Opinion Magazine
Number of visits: 9448692
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજનો જમાનો, આપણો સમય

ગોપાલકૃષ્ણ ગાંધી|Gandhiana|1 December 2014

પહેલાં તો એ સ્પષ્ટ કરી દઉં કે તમારામાંથી કોઈ એવું ન માને કે આ કોઈ ગાંધીવાદી તમને સંબોધિત કરી રહ્યો છે. ના, ના, હું ગાંધીવાદી નથી, હું તો આજના ઉપભોક્તાવાદનું એક પ્રતીક છું. મારામાં તમે કોઈ ત્યાગમૂર્તિ ન જોશો. હા, હું ભોગી નથી તેમ યોગી પણ નથી. મેં જ્યારે પૂર્વવક્તાઓનાં નામો સાંભળ્યાં, ત્યારે મને મારી નબળાઈ પર વધુ આશ્ચર્ય થયું. કેટલી મોટી-મોટી વિભૂતિઓ અહીં આવી ગઈ છે. દલાઈ લામા અને તારા અલી બેગને તો હું પોતે પણ અહીં સાંભળી ચૂક્યો છું. આ વક્તાઓનાં નામ જ્યારે મેં સાંભળ્યાં ત્યારે મને એમ થયું કે તમારી સામે બોલવું તે એક અવિવેક ગણાશે. પણ જ્યારે મેં જોયું કે અહીં તો મારો ભત્રીજો તુષાર ગાંધી પણ બોલી ગયો છે. ત્યારે મને થોડી રાહત થઈ. ભત્રીજા પછી કાકો બોલે એટલે કદાચ બૅલેન્સ જળવાશે.

આજનો જમાનો. ‘એ ટેલ ઑફ ટુ સિટીઝ’ નામની એક અંગ્રેજી નવલકથા છે. એના લેખક છે ચાર્લ્સ ડિકન્સ. તેમાં તેઓ લખે છે : ‘એ સૌથી સારામાં સારો સમય હતો. એ સૌથી ખરાબમાં ખરાબ સમય હતો. એ જ્ઞાનનો યુગ હતો. એ મૂર્ખતાનો યુગ હતો, એ પ્રકાશનો દોર હતો. એ અંધકારનો દોર હતો. એ તો આશાભરી વસંત હતી. એ નિરાશાભરેલી શીત હતી.’

પણ તમે પૂછી શકો : તમે આપણા જમાનાને આશાની વસંત અને પ્રકાશનો યુગ કઈ રીતે કહી શકો ? બધી જ જગ્યાએ એકદમ અંધકાર છે. પણ અંધકાર અને નિરાશા પર આવવા પહેલાં હું આ સંવાદમાં તમારા સૌની સાથે જોવા ઇચ્છું છું કે આપણા આ જમાનાને આશાની વસંત અને પ્રકાશનો યુગ કઈ રીતે કહી શકાય ? વાત એમ છે કે હજુ થોડા દિવસ પહેલાં સુધી આપણી વચ્ચે નેલ્સન મંડેલા હતા. પીટર સીગર હતા. દલાઈ લામા હજુ આપણી વચ્ચે છે. ઑંગ-સાં-સુચી આપણી સાથે છે. અરે પેલી ચૌદવર્ષીય મલાલા પણ આપણને પ્રેરણા આપી રહી છે, તો, આ આશાની વસંત નથી તો શું છે ?

પીટર સીગર જ્યારે આપણને છોડીને ચાલ્યા ગયા, ત્યારે તેમની ઉંમર ૯૪ વર્ષની હતી. તેમણે આપણને એક સુંદર ગીત આપ્યું છે, ‘વી શેલ ઓવરકમ’, ‘હમ હોંગે કામિયાબ’. આ ગીત એમણે લખ્યું નહોતું. આ તો એક આધ્યાત્મિક મોજૂદગી હતી જેને એમણે ગેય બનાવી. મૂળ ગીત આમ હતું, ‘વી વિલ ઓવરકમ’. તેને એમણે ‘વિ શેલ ઓવરકમ’ કરીને જગતને એક અણમોલ વારસો આપ્યો છે. દુનિયાની દરેક ભાષામાં આ ગીત છે. બંગાળી ભાષામાં તો એના બબ્બે અનુવાદો થયા છે. ‘એક દિન સૂરજેર ભોર’ અને ‘આમરા કોરબોજોય’. ‘આમરા કૌરબોજોય’ પછી ‘આમરા કોરબોજોય નિશ્ચય’ જ્યારે આવે, ત્યારે એ ‘વી શેલ ઓવરકમ’ કરતાં પણ એક કદમ આગળ નીકળી જાય છે. આ આશાની વસંત નથી તો શું છે ? પીટર સીગર ૨૦૧૧માં અમેરિકામાં થયેલા ‘ઑક્યુપાય વૉલ સ્ટ્રીટ’ આંદોલનમાં પણ સક્રિય રીતે સામેલ હતા.

મલાલા વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી. આપણે સૌ એ બાળાથી પરિચિત છીએ. તો આજે આપણા મનમાં એવો પ્રશ્ન થાય ખરો, મેં જે ઉદાહરણો આપ્યાં તેમાંથી દલાઈ લામા ભારતમાં જરૂર છે, પણ નેલ્સન મંડેલા, દલાઈ લામા, ઑંગસાંગ – સૂચી, મલાલા કે પીટર સીગર જેવા કદનું કોઈ વ્યક્તિત્વ આપણા દેશમાં છે ખરું ? એકદમ નિરાશ થઈ જવાની જરૂર નથી. આપણા દેશની કુલ વસ્તીમાંથી ૫૦ ટકા વસ્તી ૨૫ વરસથી નાની ઉંમરની છે. ઉંમરની દૃષ્ટિએ જોઈએ તો દુનિયાનો સૌથી વધુમાં વધુ નવયુવાન દેશ છે આ; અને સંસ્કૃિત તથા વિરાસતની દૃષ્ટિએ જોઈએ, તો દુનિયાનો સૌથી વધુમાં વધુ પુખ્ત દેશ છે આ. તો પછી એમાં આશાની વસંત અને પ્રકાશનો યુગ નથી તો બીજું શું હોઈ શકે ?

દુનિયામાં આપણા દેશ જેવા દેશો બહુ ઓછા છે, જ્યાં રાજકીય પક્ષો અને સામાજિક આંદોલનો એકદમ સાથેસાથે ચાલ્યાં છે. ક્યારેક- ક્યારેક તો એકબીજાં સાથે ભળી ગયાં છે.

૧૮૮૫માં કૉંગ્રેસનો જન્મ થયો. આ એક રાજકીય પક્ષ હતો. બીજા પક્ષો પણ બની શકતા હતા અને બન્યા પણ ખરા. પણ જે માણસની સ્મૃિતમાં આપણે અહીં ભેગા થયા છીએ. એમણે અહીં એક સામાજિક આંદોલન શરૂ કર્યું અને એ આંદોલનને આ પક્ષની સાથે જોડી દીધું. તેનાથી એક નવું જ દૃષ્ટાંત આપણી સમક્ષ રજૂ થયું. સામાજિક આંદોલનો સડક પર જ હોય એ જરૂરી નથી.

એવાં આંદોલનો પક્ષો દ્વારા પણ ચલાવી શકાય અને પક્ષોમાં કોઈને કંઈ વાંધો હોય, તો સડક પર પણ ચલાવી શકાય. સામાજિક આંદોલન સ્વરૂપે શક્ય હોય, તો પક્ષો પોતાનું અસ્તિત્વ અલગ રાખે અને સામાજિક આંદોલનો પોતાનું સ્વરૂપ અલગ રાખે. પણ ક્યારેક-ક્યારેક એ બંને એક સાથે પણ થઈ શકે. જો એ માણસે આ દૃષ્ટાંત ન આપ્યું હોત, તો કૉંગ્રેસ જે રીતે એક મોટા શક્તિશાળી પક્ષ તરીકે રહ્યો છે, સંભવ હતો સ્વતંત્રતા-આંદોલનમાં પણ ઘણું મોટું યોગદાન આપી શકત. પણ જે ચમત્કાર એણે કરી બતાવ્યો, તે કદાચ એ ન કરી શકત, જો યુવાનો અને વૃદ્ધો એમની સાથે ન જોડાયા હોત તો. મોતીલાલ નેહરુ જેવા વયોવૃદ્ધ પણ એમની સાથે જોડાયા અને તરુણ-તપસ્વી જવાહરલાલ પણ એમાં જોડાયા. એ માણસનો આ જાદુ હતો. આજે આવું કોઈ છે ખરું ?

આપણામાંથી દરેકના મગજમાં આના અલગ અલગ જવાબો હોઈ શકે છે, પણ હું નથી માનતો કે કોઈના પણ મનમાં આ પ્રશ્નનો એક એવો જવાબ છે કે હા, મારી પાસે દેશના તમામ પ્રશ્નોનો ઉકેલ છે. ગાંધીએ પણ કદી એવું કહ્યું નથી કે એમની પાસે દેશના તમામ પ્રશ્નોના જવાબો છે. હા, ગાંધીના સૌથી મોટા અનુયાયી જયપ્રકાશજીએ સંપૂર્ણ ક્રાંતિની વાત જરૂર કહી હતી, પણ એમણે એને ભાવિ ઇતિહાસનું નામ આપ્યું હતું – “ભાવિ ઇતિહાસ હમારા હૈ” એમ કહ્યું હતું. એમણે એમ નહોતું કહ્યું કે હું સંપૂર્ણ છું. એમણે કહ્યું હતું કે એ એક લક્ષ્ય છે. આજે એક સામૂહિક નાગરિકની વાત છે, જે એની સાથે જોડાઈ પૂર્ણ કરી શકાય. પણ તે આપણને ક્યાં ય દેખાતો નથી. ન તો આજનાં કોઈ ચાલુ આંદોલનોમાં કે ન તો આજના કોઈ પક્ષોમાં. આજના આપણા જે યુવાનો છે, પચીસ વર્ષથી નીચેની ઉંમરના, તેઓ એક શક્તિ છે, જેઓ એક સાર્થક દિશા શોધી રહ્યા છે. તેઓ એક ઊર્જા છે, જેઓ ગંતવ્ય શોધી રહ્યા છે. તેઓ એક પ્રેરણા છે, જેઓ પોતાનો આદર્શ શોધી રહ્યા છે. કેવી રીતે આપણે એ માની શકીએ કે જેને જોઈને આપણે એમ કહી શકીએ – હા, અમને આજ પર ભરોસો છે. જો એવો ભરોસો છે, તો એ જ છે આજની વસંત. અને જો એવી પરિસ્થિતિ દેખાતી નથી, તો એ જ નિરાશાની શીત.

આજના તમામ રાજકીય પક્ષોમાં આપણને કેટલાક એવા માણસો  ચોક્કસ મળશે જેમને આપણે માન આપી શકીએ, જેમને આપણે આદર આપી શકીએ. સાથોસાથ, તમામ રાજકીય પક્ષોમાં કેટલાક એવા નમૂનાઓ પણ જોવા મળશે, જેમની સાથે આપણે કોઈ લિફ્‌ટમાં જવાનું પણ પસંદ નહીં કરીએ, જેમની સાથે આપણે એક કપ ચા પીવાનું પણ પસંદ નહિ કરીએ. આ વાસ્તવિકતા છે. આજની આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આપણે અંધકારમાં રસ્તો શોધવાનો છે.

આજનો જમાનો આપણને શું કહી રહ્યો છે ? શું અપૂર્ણતા કબૂલ કરવી એટલું પૂરતું છે ? કદાચ આવા એક વ્યાખ્યાન માટે કે એક લેખ માટે એ પૂરતું હોઈ શકે, પણ તેનાથી આપણને કોઈ ખોરાક નહીં મળે, ન તો બૌદ્ધિક કે ન તો કોઈ અન્ય પ્રકારનો. એટલે આજે મારું આ એક સૂચન છે કે જેઓ પોતાની જાતને ગાંધીપ્રેરિત માને છે અને ક્યારેક-ક્યારેક પોતાને ગાંધીવાદી કહેવડાવવાની ભૂલ પણ કરી બેસે છે, એ તમામે પોતાની જાતને આ પ્રશ્ન પૂછવો પડશે કે આપણે પોતાની જાત પર એવો કાબૂ મેળવી રહ્યા છીએ ખરા, જે આપણે બીજાઓમાં જોવા ઇચ્છીએ છીએ ? તો આપણને જવાબ મળશે, ના, કદાચ નહિ. હું મારે વિશે એમ ચોક્કસ કહી શકું કે બિલકુલ નહિ. આજે દરેક માણસ રાજકીય માણસ છે. એ બીજાઓ પર આરોપ મૂકવામાં એકદમ પાવરધો છે, પણ સ્વરાજ્યનો જે અર્થ છે, પોતા ઉપર પોતાનું રાજ્ય, તેનાથી તેઓ જોજનો દૂર છે. જો આમ જ ચાલ્યા કરશે, તો કહી શકાય કે આપણો દેશ કેટલાક એવા લોકોનું થાણું બની ગયો છે, જ્યાં બીજાઓના દોષો તો બરાબર જોવામાં આવે છે, પણ કોઈ ઉકેલ નથી લાવી શકાતો.

જ્યારે-જ્યારે કોઈ કોઈની ઉપર આરોપ મૂકે છે, ત્યારે એક આરોપ એમની ઉપર પણ લાગી જ જાય છે. આજે કોઈ એમ નથી કહેતું કે ભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ. હું મારી ભૂલ કબૂલ કરું છું, હવેથી હું મને સુધારવાનો પ્રયત્ન કરીશ. ચૌરીચૌરાથી આપણે સૌ પરિચિત છીએ. ચૌરીચૌરાના બનાવ પછી લડત મોકૂફ રાખીને ગાંધીજીએ તમામ કૉંગ્રેસી નેતાઓને, કાર્યકર્તાઓને એવો આંચકો આપ્યો હતો કે તેઓ લાંબા સમય સુધી તેમાંથી બેઠા નહોતા થઈ શક્યા.

આજે પ્રત્યેક રાજકીય હેસિયત, રાજકીય પક્ષો અને સાથોસાથ તેઓ પણ જેઓ પોતાને સામાજિક આંદોલન માને છે, તે તમામ ‘હિમાલય જેવડી ભૂલો’ કરી રહ્યા છે. પણ એમાંથી એક પણ પોતાની ભૂલો સ્વીકારવા તૈયાર નથી.

ગાંધીમાં ચાર વસ્તુ એવી હતી જે એમને એકદમ અનોખા બનાવતી હતી. એમને મૃત્યુનો ભય નહોતો. એમને પરાજયનો ભય નહોતો અને સૌથી મહત્ત્વની વાત તો પોતાની ભૂલ કબૂલ કરવામાં જરાયે સંકોચ નહોતો.

