કાલે ગુજરાતની પહેલા તબક્કાની ચૂંટણી પૂરી થઈ અને 89 સીટ માટે 19 જિલ્લામાં ઉમેદવારી કરનાર 788 ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ.માં કેદ થઈ ગયું. બીજા તબક્કાની 92 સીટ માટેનો પ્રચાર તેનાં અંતિમ તબક્કામાં છે. આ 92 સીટ પરનાં ઉમેદવારોનું ભાવિ 5મી ડિસેમ્બરે કેદ થઈ જશે. પહેલાં તબક્કાની જ વાત કરીએ તો મતદારોએ છેવટ સુધી મન કળાવા દીધું નથી ને ઉત્સાહ એવો દાખવ્યો છે કે બધાં, બધાંને જ મત આપવાના હોય ! નોટબંધી વખતે ન લાગી હોય એવી લાઈનો મત આપવા લાગી હોય એમ બન્યું છે, તો જામજોધપુરના ધ્રાફા ગામમાં 2 વાગ્યા સુધી એક પણ મત ન પડ્યો હોય એમ પણ બન્યું છે. મહિલાઓ માટે ગામમાં અલગ બૂથની વ્યવસ્થા આ વખતે કરવામાં ન આવી એટલે નારાજ ગ્રામજનોએ ચૂંટણીનો જ બહિષ્કાર કર્યો. સમજાવટના બધા પ્રયત્નો છતાં ત્યાં મતદાન ન જ નોંધાયું. એવું જ ઝઘડિયા સીટના કેસર ગામમાં પણ બન્યું. ત્યાં પણ ગ્રામજનોએ પ્રાથમિક સુવિધા ન હોવાને લીધે મતદાનનો બહિષ્કાર કર્યો. વાંસદા સીટના વાટી ગામમાં પણ અંબિકા નદી પર પુલ ન બનતાં મતદારો, મતદાનથી દૂર રહ્યા, પરિણામે 700માંથી એક પણ મત ઇ.વી.એમ.માં ન નોંધાયો. એક તરફ આ સ્થિતિ છે તો બીજી તરફ એક ઘરડી સ્ત્રીને પગમાં તકલીફ હતી છતાં પોલીસ અને અન્યોની મદદથી વાંકી વળી, પગથિયાં ચડીને તે મત આપવા પહોંચી. એ ઉપરાંત એવા ઉત્સાહી મતદાતાઓ પણ હતા, જેમણે સવારે મતદાન મથકનાં દરવાજા ખૂલ્યાં કે મત આપવા ધસારો કર્યો, તો સુરતના મજૂરાના જૈનો પૂજાનાં પરંપરાગત વસ્ત્રોમાં જ ઢોલનગારાં સાથે સમૂહમાં મત આપવા નીકળ્યા. સુરતમાં જ સગાં ભાઈબહેને પ્રથમ વખત મતદાનનો અધિકાર ભોગવવા ઘોડા પર સવાર થઈને નીકળવાનું સ્વીકાર્યું. આ બધું છતાં, 3 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ઓછી હતી. સૌથી ઓછું મતદાન 42.26 ટકા જામનગર અને સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં 64.27 ટકા હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ મતદાન 42 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56 ટકા નોંધાયું. આમ સૌરાષ્ટ્ર-કચ્છ કરતાં દક્ષિણ ગુજરાતનું મતદાન 14 ટકા વધારે હતું. ટૂંકમાં, ત્રણ વાગ્યે પહેલા તબક્કાનું સરેરાશ મતદાન 48.48 ટકા હતું.
આ વખતે આદિવાસી વિસ્તારોમાં સવારથી જ મતદાતાઓમાં ઉત્સાહ હતો ને મતદાનની ટકાવારી પણ એથી વધારે હતી. આદિવાસીઓ એવું માને છે કે કાઁગ્રેસે તો એના વખતમાં મત લેવા પૂરતો જ રસ દાખવ્યો હતો એ જ સ્થિતિ ભા.જ.પ.ની પણ તેનાં 27 વર્ષનાં શાસન દરમિયાન રહી. એટલે કે આ બંને રાજકીય પક્ષોએ આદિવાસીઓનો ઉપયોગ જ કર્યો. આ સ્થિતિ જાણીને આ વખતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ પૂરી શક્તિથી એ વિસ્તારોમાં કામ કર્યું. આપના કેજરીવાલે અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને છેલ્લી રાત સુધી પ્રચારમાં કસર ન રાખી, તો ભા.જ.પ.ના નેતાઓએ પણ કોઈ કસર ન જ છોડી. વડા પ્રધાન અને ગૃહ મંત્રી અમિત શાહે પણ અનેક સભાઓ અને રોડ શો કરીને જનતાનું ધ્યાન ખેંચ્યું જ ! 25,000 કરોડનું કૃષિ સિંચાઇ નેટવર્ક, સરકારી કોલેજો શરૂ કરવાની વાતો, 20 લાખ યુવાનોને રોજગારી, યુનિફોર્મ સિવિલ કોડ, 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર જેવા ઘણા વાયદા ભા.જ.પે. ગુજરાતને આપ્યા છે. હા, કાઁગ્રેસે બહુ ઊહાપોહ નથી કર્યો, પણ પ્રજા લાલચુ છે એમ માનીને તેણે પણ મફત મફતનાં મણકાઓ તો ફેરવ્યા જ છે. જૂની પેન્શન યોજના લાગુ કરવી, 300 યુનિટ મફત વીજળી, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 3,000નું બેરોજગારી ભથ્થું, 10 લાખ સુધીની મફત સારવાર, દેવાં માફી, કાયમી નોકરી જેવી લાલચો કાઁગ્રેસે પણ આપી જ છે. તો, આમ આદમી પાર્ટી પણ બાકી શું કામ રહે? તેણે પણ મફત વીજળી, મહિલાઓને મહિને હજાર રૂપિયાની સહાય, શિક્ષકો, માછીમારો ને અન્યોને માંગે ઈ ગેરંટી જેવી વાતો કરી છે. વાયદા કરનાર અને સાંભળનાર બંને જાણે છે કે યે તો સબ ફુસલાનેકી બાતેં હૈં. એટલે મતદારોએ લાલચને વશ થઈને મત આપ્યા હશે તો કોઈ પણ પક્ષ સત્તા પર આવે, તેણે તો હાથ જ માથે દેવાનો થશે. જોઈએ બેની લડાઈમાં ત્રીજો કોણ છે ને ફાવે છે?
પહેલાં તબક્કામાં 2.39 કરોડ મતદાતાઓએ તેમની પસંદગી કાલે જણાવી દીધી છે, પણ 5મીએ બીજો તબક્કો બાકી છે, એ પૂરો થશે, એટલે કુલ 4.91 કરોડ મતદાતાઓની પસંદગી સ્પષ્ટ થશે ને એનો નિર્ણય 8મીએ આવશે. એ નક્કી કરશે કે ગાંધીનગરની લોટરી કોને લાગી છે? એના પરથી કોણ કોની સેવા કરશે તે તો ઠીક, પણ કોણ કેટલું કમાવાનું છે તેનો અંદાજ આવશે. કોઈ પણ આવે, કમાયા વગર નહીં નીકળે એટલું નક્કી છે. પહેલાના મંત્રીઓ દેવાદાર પણ નીકળતા, હવે જનતાને દેવું કરાવીને નીકળે છે. આડે દિવસે ફરિયાદ કરનારા, મત ન માંગવા આવવાનું કહીને બહિષ્કાર કરનારા મતદાતાઓએ, મતદાનને દિવસે બહુ ફરિયાદો કરી હોય એવું જાણવા મળ્યું નથી. મીડિયા એન્કરોએ વળી વળીને પૂછ્યું કે શાસકો સામે કશું કહેવાનું છે? તો, કોઈએ મગનું નામ મરી પાડ્યું નથી. મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દે પણ કેમેરા સામે જનતાએ ખાસ પ્રતિક્રિયાઓ આપી નથી, તો કેટલાક ગેસના બાટલા લઈને પણ મતદાન કરવા નીકળ્યા છે. મોરબીની પુલ તૂટવાની ઘટના બની જ ન હોય તેમ ન તો ઉમેદવારોએ કે ન તો પક્ષોએ કે ન તો ત્યાંની પ્રજાએ કોઈ અફસોસ વ્યક્ત કર્યાનું જાણવા મળ્યું છે. 30મી નવેમ્બરે મહિનો થતાં, મૃતકોના પરિવારોએ મૌન રેલી કાઢી એ ખરું, તો 3 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન પણ ત્યાં જ નોંધાયું છે. કેટલાક લોકોએ ઉમેદવારને સમર્થન આપવા કેટલીક રકમ કે વસ્તુઓની માંગણી કરી હોવાની વાત પણ છે જ !
છેલ્લી માહિતી મુજબ પહેલા તબક્કામાં અંદાજે 57.75 ટકા મતદાન થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર 54. 53 ટકા મતદાન થયાની વાત છે, એમાં ગીર-સોમનાથમાં સૌથી વધુ 60.46 ટકા અને ભાવનગરમાં સૌથી ઓછું 51.54 ટકા મતદાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં દસેક ટકા વધુ, એટલે કે 64.40 ટકા વધુ મતદાન થયું છે. ત્રણ વાગે આ માર્જિન 14 ટકા હતો તે ત્રણ વાગ્યા પછી સૌરાષ્ટ્ર-કચ્છની ટકાવારી વધતાં ચારેક ટકા ઘટ્યો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મતદાન તાપીમાં 72.32 ટકા નોંધાયું છે.
આ આંકડાઓ પરથી કેટલીક વાતો તારવી શકાય એમ છે. પહેલી વાત તો એ કે લગભગ 40 ટકા લોકોને મતમાં ને એટલે લોકશાહીમાં ભરોસો રહ્યો નથી. બીજા તબક્કામાં, પહેલાં તબક્કાનો પડઘો પડે તો ટકાવારી ઑર ઘટે એમ બને. બીજું એ કે કામ ન થાય તો પણ મતદાતાઓ મત આપે જ, એ સ્થિતિ હવે બદલાઈ છે. અહીં ઉદાહરણો આપ્યાં તે ત્રણ મતદાન મથકોમાં એક પણ મત નથી પડ્યો તે એ વાત રોકડી કરે છે કે કામ નહીં થાય તો મત નહીં મળે. ત્રીજી વાત, મતદારોનું મન કળી શકતું નથી. જે પ્રકારનો સઘન પ્રચાર બધા પક્ષોએ અને તેનાં નેતાઓએ કર્યો, એના પ્રમાણમાં મતદાનની ટકાવારી ઓછી છે. ચૂંટણી પંચના પ્રયત્નો છતાં મતદાન ઓછું થયું એમાં એક કારણ લગનસરા પણ ખરા. લગ્ન પહેલાં મત આપવાની કાળજી લેનાર હતા એમ જ લગ્ન વખતે મતદાનને સ્થળે હાજર ન રહી શકવાને કારણે પણ મતદાન પરત્વે ઉદાસી દાખવાઈ હોય એમ બને. આ ઉપરાંત શિક્ષણની ટકાવારી વધવાની સાથે ને મતદાર વધુ સભાન થયો હોવાને લીધે મતદાનના ટકા વધવા જોઈએ, પણ એવું થયું નથી, તે આ સિસ્ટમમાંથી શિક્ષિતોનો ઘટી રહેલો વિશ્વાસ સૂચવે છે. એ સાચું કે લોકોની આવક વધી છે, એટલે તેની ખર્ચની ક્ષમતા વધે, પણ જે રીતની મોંઘવારી વધી છે એનાં પ્રમાણમાં આવક વધી નથી. એટલે મોંઘવારીથી ત્રાસેલ લોકોએ પણ મત આપવાનું ટાળ્યું હોય એમ બને. આ ઉપરાંત નોટાનું પ્રમાણ વધ્યું હોવાની પણ શંકા છે. બીજી બધી બાબતે ઓનલાઈન કે ડિજિટલ સિસ્ટિમને આગળ કરાતી હોય તો મતદાનની ફૂલપ્રૂફ ડિજિટલ વ્યવસ્થા અંગે વિચાર થાય તો પણ મતદાનની ટકાવારી વધી શકે. ઓનલાઈન એજ્યુકેશન, બેન્કિંગ જો શક્ય હોય તો ઓનલાઈન વોટિંગ પણ અશક્ય નથી. એમ થશે તો મતદાન મથકે ન પહોંચી શકતા મતદાતાઓના મત પણ રેકોર્ડ થઈ શકશે. જો કે, આ ઓછી ટકાવારી સત્તા પરિવર્તન સૂચવતી નથી. અગાઉની ચૂંટણીની ઓછી ટકાવારી એ વાતની સાક્ષી પૂરે છે, પણ ટકાવારી સાવ જ ઓછી છે એવું પણ નથી. એમાં આદિવાસી વિસ્તારોમાં વધેલું વોટિંગ કાઁગ્રેસ કે ભા.જ.પ. તરફી સત્તાનો સંકેત આપતું નથી. અગાઉ આપેલો સંદર્ભ એવો છે કે આદિવાસીઓને એમ લાગ્યું છે કે ભા.જ.પ. અને કાઁગ્રેસે તેમનો ઉપયોગ જ કર્યો છે. એ સાચું હોય તો આ સીટ પર આપને લાભ થઈ શકે. આ ઉપરાંત છેલ્લી ત્રણ ચૂંટણીઓનાં પરિણામો એમ સૂચવે છે કે ભા.જ.પ.ની સીટો ઉત્તરોત્તર ઘટતી આવી છે. એમાં ગુજરાતમાં આપનો ઉમેરો ભા.જ.પ.ને અસર કર્યા વગર ન રહે એમ બને. કમ સે કમ ગુજરાતમાં છ સીટ પણ આપને મળે તો તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત થાય ને જે રીતનો તેણે પગ પેસારો ગુજરાતમાં કર્યો છે તે તેને નિષ્ફળ જવા દે એમ લાગતું નથી. બને કે કાઁગ્રેસને મળનારી બેઠકો આપને મળે ને ભા.જ.પ.ને બહુ ફેર ન પડે, પણ સારું કે ખરાબ, જે હોય તે, પણ આપ આ વખતે ગુજરાતની વિધાનસભાથી દૂર રહે એમ લાગતું નથી. જોઈએ, આઠમી તારીખ કોને લાવે છે તે –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ડિસેમ્બર 2022