સુંદરવનમાં ઉત્તરાયણનો માહોલ જામવા માંડયો હતો પણ અવ્વલ પતંગબાજ ટપુ હાથીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. કોઈ કહેતું હતું કે તે ફાટે નહીં તેવા ખાસ પતંગો બનાવડાવવા માટે ગયો છે, તો વળી કોઈ કહેતું હતું કે તે બધાંના પતંગો કાપવા માટે કાતિલ દોરીની ગોઠવણ માટે ગયો છે. બધાં પ્રાણીઓને આ વર્ષની ઉત્તરાયણમાં ટપુહાથી શું નવું કરશે તે જાણવાની ઇંતેજારી હતી. ઉત્તરાયણના અઠવાડિયા અગાઉની સાંજે પાર્ટીમાં પણ આ જ વાત ચર્ચાઈ રહી હતી એવામાં બિટ્ટુ બાજ ભેંકડો તાણતો સમાચાર લઈને આવ્યો.
 બિટ્ટુ બાજને રડતો જોઈ પાર્ટીનું વાતાવરણ ગમગીન બની ગયું. સેન્ડી શિયાળે નાચવાનું બંધ કરી બધાંને શાંત પાડયાં અને બિટ્ટુ અને સુંદરવનના પ્રમુખ લવલી લાયનને લઈને મીટિંગ માટે ગયો. બિટ્ટુએ બાતમી આપી કે ટપુ હાથી હવાઈનગરમાંથી કાચની લુગદીમાં બનેલી એકદમ ધારદાર દોરી લઈને આવી રહ્યો છે. હવાઈનગરમાં તેણે કાતિલ દોરીનું પરીક્ષણ કર્યું, એમાં ચાર કાગડાઓ ઘાયલ થયા હતા એની માહિતી પણ તેણે આપી.
બિટ્ટુ બાજને રડતો જોઈ પાર્ટીનું વાતાવરણ ગમગીન બની ગયું. સેન્ડી શિયાળે નાચવાનું બંધ કરી બધાંને શાંત પાડયાં અને બિટ્ટુ અને સુંદરવનના પ્રમુખ લવલી લાયનને લઈને મીટિંગ માટે ગયો. બિટ્ટુએ બાતમી આપી કે ટપુ હાથી હવાઈનગરમાંથી કાચની લુગદીમાં બનેલી એકદમ ધારદાર દોરી લઈને આવી રહ્યો છે. હવાઈનગરમાં તેણે કાતિલ દોરીનું પરીક્ષણ કર્યું, એમાં ચાર કાગડાઓ ઘાયલ થયા હતા એની માહિતી પણ તેણે આપી.
બિટ્ટુની ચિંતા વાજબી હતી. પંખીરક્ષક સમિતિના અધ્યક્ષ તરીકે સુંદરવનના તમામ પંખીઓનું રક્ષણ કરવાની તેની જવાબદારી હતી. હવે જો ટપુ હાથીની દોરી ચાલે તો પંખીઓ માટે ઘણું જોખમ હતું. ત્રણે જણાએ હવે શું થઈ શકે તે અંગે ઘણી મસલત કરી અને છેવટે પાર્ટીમાં પાછાં ફર્યાં. પ્રેસિડેન્ટ લવલી લાયને બધાં પ્રાણીઓને ભેગાં કરી પ્લાન સમજાવ્યો. લવલી લાયન અને સેન્ડી શિયાળનો પ્લાન સાંભળીને બધાં પ્રાણીઓ ગેલમાં આવી ગયાં અને ફરી નાચવા લાગ્યાં. બિટ્ટુ બાજ તો એટલો બધો ખુશ થયો કે છેક સ્ટેજની ઉપર જઈને નાચવા લાગ્યો.
બીજા દિવસથી સુંદરવનનું વાતાવરણ રાબેતા મુજબ થઈ ગયું. બધાં પ્રાણીઓ ઉત્તરાયણની રાહ જોતાં હતા. ટપુ તો બધાનો પંતગ કાપવા માટે એટલો હરખઘેલો થયો હતો કે રોજેરોજ બધાનાં ઘરે જઈને કોની કેવી તૈયારી છે એ તપાસતો હતો. હવાઈનગરની કાચવાળી દોરીની વાત તેણે બધાથી છુપાવી રાખી હતી અને સામે બધાં પ્રાણીઓ પણ પોતાને કંઈ ખબર જ ન હોય એમ ટપુ હાથી સાથે રાબેતા મુજબનો વ્યવહાર કરતાં હતાં.
બધાની પતંગો કાપવા માટે તૈયાર થયેલો ટપુ ઉત્તરાયણની આગલી રાત્રે જ સુંદરવનના સૌથી ઊંચા ટેકરા પર પહોંચી ગયો હતો. ઉત્સાહને લીધે તેને આખી રાત સરખી ઊંઘ પણ ન આવી. પરોઢમાં કલ્લુ કુકડાના અવાજે ફટાક દઈને જાગ્યો અને તરત જ તેણે પતંગ ચગાવ્યો. આકાશ સાવ ખાલી હતું. સુંદરવનમાં એના સિવાય એક પણ પતંગ ચગ્યો નહોતો. પોતે પહેલો જ છે એ વાતે એ બહુ ખુશ થયો. જેવો બીજો પતંગ ચગે કે તરત જ તેને કાપવા માટે તે તત્પર હતો. ઘણી વાર થઈ ગઈ. સુંદરવનના આકાશમાં ટપુ સિવાય કોઈનો પતંગ ન દેખાયો. ઉફફ .. ઊંઘણશી છે બધાં, તહેવારને દિવસે પણ ઘોરે કરે છે એવું ટપુ મનોમન બબડયો.
આમ ને આમ સૂરજ માથે ચડવા આવ્યો પણ બીજો કોઈ પતંગ ન દેખાયો. ટપુ હવે ખરેખર થાક્યો હતો અને અકળાયો પણ હતો. જંગલમાં ચીકી અને તલપાપડીની સુગંધ પ્રસરી રહી હતી અને ટપુને ભૂખ પણ લાગી હતી. બહુ વાર થઈ એટલે એને ખ્યાલ આવ્યો કે નક્કી જંગલમાં એવું કંઈક ખાસ બન્યું છે જેની તેને ખબર નથી. તે ઘરે જવા નીકળ્યો. રસ્તામાં તમામ ઘર બંધ દેખાયા. કોઈ ન મળ્યું. એના પોતાના ઘરે પણ એણે તાળું લટકતું જોયું. ભૂખ, થાક અને અકળામણનો માર્યો ટપુ સાવ રડમસ થઈ ગયો. છેવટે લવલી લાયનના ઘરે પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો આખા જંગલનાં બધાં પ્રાણીઓ ત્યાં જ હતાં. જેવો ટપુ આવ્યો કે બધાંએ જોર જોરથી તાળીઓ પાડી એનું સ્વાગત કર્યું. પંખીઓએ ‘ટપુ આવ્યો, ટપુ આવ્યો’ની બૂમો પાડી. ટપુ તો સાવ અવાચક બનીને ઊભો જ રહી ગયો.
પ્રેસિડેન્ટ લવલી લાયને પૂછયું ‘કેમ ટપુ, હવાઈનગરની ધારદાર દોરીવાળી ઉત્તરાયણ કેવી રહી?’ હવે ટપુને આખી વાતનો ખ્યાલ આવ્યો. તે નીચે બેસી ગયો અને બોલ્યો, ‘એકલા એકલા તો કંઈ ઉત્તરાયણ થતી હશે!’
હવે બિટ્ટુ બાજ આગળ આવ્યો. તેણે ગુસ્સો કાબૂમાં રાખીને કહ્યું, ‘એ ટપુડા, આ તારી કાચવાળી દોરીને લીધે આખા જંગલનાં પ્રાણીઓએ ઉત્તરાયણ ઊજવવાનું કેન્સલ કરી નાખ્યું’તું. કોઈ પંખીની પાંખો ન કપાય તેને માટે જ અમે બધાંએ તને એકલાને જ પતંગ ચગાવવા દેવાનું નક્કી કર્યું હતું. તને કંઈ ભાન પડે છે કે નહીં?’ ટપુએ તરત જ પોતાની કાતિલ દોરીની ફીરકી લવલી લાયનને જમા કરાવી અને ઉત્તરાયણ કેન્સલ નહીં કરવાની વિનંતી પણ કરી.
ટપુએ ફીરકી જમા કરાવતાં જ બધાં પ્રાણીઓએ જોરદાર તાળીઓથી એનું ફરી સ્વાગત કર્યું. લવલી લાયને ટપુને નવી ફીરકી અને પતંગ ગિફ્ટ કર્યાં. પછી જોશભેર શરૂ થઈ સુંદરવનની રંગબેરંગી ઉત્તરાયણ!
ચિત્ર : ‘યોમ’
કવર પેજ : ધિરેન પંચાલ
(સુંદરવનની વાર્તાઓમાંથી. સૌને પતંગ મુબારક)
સૌજન્ય : મેહુલ મંગુબહેનની ફેઇસબૂક દીવાલેથી સાદર
 

