સમય મૈત્રી કરવા જેવી, પ્રેમ કરવા જેવી બાબત છે – અદ્દભુત, આકર્ષક, ભવ્ય, નાજુક, પડકાર દેતી, આપણને પકડતી અને પોતે છટકી જતી બાબત. એનું વીતી જવું, એનું હાથમાં હોવું છતાં ન હોવું, એની નિશ્ચિતતા અને એની અનિશ્ચિતતા આ બધું જ અત્યંત આકર્ષક, સ્ફૂર્તિદાયક, પ્રેરિત કરનારું અને નતમસ્તક કરનારું છે
હિમાચલ પ્રદેશમાં લગભગ દસ હજાર ફૂટની ઊંચાઈએ એક અજબ અનુભવ થયો – મેં અનુભવ્યું કે હું એટલે કે મારું અસ્તિત્વ આ વિરાટ ભવ્ય સૃષ્ટિનો એક કણ પણ નથી, મહાકાળના અનંત પ્રવાહનો એક પરપોટો પણ નથી. પણ આ પ્રતીતિથી ડર ન લાગ્યો. કારણ કે પ્રતીતિ એ પણ થઈ હતી કે ભલે કણ પણ ન હોઉં, ભલે પરપોટો પણ ન હોઉં, છું તો આ અસીમનો ભવ્યતાનો અંશ જ – એથી મારું હોવું તુચ્છ, નિરર્થક ન હોઈ શકે. અત્યંત નમ્રતાનો અને શાંત

સોનલ પરીખ
ગૌરવનો આવો અનુભવ આ પહેલાં કદી થયો ન હતો. જિંદગીના અને મૃત્યુના પણ ભયથી મુક્તિની એ ક્ષણે સમજાવ્યું કે હોવું ને ન હોવું એક જ છે, ક્ષણભંગુરતા અને શાશ્વતી એક જ સિક્કાની બે બાજુઓ છે. એ સિક્કાનું નામ છે સમય.
ઋગ્વેદના એક શ્લોકમાં કહ્યું છે તેમ સૃષ્ટિ નહોતી ત્યારે પણ સમય તો હતો જ. ન્યાયવૈશેષિક સિદ્ધાંત સમયને ‘વસ્તુનિષ્ઠ દ્રવ્ય’ કહે છે. ગુણ અને ક્રિયા જેના આધારે રહેલાં હોય તેને દ્રવ્ય કહેવાય. વૈશેષિક દર્શન અનુસાર કુલ નવ દ્રવ્યો છે : પૃથિવી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન. તેમાં કાળ એટલે કે સમય, પંચમહાભૂતો પછીનું છઠ્ઠું દ્રવ્ય છે. સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો કાળ વ્યાપક છે, સમય નથી. કાળમાં સમયનો સમાવેશ થાય છે; પણ સમયમાં કાળનો નહીં. વ્યવહારમાં બન્ને એકબીજાના પર્યાય છે.
સમયને આપણે ત્રણ કાળમાં વહેંચીએ છીએ, પણ ખરું જોતા વર્તમાન અને તેમાં પણ સામે ઊભી હોય તે ક્ષણ જ આપણી હોય છે, એની આગળપાછળનું કંઈ આપણા હાથમાં હોતું નથી. આ પળને પકડવા શાયરો જે પરિશ્રમ કરે છે તેનું પરિણામ સુંદર પંક્તિઓ રૂપે આપણને મળે છે. રાજેન્દ્ર શુક્લ કહે છે, ‘જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ, એક ક્ષણ તું હોય છે, એક ક્ષણ તારું સ્મરણ.’ નિરંજન ભગત લખે છે, ‘દિન થાય અસ્ત, વિદાયની આ ક્ષણ મૌનગ્રસ્ત’ સાંજની વાત નીકળે ત્યારે સૂર્યભાનુ ગુપ્તની પંક્તિઓ પણ યાદ આવે, ‘શામ ટૂટે હુએ દિલવાલોં કે ઘર ઢૂંઢતી હૈ, શામ સૂલી ચડે લોગોં કી ખબર ઢૂંઢતી હૈ, શામ ઝુલસે હુએ પરવાનોં કે પર ઢૂંઢતી હૈ, શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો’
‘વક્ત કી હર શૈ ગુલામ’ આ શબ્દો લખનાર સાહિર લુધિયાનવી કહે છે, ‘ઈસ પલ કે સાયે મેં અપના ઠિકાના હૈ, ઈસ પલ કે આગે કી હર શૈ ફસાના હૈ, કલ કિસને દેખા હૈ, કલ કિસને જાના હૈ, ઈસ પલ સે પાયેગા જો તુઝકો પાના હૈ’ ગુલઝાર કહે છે, ‘દિલ ઢૂંઢતા હૈ ફિએ વહી ફૂરસત કે રાત–દિન’ અને મનોજ ખંડેરિયાને પણ કેમ ભુલાય, ‘ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા, અમારામાં જ ઈચ્છાનું હરણ દઈ અમને દોડાવ્યા’
ફિલોસોફી અને સર્જનની દુનિયામાંથી વાસ્તવિક વિશ્વમાં આવીએ તો ટાઈમ મેનેજમેન્ટ આજનો સળગતો પ્રશ્ન અને ચર્ચાઓનો પ્રિય વિષય છે. વીતેલો સમય પાછો આવતો નથી એ આપણે જાણીએ છીએ પણ સમયને જ સૌથી વધારે વેડફીએ છીએ. અર્થ વગરની ચર્ચાઓ, વીડિયો ગેમ્સ, ટીકા-નિંદા-ઈર્ષા વગેરેમાં આપણે ટાઈમને ‘કિલ’ કરીએ છીએ, ટ્રાફિકમાં ફસાઈએ, રાહ જોતા રહેવું પડે જેવા સંજોગોમાં ટાઈમ ‘વેસ્ટ’ થાય છે. જીવનમાંથી નીરસતા દૂર કરવા માટેની પ્રવૃત્તિઓમાં ટાઈમ ‘પાસ’ કરીએ છીએ અને પછી બચે તો અને પ્રગતિને લગતાં કામોમાં ટાઈમનો ‘યુઝ’ કરીએ છીએ.
જો આપણને સમયની કદર-કિંમત હોય અને આપણે એને અર્થપૂર્ણ રીતે વીતાવવા માગતા હોઈએ તો બેત્રણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ – એક તો આપણી બોડી-સાયકલ. શરીરમાં એક કુદરતી ઘડિયાળ હોય છે, એ મુજબ દિવસના અમુક સમયે શરીર ઉત્સાહ અને સ્ફૂર્તિ અનુભવતું હોય છે. આપણું શરીર જ્યારે એ સ્થિતિમાં હોય ત્યારે સૌથી અગત્યનાં કામો કરી લેવાં.
બીજું, સમય પસાર કરવા જે પણ કરીએ એમાં ક્વૉલિટી એલિમેન્ટ ઉમેરવું. સારું વાંચન, સારી ફિલ્મો, કલા, સર્જનાત્મક શોખ કેળવો. મુસાફરીમાં કે રાહ જોવી પડવાની હોય એવી સ્થિતિમાં પણ એ કામ આવશે. વિદ્યાર્થીઓ મહિનાના 25 દિવસ રોજના બે કલાક એમ 7 મહિના વાંચે તો 350 કલાકનું વાંચન થાય. વિષયો તૈયાર થઈ જાય, પરીક્ષાની તાણથી મુક્ત રહેવાય અને શોખ કેળવવાનો, રજાઓ માણવાનો આનંદ પણ મળે.
ત્રીજું, બીજાના સમયનો પણ આદર કરો. જેમ કોઈને બીજાના પૈસા પડાવી લેવાનો હક નથી તેમ કોઈને બીજાનો સમય બગાડવાનો પણ હક નથી.
અત્યારની ઝડપી જીવનશૈલીમાં બધા સતત વ્યસ્ત હોય છે. થોરો કહે છે કે ‘વ્યસ્ત હોવું પૂરતું નથી. સવાલ એ છે કે આપણે શામાં વ્યસ્ત છીએ.’ વ્યસ્તતાને કારણે આપણે એકસાથે અનેક કામો પર ધ્યાન આપવું પડે છે જેનું શણગારેલું નામ ‘મલ્ટીટાસ્કીંગ’ છે. પણ આય-પૅડ, લૅપટૉપ, ટ્વેન્ટીફૉર બાય સેવન અને બ્લૅક બેરિઝના આ યુગમાં પણ ‘એક સમયે એક કામ’નો સિદ્ધાંત ઉપકારક છે જ, કેમ કે એનાથી કામની ઝડપ અને ગુણવત્તા બન્ને વધે છે. અલબત્ત અમુક પ્રતિભાઓ એક સમયે અનેક કામ કરવાનું સામર્થ્ય ધરાવતી હોય છે. મોઝાર્ટ એક સાથે અનેક સ્વરરચનાઓ પર કામ કરતા, છતાં ઉત્તમ રચનાઓ આપી શકતા. ભારતમાં પણ અષ્ટાવધાન એટલે કે એક સાથે આઠ કામ કરી શકવાની ક્ષમતાનો મહિમા છે. છતાં પાસપૉર્ટ ઑફિસરને મોઝાર્ટ થવાની કે રસોઈ બનાવતી ગૃહિણીને અષ્ટાવધાની થવાની સલાહ ન અપાય.
બાળકોને સમયનું મહત્ત્વ ચોક્કસ શીખવીએ. આજે લગભગ ત્રીજા કે ચોથા ધોરણમાં આવતાં જ બાળક શાળા, ટ્યુશન, ઈતર પ્રવૃત્તિના ભાર તળે એવું ચંપાવા માંડે છે કે દિવસ ટૂંકો પડે છે. ટાઈમ મેનેજમેન્ટના પાઠ એને ત્યારથી જ શીખવા પડે છે. બાળક માતા-પિતાને જોઈને જ શીખતું હોય છે, એટલે એને સમયનું મેનેજમેન્ટ શીખવવા માટે માતા-પિતાએ પહેલા પોતાનું ટાઈમ મેનેજમેન્ટ સુધારવું પડે.
નાનાં બાળકોને ‘આજના દિવસમાં આપણે શું શું કરીશું?’ તેમ કહી ચાર-પાંચ કામો યાદ અપાવીએ. બાળકનું મગજ નક્કી કરેલાં પાંચ કામો પત્યાં કે નહીં તેની નોંધ લેતું થઈ જશે. બાળકોનાં બે કાર્યો વચ્ચે થોડી જગ્યા રાખવી. ભરચક સમયપત્રકથી બાળક પ્રવૃત્તિનો આનંદ લેવાને બદલે પ્રવૃત્તિને ભારરૂપ ગણતું થાય છે. તેની અસર તેના સ્વભાવ, ભૂખ અને ઊંઘ પર પણ પડે છે. ઘરના પ્રસંગોમાં, પ્રવાસે જતાં, ખરીદી વખતે બાળકોને સાથે રાખવાથી ને મેદાની રમતોથી ટાઈમ મેનેજમેન્ટના પાઠ સુંદર રીતે શીખે છે. એમાં ભૂલ થાય તો તેને ઉતારી પાડવાને બદલે સમય ક્યાં બગડ્યો તેનું હળવાશથી ધ્યાન દોરવું. ટાઈમ મેનેજમેન્ટ આંતરિક શક્તિઓને મોકળી કરવા માટે છે, એના પર દબાણ ઊભું કરવા માટે નહીં.
સમયને નષ્ટ કરશો તો સમય તમને નષ્ટ કરી દેશે, ને જો સમયને સાચવશો તો સમય તમને સાચવી લેશે. સમયની આટલી તાકાત હોય તો સમયને આપણે મિત્ર બનાવી ન લેવો જોઈએ? હિમાચલની એ અનુભૂતિને ફરી યાદ કરું – સમય મૈત્રી જ નહીં, પ્રેમ કરવા જેવી બાબત છે – અદ્દભુત, આકર્ષક, ભવ્ય, નાજુક, પડકાર દેતી, આપણને પકડતી અને પોતે છટકી જતી બાબત. એનું વીતી જવું, એનું હાથમાં હોવું છતાં ન હોવું, એની નિશ્ચિતતા અને એની અનિશ્ચિતતા આ બધું જ અત્યંત આકર્ષક, સ્ફૂર્તિદાયક, પ્રેરિત કરનારું અને નતમસ્તક કરનારું છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 ડિસેમ્બર 2022