2021ના વર્ષમાં દેશમાં દર કલાકે 18 વ્યક્તિઓએ પોતાની જિંદગી ટૂંકાવી હતી.
આ 2022ના વર્ષની શરૂઆતથી આગેવાનો આરડીને અમૃતકાલના ઓવારણાં લઈ રહ્યા છે. પણ વર્ષને અંતે તેમની સરકારે દેશમાં 2021માં થયેલી આત્મહત્યાના જે આઘાતજનક આંકડા ગઈ કાલે આપ્યા છે.
તે પરથી સમજાય છે કે આ કહેવાતો અમૃતકાલ તો આઝાદીના 74 વર્ષમાં સહુથી વધુ આત્મહત્યાઓ ધરાવનાર વર્ષને માથે ઊભો છે.
કેન્દ્ર સરકારના ગૃહખાતાના રાજ્ય કક્ષાના મંત્રી નિત્યાનંદ રાયે ગઈ કાલે લોકસભામાં આપેલા આંકડામાંથી કેટલાક આ મુજબ છે.
– 2021માં કુલ 42 હજાર રોજમદાર છૂટક મજૂરોએ આત્મહત્યા કરી. એટલે કે દરરોજ સરેરાશ 115 મજૂર મોતને ભેટતા હતા. દર કલાકે ઓછામાં ઓછા ચાર રોજમદાર છૂટક મજૂરો જિંદગી ટૂંકાવતા હતા.
– 2021માં કુલ 23 હજાર 179 ગૃહિણીઓએ આત્મહત્યા કરી. એટલે કે દરરોજ સરેરાશ 63 ગૃહિણીઓ મોતને વહાલું કરતી હતી. એટલે કે દર કલાકે ઓછામાં ઓછા બે ગૃહિણીઓ જિંદગી ટૂંકાવતી હતી.
– 2021માં ખેતી સાથે સંકળાયેલા કુલ 10,881 લોકોએ આપઘાત કર્યો. તેમાં 5,318 ખેડૂતો અને 5,563 ખેતમજૂરોનો સમાવેશ થાય છે. એટલે કે દરરોજ 15 ખેડૂતો અને 15 ખેતમજૂરો જીવન ટૂંકાવતા હતા.
– 2021માં સ્વરોજગારવાળા 20,231, પગારદાર 15,870 અને બેરોજગાર 13, 714 લોકોએ આત્મહત્યા કરી.
– 2021માં ગુજરાતમાં 3,206 રોજમદાર મજૂરોએ, એટલે કે દરરોજ સરેરાશ 9 રોજમદારોએ આપઘાત કર્યો છે. 2014થી ઊંચો જતો આ આંકડો આ વર્ષે પણ વધ્યો છે. રોજમદારોના આપઘાતની બાબતમાં ગુજરાત ભારતમાં છઠ્ઠા ક્રમે અને તામિલનાડુ મોખરે છે.
– 2021માં દેશમાં કુલ 1,64,000 જેટલી વ્યક્તિઓએ આપઘાત કર્યો. એટલે દરરોજ 450 વ્યક્તિઓએ અર્થાત દર કલાકે 18 વ્યક્તિઓ જિંદગીનો જાતે અંત આણ્યો હતો.
આમ તો આત્મહત્યાના આંકડા નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોએ (એન.સી.આર.બી.) ઑગસ્ટ મહિનાના આખરે જાહેર કર્યા હતા અને અખબારોએ તેના વિશે વિગતે લખ્યું પણ હતું.
જો કે આજે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની અમદાવાદની છાપેલી આવૃત્તિમાં આ સમાચાર નથી. તે ‘દિવ્ય ભાસ્કર’ના માસ્ટ હેડ સાથેના ત્રીજા ક્રમના પાને, પાનાના નીચેના અરધા હિસ્સામાં પહેલી કૉલમમાં સિંગલ કૉલમ દસ લીટીમાં વાંચવા મળે છે.
‘ગુજરાત સમાચાર’માં છેલ્લા પાને ઊપરના અરધા ભાગમાં, વચ્ચે બે કૉલમના બૉક્સમાં ગુજરાત રાજ્યને કેન્દ્રમાં રાખીને આ સમાચાર મૂકાયા છે. મથાળું છે : ‘ગુજરાતમાં એક વર્ષમાં 3206 રોજમદારોની આત્મહત્યા’.
એન.સી.આર.બી. થકી સાડા ત્રણ મહિના પહેલાં આત્મહત્યાના આંકડા ભલે મળી ચૂક્યા હોય, પણ કેન્દ્ર સરકાર ખુદ લોકસભામાં આ બીનાની જાહેરાત કરે છે ત્યારે ફરીથી તેની તરફ ધ્યાન આપવું જરૂરી બને છે.
મન ખૂબ ખિન્ન થઈ જાય છે. આપણી સરકારો પર તિરસ્કાર ઉપજે છે.
ખલીલ જિબ્રાનની જાણીતી કવિતા છે : ‘Pity the nation’. મકરંદ દવેએ કરેલાં તેનો અનુવાદ કર્યો છે ‘એ દેશની ખાજો દયા !’
(સ્રોત : આજના કેટલાંક છાપાં અને પોર્ટલ્સ)
21 ડિસેમ્બર 2022
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર