હાનિ શી છે? તો, કેમ એ દિશામાં પ્રયત્નો ઘટતા આવે છે? જન્મ મા આપે છે ને એ ગુજરાતી હોય તો એની ભાષાનો આટલો છોછ કેમ? બીજા બધાંને તો ઠીક, પણ સરકારને જ માતૃભાષાની સૂગ હોય તેમ તે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરાવે છે ને ગુજરાતી માધ્યમની શાળાઓ એમ કહીને બંધ કરે છે કે એમાં વિદ્યાર્થીઓ મળતા નથી. આ બચાવ પાયામાંથી ખોટો છે. ગુજરાતમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી ન મળે તો તે શું અમેરિકા કે ઇંગ્લેન્ડથી મળવાના છે? વારુ, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ન મળે એવી સ્થિતિ ઊભી કરી કોણે? એને માટે સરકાર જવાબદાર છે. હકીકત એ છે કે સરકાર નફાખોર વેપારીનું માનસ ધરાવે છે. બને તો સર્વે કરવા જેવો છે કે અંગ્રેજી માધ્યમની કેટલી સંસ્થાઓ સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓની ને એમના વળના માણસોની છે? સીધું ગણિત એ છે કે ખાનગી સ્કૂલો પર આ બધાંનું વર્ચસ્વ છે ને એમાંની મોટે ભાગની સંસ્થાઓ અંગ્રેજી માધ્યમની છે. એ નિમિત્તે ઊંચી ફી વસૂલાય છે અને એના સંચાલકો ને ટ્રસ્ટીઓ, વાલીઓની ચામડી ખોતરીને તિજોરીઓ ભરે છે. આ બધું સરકાર જાણે છે. બીજી બાજુએ સરકારી સ્કૂલો ગુજરાતી માધ્યમની છે ને તે મફત શિક્ષણ આપે છે. એમાં આવક નથી ને કેવળ ખર્ચ જ છે. એ બોજ સરકારને માથે છે. આમ તો એ પ્રજાના જ પૈસા છે, પણ સરકાર તે ખર્ચવા ઉત્સુક નથી. એ પૈસા બચે તો નફો વધે ને ખાનગી સ્કૂલો વધે તો ઊંચી ફી મળે ને આવક વધે. ખાનગીકરણનો મહિમા પણ એટલે જ થાય છે, કારણ, એમાં આવક છે ને સરકારીકરણમાં ખર્ચ જ છે. બાકી, સરકારે જાતે પરિપત્ર બહાર પાડ્યો હોય તો માતૃભાષામાં શિક્ષણ આપવામાં આટલા અખાડા થાય ખરા?’

સામે પક્ષે, આપણા એક કર્મઠ કર્મશીલ, વિચારક, લેખિકા બકુલાબહેન દેસાઈ – ઘાસવાલા કહેતાં રહ્યાં : ‘હું જ્યારે જ્યારે મારા અસ્તિત્વ અને હયાતી વિશે વિચારું છું ત્યારે ત્યારે મને યાદ આવે છે કે હું સરહદથી અનહદ, સ્વથી સમષ્ટિ, પિંડથી બ્રહ્માંડ અને અંગતથી વિશ્વસંગતની વિભાવનામાં માનું છું, છતાં મને મારા દૈનિક જીવનને સંલગ્ન સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ભૌગોલિક પરંપરાઓ સતત યાદ આપે છે કે મારા પર મારી બોલી, આહાર, પોશાક, સંબંધોની પણ એવી અસર દૃઢ થયેલી છે જેને કારણે મારું Conditioning જ એવું છે કે હું ભારતીય, ગુજરાતી, વલસાડી, અનાવિલ ઉપરાંત કોની પુત્રી, કોની પત્ની, કોની મા, કોની દાદી, કોની બહેન અને અન્ય સગપણો વિશે પણ વિચારું છું ! આમ ‘હું’ અને મારો દરજ્જો સ્થાપિત થતો રહે છે ત્યારે ભૂલી જાઉં છું કે હું એક ‘વ્યક્તિ’ છું . મારા સ્વતંત્ર દેશનું બંધારણ મને સમાનતા, સમાદર આપે છે અને સતત યાદ કરાવે છે કે સર્વ નાગરિકો વર્ણ, વર્ગ, જાતિ, લિંગભેદથી પર પહેલાં ભારતીય છે.’

ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિના પાક્ષિક મુખપત્ર, “ભૂમિપુત્ર”નાં એક સંપાદક સ્વાતિબહેન દેસાઈ, ‘ગુજરાતી સાહિત્ય ફૉરમ’ની એક બેઠકમાં તાજેતરે કહેતા હતાં,  ‘બીજી એક રસપ્રદ ઘટના એ બની છે કે આધુનિક ‘મોડર્ન’ કહેવડાવવાનું સૌને ગમવા લાગ્યું છે. ગુજરાતી કે અન્ય પ્રાંતીય ભાષાઓનું મહત્ત્વ ઓછું થતું જાય છે. અને જે કંઈ દેશી છે તેને માટે શરમ આવવા માંડી છે. કપડાં, ભાષા, રહેણીકરણી પાશ્ચાત્ય ઢબનાં થતાં જાય છે. એમાં જ ‘સ્ટેટસ’ અનુભવીએ છીએ. પરંતુ તેની સાથે ખુલ્લાપણું – વિશેષ કરીને વિચારોનું જે પશ્ચિમી દેશોમાં જોવા મળે છે તેને બદલે આપણે વધુ ને વધુ સંકુચિત બનતા જઈએ છીએ. ધર્મ, જ્ઞાતિ, રીત-રિવાજોને અગાઉ ક્યારે ય નહીં તેટલા વધુ જોરથી પકડી રાખવા મથીએ છીએ. નવા કે જુદા વિચારો, વિવિધતા માટેની સહિષ્ણુતા ઓછી ને ઓછી થતી જોવા મળે છે. આવો એક વિરોધાભાસ સમાજમાં જોવા મળી રહ્યો છે.’

1947 પહેલાના હિન્દુસ્તાનના એક અગ્રગણ્ય આગેવાન અને ‘સરહદના ગાંધી’ તરીકે સુખ્યાત ખાન અબ્દુલ ગફાર ખાને પોતાની આત્મકથા મૂળે પૂશ્તોમાં લખી છે. તેનો કુશળ અને મજેદાર અનુવાદ, ‘My Life and Struggle’, નામે પ્રકાશિત થયો છે. તેના 220-221 પાને આ અવતરણ વાંચવા મળે છે : 

“No nation can progress without the use of its  mother tongue and there can be no knowledge or skill in them without this. … A nation that considers its language demeaning, dishonours and demeans itself and loses its mother tongue. And if it loses its mother tongue, its identity is lost with it.” [કોઈ પણ રાષ્ટૃ પોતાના માતૃભાષાના વિકાસ વિના પ્રગતિ ન જ સાધી શકે અને તેના સિવાય જ્ઞાન ને કૌશલની કોઈ જાણકારી મળી શકે નહીં … જે કોઈ રાષ્ટૃ પોતાની ભાષાનું ગૌરવ જાળવી ન શકે, તેનું સ્વમાન હણતા રહે, તે છેવટે પોતાનું પતન નોતરે છે અને ભાષા ય ખોય છે. અને જો તે પોતીકી ભાષા ગુમાવી દે તો જોડાજોડ તે પોતાની વ્યક્તિતા પણ ખોઈ કાઢે છે.]

વરસો પહેલાં, અમેરિકાસ્થિત વિચારક, સાહિત્યકાર ‘કૃષ્ણાદિત્ય’એ લખેલું : ‘કિશોરવર્ગને આ ભાષા શીખવવાનું કાર્ય એક ‘ફરજ’ છે એમ કહ્યું, તો ભાષાશિક્ષણને મૃત્યુદંડ મળ્યો સમજી લેવાનો. કારણ કે બાળકોને કોઈ પણ કાર્ય ‘ફરજ’ રૂપ છે એમ કહેવું એટલે પર્યાયરૂપે એ નિરસ છે એમ કહેવા જેવું છે. પરંતુ આપણે ગુજરાતી ભાષાના રસકસ તરફ નવી પેઢીનું ધ્યાન દોરી એમને આમંત્રી શકીએ, …. અને નવી પેઢીને કહીએ કે આ તો ફક્ત નમૂનો છે. અંદર આવીને જુઓ તો ખરા, શું શું છે ! આવું આમંત્રણ નવી પેઢીએ સ્વીકાર્યું હશે, સ્વીકારશે. ….’

‘સૌંદર્યની નદી નર્મદા’ અને ‘પરિક્રમા નર્મદા મૈયાની’ સરીખાં મજેદાર પ્રવાસવર્ણનનાં પુસ્તકો આપનાર સાહિત્યકાર અમૃતલાલ વેગડે ક્યાંક કહ્યું છે તેમ, ‘જીવનની સંધ્યા ટાણે મન માતૃભાષા તરફ ખેંચાય છે. સાંજ ટાણે અંધારાં ઊતરતાં જેમ પંખી માળે પાછું આવે, તેમ છેલ્લાં વર્ષોમાં માતૃભાષા જ યાદ આવે છે.’

વીસમી સદીમાં ગુજરાતના ત્રણ જાણીતા મહામાનવ મહાત્મા ગાંધી, કાયદ – એ – આઝમ મોહમ્મદ અલી ઝીણા અને ટોચના સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ પોતાનો અભ્યાસ ગુજરાતીમાં કર્યો. આ ત્રણેયનું ગુજરાતી આલા દરજ્જાનું. અલબત્ત ઝીણાને પાછળથી ગુજરાતીનો મહાવરો છૂટી ગયો હતો. પણ કહેવાનો અર્થ એ છે કે, આ ત્રણેયનો પાયો માતૃભાષા ગુજરાતી હતો તેમ છતાં તેઓ અંગ્રેજીનાં સારામાં સારા જાણકાર હતા.

ગુજરાતી ભાષાના ભવિષ્ય વિશે કોઈ પણ ધારણા બાંધવી મુશ્કેલ છે, પણ તેનો આધાર ચોક્કસ વર્તમાન સ્થિતિ અને સંજોગો પર છે અને હાલની સ્થિતિ સારી નથી તે હકીકત છે. આપણે આપણી જ મા(માતૃભાષા)થી દૂર થઈ રહ્યાં છીએ. ગુજરાતમાં જ વસતા ગુજરાતીઓમાં અંગ્રેજી પ્રત્યેનો મોહ વધતો જાય છે. અહીં અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આપણા વેપારીઓ હવે હિસાબના ચોપડા પણ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં લખે છે. ગુજરાત સરકારનો વ્યવહાર સુધ્ધા અંગ્રેજીમાં થાય છે. કહેવાનો અર્થ એ નથી કે તમારે અંગ્રેજી શીખવું ન જોઇએ. પણ મને નિરંજન ભગતનો એક વિચાર અત્યંત પસંદ છે જે દરેક ગુજરાતીએ પોતાના જીવનમાં ઊતારવો જોઇએ : ‘માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી’. ગુજરાત સરકારને તો અંગ્રેજીનું ઘેલું લાગ્યું હોય તેવું લાગે છે. આ સરકાર પાસે માતૃભાષાના સંવર્ધન માટે ન તો કોઈ દિશા છે ન કોઈ દૃષ્ટિ. હકીકતમાં રાજ્ય સરકારે વારસાની ભાષાના સંવર્ધન માટે યોગ્ય કદમ લેવા જોઇએ. તેના માટે ગુજરાતી સાક્ષરોને પ્રોત્સાહન આપવું જોઇએ.

વારુ, અને તેમ છતાં, અમૃતલાલ વેગડે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના 45માં અધિવેશન પ્રસંગે કહેલું તે સોટકે સાંભરી આવે છે : ‘દુનિયાની કોઈ ભાષા ગુજરાતીને સમાપ્ત નહીં કરી શકે. ગુજરાતી અમરપટ્ટો લઈને આવી છે. એનું નૂર સદા વધતું રહે એ જોવું આપણી ફરજ છે.’

[3,336]
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ; 19 જુલાઈ – 10 નવેમ્બર 2022
E.mail : vipoolkalyani.opinion@btinternent.com
પ્રગટ : “ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક”, પુસ્તક : 87; અંક : 4; પૃ. 48-56

Loading

18 March 2023 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—188
ઇતિહાસ જ્યારે ત્રાજવે તોળે ત્યારે કોઈની શેહશરમ રાખતો નથી →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved