જ્યાં સુધી વ્યક્તિએ સેક્યુલર વલણ આત્મસાત્ કર્યું ન હોય, સમાજની પ્રથાઓ સેક્યુલર ન હોય; તો રાજ્ય ક્યાં સુધી, કેટલાં અંશે અને કેવી રીતે સેક્યુલર રહી શકે? હકીકતમાં જ્યાં સુધી સમાજમાં તથા એકંદર માનવીના વૈયક્તિક જીવનમાં ધર્મ ગૌણ ન બન્યો હોય, તેના પ્રત્યેની પ્રતિબદ્ધતા પાતળી પડી ન હોય, ધર્મ સમાજજીવનમાં માર્જિનલાઈઝ્ડ બન્યો ન હોય અથવા સમાજના મુખ્ય પ્રવાહ પરથી તેનો પ્રભાવ દૂર થયો ન હોય ત્યાં સુધી સેક્યુલર રાજ્ય પણ સંભવિત નથી. યુરોપીય દેશોમાં બધી વ્યક્તિઓએ ધર્મ ત્યજ્યો છે તેવું નથી, પણ ધર્મ તથા ધાર્મિક માન્યતાઓ, મુખ્ય પ્રવાહના અંગરૂપ નથી, ધાર્મિક રિવાજો પણ ઔપચારિક ઉજવણી – તે પણ વર્ષમાં માંડ બે–એક પ્રસંગે જોવા મળે. ધર્મ તથા ધર્મની વાતોને ગંભીરતાથી લેનારી વ્યક્તિઓ ત્યાં પણ છે, પરન્તુ તેમની સંખ્યા જૂજ છે અને તેઓ ભાગ્યે જ ધાર્મિક આદેશો અનુસાર કાયદા ઘડવા જોઈએ તેવો આગ્રહ કરી શકે છે. ટૂંકમાં, ત્યાં ધાર્મિક વ્યક્તિઓ અને ધર્મ માર્જિનલાઈઝ્ડ થઈ ગયાં છે.
અહીં, પ્રથમ એ સવાલ થાય કે ધર્મને આવી રીતે દેશનિકાલ કરવાની શી જરૂર પડી? ધર્મની વાતોમાં એવું શું છે કે સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજ રચવા માટે તેને બાજુએ રાખવાનું મુનાસીબ ગણવામાં આવ્યું? ધર્મના કારણે એવી તો કેવી પરિસ્થિતિ પેદા થઈ કે તેને કોરાણે મૂકવાનું આવશ્યક બન્યું? અને સેક્યુલર વ્યવસ્થાની હિમાયત કરવાની જરૂર કેમ પડી? માનવજાતના ઇતિહાસ પર નજર કરતાં આ પ્રશ્નોના ઉત્તર સરળતાથી મળી રહે છે; ઉપરાંત, ધર્મના કારણે વૈચારિક ક્ષેત્રે તેમ જ, જ્ઞાનપ્રાપ્તિના ક્ષેત્રો જે બંધિયાર તથા અવરોધક સ્થિતિ સર્જાઈ હતી, તેમાં આ ધાર્મિક વર્ચસ્વ સામેના વિદ્રોહનો પાયો જોઈ શકાય છે. ધાર્મિક વાડાઓને કારણે માનવસમૂહોમાં ફાલેલી જૂથબંધી, વેર–ઝેર, દમન અને અન્યાય (વર્ણવ્યવસ્થા, સ્ત્રી–પુરુષ સમાનતા) તથા માનવએકતા, અરે, એક રાષ્ટ્રનિર્માણના કાર્યમાં પણ જે મુસીબતો પડતી હતી તેને કારણે ધર્મને જાકારો આપવો જરૂરી બન્યું હતું. અલબત્ત, ધર્મે બધું ખોટું જ કર્યું છે એમ ના કહી શકાય. એક સમયે તેણે માનવસમાજને આવશ્યક સ્થિરતા, નિયમપાલન વગેરેમાં ફાળો આપ્યો હતો, પરન્તુ ધીરે ધીરે તેણે જે સ્વરૂપ અખત્યાર કર્યું તથા તેની કામગીરી વધુ કાર્યક્ષમ રીતે ઉપાડી લે તેવાં તંત્ર રચાતાં તેની ઉપયોગિતા ઘટી અને હાનિકારક પાસું જ તેમની પાસે રહ્યું.
પ્રથમ તો આપણે કેવો સમાજ નિર્માણ કરવા માગીએ છીએ તેની સ્પષ્ટ કલ્પના હોવી જોઈએ. આ સમાજનાં લક્ષ્યો, આદર્શો અને સંબંધો તથા વ્યવહારો વિશેનું સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ. ત્યાર બાદ તે કેટલે અંશે સેક્યુલર વ્યવસ્થા અને સંસ્કારો સાથે સુસંગત છે તે જોવું જોઈએ. તદુપરાંત, આવા સમાજ માટે માનવીમાં કેવાં સંસ્કારો અને વલણ દૃઢ કરવાં જોઈએ તે સમજી લેવું જોઈએ; કારણ કે, છેવટે વ્યક્તિનાં વલણો અને સંસ્કારો તેના વર્તન અને વ્યવહારને ઘડે છે. વ્યક્તિના વર્તન દ્વારા સમાજનાં વ્યવહારો, તંત્ર અને પ્રથાઓ સંચાલિત થાય છે. એટલે કે, વ્યક્તિમાં આપણે એવાં સંસ્કાર અને વલણ સિંચવાં જોઈએ, પ્રેરવાં જોઈએ, જે આપણી કલ્પના અનુસારના સમાજને સમર્થક હોય. જો આપણે એવા સમાજની કલ્પના કરતાં હોઈએ કે જેમાં વ્યક્તિ માત્રની શક્તિઓને મુખરીત થવાની મોકળાશ હોય; વ્યક્તિમાત્રનું ગૌરવ થતું હોય; સૌ સમાન હોય; દરેક વૈચારિક મુક્તિ ધરાવતો હોય; કોઈનું શોષણ કે દમન ન થતું હોય; દરેક વ્યક્તિને પોતાની આવશ્યકતાઓ સંતોષવા માટે માર્ગો સુલભ હોય; ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, પ્રદેશ, રાષ્ટ્ર જેવાં જન્મજાત બંધનોથી ઊભા થતા સંકીર્ણ વાડાઓમાં માનવીનું વિભાગીકરણ થયું ન હોય; વ્યક્તિનું મૂલ્યાંકન જન્મજાત લક્ષણોથી નહીં, પરન્તુ તેણે પ્રાપ્ત કરેલા ગુણો દ્વારા થતું હોય. જૂથવાદના પૂર્વગ્રહો કે વેરઝેર ન હોય. માનવી પરસ્પર સહયોગ અને ભાઈચારાથી જીવતો હોય. મતભેદ હોય પણ મનભેદ ન હોય. માનવી માનવી વચ્ચે, તેના હાથ બહારનાં કે જન્મગત લક્ષણોને કારણે વેરો–આંતરો ન હોય. આ એક વિશ્વસમાજનું કલ્પન છે, વિશ્વમાનવનું કલ્પન છે. આ કલ્પનમાં સેક્યુલર સમાજ વ્યવસ્થાના, સેક્યુલર વલણ ધરાવતાં માનવીનાં, લક્ષણો સૂચિત છે. સેક્યુલર રચનાનું આપણું કલ્પન આ ચિત્ર સાથે સુસંગત હોય તો આપણે એવી તંત્રરચનાઓ (સ્ટ્રક્ટર્સ), પ્રથાઓ (ઈન્સ્ટિટ્યુશન્સ) અને વલણ તથા સંસ્કારોને (કલ્ચર) દ્રઢ કરવાં જોઈએ, પ્રેરવા જોઈએ, જે આ ચિત્રને યથાર્થ બનાવે. સમાજની તંત્રત્રરચના અને પ્રથાઓ તથા વ્યક્તિનાં વલણ અને સંસ્કારો એકબીજાને પ્રભાવિત કરતાં હોય છે. આ ત્રણેની ગુંથણીમાંથી સમાજનું પોત રચાય છે, સામાજિક સ્થિરતા સર્જાય છે; પરન્તુ આ ગુંથણીથી રચાતી વ્યવસ્થા માનવપ્રગતિ માટે આવશ્યક પાયાનાં મૂલ્યો સાથે સુસંગત ન હોય ત્યારે વ્યક્તિ વિદ્રોહ કરી નવાં મૂલ્યો અને તેને અનુરૂપ તંત્ર અને પ્રથાઓ સ્થાપવા સંઘર્ષ કરે છે. તેમ જ બાહ્ય પરિબળો કે નવી અપેક્ષાઓ તથા ઉપરથી આવતા તંત્રગત પરિવર્તનને કારણે પણ પરિવર્તનનાં ચક્રો ગતિશીલ બને છે. ક્યારેક આ બન્ને એક સાથે પણ આવે છે, પરન્તુ છેવટે સમાજની રચના કે પ્રથાઓ પાછળનાં મૂલ્યો અને વ્યક્તિનાં વલણ તથા સંસ્કારો માનવ પ્રગતિને પ્રેરક હોય; સ્વતંત્રત્રતા, સમાનતા અને બંધુત્વને સમર્થક હોય તો જ સ્થિર અને ન્યાયી સમાજ રચી શકાય.
સેક્યુલર સમાજ કે માનવીને આકાર આપવા માગતી વ્યક્તિઓએ એવાં તંત્ર કે પ્રથાઓનું સમર્થન કે નિર્માણ કરવું જોઈએ, જે સેક્યુલર મૂલ્યોની નિકટ હોય; વ્યક્તિમાં એવાં વલણો કે સંસ્કારોનું સમર્થન નિર્માણ કરવું જોઈએ, જે સેક્યુલર હોય, તેમ જ સેક્યુલર લક્ષ્યથી વિરોધી કે તેને અવરોધક પરિબળોને નાબૂદ કરવા મથવું જોઈએ. તંત્રની રચના અને તેનું સંચાલન કરતી પ્રથાઓ માનવ નિર્મિત છે. વ્યક્તિનાં વલણો અને સંસ્કારો પણ માનવી દ્વારા ઘડાય છે, આમ બન્નેમાં કેન્દ્રસ્થાને માનવી છે. આથી, વ્યક્તિનાં વલણો અને સંસ્કારોમાં પરિવર્તન લાવવામાં આવે તો ક્રાંતિકારી પરિવર્તન માટેનાં દ્વાર ખૂલી જાય છે. તંત્ર અને પ્રથાઓ મહત્ત્વનાં છે, તેમની શક્તી ઓછી આંકવી જોઈએ નહીં…
ઉપરના વિચારો પ્રોફેસર જયંતી પટેલના છે. રાજ્યશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના વિશારદ. વૈજ્ઞાનિક અભિગમને અપનાવી ભણતર અને ગણતર બન્નેનું કાર્ય રાજ્યશાસ્ત્ર અને રેશનાલીઝમ વિષયક પંદરેક પુસ્તકોના લેખન દ્વારા તેમણે કર્યું છે. તેમની આત્મકથા ‘ઝૂમવું ને ઝઝૂમવું તે જીવવું’ યુવાનોએ વાંચવા જેવી છે. તેમનું એક પુસ્તક ‘સામુદાયિક રાજકીય હિંસા : પ્રક્રિયા-વિશ્લેષણ’ 1986માં પ્રસિદ્ધ થયેલ જે 2022માં વધુ પ્રસંગિક બન્યું છે. માત્ર લેખનકાર્ય જ નહીં; પણ જ્યાં મનુષ્યનું શોષણ હોય, અન્યાય હોય, અસમાનતા હોય, અંધશ્રદ્ધા હોય ત્યાં લડતોમાં એ અગ્રણી રહ્યા છે / પડખે ઊભા રહ્યા છે. તેમના વિચારોનો નિચોડ એ છે કે તમે માણસને ચાહો; એની જ્ઞાતિ કે હોદ્દાને નહીં ! સાદા / સરળ / સહેજ પણ દંભ-દેખાડો નહીં; માનવવાદી / રેશનાલિસ્ટ / વિદ્વાન એવા જયંતિભાઈ 29 ડિસેમ્બરે 90 વર્ષ પૂરાં કરી 91માં પ્રવેશ કરે છે. અઢળક શુભેચ્છાઓ આપીએ. વિશેષ આનંદ એ છે કે આવા વિરલ વ્યક્તિત્વની સાથે યોગાનુયોગ મારો પણ જન્મદિવસ છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર