સૉક્રેટિસ અને દર્શક, બંને સાદ્યંત ’કશુંક ભાળી ગયેલો માણસ – સૉક્રેટિસ, નાટકના કેન્દ્રમાં રહે છે. કેટલીક ખૂબીઓને કારણે નાટક સતત ગ્રીક રહે છે. સમગ્ર સમાજ અને રાજ્યવહીવટને અંગે હૃદય પ્રમાણિત ઉક્તિઓ વડે નાટક એના નાયકના અસ્તિત્વને ચોવીસ સો વર્ષ વીતવા છતાં ઉચ્ચ બૌદ્ધિક સ્તરે સાંપ્રત બને છે અને સાંપ્રતને પણ બાજુમાં હડસેલી દઈ સદાકાળનું રહે છે. પ્રતિભાસંપન્ન સર્જકોના જીવનમર્મને પ્રગટ કરતી, નાટક સહિતની, કલાકૃતિઓ ઍથેન્સની ભૂમિ જીવનથી અભિન્ન ગણી સ્વીકારતી. ’સૉક્રેટિસ’ જેવાં સત્ત્વશીલ સર્જનોનું સાતત્ય રહે, તો આજે આપણા સ્થાનિક સમાજની સાંસ્કૃિતક છબિનું પણ સંવર્ધન થતું રહે.
ઉત્કૃષ્ટ કાવ્ય કે નાટકનો શબ્દ મૌન માટે મોકળાશ છોડતો ચાલે. તેમ કબીરના નાટ્યસંનિવેશન ભાગરૂપે સ્તંભ, રાજમુદ્રા તથા ઘુવડ જેવાં પ્રતીકાત્મક ચિહ્નો અને દીવાલ પર છતથી ફરસ સુધી ઝૂલતા મુલાયમ પડદા, જગા રોક્યા વિના, સમૃદ્ધ પ્રાચીન ગ્રીક વાતાવરણ ઊભું કરે અને વચ્ચે અભિનયકક્ષમાં પાત્રસ્થિતિ તથા ગતિ માટેના ચડાવ-ઉતાર અને બે-ત્રણ કે પાંચ-સાત પાત્રો વચ્ચે ચાલતી રહેતી વૈચારિક સ્તરે નાટ્યાત્મક આંતરક્રિયા માટે જગાની મોકળાશ છોડે. વિપુલતામાંથી અનાવશ્યકને છોડીને ધાર્યું તાકવાની કલા. અગાઉ, ’અગ્નિકન્યા’માં તેણે વેદીના અગ્નિની ઝાંય અને મધુબનીનાં પ્રતીકો પ્રયોજેલાં.
પ્રેક્ષકો માટે અને જે-તે પાત્રમાં અનાયાસ પ્રવેશ કરી અભિનેતા તેની ભૂમિકા અનુભવે એ માટે પ્રશિષ્ટ ગ્રીક માહોલ પેદા કરવામાં મહત્ત્વનું પ્રદાન તાજેતરમાં જ નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં તાલીમ લઈ સમૃદ્ધ થયેલી – પોતે પાછી પારિતોષિકોથી સ્વીકૃતિ પામેલી અભિનેત્રી, નૃત્યાંગના અને (પિતાના અંશો સાથે) કલાકાર-અર્પિતા ધગતે આપ્યું છે. રંગ-સંયોજન, વિવિધતા અને ઔચિત્ય ધ્યાનમાં રાખીને પાત્રોને વેશભૂષા પણ આપી જાણી છે. જાણે સંશોધનદૃષ્ટિ સાથે કલ્પનાની પાંખે તત્કાલીન ગ્રીસની મુલાકાતે જઈ આવેલી!
આ બે અને વળી સંગીત (નીતિશ, ચિન્મય) તથા પ્રકાશ (કબીર, મૌલિક, નિસર્ગ) આયોજકોના સાથ વિના ઠંડું સામર્થ્ય ધરાવતા, મિતાક્ષરી અને સંનિષ્ઠ નાટ્ય-દિગ્દર્શક રાજુ બારોટ માટે પ્રેક્ષકોને સતત અજાયબી આપતા રહેતા, તંદુરસ્ત સમાજની ચિંતાનું સમથળ પ્રવાહે વહન કરતા અઢી કલાકના આ વિશાળકાય નાટકને મનોભૂમિ પરથી રંગમંચ પર નિપજાવવું કપરું બને. રાજુના સતત સાવધાનીભર્યા કલાસ્પર્શ સાથે સતત જીવનપ્રવાહની જેમ આગળ વધતા નાટકનું ત્રીજું પ્રભાવક બળ એનું કોરસ છે, જેના વિના ગ્રીક નાટકની ઓળખ ઊભી ન થાય. ત્રણ આકર્ષક સંયોજનોમાં આખા રંગમંચ પર પથરાઈ જઈ, આછા અંધકારને ઓઢીને, એકચિત્ત પ્રેક્ષકોની કલ્પનાને ઉત્તેજિત કરતા રહી, બુલંદ સ્વરે એકી અવાજે ગાતાં સૌ (’તરજે થેટર’ના સંગે સૌ ગાઈ શકે!) નાટકની રોમહર્ષક પળોમાંની કેટલીકનું સર્જન કરે છે. કોરસો લખ્યાં ચિરાગે, ગવડાવ્યાં સુરીલકંઠી દિગ્દર્શકે.
જે ગુજરાતી શબ્દ દ્વારા નાટક એના નાયક અને વિચાર સાથે પ્રેક્ષકોને પહોંચે છે, તેનો મૂળ યશ તો વિરલ ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળી ’દર્શક’ને જાય, પરંતુ પૂરી સમજ સાથે, નાટકમાં મહેમાનોને અપાતા આસવની જેમ નવલકથામાંથી આસવી અને કાલવીને તેને નાટ્યદેહ આપ્યો છે નાહક ક્ષેત્રસંન્યાસ ધારણ કરી બેઠેલા ગુજરાતી રંગભૂમિના અગ્રગણ્ય આધુનિક નાટ્ય દિગ્દર્શક ભરત દવેએ. વીસેક વર્ષ પહેલાં પરિષદ પર આ નાટક પર એમણે વિશાળ વર્તુળમાં અભિનેતાઓને બેસાડીને વાચનનો આશાસ્પદ પ્રારંભ કર્યાનું સ્મરણ છે.
આ નાટક જોતાં-જોતાં સૉક્રેટિસના સાર્વત્રિક સ્વીકારપાત્ર, સચ્ચાઈથી રણકતાં ઉચ્ચારણો ઝીલીને સમગ્ર બ્રહ્માંડની રચનામાં રજકણ સમાન મનુષ્યજીવનની આભ ઊંચી ઉદાત્તતાનો ઇન્દ્રિયાતીત અનુભવ મળે છે, તે ગમે છે, સૌને ગમે છે. શબ્દ જીવનદર્શનને લઈને ચાલે ત્યારે સાહિત્ય બને અને રંગમંચ પરથી અભિનેતા એ શબ્દને એની અર્થપૂર્ણતા સાચવી રાખીને સામાન્ય પ્રેક્ષકને પહોંચાડે અને તેને અંદરથી હલબલાવી જાય, ત્યારે કલાત્મક નાટ્યઘટના બનતી હોવાનો રોમાંચક અહેસાસ થાય છે.
સામૂહિક અહંકાર અને સમાજ કોઈ એક વ્યક્તિ અથવા વિચારને સર્વોત્કૃષ્ટ માનીને ચાલતો થાય, તે સામે સૉક્રેટિસ લાલબત્તી ધરે છે. કહે છે, શેરીઓ વાળવાવાળા નીકળે તે પહેલાં તે ’લોકોના મનમાં ભરાયેલો કચરો વાળી નાંખવા’ નીકળી પડે છે. શું અજ્ઞ કે શું તજ્જ્ઞ, બધાના મનમાં ગૂંચવાડો. પ્રશ્નો કરીકરીને એ ગૂંચવાડો દૂર કરવાની સૉક્રેટિસને હઠ. આગળ જતાં તેજસ્વી છોકરી મીડિયાને તે સમજાવવાનો છે કે લોકશાહી ભોગવતા રહીને પણ લોકો દાસ હોય છે. સ્વાધીનતા ’બહારના અંકુશો જવાથી’ નહીં, ’સ્વયંશાસિત’ બનવાથી આવે છે.
સૉક્રેટિસને ઍથેન્સ વહાલું, કારણ કે તેમાં વિચાર અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય. જે પ્રજા વિચાર કરવા માત્રથી ડરે તે બહાદુર શાની? સમાજને સુદૃઢ અને સશક્ત બનાવનાર તો અદૃશ્યમાન આંતરિક તાકાત. સંસ્કારિતા (culture) અને સંસ્કૃિત (civilization) વચ્ચેનો ભેદ જાણનાર દર્શકનો સોક્રેટિસ હરીફ નગર સ્પાર્ટાના બાહ્ય ઝાકઝમાળ અને લશ્કરી દમામથી અંજાતો નથી. તે ક્રિશ્યસને સમજાવે છે કે સ્પાર્ટાનો વિનાશ થાય તો ’આકારપ્રકાર વિનાની ઈંટોનો ઢેર’ રહે.
આ બધી કથની પોથીમાં જ રહે, જો તે પ્રેક્ષકના કાનમાં પ્રતીતિની ઘંટડી ન વગાડે. ત્રીસ વર્ષ પહેલાં વહેતા મધુર અવાજથી મૃણાલની સાથે પ્રેક્ષકો પર પણ મુંજાલના પાત્રમાં મુનશીના શબ્દોથી કામણ કરનાર પ્રવીણ હીરપરા અહીં એક જ ડગલામાં ફરતા રહેતા શ્વેત દાઢીધારી મહાપુરુષ સૉક્રેટિસની ભૂમિકામાં છે. અવાજના ધ્વનિપ્રવાહમાં ગંભીર અર્થધ્વનિને આરોહ-અવરોહમાં ઓગાળી – સૉક્રેટિસ પેલી નાનકી જિજ્ઞાસુ મીડિયાને હેતે શબ્દોથી રમાડે છે તેમ – લાડથી કંપન સાથે મૂકી દેવાની આ અભિનેતા પાસે આવડત છે. માપસરની પદગતિ ખરી, હાથની સૂચક મુદ્રા પણ ખરી, પરંતુ મુંજાલ તરીકે કારાગારમાં પણ મોહક રાજવી અંગછટા દાખવવાનો અવકાશ હતો, એવો અહીં એને નથી અને મુખાભિનય તો દાઢી હેઠળ ઢંકાયેલો રહે છે!
પાશ્ચાત્ય સંગીતના વિપરીત ધ્વનિવિન્યાસ (counterpoint)ની જેમ નાટકમાં, ઊલટા પ્રકારે, સૉક્રેટિસની વિનીત પદાવલિઓ વચ્ચે વખતોવખત દીપ્તિ જોશી અભિનીત પત્ની ઝેન્થપીની વિસંવાદી કટુ કટાક્ષવાણી સમજભર્યા સંયમથી પ્રગટે છે. અહીં પણ તારસપ્તકનો સ્વરારોહ-અવરોહ છે, સામાન્ય રીતે કાને હાથ મુકાવતો અનર્ગળ કર્કશ કકળાટ નથી. પાત્ર પણ સમતોલ. એક બાજુ, ’ક્યાં ગયો …? વાતો કરતો ઊભો હશે ચોકમાં …’ તો બીજી બાજુ ‘એનામાં કંઈક જાદુ તો છે …’. એક બાજુ, ’રોજી એક મજૂર જેટલી ય નહીં ને મિજાજ જુઓ તો મોટા નવાબનો!’ અને બીજી બાજુ ’… તમે મારા ભલાભોળા ઘરવાળાનું સત્યાનાશ વાળ્યું છે.’ હૈયાના હેત અને હૈયાવરાળનો સમન્વય!
આછા રતુંબડા પ્રકાશમાં રંગમચ પછીતે મધ્યમાં ઊભી રહી જે મોટા ધાતુપાત્રમાંથી નાનાં પાત્રોમાં આસવ કાઢીને સૉક્રેટિસ વગેરે મહેમાનોને સત્કારે છે, તે અર્ન(urn)ના જેવી ઊંચાઈ વૈભવી ભટ્ટની એસ્પેશ્યાની છે. જેવું એનું નીતરતું લાવણ્ય, તેવી જ એની ઊંચી બુદ્ધિમત્તા. મેધાવી અને વાક્ચતુર. ઊંચા દરજ્જાની એ કલાવંતીને થાનક યુરિપિડીઝ આવે, સૉક્રેટિસ પણ આવે. હરમ્મીપસ જેવાનાં તો નાટકો તેણે મઠારી પણ આપેલાં. બચાવમાં તે અદાલતમાં કહે છે કે તે ગૃહનારીઓને પુરુષોનું રંજન કરવાની કળા શીખવે છે, તેથી ’પુરુષો કલાવંતીઓ પાસે જાય નહીં.’ એસ્પેશ્યાના સર્વ ગુણો ચરિતાર્થ કરી વૈભવી ગરિમા સાથે પાત્ર પ્રગટાવે છે.
બહુવિધ જવાબદારીઓ સાથે રાજુ બારોટ નખશિખ પ્રામાણિક અડગ ઍથેન્સપ્રેમી પેરિક્લિસ છે. શ્વેત વસ્ત્રમાં સજ્જ, નાની વયે પ્રથમ રંગમંચ પ્રવેશે વીજ સરીખી દર્શકની મૌલિક મીડિયા તરીકે તારિકા ધ્યાન ખેંચે છે. આભિજાત્યનું તેજ ધરાવતા, સૉક્રેટિસના બાલમિત્ર ક્રિટો તરીકે ચિંતન નોખો ઊપસી આવે છે. સૉક્રેટિસની રાહે ચાલતો અપૉલડૉરસ (વૈશાખ) છે, રાજકારણના આટાપાટા ખેલતા વ્યવહારદક્ષ એનેટસ (નિસર્ગ) અને ક્લિયોન (હેમંત) છે, સ્પાર્ટાનો રાજા એજિસ (ધ્રુવ) છે, ખંધો આમતેમ ડોલતો સામાન્યજન મેનો છે. માત્ર પ્રવેશ કે નિષ્ઠાનો ચેપ વહોરી નેપથ્યે કામ કરનારાં કુહૂ જેવાં અનેક છે. એનએસડીનું હોય એવા પ્રેક્ષણીય નાટ્યપ્રયોગમાં સૌ પોતપોતાના સ્થાને આત્મવિશ્વાસ સાથે મજબૂત.
નાટકનું દીર્ઘ શીર્ષક થોડું ઉન્નતભ્રૂ અને તેનાં પાત્રો તથા ઘટનાઓ અપરિચિત ખરાં. નજરે પડતી ઘટનાઓને બદલે નાટકના કેન્દ્રમાં રહેલા ઐતિહાસિક મહાનાયક તથા સમગ્ર મુક્ત સમાજની ભીતર નિરંતર ચાલતા તુમુલ સંઘર્ષનું લયબદ્ધતા ન ગુમાવતું નાટક. ઇતિહાસ પર નજર ફેરવો. ચાહે તે સમય કે સ્થળ પસંદ કરો. જીવનની પાયાની કરુણતા એ રહી છે કે તેમાં, બહુમતી ધરાવતાં ટોળાંઓના વર્ચસ્વ વચ્ચે, સમાજનું હિત હૈયે રાખી કામ કરતા સંપ્રજ્ઞનું ભૌતિક જીવન કરુણાન્ત રહ્યું છે. પ્રમિથ્યસનો તેજોમય અંશ ધરાવતો એનો વિચારઅગ્નિ જો કે બૂઝતો નથી. તંદુરસ્ત રંગભૂમિ તંદુરસ્ત સમાજની ઓળખ છે. કળા, સાહિત્ય અને શિક્ષણસંસ્થાઓ આ અને આ પ્રકારનાં નાટકોને પ્રોત્સાહિત કરવાની પહેલ કરે.
e.mail : sureshmrudula@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2014, પૃ. 16-17