લહિયા સો લખતાં છતાં, વર્ષ એક વહી જાય;
એક દિવસમાં એટલું, છાપથી જૂઓ છપાય.

દીપક મહેતા
‘છાપાખાના વિષે’ નામના કવિ દલપતરામના કાવ્યની આ પંક્તિઓ ૧૯મી સદીમાં મુંબઈ ઇલાકામાં છાપકામના આગમનને પ્રતાપે જે ક્રાંતિ સર્જાઈ તેનો ખ્યાલ આપે છે. ઇન્ટરનેટને પ્રતાપે જે ક્રાંતિ આવી તેના કરતાં આ છાપકામને પ્રતાપે આવેલી ક્રાંતિ સહેજ પણ ઓછી નહોતી.
હવે જૂઓ આ ચિત્ર, જે નરસિંહરાવ દિવેટીયાએ ‘સ્મરણમુકુર’માં આલેખ્યું છે: “મારા પિતાની કોર્ટમાં બે કારકૂનો ટપાલની રાહ જોતા બેઠા છે. ટપાલ આવી. દરેકના, પોતપોતાના ‘બુધવારિયાં’ આવ્યાં. પાણી પીવાની ઓરડીમાં બંને ઉત્સાહભેર જાય છે, અને એક વાંચે છે ને બીજો પોતાની પ્રત તપાસે છે. અંતે: ‘વાહ! શબ્દે શબ્દ બરોબર છે. લગારે ભૂલ નથી. તારી ને મારી નકલ બરાબર છે.”
અને હવે ત્રીજું ચિત્ર, કવિ નર્મદની કલમે આલેખાયેલું : “પછી અહીં (સુરતમાં) મેં મારા દોસ્તાર ૧૮૫૧ના વખતના ‘જ્ઞાનસાગર’ છાપનાર જદુરામને પકડ્યો ને કહ્યું કે કોઈ પણ ઠેકાણેથી પિંગળનું પુસ્તક અપાવ. પછી અમે ઘણે ઠેકાણે ફર્યા. તેમાં એક વખત અમે એક ગોરધન નામના કડિયાને ત્યાં ગયા. ત્યાં મેં કેટલાંક મારાં બનાવેલાં પદો ગાયાં ને તે કડિયો ખુશ થયો ને બોલ્યો કે મારા ગુરુ લાલદાસ મોટા કવેસર હતા, તેનાં પુસ્તકો સઘળાં મારી પાસે છે તેમાં જોઈશું. તમે કાલે આવજો. પછી હું બીજે દહાડે તેની પાસે ગયો ને ત્યાં પટારો ઊઘડ્યો. તેમાંથી છંદ રત્નાવલી નામનું પુસ્તક નીકળ્યું. તેણે મને કહ્યું કે હું ઘેર તો નહિ આપું, પણ અહીં આવી લખી લો. પછી હું રોજ સવારે કલમ, ખડિયો, કાગળ લઈને તેને ઘેર જતો ને પિંગળ લખતો.”
આ સ્થિતિ હતી ૧૯મી સદીના મધ્યભાગના ગુજરાતની. અઢારમી સદીના છેલ્લા દાયકામાં મુંબઈમાં ગુજરાતી મુદ્રણની શરૂઆત થઈ ચૂકી હતી. અંગ્રેજી અખબાર ‘બોમ્બે કુરિયર’માં કમ્પોઝીટર તરીકે કામ કરતા બેહરામજી છાપગરે ગુજરાતી છાપવા માટેનાં બીબાં બનાવ્યાં છે એવી જાહેરાત ૧૭૯૬માં ‘બોમ્બે કુરિયર’માં છપાઈ હતી. તેમાં બેહરામજીની મદદથી અમે ગુજરાતી બીબાં બનાવ્યાં છે અને એટલે હવે અમે ગુજરાતીમાં પણ મજકૂર છાપી શકશું એવી જાહેરાત કરી છે.
પણ વાત આટલેથી અટકતી નથી. આ જ બોમ્બે કુરિયર પ્રેસમાં છપાઈને ૧૮૦૮માં એક ત્રિભાષી પુસ્તક પ્રગટ થાય છે : Illustrations of the Grammatical Parts of the Gujarati Marahatt and English Languages. લેખક ડો. રોબર્ટ ડ્રમન્ડ. મુંબઈ સરકારના સર્જન જનરલ. બેહરામજીએ બનાવેલાં ગુજરાતી બીબાં જ આ પુસ્તક છાપવામાં વપરાયાં છે. પુસ્તકનું પ્રકાશન તેના કર્તાએ પોતે કર્યું છે. (આ કર્તા શબ્દ ‘લેખક’ કરતાં ઘણો વધુ વ્યાપક છે. ‘કર્તા’માં લેખક ઉપરાંત અનુવાદક, રૂપાંતરકાર, સંપાદક, ચિત્રકાર, વગેરેનો પણ સમાવેશ થાય છે. ૧૯મી સદીમાં પારસીઓ ‘કર્તા’ને બદલે ‘બનાવનાર’ શબ્દ વાપરતા.) આ પુસ્તક પર ક્યાં ય કિંમત છાપી નથી. પણ ૪૬૭ નકલ આગોતરી ખરીદનારાનાં નામ છાપ્યાં છે. આમ, પુસ્તકનો કર્તા જ તેનો પ્રકાશક પણ હોય એ સૌથી પહેલો વિકલ્પ. એ માટેની જરૂરી રકમ તે કાં તો પોતાના ગજવામાંથી કાઢે. બે પાંદડે સુખી હોય તેવા લેખક-લેખિકા આજે પણ પોતાના પૈસા પ્રકાશકને આપીને પુસ્તક પ્રગટ કરાવે છે. આવાં પુસ્તકો અંગ્રેજીમાં venity publications તરીકે ઓળખાય છે. આ રીતે આજે પણ ઘણાં પુસ્તકો પ્રગટ થાય છે. ડો. ડ્રમંડે અપનાવ્યો તે બીજો વિકલ્પ. જેમાં આગોતરા ગ્રાહકો પાસેથી પુસ્તકની કિંમત અગાઉથી વસૂલ કરી શકાય. આ રીતનો બીજો લાભ એ કે પુસ્તકની કેટલી નકલ છાપવી તેનો આગોતરો અંદાજ આવી શકે. ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના મધ્ય ભાગ સુધી આ રીતે આગોતરા ગ્રાહક નોંધવાની રીત ઘણી પ્રચલિત હતી.
તો પુસ્તકમાં જાહેર ખબરો છાપીને જરૂરી રકમ ઊભી કરવી અને એ રીતે કર્તા પોતે પ્રકાશન કરે એ ત્રીજો વિકલ્પ. આ જાહેર ખબરો મોટે ભાગે સગાં-સંબંધી, મિત્રો, વગેરે પાસેથી મેળવાતી હોય. આ રીતે જાહેર ખબરો છાપવાથી પુસ્તક છાપવાનો બધો નહિ તો ય થોડો ખર્ચ તો નીકળી રહે. એટલું જ નહિ, એક જમાનામાં વ્યવસાયી પ્રકાશકો પણ પુસ્તકમાં જાહેર ખબરો છાપાતા. આ રીતે પ્રકાશકની આવક થોડી વધતી.

ફરદુનજી
ગુજરાતી પુસ્તક પ્રકાશન રૂપી શકુંતલાના જનક વિશ્વામિત્ર બન્યા બેહરામજી છાપગર, પણ તેના પાલક પિતા કણવ બન્યા તે તો ફરદુનજી મર્ઝબાન. બંને મૂળ સુરતના. બેહરામજીનો જન્મ ૧૭૫૪માં, ફરદુનજીનો ૧૭૮૭માં. બંને સુરત છોડી મુંબઈ આવ્યા. બીજા કેટલાક વ્યવસાયો પર હાથ અજમાવી જોયા પછે ફરદુનજીએ ૧૮૧૨માં માત્ર ગુજરાતી છાપકામ કરતું પહેલવહેલું છાપખાનું મુંબઈના કોટ વિસ્તારની જૂની માર્કેટની સામેના એક નાના મકાનમાં શરૂ કર્યું. તેમણે પોતે એ છાપખાનાને નામ આપ્યું જ નહોતું. પણ લોકો તેને ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખતા. ૧૮૧૪ પહેલાં આ પ્રેસમાં છપાયેલું કોઈ પુસ્તક આજે જોવા મળતું નથી. પણ ૧૮૧૪માં છાપીને પ્રગટ કરેલું સંવત ૧૮૭૧નું પંચાંગ જોવા મળે છે. ૧૮૧૫માં બે પુસ્તકો તેમણે છાપ્યાં: ઓક્ટોબરમાં છાપ્યું ‘ફલાદીશ’ નામનું જ્યોતિષનું પુસ્તક અને ડિસેમ્બરમાં છાપ્યું ‘દબેસ્તાન.’ બીજું પુસ્તક તે ફારસી ગ્રંથનો ફરદુનજીએ પોતે કરેલો ગુજરાતી અનુવાદ. બંને પુસ્તકના કર્તા, મુદ્રક, પ્રકાશક અને વિતરક, ફરદુનજી પોતે!
ફરદુનજીના દીકરા બેહરામજીએ લખેલી નોંધોને આધારે તેમના દીકરા કેકોબાદે લખેલું ફરદુનજીનું જીવન ચરિત્ર ૧૮૯૮માં પ્રગટ થયેલું. તેનું લાંબુ લચક નામ: ‘ફરદુનજી મર્ઝબાનજી, ગૂજરાતી છાપાના સ્થાપક, એક ફિલસૂફ, એક સુધારક, એક કવિ.’ તેમાં ફરદુનજીએ છાપેલાં પુસ્તકોની યાદી આપેલી છે. તે પ્રમાણે ફરદુનજીએ પોતે ‘બનાવેલાં’ ૨૫ પુસ્તકો છાપ્યાં હતાં. જ્યારે બીજાનાં બનાવેલાં બાવીસ પુસ્તક છાપ્યાં હતાં. અલબત્ત, કેટલાક વિપરિત સંજોગોને કારણે ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૧મી તારીખે તેમણે કાયમ માટે મુંબઈ છોડ્યું અને તે વખતે પોર્ટુગીઝ સરકારના તાબા નીચેના દમણમાં જઈને વસ્યા. થોડા વખત પછી ત્યાં પણ તેમણે છાપખાનું શરૂ કરેલું. પોતાનાં પુસ્તક છાપવા માટે લેખક છાપખાનું શરૂ કરે એ ટ્રેન્ડ તે પછી ઘણાં વરસ ચાલુ રહ્યો. પોતાનો બૃહદ્દ શબ્દકોશ છાપવા માટે નાનાભાઈ રૂસ્તમજી રાણીનાએ ૧૮૫૭માં યુનિયન પ્રેસ શરૂ કર્યું, જે આજે પણ ચાલે છે. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસમાં ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ બીજાનાં પુસ્તકો તો છાપતા, પણ તેમનાં પોતાનાં ઘણાંખરાં પુસ્તક પણ એ જ પ્રેસમાં છપાયેલાં.
ફરદુનજીએ દમણમાં શરૂ કરેલું છાપખાનું તે આજના ગુજરાત રાજ્યમાંનું બીજું છાપખાનું. તો પહેલું કયું? લંડન મિશનરી સોસાયટીના બે પાદરીઓ રેવરન્ડ જેમ્સ સ્કીનર અને રેવરન્ડ વિલિયમ ફાઈવીએ ૧૮૨૦માં સુરત ખાતે શરૂ કરેલું મૂવેબલ ટાઈપ વાપરતું – શિલાછાપ નહિ – છાપખાનું તે આજના ગુજરાતનું પહેલું છાપખાનું. તેમાં છાપીને બાઈબલના નવા કરારનો અનુવાદ (જે તેમણે પોતે જ કરેલો) ૧૮૨૧ના જુલાઈમાં બહાર પડ્યો. આજના ગુજરાતમાં છપાયેલું આ પહેલું પુસ્તક. તે સાથે પુસ્તક પ્રકાશન ક્ષેત્રે ખ્રિસ્તી મિશનરીઓએ પ્રવેશ કર્યો. મુખ્યત્ત્વે ખ્રિસ્તી ધર્મનાં કે તેનો પ્રચાર કરતાં પુસ્તકો તેમણે પ્રગટ કર્યાં. ગુજરાતીની પહેલી અનુવાદિત નવલકથા ‘યાત્રાકરી’ ૧૮૪૪માં આ જ પ્રેસમાં છપાયેલી. જેમ્સ બનિયનની ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’નો ગુજરાતી અનુવાદ કર્યો હતો રેવરન્ડ વિલિયમ ફલાવરે. નર્મદના નર્મકોશનું છાપકામ ભાવનગરના છાપખાનાએ અધવચ્ચે છોડી દીધું ત્યારે તેનો બાકીનો ભાગ આ ‘સુરત મિશન પ્રેસ’માં જ છપાયો હતો. છેક ૧૯૫૯માં બંધ કરવામાં આવ્યું ત્યાં સુધી આ સુરત મિશન પ્રેસ ગુજરાતી મુદ્રણ અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે સતત કામ કરતું રહ્યું. વખત જતાં ધર્મસત્તા એ ગુજરાતી પુસ્તક પ્રકાશનનું એક મહત્ત્વનું અંગ બની રહ્યું. જુદા જુદા ધર્મ અને સંપ્રદાય તરફથી આજે પણ મોટી સંખ્યામાં પુસ્તકો પ્રગટ થાય છે.
મુંબઈ ઇલાકામાં છાપકામની શરૂઆત થઈ તે પછી થોડાં વરસે બ્રિટિશ પદ્ધતિના શાલેય શિક્ષણની શરૂઆત થઈ. પણ આ કેવળ અકસ્માત નહોતો. પરંપરાગત શિક્ષણ પદ્ધતિના કેન્દ્રમાં શિક્ષક હતા. જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં પાઠ્ય પુસ્તક કેન્દ્રમાં આવ્યું. શિક્ષક અને વિદ્યાર્થી, બંનેના હાથમાં એક જ પુસ્તક હોય. શિક્ષક જે કાંઈ ભણાવે તે એ પુસ્તકને આધારે. છાપકામ આવ્યું તે પહેલાં આમ થવું શક્ય જ નહોતું. જેમની પાસે હસ્તપ્રત હોય તે બીજા સાથે વહેંચવા માટે કેટલા અનાતુર રહેતા એ આપણે નર્મદના દાખલા પરથી જોઈ શકીએ. મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ ૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે એક બેઠકમાં લાંબુ લચક નામ ધરાવતી ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે’ નામની સંસ્થાની સ્થાપના કરી. ભલું થજો કેટલાક સમજુ અંગ્રેજોનું કે થોડા વખત પછી આ લાંબા લચક નામને બદલીને નામ ટૂંકુ કરી નાખ્યું : ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી.’ કાગળ પર તો આ સંસ્થા ‘ખાનગી’ હતી પણ તેના સભ્યોની નિમણૂક સરકાર કરતી અને ઘણાખરા સભ્યો અંગ્રેજ હતા અને મુંબઈના ગવર્નર, હોદ્દાની રૂએ તેના અધ્યક્ષ બનતા.

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન
આ સોસાયાટીએ મુંબઈ અને આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્કૂલો તો શરૂ કરી, પણ તેમાં ભણાવી શકાય એવાં છાપેલાં પુસ્તકોનો સ્થાનિક ભાષાઓમાં અભાવ હતો. નવાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરી છાપવાં જોઈએ. પણ એ માટેના પૈસા ક્યાં? સારે નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલફિસ્ટન બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નર, અને હોદ્દાની રૂએ સોસાયટીના અધ્યક્ષ બન્યા. ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓમાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરાવવાની તાતી જરૂર છે એ હકીકત તેમના ધ્યાનમાં આવી. ‘દેશી’ ભાષાઓમાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરવા તેમણે એક અલગ સંસ્થા ઊભી કરી : ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક્સ કમિટી. તેને માટે તાત્કાલિક ફાળો ઉઘરાવ્યો જેમાં ૪,૨૫૦ રૂપિયા ભેગા થયા. સોસાયટીના સેક્રેટરી તરીકે કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસની નિમણૂક કરી. ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં આ સોસાયાટીએ કુલ છ ગુજરાતી પાઠ્ય પુસ્તકો પ્રગટ કર્યાં. ગુજરાતી ભાષાનાં પહેલવહેલાં પાઠ્ય પુસ્તકો તે આ છ. અમદાવાદમાં તૈયાર થયેલી હોપ વાચન માળાનાં ૧૮૫૯માં પ્રગટ થયેલાં પુસ્તકો નહિ.
આ પાઠ્ય પુસ્તકો નિમિત્તે સરકારે પણ પુસ્તક પ્રકાશન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, જે આજ સુધી ચાલુ રહ્યો છે. વખત જતાં નંદશંકર મહેતાની નવલકથા ‘કરણ ઘેલો,’ નર્મગદ્ય (સરકારી) જેવાં સાહિત્યમાં સીમાચિહ્ન જેવાં બનેલાં પુસ્તકો પણ સરકારે છાપ્યાં. પોતે છાપેલાં પુસ્તકો વેચવા માટે સરકારે મુંબઈમાં ‘ગવર્ન્મેન્ટ બુક ડેપો’ શરૂ કર્યો. શરૂઆતનાં કેટલાંક વર્ષો સુધી તેમાં ખાનગી વ્યક્તિ કે સંસ્થાએ પ્રગટ કરેલાં પુસ્તકો પણ વેચવા માટે રાખતા. આજે તો કેન્દ્રની અને રાજ્યોની સરકારો તરફથી ઢગલાબંધ પુસ્તક પ્રગટ થાય છે. આ ઉપરાંત સરકારે સ્થાપેલી અનેક સંસ્થાઓ પણ નિયમિત રીતે પુસ્તકો પ્રગટ કરે છે.
(ક્રમશ:)
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી 2023
e.mail : deepakbmehta@gmail.com