Opinion Magazine
Number of visits: 9447404
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—178

દીપક મહેતા|Opinion - Opinion|7 January 2023

સોટી વાગે ચમ્ ચમ્, વિદ્યા આવે ઘમ્ ઘમ્

ધૂડી નિશાળોમાં શીખવાતું ફક્ત અંકગણિત અને લિપિલેખન

બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી પહેલી સ્કૂલ શરૂ થઈ મુંબઈમાં  

સોટી વાગે ચમ્ ચમ્, વિદ્યા આવે ઘમ્ ઘમ્ 

એક જમાનામાં આવું માત્ર ગુજરાતીઓ જ નહોતા માનતા. મરાઠીમાં પણ કહેવત હતી :

છડી લાગે છમ્ છમ્, વિદ્યા યેઇ ઘમ્ ઘમ્ 

આપણે ત્યાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને ગુલામ જેવા કારકૂનો પેદા કરવા માટે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ દાખલ કર્યું. એટલું જ નહીં, આપણે ત્યાં પરંપરાગત રીતે શિક્ષણ આપતી જે નિશાળો હતી તેનો મૃત્યુઘંટ તેમણે વગાડ્યો. પણ વાત આટલી સીધી સાદી નથી. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું, લગભગ તે જ વખતે બોમ્બે પ્રેસિડેન્સીની સરકારે આખા ઈલાકામાંની પરંપરાગત રીતે શિક્ષણ આપતી નિશાળોની મોજણી કરાવી હતી.

 

સોટી વાગે ચમ્ ચમ્, વિદ્યા આવે ઘમ્ ઘમ્  

ધ સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે મિસ્ટર ફેરિશે એક પ્રશ્નાવલી તૈયાર કરીને ૧૮૨૪ના માર્ચની ૧૦મી તારીખે રાજ્યના દરેક જિલ્લાના કલેકટર અને જજને મોકલી આપી. તેમાંના દસ પ્રશ્નોના જવાબ તેમણે લખી મોકલવાના હતા, વહેલામાં વહેલી તકે. ૧૮૨૫ના માર્ચની દસમી તારીખે તો અહેવાલ તૈયાર થઈ ગયો અને મિ. ફેરિશે તે સરકારને સુપરત પણ કરી દીધો – માત્ર એક જ વર્ષના ગાળામાં. મુસાફરી અને સંદેશ વ્યવહારનાં એ વખતનાં ટાંચાં સાધનોને જોતાં આ કામ ઘણી ઝડપથી થયું ગણાય.

આ અહેવાલ પ્રમાણે ધૂડી નિશાળોમાં અંકગણિત અને લિપિલેખન સિવાય બીજું કશું શીખવાતું નહોતું. અંક ગણિતમાં પણ પહેલાં એકથી સો સુધીના આંકડા ગોખાવવામાં આવતા અને પછી અંક લેખન શીખવાતું. આ ઉપરાંત તોલમાપ, લંબાઈ, વજન વગેરેની માહિતી અપાતી. આટલું ભણી રહે પછી નિશાળ છોડતાં પહેલાં વિદ્યાર્થીને નીતિ અને ધર્મના થોડા પાઠ ભણાવતા. આખા મુંબઈ ઈલાકાની વાત કરીએ તો મોટાં શહેરોમાં આવેલી ૨૫ નિશાળોમાં કુલ ૧,૩૧૫ છોકરા ભણતા હતા. જ્યારે ગામડાંઓમાં આવેલી ૧,૬૮૦ નિશાળોમાં કુલ ૩૩,૮૩૮ છોકરા ભણતા હતા. એ વખતે મુંબઈ ઈલાકાની વસ્તી લગભગ ૪૭ લાખની હતી. એટલે કે દર ૧૩૩ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ભણવા માટે નિશાળે જતી હતી.

આ અહેવાલમાંની બીજી કેટલીક હકીકતો પણ નોંધ પાત્ર છે : મુંબઈ ઈલાકાની એક પણ નિશાળને પોતાનું અલાયદું મકાન નહોતું. લગભગ બધા મહેતાજીઓ બ્રાહ્મણ હતા. અછૂત ગણાતી જાતિઓનો છોકરો ભણતો હોય એવો એક પણ દાખલો અહેવાલમાં ક્યાં ય નોંધાયો નથી. તેવી જ રીતે એક પણ નિશાળમાં છોકરી ભણતી હોય તેવું નોંધાયું નથી. સાધારણ રીતે સાતથી બાર વર્ષની ઉંમરના છોકરાઓ આ નિશાળોમાં ભણવા આવતા. છોકરો દોઢથી ત્રણ વર્ષ સુધી નિશાળમાં ભણતો. વાર્ષિક પરીક્ષા જેવું કશું નહોતું. છોકરાના બાપને કે મહેતાજીને લાગે કે જરૂર પૂરતું ભણવાનું પૂરું થયું છે એટલે છોકરો નિશાળ છોડતો અને કૌટુંબિક વ્યવસાયમાં જોડાતો. એ વ્યવસાય માટેની જરૂરી જાણકારી તેને કુટુંબના વડીલો તરફથી મળી રહેતી.

એન. શ્રીનિવાસના સિદ્ધાંત અંગે આપણે અગાઉ વાત કરેલી. તે પ્રમાણે સંસ્કૃતિના નીચલા થર પરથી ઉપલા થર પર જવા માટેનું એક મોટું સાધન તે શિક્ષણ. અને જ્યારે શિક્ષણ સમાજના એક બહુ નાનકડા વર્ગનો જ અધિકાર બની રહ્યું હોય, ત્યારે બીજા વર્ગના લોકો તેનાથી વંચિત રહે અને સામાજિક સીડીના ઉપલા પગથિયે પહોંચી ન શકે. છોકરીઓ તો એવા આછા-પાતળા શિક્ષણથી પણ વંચિત. એટલે જ જ્યારે મુંબઈથી સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે શરૂઆતથી જ કન્યાશિક્ષણ પર ભાર મૂકાયો. સરકારે પણ ‘છોડીઓ’ માટેની અલગ નિશાળો શરૂ કરી. આવી નિશાળો સૌ પહેલાં શરૂ થઈ મુંબઈમાં. હવે જરા વિચાર કરો, બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપણે ત્યાં ન આવ્યું હોત અને આ પરંપરાગત નિશાળો જ ચાલુ રહી હોત તો આજે આપણે ક્યાં હોત?

ઓગણીસમી સદીના આરંભે હજી દેશમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું. પણ એ રાજવટ ચાલુ રાખવા માટેની મંજૂરી કંપનીએ વખતો વખત બ્રિટનની પાર્લામેન્ટ પાસેથી મેળવવી પડતી અને દરેક વખતે મંજૂરી આપતાં પહેલાં પાર્લામેન્ટ નવી શરતો ઉમેરતી. ૧૮૧૩માં જ્યારે પરવાનો રિન્યૂ કરાવવાનો થયો ત્યારે કંપની સરકારે દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા ‘દેશીઓ’ના શિક્ષણ માટે અને તેમના સાહિત્યના ઉત્કર્ષ માટે ખરચવા એવી કલમ ઉમેરવાનું શક્ય બન્યું. આ એક લાખ રૂપિયાની રકમ આખા બ્રિટિશ ઇન્ડિયા માટે હતી, માત્ર બોમ્બે પ્રેસિડેન્સી માટે નહિ. પણ આ કલમનો લાભ લઈને દેશીઓના શિક્ષણ માટે એક સોસાયટી ઊભી કરવાની પહેલ બોમ્બે પ્રેસિડેન્સીના અંગ્રેજોએ કરી. ૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં લાંબુ લચક નામ ધરાવતી ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે’ નામની સંસ્થાની સ્થાપના કરી. ભલું થજો કેટલાક સમજુ અંગ્રેજોનું કે થોડા વખતમાં જ આ લાંબુ લચક નામ બદલીને તેનું ટૂંકુ નામ રખાયું : ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી.’

તેના બીજા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આખા હિન્દુસ્તાનમાં આ પ્રકારની આ પહેલી અને એકમાત્ર સોસાયટી છે. અલબત્ત, તે વખતે તેનો ઉદ્દેશ ગરીબ ખ્રિસ્તી છોકરાઓને માટે શિક્ષણની સગવડ ઊભી કરવાનો હતો. ૧૭૧૮થી મુંબઈમાં ચાલતી એક ધર્માદા સ્કૂલ સોસાયટીએ પોતાને હસ્તક લઈ લીધી અને ૧૮૧૫માં મુંબઈના કોટ વિસ્તારમાં એક ‘સેન્ટ્રલ સ્કૂલ’ શરૂ કરી. પણ પહેલેથી જ એમ ઠરાવવામાં આવ્યું કે જે દેશી છોકરાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા હોય તેમને વાજબી ફી લઈને દાખલ કરવા. બંને નિશાળમાં ભણતા ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે ચર્ચ ઓફ ઇન્ગ્લન્ડ પુરસ્કૃત ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ ફરજિયાત હતું, પણ દેશી વિદ્યાર્થીઓ ઉપર ધાર્મિક શિક્ષણ અંગે કોઈ પ્રકારનું દબાણ લાવવું નહિ એમ ઠરાવાયું હતું. એટલે કે શિક્ષણનો હેતુ ધર્માંતરણ કરાવવાનો નહોતો. ૧૮૧૮ના જાન્યુઆરીની પહેલી તારીખે ભણતા કુલ ૮૩ વિદ્યાર્થીઓમાંથી સાત પારસી, પાંચ હિંદુ, અને એક મુસ્લિમ હતા, બાકીના ખ્રિસ્તી. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ મેળવનારા આ પહેલા દેશી છોકરાઓ. ૧૮૧૮ સુધીમાં સોસાયટીએ એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ હિંદુ છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ હિંદુ છોકરી ભણતી નથી.

છોકરાઓ માટેની સરકારી નિશાળ, ૧૮૭૩

૧૮૧૮માં આ સોસાયટીએ એક મહત્ત્વનું પગલું લીધું. તેણે મુંબઈમાં કેવળ ‘દેશી’ છોકરાઓ માટે ત્રણ સ્કૂલ શરૂ કરી – એક મુંબઈના કોટ વિસ્તારમાં, બીજી ગિરગાંવ વિસ્તારમાં, અને ત્રીજી મઝગાવ વિસ્તારમાં. તેમાંની પહેલી સ્કૂલ ૧૮૧૮ના ઓગસ્ટની ૧૨મી તારીખે શરૂ થઈ ત્યારે તેમાં ૪૦ છોકરાઓ દાખલ થયા હતા. પણ થોડા જ વખતમાં આ સંખ્યા વધીને ૯૦ જેટલી થઈ. ૧૮૧૮ના ડિસેમ્બરમાં શરૂ થયેલી ગિરગાંવની સ્કૂલમાં શરૂઆતમાં ૪૫ અને મઝગાંવની સ્કૂલમાં ૨૦ છોકરા દાખલ થયા. અલબત્ત, આ ત્રણે સ્કૂલોમાં જે દેશી છોકરાઓ ભણતા હતા તેમાંના મોટા ભાગના પારસી હતા. હકીકતમાં જ્યાં જ્યાં દેશીઓ માટેની નવી સ્કૂલો શરૂ થઈ ત્યાં ત્યાં નવી પદ્ધતિનું શિક્ષણ અપનાવવામાં પારસી કોમે પહેલ કરી હતી. 

મરેના વ્યાકરણનો તરજૂમો, ૧૮૨૨

૧૮૧૯ના ચોથા વાર્ષિક અહેવાલમાં આ નવી સ્કૂલો વિષે માહિતી આપવામાં આવી છે. તેની સાથોસાથ જ બે મુશ્કેલીઓનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે. એક, દેશીઓ માટેની સ્કૂલોમાં શીખવી શકે તેવા શિક્ષકોની અછત. અને બીજી, આ સ્કૂલોમાં શીખવી શકાય તેવાં દેશી ભાષાઓમાં છાપેલાં પુસ્તકોનો લગભગ અભાવ. તેમાંથી બીજી મુશ્કેલી દૂર કરવાના હેતુથી કલકત્તાની સ્કૂલ બૂક સોસાયટી પાસેથી તેણે તૈયાર કરેલાં પુસ્તકો મગાવવામાં આવ્યાં. બીજી બાજુ મુંબઈ ઈલાકાના સ્થાનિક લોકોને પણ તેમણે લખેલાં અથવા અનુવાદ કરેલાં પુસ્તકો મોકલવા માટે વિનંતી કરવામાં આવી. કલકત્તાથી કેટલાંક પુસ્તકો આવ્યાં પણ ખરાં, પણ બોમ્બે પ્રેસિડેન્સીની સ્કૂલોમાં કામ લાગે તેવાં તે નહોતાં. સ્થાનિક લોકો તરફથી માત્ર એક જ પુસ્તક મળ્યું હતું – મરેના અંગ્રેજી વ્યાકરણની બાવનમી આવૃત્તિનો અરદેશર બહેરામજી લશ્કરીએ કરેલો ગુજરાતી તરજૂમો, જે મુંબઈ સમાચારના છાપખાનામાં છપાયો હતો. એટલે સોસાયટીને લાગ્યું કે ગુજરાતી-મરાઠી જેવી સ્થાનિક ભાષાઓમાં નવાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરાવ્યા સિવાય છૂટકો નથી.

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન  

નવાં પુસ્તકો તૈયાર કરાવવાની સોસાયટીના મનની મુરાદ મનમાં જ રહી જાત, કારણ તે માટેનાં આર્થિક સાધનો તેની પાસે નહોતાં. પણ ત્યાં જ સારા નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા. સોસાયટી શરૂ થઈ ત્યારથી મુંબઈના ગવર્નર તેના પ્રમુખ બને એવો ચાલ હતો. એટલે ૧૮૧૯માં એલ્ફિન્સ્ટન સોસાયટીના પ્રમુખ બન્યા. ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકોના અભાવ અંગેની મુશ્કેલી તરત તેમના ધ્યાનમાં આવી. તેમણે કહ્યું : પાઠ્ય પુસ્તકો નથી? તો ચાલો, આપણે જ તૈયાર કરી છાપીએ. ૧૮૨૦ના ઓગસ્ટની ૧૦મી તારીખે તેમના પ્રમુખપદે મળેલી સોસાયટીની વાર્ષિક સભામાં ‘ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવામાં આવી. તેનું અલગ ભંડોળ રચવા માટે તાત્કાલિક ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાં એલ્ફિન્સ્ટને અંગત રીતે ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. થોડા વખતમાં ૪,૨૫૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને દર વર્ષે ૧,૮૮૧ રૂપિયાના દાનનાં વચનો મળ્યાં. કુલ ૫૭ વ્યક્તિ પાસેથી દાન મળ્યાં હતાં. તેમાંના ચાર હિંદુ (દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, રઘુનાથ જોશી, વેન્કોબા સદાશિવ) હતા અને ચાર પારસી (ફરામજી કાવસજી, હોરમસજી બમનજી, જમશેદજી બમનજી, જમશેદજી જીજીભાઈ) હતા. દાન આપનારા બાકીના બધા અંગ્રેજો હતા. નવી કમિટીના સંચાલક મંડળમાં ૧૨ અંગ્રેજો ઉપરાંત ૧૨ દેશી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું. તેમાંના ચાર પારસી (ફરામજી કાવસજી, હોરમસજી ધનજી, મુલ્લા ફિરોઝ, જમશેદજી જીજીભાઈ), ચાર હિંદુ (દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, જગન્નાથ શંકર શેઠ, ધાકજી દાદાજી), અને ચાર મુસલમાન (મુંબઈના કાજી, કાજી ગુલામ હુસેન, મોહમ્મદ અલી રોગે, મોહમ્મદ ઈબ્રાહીમ મકાબા) હતા. મળેલા દાનને આધારે આ કમિટીએ જે પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 જાન્યુઆરી 2023

Loading

7 January 2023 Vipool Kalyani
← બહુમતીથી લેવાયેલા નિર્ણયો બંધનકર્તા હોય તો પણ, તે યોગ્ય હોય જ એ જરૂરી નથી…
લોકસભાની પહેલી ચૂંટણી થઈ નહોતી એટલે બંધારણસભા જ લોકસભા તરીકે કામ કરતી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved