
રવીન્દ્ર પારેખ
આજે પ્રજાસત્તાક દિન ! ગણતંત્રને 73 વર્ષ પૂરાં થયાં તેનાં, સમગ્ર ભારત વર્ષને હૃદયપૂર્વકનાં અઢળક અભિનંદનો. આમ તો સમગ્ર ભારત વર્ષનાં સંદર્ભમાં સ્વતંત્રતા કે ગણતંત્ર પ્રાપ્ત થયાંને બહુ વર્ષો થયાં નથી ને એટલા ઓછા સમયમાં, ખાસ કરીને છેલ્લાં થોડાં વર્ષોમાં જે વૈશ્વિક આભા ભારતની ઊભી થઈ છે તેને માટે આખો દેશ ગર્વ અનુભવી શકે એમ છે. વધારે સ્પષ્ટતાથી કહેવું હોય તો ભારતના હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે દેશને અપાવી છે તે કાબિલે દાદ છે. એવું નથી કે 67 વર્ષનાં શાસનમાં નહેરુ, શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઇ, ડો. મનમોહન સિંહ, અટલ બિહારી વાજપાઈ જેવાં વડા પ્રધાનોએ વૈશ્વિક સ્તરે કૈં કર્યું જ નથી, પણ મોદીનાં શાસનમાં ભારતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હરણફાળ ભરી છે તેની ના પાડી શકાશે નહીં. એ વગર મોદી જ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે એવું દુનિયાને લાગે નહીં ! રશિયા – અમેરિકા એકબીજાની સ્પર્ધામાં છે, પણ એ બંને ભારતની મૈત્રી ઈચ્છે છે. આ શક્ય બન્યું મોદીને કારણે. આવું અગાઉ થયું ન હતું. મોદી સરકારમાં 370મીની નાબૂદી, સર્જિકલ સ્ટ્રાઈક, રામમંદિર જેવી કેટલીક થવા જેવી વાતો પણ થઈ. આ એવાં કામ હતાં જે કાઁગ્રેસી શાસનમાં શક્ય ન હતાં. એ ખરું કે પાકિસ્તાનને એકથી વધુ વખત કાઁગ્રેસી સરકારોએ હરાવ્યું હતું, પણ પાકિસ્તાનને મોદી મદદ કરે તેવી શાહબાઝ શરીફ, સાઉદી દેશોને આજીજી કરે એ મોદીના પ્રભાવ વગર શક્ય નથી. મોદીના વિરોધીઓને પણ આ વાતો નજર અંદાજ કરવાનું પરવડવું ન જોઈએ.
એ જ મોદીની બી.બી.સી. ડોક્યુમેન્ટરી બનાવે ને સરકાર તેને રોકે તો તે વિરોધીઓને પ્રોત્સાહિત કરે છે એમ માનવું પડે. ફિલ્મોની કઠણાઇ એવી છે કે ફીચર ફિલ્મને જોયા વગર જ બહિષ્કૃત કરવાનું પ્રજાએ માથે લઈ લીધું છે ને ડોક્યુમેન્ટરીને રોકવાનું સરકાર માથે લઈને બેઠી છે. ખરેખર તો ફિલ્મો છુટ્ટી છોડી દેવી જોઈએ. નકારવા જેવી હશે તો એની મેળે ઊતરી જશે. તેને રોકવાથી તો કેટલાંક સંગઠનોનો જ મહિમા થાય છે. સેન્સરબોર્ડની જવાબદારી, કૈં પણ જોયા વગર નિભાવનારાઓનું વર્ચસ્વ પણ રોકવું જોઈએ, પણ સરકાર જ રોકવાનું કામ કરતી હોય તો તે આવાં તત્ત્વોને કયે મોઢે રોકી શકે? મોદીની ડોક્યુમેન્ટરી પર રોક લગાવવા છતાં જે જોવાના છે તે તો વધારે પૂર્વગ્રહથી જોશે જ ! પ્રતિબંધથી તો આડકતરું ઉત્તેજન પૂરું પાડવા જેવું જ થાય છે. હૈદરાબાદ, કેરળ વગેરેમાં એ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોવાઈ છે ને વધુ સ્થળોએ તે જોવાશે પણ ખરી. કાઁગ્રેસના નેતા એ.કે. એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીએ તો બી.બી.સી.ની એ ડોક્યુમેન્ટરીની એમ કહીને ટીકા કરી છે કે તે દેશના સાર્વભૌમત્વ પર આઘાત કરે છે. બી.બી.સી.એ આ ડોક્યુમેન્ટરીના પ્રચારમાં કહ્યું છે કે ડોક્યુમેન્ટરી બ્રિટિશ સરકારે કરેલી છૂપી પૂછપરછ પર આધારિત છે, પણ બ્રિટિશ સરકારે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના આ દાવાને ધરાર નકાર્યો છે. ખુદ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાકે મોદીના થયેલ ચરિત્ર આલેખન સંદર્ભે તીવ્ર નારાજગી પ્રગટ કરી છે. આ ઉપરાંત 300થી વધુ ભૂતપૂર્વ ન્યાયાધીશો અને નિવૃત્ત અધિકારીઓએ પણ આ ડોક્યુમેન્ટરી જોઈ છે ને તેમણે પણ એને એકી અવાજે પૂર્વગ્રહથી દૂષિત ગણાવી છે. આ ફિલ્મ જૂઠાણાં પર અને વિકૃત વાતો પર આધારિત છે. સૌથી મોટી વાત તો એ છે કે સુપ્રીમ કોર્ટે મોદીને આ મામલે ક્લીન ચીટ આપી છે, તો સરકારે શું કામ તેને રોકવી જોઈએ? એ સાચું કે વધુ અશાંતિ રોકવા ફિલ્મને રોકવામાં આવી છે, પણ જેમને નકારાત્મક મૂલ્યોમાં જ રસ છે એ જોયાં વગર રહેવાનાં નથી ને એથી વાતો તો વધુ વિકૃત જ થશે. 2002નું ભૂત ધૂણાવવાનો આ આખો કારસો છે ને તેનું નિશાન સીધું વડા પ્રધાન છે તે દુ:ખદ છે.
એક ગેરસમજ એવી પણ છે કે વડા પ્રધાન મુસ્લિમ વિરોધી છે ને એ પુરવાર કરવા પણ આ ડોક્યુમેન્ટરી જેવી બીજી બાબતો પણ એમને નામે ચડાવાય ને ચલાવાય છે, પણ જાણનારા જાણે છે કે ગુજરાતનાં 2002નાં રમખાણો વખતે મુખ્ય મંત્રી તરીકે આ જ મોદીએ અંગત સચિવોને મોકલીને મુસ્લિમોને જોખમોથી બચાવી લીધાં હતાં. વડા પ્રધાનની માતાજીએ પણ એક મુસ્લિમને ઉછેર્યાની વાત બહાર આવી છે તે પણ સૂચક છે. તાજેતરમાં જ મળેલી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં વડા પ્રધાને ભારપૂર્વક કહ્યું છે કે મુસ્લિમ સમાજ અંગે ખોટાં નિવેદનો ન આપશો ને તેઓ મત આપે કે ન આપે, પણ લઘુમતીને મળવાનું રાખજો. જો આવી વાત વડા પ્રધાન ખુદ કહેતાં હોય તો હિન્દુઓએ કે મુસ્લિમોએ પરસ્પર દ્વેષ રાખવાનું કોઈ કારણ ખરું?
74માં વર્ષમાં પ્રવેશેલી આપણી ગણતંત્ર વ્યવસ્થા વધુ સતર્કતા અને સજીવતાની અપેક્ષા રાખે છે. 73 વર્ષ પૂરાં થયાં, પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે, એ સમય ઓછો છે, એટલે દેખીતું છે કે પ્રગતિ પણ ઓછી જ લાગે, પણ એથી વધુ ચિંતાજનક બાબત તો છે, નૈતિક મૂલ્યોનાં ધોવાણની. અસત્ય જ સત્યની જેમ આટલાં વર્ષોમાં વિકસી રહ્યું છે. વ્યસન, દુષ્કર્મ, હત્યા, સરહદી આતંક, પડોશી દેશોના હુમલાઓ ને ભ્રષ્ટાચારમાં આપણી ગતિ માઝા મુકાવે એવી છે. શિક્ષણ વધ્યું છે, પણ ધોરણ કથળ્યું છે. ન્યાય વિલંબાતો જ રહે ને સામાન્ય માણસ તે મેળવી જ ન શકે કે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે પણ સંતુલનનાં પ્રશ્નો હોય, તબીબી ઈલાજ સરળ ને સસ્તો ન હોય, ખેડૂતો આંદોલન માટે લાચાર હોય … વગેરે ઘણી બાબતો સુખદ નથી. એ ખરું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને વડા પ્રધાને માન ભર્યાં સ્થાને મૂક્યું છે, પણ રાષ્ટ્રીય સ્તરે કેટલીક બાબતો ચિંતા ઉપજાવનારી છે. એ સાચું કે વડા પ્રધાનથી પ્રજા પૂરી મોહિત છે, પણ જ્યારે મોહભંગ થશે ત્યારે ટકવાનું મુશ્કેલ બનશે. મંદી અને મોંઘવારી જોખમી રીતે વધી રહી છે એ તરફ ધ્યાન આપવાની તાતી જરૂર છે. બેકારી, રોજગારીની સ્થિતિ ગંભીર છે. દેશના યુવાનો વધુ સારી તકો માટે મોટી સંખ્યામાં વિદેશ જઇ રહ્યા છે. એનો અર્થ એ થયો કે અહીં એમને માટે પૂરતી તકો સરકાર ઊભી કરી શકી નથી. એ પણ દુ:ખદ છે કે યુવાધન પરદેશ ધસી રહ્યું છે ને તેને રોકવાની ને અહીં તકો પૂરી પાડવાની ગંભીરતા સરકાર દાખવી શકી નથી. એક તરફ વિદેશી રોકાણ ને ઉદ્યોગોને આમંત્રણ અપાતું હોય ને અહીંથી શિક્ષિતો વિદેશ સ્થાયી થઈ રહ્યા હોય તો એ સવાલ થવો જોઈએ કે શિક્ષિત યુવાનો જ નહીં હોય તો એ વિદેશી રોકાણ ને ઉદ્યોગોનું શું અને કેવું મૂલ્ય હશે?
ઘણીવાર તો એમ પણ લાગે છે કે સત્તા એવા હાથોમાં છે, જે સમસ્યાઓનાં જાણકાર નથી ને જે જાણે છે એમને રજૂઆતની તકો નથી. કોઈ પણ નાનું કામ મોટી લાંચ વગર થતું નથી. ટેક્સનું માળખું બદલવાની ખાસી જરૂર છે. યોજનાઓની અનિવાર્યતા ને તેને પરિણામ પર પહોંચાડનારની પ્રમાણિકતા ને કર્તવ્યનિષ્ઠાનો ભારોભાર અભાવ વર્તાય છે. એને લીધે ઇચ્છિત પરિણામો મેળવી શકાતાં નથી. અનેક રીતે આવક મેળવી શકતી સરકાર, સખત રીતે દેવું વધારતી જ જાય છે. એનું વ્યાજ જ એટલું હોય છે કે કર દ્વારા થતી આવક એમાં જ હોમાઈને રહે. એમાં પ્રોજેક્ટ્સ વધુ ને પરિણામ ઓછાં એવી સ્થિતિ છે. વિકાસ ને પ્રગતિની વાતો વચ્ચે ભારતના દરેક નાગરિક પર લાખથી વધુનું તો દેવું છે. હવે ઇકોનોમિક્સ પણ મોદીનોમિક્સથી ઓળખાય તો નવાઈ નહીં ! મોદી સરકારે દેશનો હવાલો 2014માં લીધો, ત્યારે માથા દીઠ દેવું 43,124 હતું, તે આઠ વર્ષમાં 1,09,373 થયું છે. છેલ્લાં નવેક વર્ષમાં દરેક ભારતીય પર દેવું અઢી ગણું વધ્યું છે. કાઁગ્રેસનું શાસન 15 ઓગસ્ટ, 1947થી શરૂ થયું ત્યાંથી 31 માર્ચ, 2014 સુધીના 67 વર્ષમાં દેવું 55.87 લાખ કરોડ પર પહોંચ્યું. તે પછીનાં મોદી શાસનમાં 2014થી તે નવેક વર્ષમાં 155.31 લાખ કરોડ પર પહોંચ્યું. નવેક વર્ષમાં સીધો 100 લાખ કરોડનો વધારો. સ્થિતિ એવી છે કે 5 ટકા સૌથી વધુ ધનિકોના હાથમાં દેશની 60 ટકા સંપત્તિ છે ને બેચાર ઉદ્યોગપતિઓ જ દેશનો કારભાર કરે છે. એ કહેવાની જરૂર નથી કે આવામાં ધનવાન વધુ ધનિક અને ગરીબ વધુ ગરીબ જ થાય. એ સ્થિતિ સુધરે એવું દરેક જણ ઇચ્છે, બાકી, દરેક જણ ‘જનગણમન’ તો ગાય જ છે, એ જુદી વાત છે કે જન અને જનાવરમાં ફરક ઓછો દેખાય. જય હિન્દ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જાન્યુઆરી 2023