થોડા દિવસો પૂર્વે, રાજેશ્રી પ્રોડક્શનની ‘ઊંચાઈ’ ફિલ્મના રિલીઝ પ્રસંગે, રાજશ્રીની જ દોસ્તી આધારિત બીજી એક ફિલ્મ ‘દોસ્તી’(1964)ની વાત કરી હતી. તેમાં રામુ અને મોહન નામના પ્રજ્ઞાચક્ષુ અને અપંગ મિત્રોની વાર્તા હતી. એ બંને ભૂમિકા, અનુક્રમે, સુશીલ કુમાર સોમૈયા અને સુધીર કુમાર સવંત નામના નવોદિત કલાકારોએ ભજવી હતી. તેમના મર્મસ્પર્શી અભિનયના કારણે ’દોસ્તી’ ફિલ્મ એટલી બધી લોકપ્રિય થઇ હતી કે આ બંને કલાકારો રાતોરાત સેલિબ્રિટી બની ગયા હતા. ‘દોસ્તી’નો એ લેખ વાંચીને ઘણા વાચકોએ પૂછપરછ કરી હતી કે ‘દોસ્તી’ના એ બે ભાઈબંધ હિરો પછી ક્યાં ખોવાઈ ગયા?
હા, ‘ખોવાઈ ગયા’ એ શબ્દપ્રયોગ બરાબર છે. સામાન્ય રીતે, હિન્દી સિનેમા જગતમાં એવી અનેક સફળ વાર્તાઓ છે, જેમાં નવોદિત ફિલ્મ કલાકારોની પહેલી હીટ ફિલ્મ પછી તેમની કારર્કિદી સડસડાટ ચાલી નીકળી હોય. જેમ કે, ‘દોસ્તી’ ફિલ્મમાં જ સંજય ખાન નામનો એક નવોદિત કલાકાર પણ હતો, જે પાછળથી મોટો એક્ટર, પ્રોડ્યુસર અને ડિરેકટર બન્યો. એ સંજય એટલે ફિરોઝ ખાનનો નાનો ભાઈ.
અમુક બદનસીબ વાર્તાઓ એવી પણ છે, જેમાં કારકિર્દી અને જીવન બંને ઘોંટાઈ ગયાં હોય. સુશીલ-સુધીર એવા બદનસીબ લોકોમાંથી એક છે. શું થયું, કેમ થયું એ તો ખબર નથી, પરંતુ ‘દોસ્તી’ની તોતિંગ સફળતા પછી બંનેની ફિલ્મી કારકિર્દી લગભગ સમાપ્ત જ થઇ ગઈ. સુધીરે તો અમુક મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું, પણ એને ગુજરાતી ભાષામાં ‘ચકલાં ચૂંથવા’નું જ કહેવાય. સુશીલ તો એ પછી ‘એર ઇન્ડિયા’માં ફ્લાઈટ પર્સર બની ગયો હતો.
2003 સુધી એ ‘એર ઇન્ડિયા’માં હતો અને મુંબઈના ચેમ્બુરમાં નવજીવન સોસાઈટીમાં રહેતો હતો. પછી નિવૃત્ત થઇને સૂકા મેવાનો ધંધો શરૂ કર્યો હતો. સુશીલે મુંબઈના માહિમમાં તેની પડોશમાં રહેતી બાળપણની મિત્ર કોશિ કોટવાણી સાથે લગ્ન કર્યા હતાં. આ કોશિના પરિવારનો મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાં સૂકા મેવા અને આઈસ ફેક્ટરીનો ધંધો હતો.
સુશીલનો જન્મ 4 જુલાઈ 1945માં કરાચીના સિંધી પરિવારમાં થયો હતો. વિભાજન પછી તેનો પરિવાર નવસારી આવી ગયો હતો, ત્યાં કામધંધો જામ્યો નહીં એટલે મુંબઈ આવી ગયા. ત્યાં પૈસા માટે થઈને સુશીલે સિંધી ફિલ્મોમાં કામ શરૂ કર્યું હતું. એ પછી કાલા બજાર, ધૂલ કા ફૂલ, દિલ ભી તેરા હમ ભી તેરે, ફિર સુબહ હોગી, શ્રીમાન સત્યવાદી, સંપૂર્ણ રામાયણ અને ફૂલ બંને અંગારે જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. ‘ફૂલ બંને અંગારે’ના કારણે જ રાજેશ્રીવાળા તારાચંદ બડજાત્યાનું ધ્યાન તેની પર પડ્યું હતું.
સુધીર સાવંત, મુંબઈના લાલબાગમાં જન્મ્યો હતો. તેના મામા ફિલ્મ સર્જક વી. શાંતારામની કંપની ‘રાજકમલ કલામંદિર’માં મેકઅપ-મેન હતા. ‘દોસ્તી’ પહેલાં સુધીર ‘સંત જ્ઞાનેશ્વર’ ફિલ્મમાં કામ કરી ચુક્યો હતો. ‘દોસ્તી’ પછી તેને બહુ ખાસ ફિલ્મો મળી નહોતી અને તેણે લગ્ન કરીને ફિલ્મોને અલવિદા ફરમાવી દીધી હતી.
