ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની તાસીર સપાટી પર જુદી અને ભીતર જુદી છે. શિક્ષણને મામલે આખું રાજ્ય અનેક સ્તરે પછાત છે, પણ સપાટી પર બધું સરસ સરસ ચાલી રહ્યું હોવાનો દેખાવ થતો રહે છે. ટૂંકમાં, હાલત બતાવવાના અને ચાવવાના જુદા-જેવી છે. એવું એટલે બને છે કારણ મોટે ભાગે યોગ્ય વ્યક્તિ અયોગ્ય જગ્યાએ અને અયોગ્ય વ્યક્તિ યોગ્ય જગ્યાએ મુકાય એની કાળજી રખાય છે. હવે તો નવી શિક્ષા નીતિ પણ આવી ગઈ છે. જો કે, શિક્ષા નીતિમાં ભાગ્યે જ કૈં કહેવાપણું હોય છે. મૂળ સમસ્યા તો નીતિ લાગુ કરવાની હોય છે. ક્યાંક જીવ રેડીને કામ થતું જ હશે, પણ મોટે ભાગે તો અધિકારીઓ અને શિક્ષકો કામ કરવા ખાતર જ કરતા હોય છે, એમાં જીવંત રસ ઓછો જ હોય છે. હવે જ્યાં આવું હોય ત્યાં નીતિ ગમે એટલી ઉત્તમ હોય, તો પણ પરિણામો ઉત્તમ મળવા અંગે શંકા રહે. એમાં ય ખુશામતખોરી અત્યારે તો આખા રાજ્યનો લઘુત્તમ સાધારણ અવયવ છે. એને લીધે સારું દેખાય, પણ સારું હોય નહીં એમ બને. આમ તો કોઈ જ ક્ષેત્ર ખુશામતખોરીથી બચ્યું ન હોય ત્યાં શિક્ષણ પણ શું કામ બાકી રહી જાય? જો કે, પ્રાથમિક શિક્ષણ બધી જ રીતે દયનીય સ્થિતિમાં રહે એ માટે આખું શિક્ષણ ખાતું તનતોડ મહેનત કરી રહ્યું છે. સાચું કોઈ કહે નહીં ને સાચું કોઈ સાંભળે નહીં એવી રાજકીય સગવડો ઊભી કરાઈ છે. મોટે ભાગનો કારભાર જી હજૂરિયાઓ અને મજૂરિયાઓથી ચાલે છે. સાચું તો એ છે કે પ્રાથમિક શાળાનો આચાર્ય પ્રમાણિક મત રજૂ કરી શકે એવી મોકળાશ તેને ભાગ્યે જ હોય છે. એમ તો શિક્ષણ જગતમાં યુનિયનો પણ છે જ, પણ તે અવાજ રજૂ કરવા નહીં, અવાજ દબાવી દેવામાં વધુ પાવરધા છે. પગાર વધારા સિવાય કે આર્થિક સવલતો સિવાય શિક્ષણનું સાચું ચિત્ર રજૂ ન થઈ જાય તેની કાળજી બધાં જ યુનિયનો રાખે છે. સાધારણ શિક્ષક તો ઉપરી અધિકારીઓથી દબાયેલો રહે જ છે, પણ તેણે તો યુનિયનના સાહેબોથી પણ ડરવાનું રહે છે. કેટલી ય સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી, પૂરતા ઓરડાઓ નથી, જરૂરી સામગ્રી નથી એ અંગે ઉપરી અધિકારીઓ સુધી વાત લગભગ પહોંચતી જ નથી. આજની તારીખે પણ કેટલીક સ્કૂલોને પાઠ્ય પુસ્તકો, ગણવેશ વગેરે પહોંચવાના બાકી હોય તો નવાઈ નહીં !
બે વર્ષ કોરોનામાં સ્કૂલો લગભગ બંધ રહી. જ્યાં ઓનલાઈન શિક્ષણ થયું, મોટે ભાગે તે એકમાર્ગી જ રહ્યું. પરીક્ષાઓને નામે માસ પ્રમોશનથી સંતોષ લેવાયો ને આ વર્ષે પણ કોરોનાના ભણકારા તો વાગે જ છે. એમાં જો વાત ખોરંભે ચડી તો આ વર્ષે ય માસ પ્રમોશન દાટ વાળે એમ બને. ઈચ્છીએ કે એમ ન થાય, પણ બે વર્ષમાં બાળકો પાયાના શિક્ષણથી લગભગ વંચિત રહ્યાં છે. બે વર્ષ માસ પ્રમોશન પામેલો વિદ્યાર્થી ત્રીજામાં આવી ગયો છે ને અંકજ્ઞાન કે અક્ષરજ્ઞાનથી લગભગ અજાણ રહ્યો છે. એની લર્નિંગ લોસની પ્રમાણિક ચિંતા લગભગ કોઈને નથી. બધાંને એમ જ છે કે એ તો વિદ્યાર્થી શીખી લેશે, પણ પાયાનું શિક્ષણ શીખવનાર વગર અઘરું છે, ત્યાં જાતે વિદ્યાર્થી શીખી લે એ અપેક્ષા વધારે પડતી છે. આ બધાંમાં ક્યાંક ખરેખર શિક્ષણની ચિંતા થઈ જ હશે, પણ એ જે તે સ્ટાફની નિસ્બતને કારણે હોવાની સંભાવનાઓ વધુ છે. શિક્ષણ વિભાગ કે સમિતિ દ્વારા એવી ચિંતા અપવાદરૂપે જ થઈ હોય એમ બને. એમ કહેવાય છે કે કેટલીક શાળાઓ, ખાનગી સ્કૂલોને ટક્કર મારે એ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિકસાવી છે. એ વાત સાથે સંમત થવાનો આનંદ જ હોય, પણ પ્રાથમિક શાળાનો આદર્શ ખાનગી સ્કૂલો હોય એ પણ કેવું? આમ તો ખાનગી સ્કૂલોએ પણ કર્યો તો ધંધો જ છે. લોકડાઉનમાં સ્કૂલો બંધ રહી એની ફી ઉઘરાવવાની પણ એવી સ્કૂલોને નાનમ લાગી નથી ને ખાનગી સ્કૂલોમાં લૂંટાવવા માટે જેમની પાસે વધારાના પૈસા છે એમણે એવા પૈસા ખટાવ્યા પણ છે, તો એવું પણ થયું છે કે લોકડાઉનમાં આવક ન થવાને કારણે ઘણા વાલીઓએ ખાનગી સ્કૂલોમાંથી ઉઠાડી લઈને બાળકોને સરકારી સ્કૂલોમાં મૂક્યાં હોય. બીજી તરફ ખાનગી સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી ભારે ફી વસૂલી છે ને ઓછો પગાર આપીને શિક્ષકોનું શોષણ કર્યું છે. એવી સ્કૂલોનો આદર્શ, પ્રાથમિક સ્કૂલોએ ને શિક્ષણ સમિતિએ અપનાવવાની જરૂર ખરી?
આટલી ભૂમિકા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તાજેતરમાં જ 2023-2024નાં વર્ષ માટે વિપક્ષના વિરોધ વચ્ચે 731.55 કરોડનું બજેટ 26 ડિસેમ્બર, 2022ને રોજ મંજૂર કર્યું તે અંગે થોડી વાત કરવા જેવી છે. આમ તો બજેટની બેઠકમાં 630.30 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, પણ 2023-‘24 માટે અધ્યક્ષે 731.55 કરોડનું બજેટ રજૂ કર્યું જે મંજૂર પણ કરી દેવાયું. આમ તો હવે બધું સ્માર્ટ થવા જ બેઠું છે તો શિક્ષણ પણ સ્માર્ટ થવામાંથી શું કામ રહી જાય? ગયે વર્ષે તમામ ઝોન મળીને 20 સ્કૂલો સ્માર્ટ કરવા માટે બજેટમાં 25 કરોડ ફાળવાયેલા. આ વખતે 40 સ્કૂલો સ્માર્ટ કરવા માટે 50 કરોડ ફાળવાયા છે. એટલે કે સ્કૂલો અને ખર્ચ ડબલ થશે. સારું છે કે 40 સ્કૂલો સ્માર્ટ થવાની છે. આ સ્માર્ટનેસ કોરોના પહેલાં આટલી તીવ્ર ન હતી, એનો ય વાંધો નથી, પણ શહેરની, સમિતિની સાડી ત્રણસોથી વધુ સ્કૂલો છે, એમાં 40 સ્કૂલો સ્માર્ટ થશે, તો બાકીની સ્કૂલોનું શું? એને વિકસાવવાની છે કે પાયાની સુવિધાઓથી એણે વંચિત જ રહેવાનું છે? વારુ, જે ચાળીસ સ્કૂલો સ્માર્ટ થવાની છે એનો લાભ કયા વિસ્તારના કયા વિદ્યાર્થીઓને મળવાનો છે? જો એમને એ લાભ મળવાનો હોય તો બાકીના વિદ્યાર્થીઓની પાત્રતામાં કૈં ખૂટે છે એમ માનવાનું છે? જેમને સ્માર્ટ સ્કૂલનો લાભ મળવાનો છે કે મળી રહ્યો છે, તે લાભ મેળવવાની બાકીનામાં યોગ્યતા નથી એવો જ એનો અર્થ થાય. એ તો જે હોય તે, પણ જોવાનું એ રહે કે એમાં શિક્ષણ સમિતિની કોઈ ‘સ્માર્ટનેસ’ ભાગ ન ભજવી ગઈ હોય !
આ વખતે બજેટ વધ્યું તેમાં નવા સીમાંકનને આધારે જિલ્લા પંચાયતની 35 સ્કૂલો સૂરત મહાનગરપાલિકામાં ઉમેરાઈ તે કારણ પણ ખરું. દેખીતું છે કે એના ખર્ચની જોગવાઈ પણ બજેટમાં વિચારવી પડે. એમ મનાય છે કે બજેટમાં અંદાજે વિદ્યાર્થી દીઠ 35 હજારથી વધુનો ખર્ચ આ વર્ષમાં થશે. એમાં પુસ્તકો, ગણવેશ જેવા ખર્ચનો સમાવેશ થાય છે. જો વિદ્યાર્થી દીઠ 35,000નો ખર્ચ થતો હોય તો સાદો સવાલ એ થાય કે ચોપડા, યુનિફોર્મનો ખર્ચ એક વિદ્યાર્થીનો 35,000 જેટલો ખરેખર થાય છે? લાગે છે તો એવું કે આટલો ખર્ચ ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓનો પણ નહીં થતો હોય ! તો, વિચારવાનું એ રહે કે વિદ્યાર્થી દીઠ ફાળવાયેલા 35,000 ખરેખર શેમાં ખર્ચાવાના છે? એ વિદ્યાર્થી માટે ખર્ચાવાના છે કે વિદ્યાર્થીને નામે ખર્ચાવાના છે? સમિતિની સભામાં આ અંગે કોઈ ચર્ચા થાય છે કે ત્યાં ચૂપ રહીને સભ્યો બીજા જ દાખલા ગણવામાં વ્યસ્ત રહે છે? જો કે એવો સૂર જરૂર ઊઠ્યો કે વિદ્યાર્થી માટે બજેટમાં અગાઉ ફાળવાયેલી રકમ પણ પૂરી ખર્ચાઈ નથી. મોટું બજેટ ફાળવાય ને એમાંથી શિક્ષકોનો પગાર જ કાઢવામાં આવતો હોય તો સવાલ એ પણ થાય કે બાકીની રકમ ક્યાં ખર્ચાય છે? વારુ, બારેક હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોય તો પગાર પણ કેટલાક શિક્ષકોનો થાય છે તે પણ વિચારવાનું રહે. આ ઉપરાંત, પાટિયા, ચોક, ડસ્ટર ને અન્ય ટેકનિકલ સાધનો પાછળ પણ પૂરતો ખર્ચ થતો ન હોય તો આટલી મોટી રકમ બજેટમાં કોની હોજરી ભરવા ફાળવાતી હશે તે નથી સમજાતું. રકમ ફાળવાયા પછી જો તે વપરાયા વગર જ પડી રહેતી હોય તો બજેટ ઘટવું જોઈએ તેને બદલે વધે છે. તો કયાં કારણોસર તેમ થાય છે તેનો ખુલાસો થવો જોઈએ.
તપાસ તો એ પણ થવી જોઈએ કે કેટલાં કોર્પોરેટરોનાં, અધિકારીઓનાં બાળકો સરકારી સ્કૂલોમાં ભણે છે? એ ત્યાં ભણે છે કે વધુ સગવડોવાળી બીજી મોંઘી સ્કૂલોમાં તેમનાં એડમિશન થાય છે? ખરેખર તો એવાં બાળકોને સરકારી સ્કૂલોમાં ભણવાની ફરજ પડાવી જોઈએ, જેથી કેટલી ઓછપ વચ્ચે બીજાં બાળકો ભણે છે એનો ખ્યાલ આવે અથવા તો એમને મળતી સુવિધાઓ પ્રાથમિક શાળાઓમાં સાચા અર્થમાં વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવી જોઈએ. વ્યવસ્થા તો એવી પણ થવી જોઈએ કે સરકારી અને સમિતિના ન હોય એવાં, શિક્ષણમાં રસ ધરાવનારાઓની એક એવી કમિટી હોય જે દર અઠવાડિયે કે પંદર દિવસે શાળાને ને વિદ્યાર્થીઓને અપાવી જોઈતી સવલતો મળે છે કે કેમ એનો સમિતિને તટસ્થ અને સાચો રિપોર્ટ કરે અને ખૂટતી સેવાઓ પૂરી પાડવાની સમિતિને ફરજ પાડે. આવું થશે તો જ સમિતિનો કાગળ પર રહેતો કારભાર વર્ગખંડો સુધી પહોંચશે. પણ આવું થાય ખરું? કાગળ પર તો ઘણી શિક્ષણ નીતિઓ અદ્દભુત લાગે, પણ કમાલ એ છે કે કાગળની બહાર નીકળતા જ તે ‘ભૂત’ થઈ ઊઠે છે. આ બધું જ સુધરી શકે એમ છે. જરૂર છે તે ઇચ્છાશક્તિની, મગર વો દિન કહાં કિ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 જાન્યુઆરી 2023