આપણા દેશની શહેરી અને માલદાર વર્ગની વસ્તી માટે ૩ જાન્યુઆરીનો વર્ષાંતે આવતી રજાની ઋતુનો થાક અને આવનારા સપ્તાહોનાં કામના દિવસોના ભયથી વિશેષ કોઈ અર્થ નથી હોતો. સ્ત્રીઓનાં જીવન અને સદીઓથી બહિષ્કૃત જ્ઞાતિઓ માટે મહત્ત્વ ધરાવતી આ તારીખ અંગે દેશનો મહત્તમ હિસ્સો અજાણ હોય છે. સંભવિત છે કે આ લેખ વાંચતી જો તમે સ્ત્રી છો તો શિક્ષણ મેળવ્યાનું તમને સૌભાગ્ય પ્રાપ્ત હતું. કોઈને પણ એવો પ્રશ્ન થાય છે કે આપણા રાષ્ટ્રના અત્યંત સ્તરબદ્ધ સમાજમાં સૌથી નીચલા સ્તરે જ્ઞાનનું પહોંચવું શક્ય કેવી રીતે થયું?
જવાબમાં ‘સમાજ સેવીઓ’, જે સામાજિક પ્રશ્નો સાથે સામાન્ય રીતે સંકળાયેલા હોય છે, મહદંશે એ ભૂમિકામાં પુરુષ હોવાની પૂર્વધારણા સાથે આપવામાં આવે છે. લોકોની સમાજ સેવીના ખ્યાલ સાથે બંધબેસતો, ભાગ્યે જ એ સ્ત્રીનો ચહેરો હોય છે, એમાં ય ખાસ કરીને સાડીમાં સજ્જ બાલિકાવધૂ. સાવિત્રીબાઈ ફૂલે એવું એક નામ છે જેમણે સમગ્ર જીવન કચડાયેલાંના ઉત્થાન અર્થે સમર્પિત કર્યું, પરંતુ મુક્તિ અને તેના વારસા માટેના લાંબા સંઘર્ષમાં ખોવાઈ પણ ગયું.
જન્મ-જયંતી પર સાવિત્રીબાઈનું સ્મરણ
સાવિત્રીબાઈનો જન્મ સતારા, મહારાષ્ટ્રના એક ગામમાં પછાત એવી માલીસ જાતિમાં થયો હતો. દસ વર્ષની ઉંમરે એમનું લગ્ન જ્યોતીરાવ ફૂલે સાથે કરવામાં આવ્યું. પતિના સહયોગથી શિક્ષણ મેળવીને ૧૮૦૦ની સદીમાં સાવિત્રીબાઈ સૌથી વિશિષ્ટ સ્ત્રીઓમાંના એક બન્યાં. પતિ અને બે સ્ત્રી સહિયોગીઓ, શગુનાબાઈ અને ફાતિમા શેખ સાથે મળીને નીચલી જ્ઞાતિઓની છોકરીઓ અને વ્યક્તિઓને ભણાવવા માટે શાળાઓ શરૂ કરી. ૧૮૦૦ની સદીમાં વૈભવી ગણાતું શિક્ષણ ઉચ્ચ વર્ગના પુરુષો પૂરતું સીમિત હતું અને વેદો અને શાસ્ત્રો દ્વારા શિક્ષણ મેળવવું સ્ત્રીઓ તથા “નીચલી જાતિઓ” માટે પાપ મનાતું હતું.
શાળાઓ શરૂ કરવી, એ પણ સ્ત્રીઓ દ્વારા, ખૂબ કઠિણાઈભર્યું હતું. ના કેવળ એનો સખત વિરોધ થયો પરંતુ એના સ્થાપકોને અતિશય અપમાન અને હુમલાઓ સહન કરવા પડતાં. આમ છતાં, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌ કોઈ શિક્ષણ મેળવી શકે એવું વાતાવરણ ઊભું કરવાની નેમને કારણે તમામ વિઘ્નો સામે એ ટકી શક્યાં. વિદ્યાર્થીઓ માટે માત્ર શાસ્ત્રોનો અભ્યાસ પૂરતો ના હોઈ શકે એવું માનતા સાવિત્રીબાઈને મક્કમ નારીવાદી ઉપરાંત સ્વપ્નદૃષ્ટા કહી શકાય. એ અંગ્રેજી શિક્ષણની તરફેણમાં હતાં કારણ કે એમના મત મુજબ જ્ઞાતિ વ્યવસ્થાનાં દૂષણોને મનમાંથી ધોઈ નાખવા એ સક્ષમ હતું. શિક્ષણ પ્રત્યે એમનો અભિગમ વ્યવહારુ હતો અને અન્ય વિષયોની સાથોસાથ ઔદ્યોગિક કામ અને રોજીંદુ કામ પણ શિખવાડી શકાય એવી ગોઠવણને પ્રોત્સાહિત કરતાં.
વિધવા પુનર્લગ્ન શરૂ કરવા અને બાળલગ્ન અને દહેજ જેવાં સામાજિક દૂષણો નાબૂદ કરવાના હેતુથી પતિ સાથે મળીને સાવિત્રીબાઈએ સત્યશોધક સમાજની સ્થાપના કરી. આંતર-જ્ઞાતિ લગ્નોને આ દંપતી ટેકો આપતાં અને માનતા કે મનુષ્ય સર્જિત જ્ઞાતિપ્રથાની બેડીઓ વ્યક્તિ પવિત્ર છે કે અપવિત્ર એ નક્કી કરવાનું માપદંડ હોઈ શકે નહીં. સાવિત્રીબાઈના મતે માત્ર સાચું શિક્ષણ મનુષ્યને બનાવી કે તોડી શકે અને જીવન જીવવાની નીતિ શિખવાડી શકે.
સાવિત્રીબાઈનો બીજો નમૂનેદાર સુધાર હતો બાળહત્યા પ્રતિબંધક ગૃહ જે એમણે પોતાના ઘરેથી જ આરંભ કર્યો જેમાં બાળહત્યાથી બચી ગયેલાંની સંભાળ તે લેતાં. અહીં બળાત્કાર પીડિતાઓનો આવકાર થતો અને કુંવારી માતાઓની સુવાવડ કુશળ અને સુરક્ષિત હાથોમાં થતી. જો શિશુની માતા એની સંભાળ લઈ શકે એમ ના હોય તો ગૃહમાં બીજા બાળકો જોડે મૂકીને માતાને જવાની છૂટ હતી.
સાવિત્રીબાઈના ઉપર દર્શાવેલા કાર્યો ભારતીય સમાજને એમણે આપેલી જીવન પર્યંતની ભેટોમાંનો અંશ માત્ર છે. આ લેખનો આશય એમની સિદ્ધિઓની યાદી બનાવી એમને યાદ કરવા લાયક બનાવવાનો નહીં, પરંતુ એમને ભૂંસી નાખવાના, ભૂલાવી દેવાના પ્રયાસોને પડકારવાનું માધ્યમ બનવાનો અને આ બાબત માટે જવાબદાર સામાજિક પરિબળોને સમજવાનો છે. એવું જોગાનુજોગ ન હોઈ શકે કે મોટા ભાગના ઇતિહાસનાં પુસ્તકોમાં એમને એમના પતિ જ્યોતીબા રાવ ફૂલેના સમાજલક્ષી કાર્યોની પશ્ચાદભૂમાં દર્શાવવામાં આવે છે. મામા પરમાનંદ જેવા એમના વખતની માતબર વ્યક્તિને એમના માટે ખૂબ આદર હોવા છતાં સ્ત્રી લડવૈયા હોવાના એમના વ્યક્તિત્વને તાજેતરમાં ઘટાડીને પુરુષના મદદનીશ તરીકે દર્શાવવાના પ્રયત્નના સાક્ષી હોવું પીડાદાયક છે.
સાવિત્રીબાઈ ફૂલે અને એમના જેવી સ્ત્રીઓના પ્રતિનિધિત્વ સંદર્ભે બેવડું દમનનું વરવું સ્વરૂપ કામ કરે છે. ના કેવળ જ્ઞાતિપ્રથામાં એમના નીચા દરજ્જાને લીધે પરંતુ સ્ત્રી હોવાને લીધે પણ એમને ના બરાબર ગણવામાં આવે છે. એમની ઓળખનો આ આંતરછેદ એમને આપણા ઇતિહાસનાં પુસ્તકોમાં અમર થવામાં અવરોધે છે. બીજા શબ્દોમાં, આ પાછળનું કારણ છે બ્રાહ્મણ પિતૃસત્તા જે ઉચ્ચ જ્ઞાતિ અને ઉચ્ચ જ્ઞાતિના પુરુષોના ગુણગાન ગાય છે. આ સિવાય દલિત પુરુષો અને અન્ય જ્ઞાતિના પુરુષો ઉલ્લેખ પામે છે. કમનસીબે, જે જૂથ પાછળ રહી જાય છે તેમાં એવી સ્ત્રીઓનો સમાવેશ છે જેમણે લોકો જેના ખરેખર હક્કદાર છે એવી મુક્તિ અપાવવા માટે પોતાનું જીવન દોજખમાં ગુજાર્યું.
અત્યંત વિભાજનકારી જ્ઞાતિપ્રથાના ઉપલા સ્તરના લોકો દ્વારા મહદઅંશે નિયંત્રિત શિક્ષણ વ્યવસ્થા દ્વારા સ્વતંત્રતાની લડતમાં હિસ્સો લેનારી આ સ્ત્રી સુધારકો અને કર્મશીલોનાં નામોને અનુકૂળતાપૂર્વક અદૃશ્ય બનાવી દેવાયા છે. કેવી આ કરુણાંતિકા છે કે સાવિત્રીબાઈ જ્ઞાતિ સમસ્યાને જે શિક્ષણ વ્યવસ્થાની મદદથી નાબૂદ કરી શકાશે એવું વિચારતા હતાં તે જ શિક્ષણ વ્યવસ્થાએ જ્ઞાતિ પ્રથાને દૃઢ બનાવી અને એમ કરવાની પ્રક્રિયામાં એમને જ ભોગ બનાવ્યાં. આવી કહાનીઓને વિકસવા માટે જરૂરી અવકાશ આ પરંપરાગત વૃત્તાંતોએ પૂરો પાડ્યો નહીં.
દર વર્ષે એમની જન્મજયંતી પર, થોડાં લોકો એમને યાદ કરે છે અને માંગણી કરે છે કે આ તારીખ ભારતમાં શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે, પરંતુ આ તમામ વિનંતીઓ અને દાવાઓને નજરઅંદાજ કરવામાં આવે છે. ભારતમાં હંમેશાં સ્ત્રીને તેના કુટુંબના પુરુષ સભ્ય સાથેના સગપણથી જ ઓળખવામાં આવશે, ભલે પછી એ પુરુષ સભ્ય પાંચ વર્ષનું બાળક કેમ ના હોય? હંમેશાં “એમની પત્ની”, “એમની દીકરી”, “એમની બહેન” અથવા “એમની માતા”; સ્ત્રી ક્યારે ય વ્યક્તિ માત્ર હોતી નથી — ભલે ને એણે પોતાના સમયની સૌથી મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને સ્વતંત્રતા ચળવળમાં અમાપ કાર્યોનું યોગદાન કર્યું હોય. સાવિત્રીબાઈના કિસ્સામાં, એમના નામની પાછળ એમના પતિની અટક ના લાગતી હોત તો આપણામાંના બહુ ઓછા એમને ઓળખી શકત, એમણે સ્થાપેલી તમામ ચીજોમાં એમનું સમાન અને કદાચ વધુ યોગદાન હોવા છતાં.
આ ત્રીજી જાન્યુઆરીએ, ભારતીય નારીવાદી ચળવળના પ્રણેતા, ભારતના પ્રથમ કેળવણીકાર અને ખૂબ જ ઉદાર સ્ત્રી એવા સાવિત્રીબાઈને યાદ કરીએ, જે ભુલાઈ ગયા છે અને જેમનો માત્ર સગપણ સંદર્ભે જ ઉલ્લેખ કરવામાં આવે છે. સ્ત્રીત્વને અને સમયમાં ખોવાઈ ગયેલી તમામ શક્તિશાળી સ્ત્રીઓને ઉજવીએ. આ નવા વર્ષે નાનામાં નાની ચીજોના વૃત્તાંતો બદલીએ અને સમાજમાં મોટા બદલાવના સાક્ષી બનીએ.
સ્રોત:
https://www.shethepeople.tv/top-stories/inspiration/remembering-savitribai/?
e.mail : rupaleeburke@yahoo.co.in