(અદાણી જૂથે એન.ડી.ટી.વી. પર અંકુશ મેળવ્યો તે સાથે પ્રણોય રોયે રાજીનામું આપ્યું અને તે પછી તેની હિન્દી ચેનલના અગ્રણી પત્રકાર રવીશ કુમારે. તે દિવસે આપણા જાણીતા સાંસ્કૃતિક કર્મશીલ ગણેશ દેવીએ આ લેખ લખ્યો હતો. એ પછી રવીશે યુટ્યુબના મંચ પરથી ફરી દર્શકો સમક્ષ હાજર થવાની જાહેરાત કરી હતી, અને આજે, છઠ્ઠી ડિસેમ્બરે “ગોદી સેઠ”ને સંબોધીને એક વીડિયો રજૂ કર્યો છે.)
જે દિવસે જાણ્યું કે હવેથી રવીશ કુમારને તેમના પ્રાઈમ-ટાઈમ સમાચાર કાર્યક્રમમાં સાંભળવા નહિ મળે, તે દિવસે તેમના લાખો પ્રશંસકોની જેમ મને પણ ઘણું દુ:ખ થયું. એ એવી જ લાગણી હતી જે મહાત્મા ગાંધીની હત્યા થયાની ખબરે લોકોને થઈ હતી, કે પછી બાબરી મસ્જિદના ધ્વંસ કે બિલ્કિસ બાનો કેસના ગુનેગારો છૂટી ગયાનું જાણ્યા પછી થઈ હતી. માત્ર ઉદાસી નહિ, પણ ઊંડું દર્દ. રવીશની ટી.વી. ચેનલના ન્યૂઝરૂમમાંથી વિદાય એ દર્શાવે છે કે ભારતમાં પત્રકારત્વની સ્થિતિ હવે કેટલી હદે વણસી ગઈ છે.
થોડાં વર્ષો પહેલાં રવીશ રાષ્ટ્રના અંતરાત્માના પહેરી તરીકે ઊભરી આવ્યા. ચારે બાજુ જ્યારે પત્રકારત્વની જગ્યા સંકોરાઈ રહી હતી અને જૂઠી ખબરો બેરોકટોક ફેલાઈ રહી હતી તેવા વખતે એક મોટો દર્શક વર્ગ રોજ સાંજે ટી.વી. સેટ સામે બેસતો અને રવીશને તેમના પોતાના વિચારો વ્યક્ત કરતાં અને તેમની લાગણી વ્યક્ત કરતાં સાંભળતો હતો. રવીશે તેમનાં દિલમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું. તેમના દર્શકો ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ ફેલાયેલા છે. જ્યાં-જ્યાં હિન્દી બોલાય છે ત્યાં-ત્યાં રવીશના ફેન હાજર છે. તે સૌ તેમનો શો જોતાં, તેમના બ્લોગ ડાઉનલોડ કરતાં, યુટ્યુબ પરથી તેમનાં રેકોર્ડિંગ મેળવતાં અને મિત્રોમાં વહેંચતાં. આમ રવીશ પોતે જ ભારતમાં રોજની ખબર બની ગયા.
તેમના કામની કદર થઈ, અનેક પારિતોષિકોથી તેમનું સન્માન થયું, મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો. 2016માં બોમ્બે પ્રેસ ક્લબે તેમને શ્રેષ્ઠ પત્રકારનું પારિતોષિક આપ્યું. રામનાથ ગોયન્કા પારિતોષિક તો તેમને બે વાર, 2013માં અને ફરી 2017માં, મળ્યું. 2017માં તો તેમને કુલદીપ નાયર ફાઉન્ડેશનનો એવોર્ડ પણ મળ્યો. આ સિવાય કોડીબંધ સન્માનો તેમને મળ્યાં છે. ગૌરી ટ્રસ્ટ તરફથી પ્રથમ ગૌરી મેમોરિયલ એવોર્ડ માટે જ્યુરીએ સર્વાનુમતે તેમની પસંદગી કરી હતી.
હજુ જેણે માંડ ચાલીસી વટાવી છે એવા આ યુવાનમાં એવું તે શું છે કે તે ભોજપુરીભાષી હોવા છતાં, માત્ર ભારતમાં જ ભણ્યા હોવા છતાં અને અંગ્રેજી નહિ પણ હિન્દીમાં જ પત્રકારત્વ કરવાં છતાં પૂરા દેશ પર છવાઈ ગયો છે?
સમાચાર ટી.વી.ના બીજા ચહેરાઓની જેમ રવીશ આક્રમક અભિગમ નથી રાખતા. તેમના શોમાં જેમની સાથે વાતચીત કરે છે તેમની સામે ચીસાચીસ કરતા નથી. તેમણે ભારે વિદ્વત્તાનો દાવો કર્યો નથી, જો કે એમનાં કાર્યક્રમો માટે તેઓ કાળજીપૂર્વક અભ્યાસ કરીને આવે છે. રવીશની ખાસિયત એ છે કે તેઓ સામે જે વ્યક્તિ હોય તેને ધ્યાનથી અને ધીરજથી સાંભળે છે. એમના મૌનમાં પણ તેઓ તેમની શંકા કે પછી પોતાનું વિચારસ્વાતંત્ર્ય વ્યક્ત કરી શકે છે તે તેમની ખાસિયત છે. એન્કર તરીકે પોતાની સત્તા વાપરીને સામેની વ્યક્તિને નીચો દેખાડવાની કે પોતાને મહાન બતાવવાની ક્ષુલ્લક રમતોમાં તેઓ પડતા નથી. તેમના કાર્યક્રમમાં તેઓ એકાકી પણ હોય છે અને સચેત પણ, સંવેદનાશીલ પણ હોય છે અને શંકાશીલ પણ. અને આ બધાની વચ્ચેવચ્ચે તેઓ એક વિશિષ્ટ અદાથી સ્મિત પણ રેલાવતા રહે છે, જે તેમની ઓળખ બની ગયું છે. જ્યારે ટી.વી. પત્રકારત્વ સાવ નાટક અને દેખાડાના ખેલ બરાબર થઈ ગયું છે, ત્યારે એ સ્મિત એમની નિસબત અને સંવેદના સાથે તેમને અલગ પાડી જાય છે. તેમનું સ્મિત જાણે એમ કહે છે કે, “તમારા મનમાં શું છે તેની તો મને ખબર નથી, પણ એમ ના માનતા કે તમે મને ઉલ્લુ બનાવી શકશો.”
રવીશ સ્ટુડિયોમાં જતા ત્યારે સંપૂર્ણ સજ્જ થઈને જતા – છેલ્લામાં છેલ્લા આંકડા, હકીકતો બધું તપાસીને જતા. તેમણે એક વાર મને તેમના એક કલાકના પ્રાઈમટાઈમ શોમાં આમંત્રણ આપેલું ભારતના ભાષાવૈવિધ્યની ચર્ચા કરવા માટે. તે દિવસે સવારે દિલ્હીમાં એક ઓડિટોરિયમમાં મારાં કેટલાંક પુસ્તકોનું વિમોચન પણ હતું. મેં નોંધ્યું કે તેઓ એ કાર્યક્રમમાં હાજર હતા, અને એના સમાપન પછી હળવેકથી રવાના થઈ ગયેલા, પણ એક મિત્રને પોતાનો ફોન નંબર આપીને મને સંદેશો પાઠવ્યો હતો કે સાંજના ટી.વી. શોમાં આવો. મેં માન્યું કે તેમના પ્રશ્નો સવારના કાર્યક્રમની વાતચીત પર જ આધારિત હશે, પણ મને આશ્ચર્ય થયું કે તેમણે મારાં બે પુસ્તકો લઈને તેનો ઊંડો અભ્યાસ કરી રાખ્યો હતો. આ પુસ્તકો કાંઈ ‘હળવા વાચન’ જેવા તો હતાં નહિ. તેમણે આ અભ્યાસમાં બે-એક અઠવાડિયાં ગાળ્યાં હશે. કોઈ એન્કર માટે આ જેવીતેવી વાત નથી. હું ભાગ્યે કોઈ બીજા પત્રકારનું નામ આપી શકું જે મુલાકાત પહેલાં આવી તૈયારી કરીને આવતા હોય.
પણ જો તેઓ એક વ્યક્તિથી વધીને એક ઘટના બની ચૂક્યા હોય તો તે માટે તેમના દેખાવ, તેમના સ્મિત, તેમના અભ્યાસ અને તેમના સૌજન્યથી વધીને મોટું કારણ એ છે કે તેમની પાસે હિંમત છે એમ કહેવાની કે રાજકીય પરિબળો અને આજના શાસકોએ સ્વાતંત્ર્યની હાંસી ઊડાવી છે. એક વર્ગ તરફથી તેમને રોજ ધમકીઓ મળતી રહે છે, પણ રવીશ તેમનું મિશન સહેજ પણ ડર્યા વિના આગળ ધપાવે જાય છે. જ્યારે મોટા ભાગના ટી.વી. એન્કર-પત્રકારો ટી.આર.પી. મેળવવા માટે કશું પણ કરવા તૈયાર હતા, ત્યારે રવીશ દર્શકોને જરા પણ અચકાયા વિના કહી શકતા હતા કે તેમણે તેમના ટી.વી. સેટ બંધ કરી દેવા જોઈએ. તેઓ સ્ક્રીન પર અંધારું કરીને કહી શકતા હતા કે હવે ટી.વી. સત્ય માટેનું માધ્યમ રહ્યું નથી. ફેઈક ન્યૂઝ, જૂઠાણાં, ધાકધમકી, ડરામણી અને ટોળાંશાહી સામે તેમણે પોતાનું અભિયાન નિર્ભયપણે આગળ ચલાવ્યું, અને એ પણ એવા સમયે જ્યારે મોટા ભાગના પત્રકારોએ બદલાતી પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું છે. રવીશની એ હિંમત, મક્કમતા અને ઉત્તરદાયિત્વની ભાવના તેમને આપણા સમયમાં વિશિષ્ટ સ્થાન આપે છે. રવીશ કુમારનો ટી.વી. શો વાણીસ્વાતંત્ર્ય અને સમાચાર જગતના સ્વાતંત્ર્યના પ્રેરણાત્મક ઉદાહરણ તરીકે લાંબા સમય સુધી યાદ રહેશે.
—————————
e.mail : ashishupendramehta@gmail.com