સાઈઠના દાયકામાં જ એવી અફવા ફેલાઈ હતી કે એક કાર અકસ્માતમાં તેનું મોત થઇ ગયું છે અને તેમાં દિલીપ કુમારનો હાથ છે. બીજી અફવા એવી આવી હતી કે 1993નાં તોફાનો દરમિયાન તેના ગળામાં ચીકનનું હાડકું ભરાઈ ગયું હતું અને સમયસર ડોકટરની સારવાર ન મળતાં અવસાન થયું છે. ત્રીજી અફવા એવી હતી કે તે અન્ડરવર્લ્ડમાં જોડાઈને મૃત્યુ પામ્યો છે, પણ 2014માં તેની બહેન શ્રીમતી સુચિત્રા કોપકારે સોશ્યલ મીડિયામાં એક નિવેદન મારફતે ખુલાસો કર્યો હતો કે આ બધી અફવાઓ પાયા વગરની છે અને વાસ્તવમાં કેન્સરની બીમારીમાં તેનું 1993માં અવસાન થયું હતું.
2014માં, શિશિર કુમાર શર્મા નામના એક ફિલ્મ પત્રકારે, ચેમ્બુરમાં રહેતાં સુશીલ કુમારનો ફોન નંબર ખોળી કાઢ્યો હતો અને સંપર્ક સ્થાપીને રૂબરૂમાં મુલકાત લીધી હતી. એ મુલાકાતનો અહેવાલ ‘બીતે હુએ દિન’ નામના હિન્દી બ્લોગસ્પોટ પર ‘દુઃખ તો અપના સાથી હૈ’ શીર્ષક હેઠળ ઉપલબ્ધ છે. તેમાં તે આ પ્રમાણે પોતાની વાત બયાન કરે છે :
“હું 9 વર્ષનો હતો અને ચેમ્બુરમાં મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતો હતો. મને ડાન્સનો શોખ હતો. ગણેશોત્સવ જેવા સાર્વજનિક કાર્યક્રમોમાં ડાન્સ કરતો હતો. કરાચીમાં અમારા પરિવારના એક મિત્ર કિશનલાલ બજાજ પણ મુંબઈમાં આવીને ફિલ્મોમાં કામ કરતાં હતા. તેમણે મારી ગરીબ માને પ્રસ્તાવ આપ્યો હતો કે 20 ટકા કમિશન પર છોકરાને ફિલ્મોમાં કામ અપાવી દઉં.
“1958માં બનેલી સિંધી ફિલ્મ ‘અબાના’ મારી પહેલી ફિલ્મ. રાજશ્રીવાળા તારાચંદની પુત્રી રાજેશ્રીને મારી હિન્દી ફિલ્મ ‘ફૂલ બંને અંગારે’માં મારું કામ ગમ્યું હતું અને તેણે જ મારી ભલામણ કરી હતી. તારાચંદ 1959ની બાંગ્લા ફિલ્મ ‘લાલુ-ભાલુ’ને હિન્દીમાં ‘દોસ્તી’ નામથી બનાવા માંગતા હતા. તેમના માણસે મારો સંપર્ક કર્યો હતો અને તેમની ઓફિસમાં મને ફિલ્મના નિર્દેશક સત્યેન બોઝ તેમ જ સુધીર સાવંતનો ભેટો થયો હતો.
“મહિને 300 રૂપિયાના પગારે 3 વર્ષ માટે અમારો કોન્ટ્રાકટ થયો હતો. ફિલ્મ રિલીઝ થઇ અને જબરદસ્ત હિટ થઇ (આપણે એ ફિલ્મ વિશે અગાઉના લેખમાં વાંચ્યું છે). તારાચંદ બડજાત્યા મને અને સુધીરને લઈને બીજી એક ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા. એ વખતે સુધીરને મદ્રાસની ‘એમ.વી.એમ.’ની એક ફિલ્મ ‘લાડલા’ માટે મદ્રાસ જવાનું થયું. એમાં રાજશ્રીની આગલી ફિલ્મ ઠપ્પ થઇ ગઈ.
“તારાચંદજીએ મને વાયદો કર્યો હતો કે મને જલદી બોલાવશે. બીજી બે ફિલ્મો, ‘ગુનાહો કા દેવતા’ (1967) અને ‘અનોખી રાત’ (1968) માટે પણ મારી વાત ચાલતી હતી, પણ એમાં ય કંઈ વળ્યું નહીં. મારું મન ઉખડી ગયું અને હું ભણવામાં લાગી ગયો. 1968માં, તારાચંદજીએ વાયદા પ્રમાણે ‘તકદીર’ ફિલ્મમાં મને ભૂમિકા આપી હતી. ફિલ્મ ચાલી પણ હતી, પરંતુ મેં ફિલ્મોમાંથી રુખસદ લેવાનું નક્કી કરી નાખ્યું હતું.
“જય હિંદ કોલેજમાંથી બી.એ. કરીને મેં ‘એર ઇન્ડિયા’માં ફ્લાઈટ પર્સરની નોકરી લઇ લીધી હતી. 1973માં આવેલી દેવ આનંદની ‘હીરા-પન્ના’ ફિલ્મમાં વિમાનની અંદરના એક દૃશ્યમાં ફ્લાઈટ પર્સર તરીકે હું દેખાઉં છું. એ પછી એ નોકરી જ કરી અને એમાં જ નિવૃત્ત થયો. કંઇક અંશે મારી અસલી જિંદગી ‘દોસ્તી’ના રામુ જેવી છે. એની જેમ મેં પણ ભીષણ ગરીબી અને દુઃખ જોયું હતું. ફિલ્મનું એક ગીત મને કાયમ ગમતું રહ્યું છે; સુખ તો એક છાંવ ઢલતી, આતી હૈ જાતી હૈ, દુઃખ તો અપના સાથી હૈ.”
(છેલ્લા સમાચાર પ્રમાણે સુશીલજી અમેરિકામાં તેમની પુત્રી સાથે રહે છે અને વચ્ચે વચ્ચે મુંબઈ આવતા રહે છે.)
પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 07 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર