Opinion Magazine
Number of visits: 9446391
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિમાલયનો ‘આયોજનબદ્ધ’ રીતે થઈ રહેલો ‘વિકાસ’

સ્વાતિ દેસાઈ|Opinion - Opinion|24 February 2023

સ્વાતિ દેસાઈ

ઉત્તરાખંડ, હિમાચલ – હિમાલયમાં landslide – ભૂસ્ખલન એ કંઈ હવે નવી વાત નથી. આમ તો કુદરતી હોનારતો જે હવે કુદરતી નહીં માનવસર્જિત બની ગઈ છે. તેનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. માણસનાં લોભ, વિલાસ, બેજવાબદારીભરી જીવનશૈલીનાં પરિણામો રોજ રોજ સામે આવી રહ્યાં છે. જલવાયુ પરિવર્તનના સંકટે માનવજાત સામે અસ્તિત્વનો સવાલ ખડો કરી દીધો છે. જોષીમઠમાં આજે તિરાડો પડવાને લીધે લોકો પોતાનાં ઘરો છોડી રહ્યા છે અને આડેધડ વિકાસ અને જલવાયુ પરિવર્તનની ઘટનાને કારણે જોષીમઠ જ નહીં, હિમાલયનાં અન્ય શહેરો તેમ જ કસબાઓ નીચે ધસી રહ્યાં છે, નાબૂદ થવાની સંભાવનાઓ પર ઊભાં છે.

જાન્યુઆરી ૨૦૨૩ની ભીષણ ઠંડીનું મોજું જ્યારે પ્રવર્તમાન હતું તેવે વખતે પ્રાચીન તીર્થધામ એવા જોષીમઠના રહેવાસીઓને પોતાનાં ઘરો છોડવા મજબૂર થવું પડ્યું. શહેરનાં લગભગ ૨,૫૦૦ મકાનોમાંથી એક ચતુર્થાંશ ઘરોના પાયા નમી પડ્યા હતા અને જમીનમાં સરકી રહ્યા હતા. બહાર તેમ જ અંદર દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. આજે જ્યારે આવી નોબત આવી છે તેના થોડા દિવસો અગાઉ જ જોષીમઠ વાસીઓનું એક પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્ય મંત્રીશ્રીને એ કહેવા મળ્યું હતું કે જુદા જુદા પ્રોજેક્ટોના બાંધકામને કારણે તેમનાં ઘરોમાં તિરોડો પડવા લાગી છે, પરંતુ તેમને તો મુખ્ય મંત્રી સાથે વાત કરવા માટે માત્ર પાંચ મિનિટનો સમય ફાળવાયો હતો એમ કહેવાય છે. તેમને “તમારો ભય કોઈ આધાર વિનાનો છે” એમ કહીને તેમની પૂરી વાત સાંભળ્યા વિના જ મોકલી દેવામાં આવ્યા. આ ચોથી જાન્યુઆરીની વાત છે, જેના થોડા જ દિવસોમાં રાજ્ય, દેશ અને દુનિયાએ જોયું કે ત્યાં શું થયું.

દહેરાદૂન સ્થિત વાડિયા ઇંસ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના પ્રમુખ કાલાચંદ સેને કહ્યું કે જોષીમઠ જે સમુદ્રની સપાટીથી ૬,૦૦૦ ફૂટની ઊંચાઈ પર વસેલું છે તે હંમેશ સંવેદનશીલ રહ્યું છે. કારણ કે તે સ્થિર જમીન પર નહીં પરંતુ ખૂબ જ અસ્થિર તેમ જ નબળા આધાર પર ટકી રહેલું છે. હજારો વર્ષ અગાઉ અહીં જે ગ્લેશિયર હતા તેમના દ્વારા રહી ગયેલા (ભૂસ્ખલનને કારણે) મોરૈન (રેતી, પત્થર, કાટમાળ વગેરે) ઉપર વસેલો – ટકેલો આ કસ્બો છે. આમ તેની નીચેની જમીન (જેના પર આજે અસંખ્ય મકાનો બની ગયાં છે) બીજી જમીનો જેવી સ્થિર અને મજબૂત નથી.

પ્રસ્તુત ક્ષેત્ર બદ્રીનાથનું પ્રવેશદ્વાર છે. અહીંથી જ હેમકુંડ સાહિબની યાત્રા પણ જાય છે, યુનેસ્કોની વૈશ્વિક વારસાની સૂચિ(World Heritage)માં શામેલ એવી ‘વૅલી ઑફ ફ્લાવર્સ’નું પણ આ પ્રવેશદ્વાર છે. આ ઉપરાતં આ એક શિયાળાની ઠંડી (બરફ જોવા) માણવા માટેનું  પર્યટન સ્થળ પણ છે.

ઔલી એ હિમાલય(જિલ્લા ચામોલી)નું સ્કીઈંગ કરવા માટેના સ્થાન તરીકે વિકસાવાયેલું હોઈ ત્યાં પણ ઘણા પર્યટકો જાય છે. આ એક ખૂબ જ જાણીતું પર્યટન સ્થાન બની ચૂક્યું છે. આવાં મહત્ત્વનાં સ્થળોનું પ્રવેશદ્વાર હોવાને કારણે જોષીમઠ રોજગારી માટેનું એક મોટું કેંદ્ર બની ગયું છે. અનેક સહેલાણીઓ અહીં આવતા-જતા રાતવાસો કરે છે. તેથી અનેક હોટેલો તેમ જ અન્ય મકાનો અહીં બનતાં રહ્યાં અને લોકો પણ અહીં વસતા ગયા.

આમ, જોષીમઠની સંવેદનશીલ ભૂસ્તરીય પરિસ્થિતિને નજરઅંદાજ કરીને આ આખું ક્ષેત્ર ભારે અવરજવર વાળું ક્ષેત્ર બની ગયું. જે આજથી ચાલીસ વર્ષ પહેલાં એક નાનકડું ગામ હતું. વર્ષ ૧૯૬૨માં ચીને કરેલા હુમલા પછી આ વિસ્તારમાં સેના તેમ જ ભારત-તિબેટ સીમા પોલીસની ગતિવિધિઓ પણ વધતી ગઈ. આ કારણસર આ ક્ષેત્રમાં સૈન્યનું માળખું પણ વધતું ગયું. સરહદની સુરક્ષાની બાબત હોવાથી તે જરૂરી પણ ગણાયું.

 

આ ઘટનાઓ અંગે એવું લખાઈ ચૂક્યું છે કે આયોજન વગર કરવામાં આવેલ બાંધકામોને લીધે આજે હિમાલયમાં પ્રશ્નો ઊભા થયા છે. પર્વત ધસી રહ્યા છે અને મકાનોમાં તિરાડો પડી છે. આ કહાનીનો એક ભાગ છે. ખરેખર પર્વતો કેમ ધસી રહ્યા છે તેના મૂળ કારણમાં ઊતરવું જરૂરી છે. ૧૯૯૦ પછી એટલે કે ઉત્તરાખંડ સ્વતંત્ર રાજ્ય બન્યા પછી આ પર્વતીય વિસ્તારમાં ‘વિકાસ’ની પ્રવૃત્તિઓનો વેગ અચાનક વધારી દેવામાં આવ્યો. હિમાચલમાં પણ આવી જ ઘટના બની રહી છે. આ બંને રાજ્યોના વિકાસના મોડેલની નાવ વિશ્વબેંક દ્વારા હંકારવામાં આવી રહી છે. ખાસ કરીને ‘ચારધામ સડક ચૌડીકરણ પરિયોજના’ (ચાર પવિત્ર યાત્રાધામો માટેના રસ્તાઓ પહોળા કરવાની યોજના) તેમ જ મોટા પ્રમાણમાં જલવિદ્યુત પરિયોજનાઓનાં આયોજન.

અહીં એ નોંધીએ કે વિશ્વબેંકે જલવિદ્યુત પ્રોજેક્ટને ફંડ ન આપવાની પોતાની નીતિ વર્ષ ૨૦૦૫માં બદલી નાંખી હતી. વિશ્વબેંકે આમ તો મોટા બંધોને ટેકો નહીં કરવાનું નક્કી કરેલું હોવા છતાં ૨૦૦૫ પછી તેણે મોટી જલવિદ્યુત પરિયોજનાઓને ફંડ આપવાનું શરૂ કર્યું છે. નાપ્થા ઝાકરી પરિયોજનાનું ટીકાત્મક મૂલ્યાંકન કર્યા વિના તેને ફંડીંગ અપાયું હતું. આ પ્રોજેક્ટ સતલજ નદીના તટપ્રદેશમાં આવેલો છે. જે ૮,૧૮૭ કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો. આમ કરવા માટે દલીલ એ કરવામાં આવે છે કે આ બધી જલવિદ્યુત પરિયોજનાઓ run of the river યોજનાઓ છે એટલે કે તેમાં પાણીનું storage (સંગ્રહ) કરવામાં નથી આવતું. અથવા ખૂબ ઓછું હોય છે તેથી વિસ્થાપન પણ નહીંવત્ હોઈ તેમાં પર્યાવરણીય કે માનવીય નુકસાન થતું નથી.

પોતાના બચાવમાં વિશ્વબેંક કહે છે, “આ બંને પર્વતીય રાજ્યો(હિમાચલ અને ઉત્તરાખંડ)એ જલવિદ્યુત પરિયોજનાઓને પોતાના વિકાસ માટેની પ્રાથમિકતા બનાવતા તેઓ જલવિદ્યુતમથકો તેમ જ અન્ય પરિયોજનાઓ અમલમાં લાવી રહ્યા છે જેમાં અમે તેમને મદદરૂપ છીએ. સતલજ અને અલકનંદા નદીઓ પર થનારી વિવિધ યોજનાઓનો અભ્યાસ કરાયો છે અને આ કામો કેવી રીતે આગળ લઈ જવાં તે અંગે અમે ચર્ચા-વિચારણા કરી રહ્યા છીએ.”

શિમલાના પૂર્વ મેયરશ્રી ટીકેન્દરસીંગ પરવર કહે છે, “એ કહેવું અતિશયોક્તિ નહીં થાય કે હાલની ઘટનાઓ એ આડેધડ કરવામાં આવેલા બાંધકામનું કે વિકાસયોજનાઓનું પરિણામ નહીં પરંતુ ખરેખર તો વિશ્વબેંક, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો વગેરેએ સાથે મળીને આયોજનબદ્ધ રીતે કરેલ વિકાસ પરિયોજનાઓને કારણે આ પર્વતીય ક્ષેત્રોમાં સર્વનાશ ફેલાયો છે. હિમાચલ પ્રદેશમાં જલવિદ્યુત મથક માટે ડેમ બનાવતા પહેલાં પંચાયતની મંજૂરી જરૂરી હતી. બાંધકામ પહેલાં તેમણે NOC મેળવવાનું રહેતું હતું. પરંતુ નિયમોમાં ફેરફાર કરીને હવે આ જરૂરિયાત પણ હટાવી દેવામાં આવી છે.”

આ વિકાસનું મોડેલ બહુસ્તરીય એજન્સીઓને માટે તેમ જ જલવિદ્યુત મથકો બનાવનાર મોટી કંપનીઓ માટે જરૂરથી ફાયદો લઈને આવે છે પરંતુ લોકોને માટે તો તે ભીષણ મુશ્કેલીઓ અને ખંડિયેરોમાં ફેંકાઈ જવાનું ભવિષ્ય જ લઈને જ આવે છે.

વર્ષ ૧૯૭૬માં એમ.સી. મિશ્રા કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, જોષીમઠ એક ખૂબ જ સંવેદનશીલ (નબળી) જમીન પર ઊભેલું ગામ હોઈ અહીં ભારે બાંધકામ કરવું જોઈએ નહીં. અને કોઈ પણ બાંધકામ કરતા પહેલાં પ્રસ્તાવિક સ્થળની તપાસ થવી જોઈએ. જમીન ધસી ન પડે તે માટે વૃક્ષો રોપવાની સલાહ પણ આ અહેવાલમાં આપવામાં આવી હતી.

બીજી એક મહત્ત્વની બાબત એ પણ સૂચવાઈ હતી કે જોષીમઠ વિસ્તારમાં પથ્થર વગેરેનું ખોદકામ પણ કરવું જોઈએ નહીં. મિશ્રા કમિટીના રિપોર્ટ પછી પણ વિશેષજ્ઞોના અનેક રિપોર્ટ આવ્યા જેમાં આ પ્રકારની ચેતવણીઓ તેમ જ ભલામણો કરવામાં આવી હતી. પરંતુ આ બધું જ નજરઅંદાજ કરવામાં આવ્યું. ૧૯૮૦ની સાલમાં લોકોએ પણ આ બાબતે મજબૂત વિરોધ કર્યો હતો પરંતુ તેને પણ સાંભળવાની સત્તાધારીઓની તૈયારી ન હતી. ત્યારબાદ ૨૦૦૬ની સાલમાં એન.ટી.પી.સી. (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિ.) દ્વારા ૫૨૦ મેગાવૉટની જલવિદ્યુત પરિયોજના શરૂ કરવામાં આવી. આ એક મોટો પ્રોજેક્ટ હતો. તપોવન વિષ્ણુગઢ પરિયોજનાએ આ વિસ્તાર માટે એક ખૂબ જ મોટું જોખમ ઊભું કર્યું જેનો લોકોએ પણ ખૂબ વિરોધ કર્યો, જે વિરોધ આજે પણ ચાલુ જ છે.

જલવિદ્યુત પરિયોજના બનાવાય ત્યારે ખરેખર શું થાય છે તે ટૂંકમાં સમજીએ. તપોવન-વિષ્ણુગઢ પ્રોજેક્ટનો કેચમેન્ટ એરિયા (જે વિસ્તારમાં પડેલો વરસાદ નદીમાં જાય છે તે) ૩,૦૦૦ ચોરસ કિલોમીટરથી વધુ છે. અગાઉ જોઈ ગયા તેમ છેલ્લા કેટલાક દસકાઓથી ‘run of the river dam’ એટલે કે મોટા બંધોની જરૂર ન પડતી હોવાથી મોટો વિસ્તાર ડુબાણ હેઠળ જતો નથી તેને નવી ટેકનોલોજી તરીકે આગળ કરવામાં આવે છે. પરંતુ આ ટેકનોલોજીમાં પણ ઘણાં જોખમ રહેલાં છે. અને હાલમાં જે ભયંકર વિનાશ આપણે હિમાલયમાં જોઈ રહ્યા છીએ તેને માટે આ ટેકનોલોજીને પણ જવાબદાર ગણવામાં આવે છે.

આ ટેકનોલોજીમાં મૂળ નદીનાં પાણીને એક જગ્યાએ રોકીને તેને એક બોગદા તરફ વાળવામાં આવે છે જેને Head Race Tunnel (HRT) કહેવામાં આવે છે. અને આ બોગદામાંથી જે પાણી આવે છે તે ટર્બાઈનને ફેરવે છે જેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. વિષ્ણુગઢ પ્રોજેક્ટનું બોગદું (HRT) ૧૨.૧ કિલોમીટર લાંબું છે જે ૫.૬ મીટરનો વ્યાસ ધરાવે છે. આ ઉપરાંત તેને સમાંતર એવા અન્ય બોગદાઓ પણ બનાવવાં પડે છે. આ બોગદાઓ બનાવવા માટે ખૂબ શક્તિશાળી બ્લાસ્ટ કરવા પડે છે. આમ તો બોગદા બનાવવા માટે બોરિંગ મશીન વધુ સારું માનવામાં આવે છે, પરંતુ મોટા ભાગે બ્લાસ્ટિંગ કરીને જ પર્વતોમાં બોગદાં બનાવાય છે.

જ્યારે આવડું મોટું બોગદું બનાવવા બ્લાસ્ટિંગ થાય ત્યારે મોટા પ્રમાણમાં પત્થરના જથ્થાનો નિકાલ કરવાનો આવે છે. તેને ક્યાં નાંખવો એ પણ એક મોટી સમસ્યા છે. એટલું જ નહીં, બ્લાસ્ટિંગને કારણે પથ્થરનાં જે સ્તર હજારો વર્ષોથી પર્વતો રૂપે ગોઠવાયેલાં છે તેમાં તિરાડો પડે છે. અને તેથી જ પહાડોમાં રહેનારા લોકોને પોતાનું કુદરતી નિવસનતંત્ર ખોઈ બેસવાનો ડર ઊભો થાય છે. તેને કારણે તેઓ જે કુદરતી પાણીનાં ઝરણાંનો ઉપયોગ કરતા આવ્યા છે તેનો નાશ થાય છે. પથ્થરનાં સ્તરો ઢીલાં પડતાં ઘરો પણ હલવા માંડે છે, પડી જાય છે. જોષીમઠમાં બિલકુલ આ જ ઘટના બની રહી છે. આપણી આંખ સામે આ વીસહજારથી ઉપરની વસ્તી ધરાવતું ગામ નેસ્તનાબૂદ થઈ જશે એવું દેખાઈ રહ્યું છે.

તપોવન-વિષ્ણુગઢ પરિયોજનાની બીજી એક વિગત એવી છે કે પહેલાં તો તેનું બાંધકામ એક ઓસ્ટ્રીઅન કંપની લાર્સન એન્ડ ટુબ્રો સાથે મળીને કરી રહી હતી. પરંતુ આ ભૂસ્તરીય કારણોને લઈને ૨૦૧૪ની સાલમાં આ કોન્ટ્રેક્ટ પૂરો કરી દેવાયો હતો. ત્યારબાદ આ કોન્ટ્રેક્ટ જે બીજી કંપનીને આપવામાં આવ્યો છે તે કંપની બ્લાસ્ટિંગ માટે જરૂર કરતાં વધુ જેલાટીન વાપરવા માટે કુખ્યાત છે. આ જ કંપની અગાઉ નેપ્થા ઝાકરી પાવર કોર્પોરેશનના બાંધકામ સાથે સંકળાયેલી હતી, અને ત્યાં પણ તેણે નુકસાન કર્યું જ હતું.

પરંતુ આ કંઈ એકમાત્ર ઉદાહરણ નથી. નિયમોનું સતત ઉલ્લંઘન આખા હિમાલયમાં થઈ રહ્યું છે જેને કારણે નુકસાન – વિનાશનું પ્રમાણ વધતું જાય છે.

જલવિદ્યુત પરિયોજના માટે આ રીતે બોગદાં બનાવવાથી અન્ય અકસ્માતો પણ થયા છે. ૭મી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ અચાનક રેલ આવતાં બોગદામાં ફસાઈ જવાથી ૨૦૦ શ્રમિકોનું મૃત્યુ હિમાચલ પ્રદેશમાં થયું હતું. ધૌલગંગામાં મળનારી નદી ઋષિગંગામાં બરફની એક દીવાલ પીગળવાને કારણે આ પૂર આવ્યું હતું. જલવાયુ પરિવર્તનને કારણે ફેબ્રુઆરી મહિનામાં બરફ ઓગળવાથી આમ બન્યું હતું એવું નિષ્ણાતોનું માનવું છે. આ બધી નદીઓ ભારતની સૌથી મોટી નદી ગંગાના તટપ્રદેશોનો ભાગ છે.

ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક પૉલિસી, ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસના રિસર્ચ ડાયરેક્ટર, આઈ.પી.સી. રિપોટર્સના મુખ્ય લેખક અંજલ પ્રકાશે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “જોષીમઠ સમસ્યાના બે આયામો છે. એક તો જે રીતે મોટા પ્રમાણમાં માળખાકીય વિકાસ હિમાલય જેવા નાજુક નિવસનતંત્રમાં થઈ રહ્યો છે અને બીજું, જે રીતે ભારતનાં કેટલાંક પર્વતીય રાજ્યોમાં જલવાયુ પરિવર્તનનાં ચિહ્નો દેખાઈ રહ્યાં છે, જે અગાઉ ક્યારે પણ જોયાં ન હતાં. ૨૦૨૧ અને ૨૦૨૨ ઉત્તરાખંડ માટે હોનારતોનાં વર્ષો રહ્યાં. આ ક્ષેત્રમાં જલવાયુ પરિવર્તનને લીધે ભૂસ્ખલન તથા ભારે વરસાદ જેવી ઘણી ઘટનાઓ ઘટી છે. આપણે એ સમજી લેવું પડશે કે આ ક્ષેત્ર ખૂબ જ સંવેદનશીલ છે. અને તેના નિવસનતંત્રમાં નાનકડો પણ ફેરફાર કે ગડબડ થવાથી ગંભીર આપત્તિ આવી શકે તેમ છે, જે આપણે હાલમાં જોષીમઠમાં જોઈ રહ્યા છીએ. આવા નાજુક નિવસનતંત્રમાં કોઈપણ વિકાસ પરિયોજનાઓ શરૂ કરતા પહેલાં એક ‘મજબૂત યોજના પ્રક્રિયા’ની જરૂર છે. જોષીમઠ એ વાતનું સાદૃશ ઉદાહરણ છે કે હિમાલયમાં શું નહીં કરવું જોઈએ.

અહીં સતલજ નદીની વાત પણ નોંધીએ. જેવી આ નદી ચીનથી ભારતમાં પ્રવેશે કે તરત જ તેના પર ખાબ શાસો, જાન્ગી-થોપાન, થોપાન પોવારી, શોંગથોંગ-કારચમ, કારચમવાંગર, નાપ્થા ઝાકરી, રામપુર, લુહરી, કોલ ડેમ અને અંતમાં ભાખરા જલવિદ્યુત યોજના – આટલી યોજનાઓ કાં તો બાંધકામ હેઠળ છે અથવા બંધાઈ ચૂકી છે. ઉપર વર્ણવી તેવી જ સ્થિતિ એટલે કે જોષીમઠ વિસ્તાર જેવી પરિસ્થિતિઓ હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળે છે. એટલું જ નહીં, હિમાચલમાં તો જલવિદ્યુત પરિયોજના બનાવતી ખાનગી કંપનીઓને વધુ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. તેને લીધે ગુણવત્તાનું ધોરણ સતત નીચું જઈ રહ્યું છે.

તેનું ઉદાહરણ છે હિમાચલનું નાપ્થા ગામ. નાપ્થા ગામનો સંપૂર્ણ નાશ થઈ ચૂક્યો છે – જ્યાં એક વખત ડેમ બાંધવામાં આવ્યો હતો. આજે જોષીમઠ એ જ કગાર પર ઊભું છે. નાપ્થા ગામ નાનું હતું. એટલે તેનો બહુ હોબાળો પણ થયો નહીં અને જાણે કે તે ભુલાઈ ગયું અને નકશામાંથી નાબૂદ થઈ ગયું. આખું ને આખું ગામ ડેમ બનતાંની સાથે નીચે ધસવા માંડ્યું અને તેથી તેને બીજા સ્થળે વસાવવું પડ્યું. હિમાચલમાં તો વરસાદ ન પડતો હોય ત્યારે પણ ભૂસ્ખલન થવાનો ડર રહે છે. આનું એક જ કારણ છે, જુદી જુદી પરિયોજનાઓ માટે ચાલી રહેલ બાંધકામ.

આમ, પહાડોમાં માત્ર બાંધકામ દરમ્યાન જ નહીં પરંતુ તેના પછી પણ ભૂસ્ખલનની ખૂબ મોટી શક્યતાઓ રહેતી હોય છે.

જોષીમઠ એક પ્રાચીન તીર્થનગરી છે અને તેથી અહીંના સમાચાર જલદીથી ફેલાઈ રહ્યા છે, ધ્યાન ખેંચી રહ્યા છે. પરંતુ હિમાલયમાં મુશ્કેલીઓનો સામનો કરનાર આ એકમાત્ર ક્ષેત્ર નથી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કેટલીયે જલવિદ્યુત પરિયોજનાઓનાં સ્થળો પાસે ઘરોમાં તિરોડો પડવાના સમાચાર આવ્યા છે. ભૂટાનમાં પણ આવી અસરો જોવા મળી છે. ભૂટાને રન ઓફ ધ રીવર જલવિદ્યુત પરિયોજનાઓને પર્યાવરણને નુકસાન ન કરતી યોજના તરીકે ગણીને તેનો સ્વીકાર કર્યો છે.

આ ઉપરાંત ભૂકંપનું જોખમ પણ આ વિસ્તારોમાં રહેલું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભૂકંપ, ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ જેમના ઘરોમાં આજે તિરાડ પડેલી છે તેમને માટે જોખમને અનેકગણું વધારી દે છે. આ જ રીતે ઉત્તરાખંડનાં હજારો ગામો સંવેદનશીલ વિસ્તારમાં સંકટગ્રસ્ત છે. તેમના ઉપર પણ આપણું ધ્યાન જવું જોઈએ. આ ગામો ચમોલી, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, પિથૌરાગઢ તેમ જ બાગેશ્વર જિલ્લાઓનાં છે. કેટલાંક ગામો નૈનીતાલ વિસ્તારમાં પણ છે. આ હજારો ગામોમાં લોકોનું રહેવાનું મુશ્કેલ બની ગયું છે અને બીજી તરફ એવાં સેંકડો ગામો છે જ્યાંથી લોકો રોજગાર મેળવવા માટે નીકળી ગયા છે. આ ગામો ‘ભૂતિયા’ બની ગયાં છે. આટલી મોટી વિડંબના ઉત્તરાખંડ રાજ્યમાં ઘટી ગઈ છે.

અન્ય એક પરિયોજના છે જેનો ઉલ્લેખ આપણે ઉપર કર્યો તેને કારણે પહાડોમાં મોટા પ્રમાણમાં પર્વતો કાપવાનું, બોગદાં બનાવવાનું વગેરે જેવાં કામો ચાલે છે અને હિમાલયના નાજુક નિવસનતંત્રને ખતમ કરી રહ્યા છે. આ છે ચારધામ માટેના રસ્તાઓ પહોળા કરવાની યોજના (ચારધામ સડક ચૌડીકરણ યોજના). ૬૯ જેટલા નેશનલ હાઈવે બનાવવાની જાહેરાત ઉત્તરાખંડમાં કરવામાં આવી છે. હિમાચલમાં પણ રસ્તાઓ પહોળા કરવામાં આવશે એવી જાહેરાત થઈ ચૂકી છે. વિશ્વબેંક આને માટે પણ પૈસા આપી રહી છે. આ પર્વતીય રાજ્યોને જરૂર છે ત્યાંના રહેવાસીઓ એક સ્થળેથી બીજા સ્થળે પોતાની જરૂરિયાત પ્રમાણે સરળતાથી જઈ – આવી શકે તેની, નહીં કે બહારથી આવતા સહેલાણીઓની ગાડીઓ માટે રસ્તા બનાવવાની. આ બધાં આયોજનોમાં આટઆટલા રસ્તાઓ બની રહ્યા છે, આખા વિસ્તારની ભૂગોળ બદલાઈ રહી છે ત્યારે નવાઈની વાત તો એ છે કે તેમની ટીમમાં એક પણ ભૂસ્તરશાસ્ત્રી નથી. તો પછી સ્થાનિક લોકોને પૂછવાની કે તેમને આયોજનમાં શામેલ કરવાનું તો વિચારી જ કેમ શકાય ?

હિમાલયમાં કામ કરતી ‘હિમધારા’ કલેક્ટીવ નામની સંસ્થાનાં કર્મશીલ માનશી આશર કહે છે, આપણા તો ભગવાન પણ બારેમાસ જાગતા નથી, ચાર મહિના તો સૂઈ જાય છે. તો પછી આ ચારધામ યાત્રા માટે all weather road બનાવવાની શી જરૂર છે ? જે ૧૨-૧૨ મીટર પહોળા બનાવાઈ રહ્યા છે. આ પરિયોજના માટે EIA (પર્યાવરણ પર થનારી અસરનો અભ્યાસ) પણ થયો નથી. એવી દલીલ ઊભી કરવામાં આવે છે કે હિમાચલ અને ઉત્તરાખંડ પાસે પર્યટન વિકસાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી કારણ કે તેમની પાસે બીજી કોઈ આવક નથી. પરંતુ આ વાત સાચી નથી. અહીં ખેતી, ફળઝાડ, વણાટકામ જેવા ઘણા ઉદ્યોગો છે જેમાંથી આવક થઈ શકે છે.

ભૂમિપુત્રના ૧ ડિસેમ્બર ૨૦૨૧ના અંકમાં ‘ના એટલે ના જ’ એવા મથાળા હેઠળ લેખ લખ્યો હતો. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ત્યાંના આદિવાસીઓ દ્વારા ‘No Meams No’ નામનું આંદોલન ચલાવાઈ રહ્યું છે. તેમનું કહેવું છે કે કોઈ પણ ભોગે હવે અમારા ક્ષેત્રમાં જલવિદ્યુત યોજનાને નામે કોઈ પણ પ્રકારનું બાંધકામ નહીં એટલે નહીં જ કરવા દઈએ. આ આંદોલન પણ ઉત્તરાખંડમાં ચાલેલ ચીપકો આંદોલનની જેમ વેગ પકડી રહ્યું છે, જેમાં આબાલવૃદ્ધ, ભાઈઓ-બહેનો, ખેડૂતો તેમ જ સેવાનિવૃત્ત અધિકારીઓ પણ જોડાઈ રહ્યા છે.

જે પ્રકારના માળખાકીય વિકાસનું આયોજન મુંબઈ-દિલ્હી-અમદાવાદ કે વિશાખાપટ્ટનમ જેવાં શહેરો માટે કરવામાં આવે છે તે માળખું પહાડોમાં કરવું કેટલું યોગ્ય છે ? હિમાલય નવો પર્વત છે. અને હજુ તો તે પોતે જ બંધાઈ રહ્યો છે ત્યારે તેને સાચવવો અત્યંત જરૂરી છે, હાલનું ‘આયોજનબદ્ધ વિકાસ’નું માળખું જેમાં લોકોનો કોઈ સહભાગ નથી તેણે કુદરત, લોકોના વિશ્વાસ અને સંપત્તિના ખૂબ મોટા નુકસાનને નોતર્યું છે. ચીપકો અને ‘No Meams No’ જેવાં આંદોલનો જ્યાં પૂર્ણ અંધકાર છવાઈ ગયો છે ત્યાં આશાનાં કિરણો સમાન જરૂર સાબિત થઈ રહ્યાં છે. પરંતુ મજલ ખૂબ લાંબી છે. વિકાસનું આ મોડેલ સ્વીકારતી વખતે સતત કહેવામાં આવ્યું કે નવી ટેકનોલોજીમાં કોઈ નુકસાન નથી. લોકોએ તેની સામે અવાજ ઉઠાવ્યો તો તેને દબાવી દેવાયો. કોર્ટમાં કેસ લડવા ગયા તો લોકોને જ દંડ કરવામાં આવ્યો. લોકો કેટલો અવાજ ઉઠાવે, કેટલું લડે ? આખી વ્યવસ્થા એની પાછળ લાગેલી છે કે આ ટેકનોલોજી, આ વિકાસના મોડેલમાં કોઈ નુકસાન નથી. જ્યારે લોકો પાસે ટાંચાં સાધનો, શક્તિ હોય તેમાં લોકો કેવી રીતે સાબિત કરે કે આ વિકાસ નહીં પણ અમારો વિનાશ અમને બારણે ઊભેલો દેખાય છે ?

જોષીમઠ જેવાં કેટલાં ગામો, શહેરો, કસબાઓ, કેટલા પહાડો, કેટલી નદીઓ, કેટલા લોકોની શહીદી આપણી, સરકારની, આંખ ખોલી શકશે ?

પ્રશ્ન આટલો ગંભીર છે. પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે. હિમાલય જેવો સુંદર અને પવિત્ર વિસ્તાર જોખમમાં છે. લોકોની જિંદગીઓ તબાહ થઈ રહી છે. નિષ્ણાતો, સ્થાનિક લોકો વર્ષોથી ચેતવણી આપી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, અદાલતમાં પણ ધા નાંખી છે. ત્યારે સહેજે પ્રશ્ન થાય કે સરકારો શું કરી રહી છે ?

રખે કોઈ એવું માને કે રાજ્ય તેમ જ કેન્દ્ર સરકારે આ બાબતે કશું નથી કર્યું, યાદી લાંબી છે.

• લોકોના અવાજ વ્યવસ્થિત રીતે દબાવી દીધા છે.

• નિષ્ણાતોની ચેતવણીઓ, રિપોર્ટોને નજરઅંદાજ કર્યાં છે.

• સતત છેતરામણી વાતો, ખોટા પ્રચાર કર્યા છે કે વિકાસ થઈ રહ્યો છે. અને હિમાલય કે લોકોને તેનાથી કોઈ જોખમ નથી.

• પોતાનાં, બાંધકામ કરનારી કંપનીઓનાં તેમ જ ઠેકેદારોનાં ખિસ્સાં ભર્યાં છે.

• અને હવે જ્યારે જોષીમઠ જેવી આપદા મોઢું વકાસીને સામે આવી છે ત્યારે ISRO જેવી રાષ્ટ્રીય સંસ્થાને તેમ જ અન્ય પત્રકારોને પણ ફરજ પાડવામાં આવી છે કે આ આખી વાત દબાવી દેવાય, છુપાવી દેવાય જેથી દેશ-દુનિયામાં ખબર ન પડે. લોકો ભૂલી જાય કે હિમાલયમાં આવી મોટી હોનારત થઈ છે.

અભિનંદન !

માનશી આશર કહે છે તેમ આ મુદ્દો પર્યાવરણ, જલવાયુ પરિવર્તનનો માત્ર નથી, આ વિકાસનું જે હિંસક મોડેલ અપનાવવામાં આવ્યું છે તેનો છે. જેમાં પર્યાવરણ (કુદરત) કે માનવીનો વિચાર થતો નથી. આ વિકાસની પાગલ દોડ આપણને ક્યાં લઈ જશે ? જવાબ અપાય છે કે દરેક વસ્તુના ટેક્નિકલ ઉપાયો છે. પરંતુ તે એક ભ્રમજાળ છે. માનવી જો સમજીને અટકશે નહીં તો કુદરત એક દિવસ તેને જરૂર અટકાવશે. બીજો ચારો પણ શું છે તેની પાસે ?

(જુદા જુદા અહેવાલો, સમાચારો પરથી સંકલિત)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 12-15

Loading

24 February 2023 Vipool Kalyani
← ગુજરાતી ભાષાની જન્મજાત સર્જકતા (3)
B…J…P →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved