‘કોકોનટ’ શબ્દમાંના ‘કોકો’નો અર્થ થાય છે ‘ખોપરી’
શેરડી એટલે મધમાખી વગર મધ બનાવતું હિન્દુસ્તાની ઘાસ!
‘ગોળ કેરી ભીંતલડી ને
શેરડી કેરા સાંઠા
ટોપરે ઘર છાયાં
બચ્ચાં બારણાં ઉઘાડો’
બકરીએ ઘર બનાવ્યું નામની વાર્તામાં આવતું આ જોડકણું આજે તો લગભગ ભૂલાઈ ગયું છે. કારણ આજનાં બાળકોને આવી વાર્તાઓમાં ભાગ્યે જ રસ પડે. પણ આ જોડકણામાં સૌથી જૂની બે વનસ્પતિનાં નામ અજાણતાં જ સંકળાઈ ગયાં છે. મુંબઈના સાત ટાપુ જ્યારે એકમેકથી જૂદા હતા ત્યારે જાતભાતનાં ઝાડોની વાડીઓ અહીં હતી. તાડ વાડી, ફણસ વાડી, ફોફળ વાડી, જામ્બુલ વાડી, અને લટકામાં પાછી ખેત વાડી પણ ખરી. શેરડી અને નાળિયેરથી બકરીબાઈનું ઘર બંધાય કે ન બંધાય, પણ આપણા ઘરના મંગળ પ્રસંગોમાં એમની હાજરી તો હોય જ. એટલું જ નહિ, આ બંને અનેક જીવોની તરસ પણ છીપાવે.
કેટલાકને મતે શેરડીનું પિયર છે ભારત. ઈ.સ. પૂર્વે ૫૧૦માં પર્શિયાના દરાયસે જ્યારે હિન્દુસ્તાન પર આક્રમણ કર્યું ત્યારે તેણે અહીં શેરડીના સાંઠા જોયા હતા. તેમાંથી મીઠો મધુરો રસ નીકળતો હતો તે જોઈને તેને ખૂબ નવાઈ લાગેલી. તેણે નોંધ્યું છે કે હિન્દુસ્તાનમાં એક એવું ઘાસ ઊગે છે જે મધમાખી વગર પણ મધ બનાવી શકે છે. હા જી. વનસ્પતિ શાસ્ત્રની દૃષ્ટિએ શેરડી એ એક જાતનું ઘાસ જ છે. તેમાંથી સાકર કઈ રીતે બનાવાય તેની રીત દાયકાઓ સુધી ગુપ્ત રાખવામાં આવેલી. પણ શેરડીમાંથી બનાવેલી સાકર બીજા દેશોમાં મોકલીને અહીંના લોકો ઘણા પૈસા રળતા. સાકર, શક્કર, શર્કરા, શુગર. નામરૂપ જૂજવાં. અંગ્રેજીનો શુગર શબ્દ ઊતરી આવ્યો છે સીધો સંસ્કૃત શબ્દ શર્કરામાંથી. બોલો, મેરા ભારત મહાન.
આ શેરડીનો રસ એ એક જમાનામાં મુંબઈમાં આમજનતાનું પીણું, ખાસ કરીને ઉનાળામાં. હાથ વડે ચાલતા સંચામાં બે સિલિન્ડર સામસામી દિશામાં ફરતાં જાય. કોલ્હુ (એ સંચાનું નામ) ચલાવનાર એ બે સિલિન્ડરની વચ્ચે એક પછી એક તાજી શેરડીનો લીલો છમ્મ સાંઠો ગોઠવતો જાય. રસ નીકળે તે ગરણીમાં ગળાઈને જાય સીધો નીચે રાખેલા વાસણમાં. એકનો એક સાંઠો બે-ત્રણ વખત પીલાય. પછી સાંઠાના કૂચાના ઢગલા ભેગો ભળી જાય. પીલતી વખતે સાથે થોડું આદુ નાખ્યું હોય. તમે માગો તો કાચના ગ્લાસમાં બરફ પણ નાખી આપે. પણ એ બરફ તે ‘બજાર આઈસ’ હોં! એક ગ્લાસ પીઓ તો બત્રીસ કોઠે દીવા થઈ જાય અને કવિ કલાપીના કાવ્ય ગ્રામ્ય માતાની પેલી પંક્તિઓ યાદ આવે :
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.
હા, એક જમાનામાં મુંબઈમાં શેરડીનો રસ વેચનારા ઠેર ઠેર જોવા મળતા. વહેલી સવારે ગાડું આવીને શેરડીના સાંઠા દુકાન પાસે ઠાલવે. મોટે ભાગે બળદ માંદા ન હોય. એ વખતે ગાડાંને રબરનાં ટાયરવાળાં પૈડાં નહિ. મજબૂત લાકડાનાં પૈડાં પર લોખંડનો પાટો ચડાવ્યો હોય. ગાડું હાંકતાં બે બળદ અને ગાડાવાળો, એમ ત્રણેને ઘણી મહેનત પડે. એમાં ય જો ભલે નાનો, પણ ઢાળ ચડવાનો હોય તો તો આવી જ બને! પછી વીજળીથી ચાલતાં કોલ્હુ આવ્યાં અને રબરના પાટાવાળાં ગાડાં. કોલ્હુ અને ગાડું, બંને સડસડાટ દોડે. પણ પછી એક બાજુથી લોકોના ગમા-અણગમા બદલાતા ગયા. બીજી બાજુથી જગ્યાનાં ભાડાં સતત વધતાં ગયાં. એટલે જેમ એકલી ચાની દુકાન પોસાય નહિ, તેમ એકલા શેરડીના રસની દુકાન પણ પોસાય નહિ. અને બજારમાં જાત જાતનાં ઠંડાં-ગરમ પીણાં આવતાં ગયાં તેમ તેમ શેરડીના રસનો ધંધો મોળો પડતો ગયો. છતાં, શોધો તો આજે પણ મુંબઈમાં શેરડીનો રસ પીવા તો મળે. પણ લાંબા ફેશનેબલ ગ્લાસમાં, સ્ટ્રો નાખીને. અને હા, ‘બજાર આઈસ’ તો નહિ જ, હોં!
શેરડીના રસ કરતાં નાળિયેર પાણી વધુ નસીબદાર. કારણ, એક તો મુંબઈને લાંબો દરિયા કિનારો. દરિયે ચાલવા કે ફરવા જઈએ ત્યારે નાળિયેર પાણી તો પીવું પડે એવી હજી લોકોની માન્યતા. વળી એમાં દુકાનની કે મોટી જગ્યાની જરૂર નહિ. નાળિયેર ટોપલામાં, કે બહુ બહુ તો રેંકડીમાં રખાય. સાધનમાં એક-બે કોયતા. ઘણા લોકો સીધું નાળિયેર જ મોઢે માંડે અથવા તેમાં સ્ટ્રો નાખીને પીએ. એટલે ઝાઝા ગ્લાસની ય જરૂર નહિ. નાળિયેરની મુખ્યત્વે ત્રણ જાત : નુસ્તા પાણી : પાણી વધારે, પણ થોડું તૂરું. મલાઈ-પાણી, પાતળી મલાઈ સાથે મીઠું પાણી. અને કોપરા-પાણીમાં જાડું કોપરું વધુ, પાણી ઓછું, પણ મીઠું. વળી નાળિયેર વેચનારાઓની બીજી પણ એક જમાત. રોજ સવારે સાઈકલ પર નાળિયેર લઈને નીકળી પડે. બાંધેલા ઘરાકોને ત્યાં જોઈતાં નાળિયેર રોજ પહોંચાડે. કેરળનાં લાલ છાલનાં નાળિયેર અહીં બહુ ઓછાં જોવા મળે. મોટા ભાગનાં લીલી છાલનાં. આખા દેશમાં સૌથી વધુ નાળિયેર થાય કર્ણાટકમાં. દેશના કુલ ઉત્પાદનમાં તેનો હિસ્સો ૩૦ ટકા જેટલો. દક્ષિણનાં તમિળનાડુ, કેરળ, અને આંધ્ર પ્રદેશ ભેગા કરો તો એમનો કુલ હિસ્સો બીજા ૬૦ ટકા! એટલે કે દક્ષિણનાં રાજ્યોની મોનોપોલી. ત્યાંથી રોજ ઢગલાબંધ ટ્રક નાળિયેર મુંબઈમાં ઠલવાય અને ૭૦થી ૧૦૦ રૂપિયે નંગના ભાવે વેચાય.
નાળિયેરીનાં ઝાડને વ્યવસ્થિત વાવવાની પહેલ ઓસ્ટ્રોનેશિયન લોકોએ કરી હતી. બીજાં ઘણાં ઝાડ એક દેશથી બીજે દેશ જમીન માર્ગે પહોંચ્યાં. જ્યારે નાળિયેરી મોટે ભાગે સમુદ્ર વાટે બીજા દેશો સુધી પહોંચી. અંગ્રેજીનો કોકોનટ શબ્દ મૂળ પોર્ટુગીઝ ભાષાના ‘કોકો’ શબ્દ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘માથું’ કે ‘ખોપરી.’ સૂકા નાળિયેર(શ્રીફળ)નો આકાર માણસના માથા કે ખોપરી જેવો હોય છે તેથી આ નામ. વળી પોર્ટુગીઝ ભાષાની ઘણી લોકકથાઓમાં ‘કોકો’ નામની ડાકણ પણ જોવા મળે છે. વળી, આપણે જેને ‘કોપરું’ કે ‘ખોપરું’ કહીએ છીએ તેને હિન્દીમાં ‘ખોપડા’ કહે છે જેને સીધો સંબંધ છે ‘ખોપરી’ સાથે. કેટલાકને મતે હોમ-હવનમાં જે નાળિયેર હોમાય છે તે મૂળમાં થતા મનુષ્યબલિનું પ્રતિક છે. આયુર્વેદ અને એલોપથી પણ નાળિયેરનાં પાણીના કેટલાક આરોગ્યની દૃષ્ટિએ ફાયદા સ્વીકારે છે. પણ આવા કોઈ પણ લાભ માટે નાળિયેર ખોલ્યા કે કાપ્યા પછી તરત તેનું પાણી પી લેવું જોઈએ. પણ હવે તો કેટલીક કંપનીઓએ બાટલીમાં ભરેલું નાળિયેર પાણી પણ બજારમાં મૂક્યું છે.
ક્યાં મોટા માથા જેવું નાળિયેર અને ક્યાં નાનકડું લીબું! પણ તેના ય ફાયદા અનેક. એટલે એક જમાનામાં ઠેર ઠેર લીંબુ-પાણી વેચનારા ફેરિયા જોવા મળતા. આપણું આ લીંબુ પાણી જ ઉત્તર ભારતમાં ‘શિકંજી’ તરીકે ઓળખાય છે. જો કે લીંબુ પાણીમાં જે સાકર, મસાલો વગેરે વપરાય તેની ગુણવત્તા વિષે ઘણાને સંદેહ રહે. ખટાશ માટે સાઈટ્રીક એસિડનો ઉપયોગ થતો હોવાનું પણ કહેવાય છે. વળી ચોમાસામાં તો આ ધંધો બંધ જેવો. લોકોમાં પ્રચલિત વસ્તુઓને થોડી બદલી, સુધારીને વેચતી કંપની ખાણી-પીણીની ઘણી વસ્તુઓ બજારમાં મોંઘા ભાવે વેચે છે તેમ સીધાસાદા લીંબુ પાણીને પણ બાટલીમાં ભરીને વેચાતી થઈ છે.
વચ્ચે થોડાં વરસ મુંબઈમાં ‘નીરો’ ઘણો પોપ્યુલર થયેલો. દરેક રેલવે સ્ટેશન પર નીરાના સ્ટોલ્સ હોય જ. સ્ટેનલેસ સ્ટીલની પવાલીમાં ઠંડો નીરો ભર્યો હોય. એક ગ્લાસ પીઓ તો તરબતર. પછી ગમે તે કારણસર નીરાનું ચલણ ઘટતું ગયું. એક કારણ એ પણ ખરું કે એ સવારના નવ-દસ વાગ્યા સુધી જ પી શકાય. ગરમી વધે તેમ તેમાં આથો આવીને તેની તાડી બનવા લાગે.
ગુજરાત અને ખાસ કરીને કાઠિયાવાડમાં ‘સોડા’ કલ્ચર જેટલું વિકસ્યું છે તેટલું મુંબઈમાં વિકસ્યું નથી. એક લોકપ્રિય સિરિયલમાં મુંબઈના પરામાં આવેલી સોસાયટીના પુરુષો લગભગ રોજ રાતે સોડા પીવા એકઠા થાય છે એવું બતાવાય છે. પણ આવું ‘સોડા કલ્ચર’ કાઠિયાવાડનું છે, મુંબઈનું નહીં. તેવી જ રીતે ‘લસ્સી કલ્ચર’ જેટલું પંજાબ, દિલ્હી વગેરેમાં ખીલ્યું છે તેટલું મુંબઈમાં નથી ખીલ્યું. બંને લસ્સી પણ સાવ જૂદી. મુંબઈની સારી લસ્સી પણ પંજાબીને મન તો દહીનું ગળ્યું પાણી! પંજાબી લસ્સી આપણને જાડો રગડો લાગે. તો બીજી બાજુ ગરમ મસાલા દૂધ એ મહારાષ્ટ્રની ખાસિયત. જો કે મુંબઈમાં થોડીક મરાઠી હોટેલો સિવાય બીજે બહુ જોવા ન મળે. પણશીકર જેવી કેટલીક દુકાનો તો આ મસાલા મિલ્ક માટે પ્રખ્યાત. મરાઠી હોટેલોમાં – અને ઘરોમાં પણ – જોવા મળે તે ‘પીયૂષ’ પણ બીજી હોટેલોમાં ભાગ્યે જ જોવા મળે. જે તેના શોખીન ન હોય તેમને માટે તો શ્રીખંડમાં પાણી નાખીને તેને છાશની જેમ વલોવવાથી જે તૈયાર થાય તે ‘પીયૂષ.’ પણ શોખીનો માટે તો તે અમૃતતુલ્ય!
ગરમ મસાલા મિલ્ક ભલે બહુ લોકપ્રિય ન બની શક્યું હોય પણ સરકારી આરેએ મુંબઈગરાને ‘કોલ્ડ ફ્લેવર્ડ મિલ્ક’ પીતા કર્યા. ‘એનર્જી’ નામ નીચે જૂદી જૂદી ફ્લેવરમાં વેચાતી બાટલીઓ ઠેર ઠેર દેખાય. તેમાં સૌથી વધુ પોપ્યુલર કદાચ પીળા રંગનું પાઇનએપલ મિલ્ક. આરેની હરીફાઈમાં બીજી કંપનીઓ પણ આવી. તો પૂંઠાનાં ખોખાં – કાર્ટન –માં ભરીને આવું દૂધ વેચનારી કંપનીઓ પણ આવી. તેમાં સૌથી વધુ પીવાય છે કદાચ ચોકલેટ મિલ્ક, ખાસ કરીને ટીન એજર્સનું એ માનીતું. દિલ્હીમાં અને ઉત્તર ભારતનાં ઘણાં શહેરોમાં ઉનાળામાં ઠંડુ પાણી વેચતી હાથલારીઓ કે રેંકડીઓ જોવા મળે. મુંબઈમાં જોવા ન મળે. જો કે હવે ઉત્તર ભારતમાં પણ ‘મિનરલ વોટર’ની બોલબાલા થઈ છે. તો ગુજરાતનાં ઘણાં નાનાંમોટાં શહેરોમાં પ્લાસ્ટીકના નાના પાઉચમાં પાણી વેચાતું જોવા મળે, ખાસ તો ઉનાળામાં. પણ મુંબઈમાં એ ભાગ્યે જ જોવા મળે.
મુંબઈ પીએ છે, સતત પીતું રહે છે. જે પીએ છે એ બદલાય છે. પણ પીવાનું બદલાતું નથી. હવે પછી કરશું મુંબઈના ‘પીવા’ની થોડીક વાત.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 ડિસેમ્બર 2022