આજે એક ફિલ્મની વાત કરવી છે. ફિલ્મ છે, ‘મિલી’. હિન્દીમાં પણ છે. ‘મિલી’ નામની એક ફિલ્મ અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીની પણ આવેલી, તે નહીં, આ તો સાઉથની રિમેક છે. ફિલ્મનો રિવ્યૂ કરવો નથી. હિન્દી પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે જાણીતા બોની કપૂરની આ ફિલ્મ છે ને એની દીકરી જાનવી કપૂરની મુખ્ય ભૂમિકા એમાં છે. ફિલ્મનાં ટેકનિકલ પાસાંઓ અંગે પણ અહીં વાત કરવી નથી. તે એક સારી ફિલ્મ છે એટલું ખરું. વાત એમ છે કે 24 વર્ષની મિલી નામની યુવતી તેના વીમો વેચતા પિતા નિરંજન સાથે રહે છે. તે ચોરીછૂપી સિગારેટ પીએ છે એટલે દીકરી માથે હાથ મુકાવીને સોગંદ આપે છે ને પિતા નાછૂટકે સિગારેટ છોડે છે. મિલી વધુ સારી તકો માટે કેનેડા જવાનું નક્કી કરે છે. પિતાને એ ગમતું તો નથી, પણ તે નકારતો ય નથી. આમ તો મિલી ‘ડૂન’સ કિચન’માં કામ કરે છે.
એક રાત્રે તેનાં મિત્ર સમીર સાથે તે ઘરે આવવા નીકળે છે, પણ હેલ્મેટ નથી એ કારણે પોલીસ સમીરને પકડે છે ને દંડ ભરાવીને છોડે છે, ત્યાં જ ઇન્સ્પેક્ટરને શંકા પડે છે કે સમીર નશાખોર છે એટલે તેને પોલીસ ચોકીએ ખેંચે છે. અહીં મિલીના પિતાને બોલાવવામાં આવે છે ને તેને પહેલીવાર સમીર-મિલીનાં પ્રકરણની ખબર પડે છે. સમીર બીજી રાત્રે નોકરી માટે દિલ્હી જવાનો છે. તેની પાસે નોકરી ન હતી એટલે નોકરી લાગે પછી મિલી, પિતાને, પ્રેમીની વાત કરવાની હતી, પણ તે પહેલાં જ પિતાને આખી વાતની પોલીસચોકીમાં ખબર પડી એથી નારાજ છે ને મિલી સાથે તે વાત પણ કરતો નથી.
બીજે દિવસે મિલી નોકરીએ આવે છે. અહીં દિલ્હી જતાં પહેલાં સમીર મિલીને મળવા આવે છે, પણ પોલીસ ચોકીએ જે બન્યું તેથી તે વાત કરવા રાજી નથી. સમીર દિલ્હી જવા નીકળે છે ને મિલી રાતનાં મોડું થઈ જવા છતાં ઘરે જતાં સંકોચ અનુભવે છે. પિતાનો સામનો કરવાની તેનામાં હિંમત નથી, પણ સાથે કામ કરતી મિત્રની સલાહથી તે ઘરે જવા તૈયાર થાય છે. તે પહેલાં તે પિતાનો ફોનથી સંપર્ક કરવા મથે છે, પણ પિતા ફોન ઉપાડતો નથી, બીજી બાજુ, સમીર પણ ફોન કરતો રહે છે ને મિલી પણ તે રીસમાં ઉઠાવતી નથી. પિતા મિલીનો ફોન ઉઠાવતો નથી ને મિલી પ્રેમીનો ફોન ઉપાડતી નથી. અંતે, તે ઘરે જવા પંચ આઉટ કરે છે, એટલામાં પાર્સલ ફ્રિઝરમાં મૂકવાનું કહીને મિલીનાં અન્ય સાથીઓ પણ ચાલી જાય છે. બધું બંધ કરીને મેનેજર ઘરે જવા નીકળે છે ને નીકળતાં પહેલાં છેલ્લે ફ્રિઝર બહારથી લોક કરી દે છે ત્યારે એને ખબર નથી કે મિલી પાર્સલ ફ્રિઝરમાં મૂકવા અંદર ગઈ છે. મિલી બહાર નીકળવા બારણું ખોલે છે, પણ તે બહારથી લોક થઈ ગયું છે. તે બૂમો પાડે છે, બારણું ઠોકે છે, પણ કોઈ નથી ને મિલી ફ્રિઝરમાં ફસાઈ જાય છે.
આ તરફ બાર વાગવા છતાં મિલી આવતી નથી એટલે પિતા ફોન કરે છે, પણ ફોન બહાર છે ને મિલી કોલ્ડ સ્ટોરેજમાં છે. તેની સાથે કામ કરનાર સાથીઓને ત્યાં ફોનથી તપાસ ચાલે છે, પણ મિલી તો ત્યાં નથી એવી ખબર પડતાં પિતા ચિંતામાં મુકાય છે. વાત ફરી પોલીસ સુધી આવે છે. ઇન્સ્પેક્ટરને શંકા છે કે મિલી તેનાં મિત્ર સાથે રાત ગાળવા ક્યાંક ઊપડી ગઈ છે, તેનો સંપર્ક કરવાની કોશિશ થાય છે પણ સમીરનો ફોન ઓફ આવે છે. તેનાં ઘરે તપાસ થાય છે તો ખબર પડે છે કે એ તો દિલ્હી જવા રવાના થઈ ગયો છે, પોલીસને વહેમ છે કે સમીર મિલીને ભગાડી ગયો છે. સમીરે મિલીને ક્યાંક વેચી મારી છે, ત્યાં સુધીની શંકાઓ થાય છે, પણ તે પાછો આવે છે ને મિલીની શોધમાં જોડાય છે. આમાં કોઈને એ ખ્યાલ તો આવતો જ નથી કે મિલી ફ્રિઝરમાં રહી ગઈ છે. તે ખ્યાલ એટલે પણ આવતો નથી કારણ તે પંચ આઉટ કરી ચૂકી છે તેવું મશીન કહે છે.
આખી તપાસ જુદી જ દિશામાં ચાલે છે, તે એટલે કે એક જ દિવસમાં ઘટનાઓ એવી બની છે કે શંકા સમીર પર વધુ થાય. તે પકડાય છે, પોલીસમાં પહોંચે છે ને મિલીના પિતાને તે અહીં જ શંકાસ્પદ સંજોગોમાં મળ્યો. પિતાનું મન ખાટું થતાં, તેણે મિલી સાથે વાત કરવાનું બંધ કર્યું, મિલી એ જ કારણે ઘરે જવામાં મોડી પડે છે, સમીરને લીધે તે પોલીસ ચોંકીએ પહોંચી એટલે સમીરથી નારાજ રહી. આ બધા સંજોગોને લીધે તપાસ બહાર જ ચાલી ને મિલી ફ્રિઝરમાં ઠરી જઈ રહી હતી એનો ખ્યાલ કોઈને આવ્યો જ નહીં. મિલીની શોધ દરમિયાન એક તબક્કે નિરાશ પિતાને સિગારેટ પીવાની તીવ્ર ઈચ્છા થાય છે, પણ મિલીએ માથે હાથ મુકાવીને સોંગદ આપ્યા છે તે યાદ આવતાં અટકે છે …
મિલીએ જોયું કે બહારથી મદદ મળે એમ નથી ને ટેમ્પરેચર માઇનસમાં જઈ રહ્યું છે, હતાશ થાય છે, પણ હિંમત ભેગી કરીને સામનો કરવા મથે છે. તે જુએ છે કે સામેની ભીંતે તીવ્ર ઠંડક વેરતાં બે પંખાઓ જો બંધ કરવામાં આવે તો ઠંડક ઘટે, પણ એમ કરવાનું સહેલું નથી. મહેનત કરીને તે પંખાની જાળી તો તોડે છે, પણ પાંખો તીવ્રતાથી ફરતી જ રહે છે એટલે ઠંડક ઘટતી નથી. બોક્સનાં પૂઠાં ફાડી ફાડીને તે ઝડપથી ઊંચે ફરતી પાંખો પર ફેંકે છે, પણ ફેર પડતો નથી. સ્ટીલનો મોટો રોડ ઠાંસીને ફરતી પાંખોને અટકાવવા પણ મથે છે, પણ સ્પીડ એટલી છે કે મિલી ફાવતી નથી. શરીર ઠરવા માંડ્યું છે ને નાકમાંથી લોહી નીકળે છે. નાક પર લોહી આવીને ઠરી ગયું છે ને તે લાલ પડી ગયું છે. મિલી હાથ-પગને આખાં શરીરને પૂંઠાં, સેલો ટેપ ને પ્લાસ્ટિક વીંટીને રક્ષવા મથે છે, ખોખામાં જાત ઉતારે છે, પણ ઠંડી ઘટતી નથી. ગરમી મેળવવાના બધા પ્રયત્નો પછી પણ એમાં સફળતા મળતી નથી, એ દરમિયાન એક ઉંદર ક્યાંકથી નીકળી આવે છે. એ પણ ક્યાંકથી હૂંફ શોધે છે. ખોરાક ઠંડો છે એટલે એ ખાઈ શકતો નથી. હથેળીઓ વચ્ચે મિલી એને હૂંફ આપે છે. કેકનો ઠંડો ટૂકડો ફૂંકની હૂંફથી ગરમ કરીને તે ઉંદરને ખવડાવે છે, પણ એ ટકી શકતો નથી ને ઠરી જાય છે. એક પછી એક પેકેટ્સ મિલી પંખાની પાંખો તરફ ઊંચે ફેંકતી રહે છે એવામાં એક તબક્કે એક પેકેટ પાંખો વચ્ચે ફસાય છે ને પંખો અટકે છે, પણ બીજો પંખો હજી ચાલે છે. -17 ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે જીવ બચાવવાના બધા પ્રયત્નો પછી મિલી જાણી જાય છે કે હવે તે ઠરીને ઠીકરું થવાની છે. તે મરવાની ધારે આવીને ઊભી રહી જાય છે ને ઠંડી સહન ન થતાં બેહોશ થઈ જાય છે, ત્યાં પોલીસ ને પિતા પહોંચે છે ને મિલી બચી જાય છે.
ફિલ્મ છે, હિરોઈન છે, એટલે બચે છે, મિલી, પણ બીજું કોઈ હોત તો મર્યું પણ હોત ! આ ફિલ્મ નિમિત્તે થોડી વાત વિચારવા જેવી લાગે છે.
ટેકનોલોજીનો ઉપયોગ માણસની સગવડ વધારવાનો છે, પણ જરૂર હોય છે ત્યારે ભાગ્યે જ કોઈ ટેકનોલોજી કામ લાગે છે. 2006માં સૂરતમાં ભયંકર રેલ આવેલી ત્યારે લાઇટ, નળ, ફ્રિજ, મોબાઈલ એમ બધું જ બંધ પડી ગયું હતું. મોટે ભાગે આપણી બધી ટેકનોલોજી ઇલેક્ટ્રિસિટી આધારિત છે. એ ન હોય તો બધાં સાધનો ફાજલ પડી જાય છે. આમ તો આપણે કુદરત પર વિજય મેળવવા અનેક પ્રકારના પ્રયત્નો કરીએ છીએ, પણ તેની ઉપરવટ જઈ શકાતું નથી તે સમજી લેવાનું રહે. બધું ભવ્ય ભવ્ય કરીએ તો છીએ, પણ એક ધરતીકંપ, એક આગ, એક વાવાઝોડું, એક સુનામી, એક બરફનું તોફાન બધું ખતમ કરી શકે એમ છે તે ભૂલવા જેવું નથી. કુદરત વિફરતી નથી ત્યાં સુધી બધું ચાલે છે, પણ એ વિફરે તો બધું સેકંડોમાં ધ્વસ્ત કરી નાખે એમ છે. આપણે ભવ્ય ઊંચી ઇમારતો ખડકતાં જઈએ છીએ ને માની લઇએ છીએ કે હવે આપણે વિજયી છીએ, પણ એક આંચકો આવે છે ને બધું જમીનદોસ્ત થઈ જાય છે. જેને આપણે વિકાસ કહીએ છીએ તેની દિશા વિનાશ તરફની તો નથીને એ જોઈ લેવા જેવું છે.
અત્યારે અમેરિકામાં ‘બોમ્બ’ નામનું બરફનું તોફાન આવ્યું ને તેણે જે રીતે 48 રાજ્યોને બાનમાં લીધાં તે એટલું ઠારી દેનારું હતું કે એક અણુબોમ્બ નાખવો હોય તો તે નાખવાની તાકાત ને તક પણ અમેરિકા પાસે ન હતી. તો, સવાલ થાય કે આટલાં શસ્ત્રોનો કોઈ અર્થ ખરો? કોઈ પણ યુદ્ધ કરતાં ભયંકર સંહાર કુદરત કરી શકે એમ છે, છતાં આપણી યુદ્ધની ઈચ્છા ઘટતી નથી. આપણી બધી ક્ષમતા કુદરત સામે પાંગળી પુરવાર થઈ શકે એમ છે તો ય કોઈ વાતે આપણને ધરવ થતો નથી. ટેક્નોલોજી સહાયક છે તે સાચું, પણ તે સર્વસ્વ નથી. એની અતિશય ગુલામી ઘણી બધી રીતે ઘાતક પુરવાર થઈ શકે એમ છે.
‘મિલી’માં પણ એ જ વાત સૂચવાઈ છે. જે મોબાઈલ સંપર્ક કરી આપે છે એ જ સંકટ સમયે સાથ નથી આપતો. ખોરાક ન બગડે એટલે તેને ઠારવા ફ્રિઝર્સ વસાવ્યાં, પણ એ માણસની કૂલ્ફી કરી નાખે તો તેનાથી બચવાની ટેકનોલોજી ન વિકસાવી. ફ્રિઝરમાં કોઈ ફસાઈ પણ શકે એવો વિચાર કોઈને આવ્યો જ નહીં એ બતાવે છે કે આપણી વૈચારિક ક્ષમતા ઠીક ઠીક મર્યાદિત છે, છતાં આપણે આપણા જ આઇક્યૂ પર આફરીન છીએ. આમ તો સાવ સાદો ઉપાય હતો, સેફટી એલાર્મ, ફ્રિઝરની બહાર લગાવવાનો, પણ મોટી મોટી વ્યવસ્થાઓમાં એ નાનકડી વાત જ ભુલાઈ ગઈ ને જીવનું જોખમ ઊભું થયું. બચવા માટે બહુ મોટાં મશીનો ઓછાં જ કામ લાગે છે. ફિલ્મમાં છે તે જ જીવનમાં પણ છે ને તે એ કે જોખમ વખતે મિલીને કોઈ ટેકનોલોજી કે મશીનો કામ નથી લાગ્યાં. તેને બચવા માટે બોક્સનાં પૂંઠાં કામ લાગ્યા. સેલોટેપ ને પ્લાસ્ટિકના રોલ જ શરીરે વીંટવા પડ્યાં. ફ્રિઝરનાં પંખા બંધ કરવામાં ફૂડ પેકેટ્સ જ મદદે આવ્યાં. આ બધું બહુ સૂચક છે. મશીનોનો ને ટેકનોલોજીનો અહીં કોઈ વિરોધ નથી, પણ એને જ સર્વસ્વ માની લેવાય છે તે બરાબર નથી. માણસ કરતાં મશીન વધારે મહત્ત્વનું નથી, કારણ માણસ મશીન બનાવે છે, મશીન માણસ બનાવતું નથી એ તો ખરું ને !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 08 જાન્યુઆરી 2023