આજે આપણે આ ચારે વસ્તુને માપદંડ તરીકે સ્વીકારીએ અને પૂછીએ આપણામાંથી કોણ એવા છે કે આ માપદંડ પ્રમાણે પાસ થાય. બહુ જ ઓછા લોકો નીકળશે. આ જ આપણી નબળાઈ છે. એક પાંચમો ગુણ પણ ગાંધીમાં હતો જે આજે આપણામાંથી બિલકુલ ગાયબ છે, અને તે છે પોતાને અને સમાજને કડવું સત્ય કહેવાનો. આને આપણે કોઈ પણ નામ આપીએ. શક્તિ કહીએ, તાકાત કહીએ, ટેવ કહીએ કે ટેક્‌નિક કહીએ કે ગમે તે કહીએ.

જ્યારે-જ્યારે આપણને કોઈ રાજકીય પક્ષો કે રાજ્ય કે કેન્દ્ર સરકારની કોઈ ભૂલ શોધી કાઢવામાં મજા આવે, ત્યારે આપણે આપણી જાતને પણ પૂછી લેવું જોઈએ કે આ ભૂલ કરવામાં મારી પોતાની પણ કોઈ ભૂમિકા હતી ખરી ? આપણે એવું કરીશું નહિ. જે લોકો રાજકારણમાં છે, તે લોકો પણ આપણને એવું કહેવાના નહીં. તેઓ તો આપણને પોતાની ‘વોટ બૅંક’ માને છેને ? કોઈ એમ કહેવા રાજી નથી કે હું હારું તો હારું, હું તમારો પ્રેમ મેળવી શકું તો મેળવી શકું, પણ જે સત્ય છે તે તો હું કહીશ જ. એક સામાન્ય માણસ તરીકે, સામાન્ય નાગરિક તરીકે, પણ આપણે આ દેશને નીચો દેખાડ્યો છે. આજે આવું કહેવા માટે કોઈ તૈયાર નથી. આ પીડા દૂર કરવા માટે કેટલાક લોકો નક્કર કામ કરી રહ્યા છે. તેઓ પોતાની જાતને ગાંધીવાદી નથી કહેવડાવતા, પણ તેઓ કામ કરી રહ્યા છે, તેમની સંખ્યા ઓછી છે. તેમનાં નામોથી આપણે પરિચિત પણ નથી. દેશમાં આજે જ્યાં-જ્યાં ગાંધીનું કામ થઈ રહ્યું છે, ખાસ કરીને એવા લોકો દ્વારા જેઓ પોતાનાં કામોને ગાંધીનું કામ છે, એમ નથી કહેતા. તેઓ તો માત્ર પોતાનાં કામમાં જ તલ્લીન છે.

દરેક રાજકીય પક્ષ કોઈ ને કોઈ નેતાના નામનો ઉપયોગ કરે છે. ગાંધીનાં નામોનો ઉપયોગ વરસોથી થતો આવ્યો છે. બાબાસાહેબના નામનો ઉપયોગ પણ આખા દેશમાં થતો આવ્યો છે. એ રીતે નેતાજીનું નામ પણ લેવાઈ રહ્યું છે. અને આટલાં વરસો પછી હમણાં હમણાં સરદાર પટેલનું નામ પણ રાજકીય કાર્યક્રમો માટે લેવાઈ રહ્યું છે. કોઈકે બહુ સાચું કહ્યું છે – જે મહાન વિભૂતિઓ આજે આપણી વચ્ચે નથી, તેમનાં નામો લેવાનો અર્થ એ થયો કે જાણે તેમની કબર ખોદીને તેમનું શરીર બહાર કાઢ્યું !

આ બિલકુલ સાચું છે. કોણ કહી શકે કે આ નેતાઓ એમના નામના ઉપયોગથી સંતુષ્ટ હશે. કોઈ નહિ કહી શકે, પણ એમના નામનો ઉપયોગ થઈ રહ્યો છે. એક રીતે આ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. આની શરૂઆત ગાંધીજીના નામના દુરુપયોગથી જ થઈ છે. એમાં તો કોઈ શંકા જ નથી. સમગ્ર દેશમાં આ થઈ રહ્યું છે. હવે એની પ્રતિક્રિયા થઈ રહી છે. એનો પ્રતિધ્વનિ આજે આપણે સાંભળી રહ્યા છીએ. બાકીનાં નામોનો પણ આ રીતે જ ઉપયોગ દુરુપયોગ થઈ રહ્યો છે. આજના જમાનાના જે અંધકારની વાત પ્રારંભમાં કરી હતી, તે પણ આનો જ એક અંશ છે. આપણને આપણો પોતાનો કોઈ પ્રકાશ તો મળતો નથી, એટલે આપણે આપણાં જૂનાં કોડિયાંઓને પેટાવી-પેટાવીને એના જ અજવાળે અંધકારમાં રસ્તો શોધી રહ્યા છીએ. બીજા શબ્દોમાં કહીએ તો આકાશમાં ઝબૂકતા તારાઓના પ્રકાશથી અંધકારમાં રસ્તો શોધી રહ્યા છીએ.

દુનિયાની વાત જરા જુદી છે. દુનિયામાં આજે મહાત્મા ગાંધીનું નામ સમકાલીન નામ છે. ભારતમાં એ પુરાતન નામ છે. આપણે વરસમાં બે વખત એમના ફોટાની સામે દીપ પ્રગટાવીને, પુષ્પો અર્પણ કરીને આત્મસંતોષ લઈએ છીએ. પણ દુનિયામાં પર્યાવરણ ક્ષેત્રે જે આંદોલનો ચાલી રહ્યાં છે, તે ગાંધીના જાદુથી એવાં તો પ્રેરિત થયેલાં છે કે આપણે જાણતા પણ નથી. સામાજિક આંદોલનો અને રાજકીય પક્ષો આ બંનેને જોડીને ગાંધીએ જે ચમત્કાર કર્યો હતો આ દેશમાં, તે આજે આખી દુનિયામાં પર્યાવરણનાં કામો સાથે જોડાઈ રહ્યો છે. આ ચમત્કાર વિશે પણ આપણે પૂરું જાણતા નથી.

આજે હું જે આ કડવી વાત કહી રહ્યો છું, એવી કડવી વાત કોઈ કહેતું નથી. પર્યાવરણની બાબતમાં આપણે ક્યાં ભટકી રહ્યા છીએ, ક્યાં ભૂલ કરી રહ્યા છીએ, તે કોઈ કહેતું નથી. રાજકારણીઓ આ વાત નહીં કહે. તેઓ શું કામ એમ કહે છે કે આપણે પાણી અને વીજળીનો બગાડ ન કરવો જોઈએ. એની બચત કરવી જોઈએ. એ તો એમ જ કહેશે કે તમે કર્યા કરો એનો ઉપયોગ, એની કિંમત અમે જોઈ લેશું. તે માટે આપણે આપણા ‘કોર્પોરેટ સેક્ટર’ને પણ યાદ કરવું જોઈએ આજે આપણા ભારતીય વ્યાપારે આપણે માટે જે કંઈ કર્યું છે, તેનાથી આપણે સૌ પરિચિત છીએ. પણ વ્યાપારિક બિરાદરી જે રીતે આપણાં કુદરતી સંસાધનોને દોહી રહી છે, તે વિશે સબૂર કહેવા કોઈ રાજી નથી. કોઈ રાજકીય પક્ષ પણ એ કહેવા તૈયાર નથી. કદાચ એકાદ હોય તો. આપણે જાણીએ છીએ કે આપણી ખનીજ સંપત્તિનો કઈ રીતે દુરુપયોગ થઈ રહ્યો છે, પણ આજે આ પ્રશ્ન પૂછવાવાળું કોઈ નથી કે આપણી જે આ કીમતી ખનીજો છે, તેની દશા કેવી છે ? આપણાં કુદરતી સંસાધનોની દશા આજે કેવી છે ? આપણી જે આ બધી જ કુદરતી સંપત્તિ છે, ધરોહરો છે, તેનો ઉપયોગ આજે આપણે કેટલો કરીશું, આવતી કાલ માટે કેટલો રાખીશું અને આવનારી પેઢી માટે કેટલો મૂકી જઈશું ?

કોલકાતામાં મેં ૫૦ મોટાં ઉદ્યોગગૃહોને એક પત્ર લખ્યો હતો કે બચત કરવી તે પણ એક ચીજ છે. તમે મને એ બતાવો કે વીજળી અને પાણીનો જે રીતે તમે ઉપયોગ કરી રહ્યા છો, તે વાજબી માત્રામાં છે ? જરૂરિયાત કરતાં ઓછું છે કે વધુ છે ? જો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ કરતા હો, તો કેટલી બચત કરી શકશો ? આ આપણો જે પ્રદેશ છે, તે વીજળી-ઉત્પાદનની બાબતમાં પછાત પ્રદેશ છે, એટલે તમે તમારાં સૂચનો મોકલો. જે સ્થળેથી (રાજભવનમાંથી) મેં આ પત્ર લખ્યો હતો, તે સ્થળની તે પદની, એક ગરિમા છે. પણ તમને નવાઈ લાગશે, એક પણ ઉદ્યોગગૃહે મને પત્રની પહોંચ સુદ્ધાં નહોતી મોકલી. અને તે એટલા માટે કે તેઓ બધા જ જાણતા હતા કે રાજ્યપાલ તો શોભાના ગાંઠિયા જેવા છે, અસલી નિર્ણાયક તો રાજકારણીઓ જ છે. એટલે રાજ્યપાલને જવાબ આપીને સમય શું કામ બગાડવો ? પાણીની બચત ન કરે. સમયની બચત કરે, જવાબ નથી આપવો. ત્યાં જ મને એક ભદ્ર મહિલાનો સુંદર પત્ર મળ્યો : મહોદય, રાજ્યના આ ઊંચામાં ઊંચા ગરિમામય પદને પત્ર લખતાં હું ગૌરવનો અનુભવ કરી રહી છું.’ પણ રાજ્યમાં ઉદ્યોગપતિઓ તો જાણતા હતા કે રાજ્યનું ઊંચામાં ઊંચું પદ ક્યાં છે, કોણ છે ? માસ્ટર કી કોની પાસે છે ? મકોડા ત્યાં જ જાયને, ગોળ હોય ત્યાં ! એટલે બચત વિશે લખેલા મારા પત્રનો કોઈએ જવાબ સુધ્ધાં ન આપ્યો !

આપણા બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને ૧૯૬૭માં સ્વતંત્રતા-દિવસના પોતાના ભાષણમાં કહ્યું હતુંઃ “કુદરતી સંસાધનોનો દુરુપયોગ અને બચત કરવાની વિરુદ્ધમાં ફેલાઈ રહેલી આગ પ્રત્યે અમે દેશને ચેતવવા માગીએ છીએ. જો આજે તેઓ આપણી વચ્ચે હોત, તો કદાચ એકદમ મૌન થઈ જાત. આજે આખી દુનિયામાં આ બાબતમાં જાગરૂકતા વધતી જાય છે, પણ આપણે ત્યાં અંધારું છે. આપણે કહીએ છીએ કે વિકસિત દેશોએ બદલાતી ઋતુઓ માટે પોતાના વપરાશનું સ્તર ઘટાડવું જ પડશે. આ વાત સાચી જ છે. એમણે જે રીતે દુનિયામાં વપરાશનું સ્તર વધારી દીધું છે અને પ્રદૂષણ વધારી દીધું છે, તેની સરખામણી જ ન થઈ શકે આપણી સાથે. એની ઉપર એમણે નિયંત્રણ મૂકવું જ જોઈએ, પણ એનું બહાનું બતાવીને આપણાં ઉદ્યોગગૃહો કંઈ જ ન કરે, માત્ર ચૂપ બેસી રહેશે, તો એવું માની લેવામાં આવશે કે દેશની અંદર જે ‘પહેલી દુનિયા’ છે, જે ‘બીજી દુનિયા’ છે, તે ત્રીજી દુનિયાના લોકોની પાછળ છુપાઈને પોતાના લુંટારુપણાને બચાવી રહી છે. આ એક વાસ્તવિક હકીકત છે, પણ આ કડવું સત્ય કોઈ કહેશે નહિ. એનો ઉલ્લેખ પણ નહિ કરે. હૈસો … હૈસો કર્યા કરશે. બધા કહ્યા કરશે – ફલાણા ભ્રષ્ટ છે અથવા ફલાણાં રાજકારણમાં પોતાની વગ વધારવા માગે છે.

આજે આપણે એક એવા જમાનામાં જીવી રહ્યા છીએ, જેમાં આશાનાં કિરણો ઓછાં અને નિરાશાનાં વાદળો વધુ દેખાઈ રહ્યાં છે. મારું એવું માનવું છે, આવી પરિસ્થિતિ કંઈ લાંબો વખત ચાલી શકે નહિ. જો નથી ચાલી શકતી તો એ કઈ રીતે બદલાશે ? એ એવી રીતે બદલાશે કે ઘણા બધા રાજકીય પ્રયોગો એકસાથે ચાલશે. દરેક પ્રયોગમાં આપણે સેળભેળ જોઈશું, જે સેળભેળ ચાર્લ્સ ડિકન્સ આપણને ‘એ ટેલ ઑફ ટુ સિટીઝ’માં બતાવી ચૂક્યા છે : ત્યાં આશા હશે, ત્યાં નિરાશા હશે, ત્યાં પ્રકાશ હશે, ત્યાં અંધકાર પણ હશે. જ્યારે-જ્યારે કોઈ આશાનું કિરણ દેખાય છે કે તરત જ તેની ઉપર એક દૂષિત વાદળું છવાઈ જાય છે. ગઈ કાલ સુધી તો આપણને એવું લાગતું હતું કે આટલી સરસ-સરસ વાતો થઈ અને આજે પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ ! પણ આ પ્રયોગોમાંથી કંઈક ને કંઈક જરૂર નીકળશે. પણ પ્રયોગો ખૂબ જ મોંઘા સાબિત થઈ રહ્યા છે. કેમ કે આ પ્રયોગો કોઈ પ્રયોગશાળામાં તો થતા નથી. આ પ્રકારના રાજકીય અને સામાજિક પ્રયોગો તો આપણા જીવનરૂપી પ્રયોગશાળામાં ચાલ્યા કરે છે, જીવનના રોજબરોજના પ્રશ્નોમાં ચાલ્યા કરે છે.

તાજમહેલ, ગાંધી અને દુનિયાની સૌથી મોટામાં મોટી લોકશાહી – આ ત્રણ બાબતોને કારણે દુનિયામાં આપણા દેશની ઊંચામાં ઊંચી શાખ છે. આ ત્રણે વિશે એકબે વાત કહીને હું મારી વાત પૂરી કરીશ. તાજમહેલ માત્ર ભારતની સૌન્દર્યદૃષ્ટિનું જ પ્રતીક નથી. એ તો એના અંતરાત્માની, એની વિશાળતાની, ધવલ ધરોહર છે. આ તાજ સામે આજે ખતરો ઊભો થયો છે. એને બચાવવો અતિ જરૂરી છે. બીજું કંઈ બચે કે ન બચે, તાજમહેલને તો કોઈ પણ સંજોગોમાં બચાવવો જ જોઈએ, એને બચાવવો તે આપણા સૌની ફરજ છે.

તાજમહેલ અને ગાંધી વચ્ચે કોઈ સમાનતા છે ખરી ? કોઈ મેળ છે ખરો ? ના, બિલકુલ નથી, એક વાર તેઓ તાજમહેલ જોવા ગયા હતા ખરા, પણ તે જોઈને વિશેષ આકર્ષાયા હોય તેવું પ્રમાણ નથી. તેમ છતાં, ઘણો મોટો સંબંધ છે. હું આજે એ બંને વિશે એક સંગીતાત્મક વિચાર તમારી સમક્ષ રજૂ કરવા ઇચ્છું છું. આપણે સૌ જાણીએ છીએ તેમ આપણું રાષ્ટ્રગીત જનગણમન ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની દેણ છે. આપણે તો એ રાષ્ટ્રગીતનું સંક્ષિપ્ત સ્વરૂપ જ જાણીએ છીએ. ઘણું લાંબુ રાષ્ટ્રીય ગીત કોણ ગાઈ શકે ભલા ? પણ ગાંધીજીએ જે આશ્રમ ભજનાવલી તૈયાર કરી છે, તેમાં એ મૂળ ગીત જોવા મળે છે. તેમાં આ પંક્તિઓ છે :

ઘોર તિમિરઘન નિબીડ નિશીથે પીડિત મૂર્છિત દેશે,
જાગૃત છિલ તવ અવિચલ મંગલ નતનયને અનિમેષે,
દુઃસ્વપ્ને આતંકે, રક્ષા કરિ લે અંકે, દ્બસ્નેહમયી તુમિ માતા.

આ ગીત ગુરુદેવે રાષ્ટ્રીય ગીત તરીકે તો લખ્યું નહોતું. ઘોર તિમિરધન નિબીડ નિશીથે. તમે આને ધ્રુવપદ તરીકે પણ લઈ શકો. જો કોઈ આને ધ્રુવપદ તરીકે ગાય તો કેવી રીતે ગાશે :

ઘોર તિમિરઘન ઘોર તિમિર, ઘનઘન ઘોરઘોરઘોર તિમિરઘન
દુઃસ્વપ્ન આતંકે, રક્ષા કરિ લે અંકે, સ્નેહમયી તુમિ માતા.

તાજમહેલ, ગાંધી અને ગાંધી દીધેલ ગુરુદેવના આ પૂર્ણગાન વચ્ચે એક ગાઢ સંબંધ છે. ‘સારે જહાં સે અચ્છા’ વિશે આપણે સૌ જાણીએ છીએ. એક સદાબહાર સ્થાયી સુંદરતાથી ભરેલું સુંદર ગીત. એના જેવી ગેય સુંદરતાથી ભરેલું બીજું કોઈ ગીત આપણને મળ્યું નથી.

રાકેશ શર્મા જ્યારે ચંદ્રની યાત્રાએ ગયા હતા, ત્યારે તે વખતના વડાપ્રધાને એમને પૂછ્યું હતું કે તમને ચંદ્ર પરથી હિંદુસ્તાન કેવું દેખાય છે ? ત્યારે તેના જવાબમાં અંતરિક્ષયાનમાં બેઠાં-બેઠાં રાકેશ શર્માએ એમને કહ્યું હતું – “સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા.” આ સાંભળતાં જ આપણા સૌનાં રૂંવાડાં બેઠાં થઈ જાય છે. પણ એ ‘સારે જહાં સે અચ્છા’માં ઇકબાલ કહે છે –

‘ઇકબાલ કોઈ મહરમ અપના નહિ જહાં મેં,
માલૂમ ક્યા કિસી કો દરદે નિહાં હમારા.’

આ પંક્તિઓ આપણે યાદ નથી રાખતા.

‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા, હિંદોસ્તાં હમારા, હમ બુલબુલે હૈં ઊસકી વહ ગુલસિતાં હમારા. વગેરે ગાયા કરીએ છીએ. પણ આ બાજુ ‘દરદે નિહાં હમારા’ અને પેલી બાજુ ‘ઘોર તિમિરઘન’ યાદ નથી રહેતું આપણને. આ દર્દ આ તિમિર, કોણ દૂર કરશે, ખબર નથી.

ગાંધી એ કરતા ગયા. દુનિયા જાણે છે પણ ગાંધીવાદીઓ એ નથી જાણતા. ગાંધીવાદીઓ પેલા ગાંધીને ચાહે છે, જે વધુ સુવિધાજનક છે. રાજકારણીઓ એવા ગાંધીને ચાહે છે, જે વધુમાં વધુ સુવિધાજનક છે. અસુવિધાજનક ગાંધીને કોઈ યાદ નથી કરતું. આજે એ અસુવિધાજનક ગાંધીનો પુનઃ આવિષ્કાર થવો જોઈએ, જે કડવંુ સત્ય કહે. પોતાને પણ અને બીજાઓને પણ.

ત્રીજી વાત છે લોકશાહીની. આપણી જે પીડા છે, તે શોષણમાંથી જન્મી છે. પણ આજે વિટંબણા એ છે કે એ શોષણમાંથી ઉત્પન્ન થયેલ પીડાનું પણ શોષણ થઈ રહ્યું છે. એ પીડા દૂર કરવા માટે, પીડા માટેની દવા આપવાને બદલે એ પીડાને વધુ વકરાવીને, એ પીડાનું શોષણ કરીને, પોતાનું પોષણ થઈ રહ્યું છે. આ છે આપણો જમાનો. પણ જો આપણે આપણી ઉપર વિશ્વાસ રાખીએ અને પોતા ઉપર સ્વરાજ્ય લાવીએ, તો આપણો જમાનો ચોક્કસ બદલાશે. ખુદ પર સ્વરાજ્ય લાવવાનું તો મને લાગે છે કે આવનારાં વરસોમાં અને વધુ નહિ પણ બહુ જલદી આપણે આપણા પ્રયોગોમાં મેળવી પણ શકીશું. પણ તે માટે આપણે આપણી ભૂલો કબૂલ કરવી પડશે. આપણે આપણી જાતને સુધારવી પડશે.

લાંજા દેલ વાસ્તો નામના એક ઘણા મોટા દાર્શનિક થઈ ગયા. તેમણે ગાંધીજીની અંતિમ ક્ષણો વિશે લખ્યું છે. એ જ વાતથી આ સંવાદનું સમાપન કરીશ. આપણે સૌ જાણીએ છીએ, આભા અને મનુએ ગાંધીજીને અંતિમ ક્ષણોમાં રામનું નામ લેતાં સાંભળ્યાં હતાં. ‘હે રામ !’ આ એક પુણ્યભવ્ય શબ્દ, અંતિમ શબ્દ એમના મુખેથી નીકળ્યો હતો. પણ બરાબર આની પહેલાં ગાંધીજી એક આખું વાક્ય બોલ્યા હતા, જેમાં સર્વનામ, સંજ્ઞા, ક્રિયાપદ, વાક્યવિન્યાસ બધું જ હતું. એ વાક્ય ગુજરાતીમાં હતું. તે દિવસે ગાંધીજીને પંદર મિનિટ મોડું થઈ ગયું હતું. એટલે આભા અને મનુને તેમણે ગુજરાતીમાં કહ્યું હતું. ‘અને મોડું થતું ગમતું નથી :’ મોડું જવું ગમતું નથી. પેલા રામ શબ્દને આપણે બાજુ પર મૂકી દઈએ. આ વાક્યને જોઈએ. કહેવાયેલું અંતિમ વાક્ય.

લાંજા દેલ વાસ્તોએ એને નાટકીય સ્વરૂપ આપતાં કહ્યું છે : ગાંધીએ પોતાના હત્યારા તરફ જોયું અને કહ્યુંઃ ‘અરે, તું તો મોડો પડ્યો.’ હું એમાં એક ઊંડો મર્મ જોઉં છું. જે કોઈ ગાંધીનો અંત કરે છે, તેઓ જાણતાં કે અજાણતાં ચૂકી જાય છે. એમને મોડું થઈ જાય છે. ગાંધી તો સમયપાલનના ચુસ્ત આગ્રહી છે. જ્યાં જરૂર હશે, ત્યાં સમયસર પહોંચી જ જશે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેઓ દરેક જગ્યાએ દૃષ્ટાંતરૂપ પ્રેરણા દેવા પ્રબંધકની સામે હાજર થશે. તેઓ સમયપાલનના આગ્રહી જ નથી, સમય કરતાં આગળ પણ છે. એટલા માટે તેઓ દરેક જગ્યાએ સમયસર પહોંચી જ જાય છે અને પોતાની અમીટ છાપ મૂકી જાય છે. જે લોકો ગાંધીનું નામ લીધા વિના પણ સુંદર સુંદર કામોમાં વ્યસ્ત છે, તે લોકો પણ પોતાની છાપ મૂકી જશે. ભલેને પછી તેઓ ગાંધીના કોઈ ચિત્રની સામે દીવો પેટાવે કે ન પેટાવે.

અનુ. મોહન દાંડીકર

૩૦ જાન્યુઆરી, ૨૦૧૪ને દિવસે ગાંધી શાંતિપ્રતિષ્ઠાન(નવી દિલ્હી)માં આપેલ વ્યાખ્યાન

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ.05-08

Loading

1 December 2014 admin
← શબ્દ અને અપશબ્દ
દર્શક-જન્મશતાબ્દી સાહિત્યમિલન →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved