ઓક્ટોબર મહિનો ગૂજરાત વિદ્યાપીઠ માટે મહત્ત્વનો હોય છે. દેશમાંથી અતિ ઉચ્ચકોટિના કોઈક મહાનુભાવના હસ્તે પદવી આપવાનો પ્રસંગ ઉજવાય છે. વિદ્યાર્થીઓ અને સમગ્ર કર્મચારી-અધ્યાપક ગણ તેમાં ઊલટભેર ભાગ લે છે. એક શાંત, ગૌરવપૂર્ણ અને પ્રતીતિજનક વાતાવરણમાં શોભા, સંયમ અને ગૌરવ સાથે આ પ્રસંગ સંપન્ન થાય છે.
પણ ૧૯૨૦માં સ્થપાયેલી આ વિદ્યાપીઠ – યુનિવર્સિટીનું હવે ટેક-ઓવર થયું જણાય છે. આ કદમ નિવારી શકાયું હોત? એક તરફ અનામિક શાહના અનુગામીની પસંદગીનો મુદ્દો વિવાદાસ્પદ રહ્યો. હાઈકોર્ટે પણ આ નવા કુલપતિશ્રીની નિમણૂકને બહાલ ન રાખી. બીજી તરફ યુ.જી.સી.એ વિદ્યાર્થીને અપાતા અનુદાન ઉપર રોક લગાવી દીધી. સદ્દભાગ્યે, ગાંધીજી તરફના પ્રેમ અને સન્માનને કારણે, વિદ્યાર્થીને ઘણી માતબર રકમોનું દાન મળતું રહ્યું છે અને તેથી તેની પાસે મોટું ભંડોળ તો ખરું પણ સાતમા પગારપંચ પ્રમાણેનું પગાર-પેન્શનનું ખર્ચ લાંબા ગાળા માટે, આ ભંડોળમાંથી ઉઠાવી શકાય તેમ ન હતું. અંગ્રેજીમાં એક કહેવત છે : ‘હુ સો એવર પેઝ ધ પાઈપર’, સોસ ઘટ્યું ને ! પૈસો બોલે છે? પૈસાની બોલબાલા હોય છે. આ સૂત્ર વિદ્યાપીઠ જેવી સમાજમાં ઉચ્ચત્તમ નૈતિકતા અને સામાજિક મૂલ્યનું સમાર્જન કરનારી આ સંસ્થા માટે પણ સાચું?
સરકાર પાસેના નાણાં ક્યાંથી આવે છે? તે લોકોના જ પરસેવાની કમાઈ છે, સરકાર માત્ર વહીવટકર્તા છે. વળી, સરકાર જ્યારે ઉદ્યોગોને મદદ કરે છે ત્યારે તેનું હસ્તાંતરણ કરતી નથી. ટાટા કંપનીને નેનો બનાવવા વાસ્તે હજારો કરોડની સહાય આ જાહેર નાણાંમાંથી કરાઈ. આ મદદના બદલામાં સરકારે ટાટા મોટર્સ ઉપર કબજો જમાવ્યો? જો ઉદ્યોગો માટે ઉદારતા દાખવવામાં આવતી હોય તો આવી મહાન શિક્ષણ સંસ્થાને વશ કરવાની મુરાદ શા માટે? યુ.જી.સી. અનેક શિક્ષણ સંસ્થાઓને સહાય કરતી જ આવી છે. ઘણાને વિશાળ જમીનો પણ મફતના ભાવે અપાઈ છે; તેની ઉપર કોઈ માલિકી જતાવાય છે? તો પછી વિદ્યાપીઠ માટે ‘ખાસ ધોરણો’ કેમ? સમાજ સરકાર પાસેથી જાહેરજીવનની ઉચ્ચ નૈતિક ધોરણોની અપેક્ષા રાખે તે સહજ હોવું ઘટે? મોરારજી દેસાઈએ એકવાર કહેલું જો સરકારની જોહુકમી વધી જાય તો વિદ્યાપીઠે અનુદાન લેવાનું બંધ કરવું જોઈએ.’ વિનોબા ભાવેએ એક અલગ સંદર્ભમાં સરકારી સહાય ક્યારે ય ન લેવી તેવો મત વ્યક્ત કરેલો. સરકારી સહાય વગર વિદ્યાપીઠ સહિતની અન્ય સંસ્થાઓના સમગ્ર સંકુલને ચલાવવા માટે ત્યાગ અને સર્વોપણાની ઉત્તમ ભાવના અનિવાર્ય હતી. બીજો માર્ગ અસહકાર, સત્યાગ્રહ કે આંદોલનનો હતો. યુ.જી.સી. સાથે પૂરા સન્માન અને મૈત્રીભાવ સાથે વાટાઘાટો કર્યા પછી પણ ઉકેલ ન આવે તો ‘ગાંધી-માર્ગ’ હતો જ ને? પણ આ માર્ગ પસંદ ન થયો, શા માટે?
શુદ્ધ એકેડેમિક્સના મુદ્દા રૂપે પણ વિદ્યાપીઠના કિસ્સાની ભીતરમાં ઉતરવા જેવું છે એચ.આર. સામાજિક સંરચના, મૂલ્યો માટેની નિર્દંભ પ્રતિબદ્ધતા વગેરે જેવા મુદ્દા પણ અહીં જોવા-સમજવા મળે છે. આ વાતને વધુ સ્પષ્ટ કરવા વાસ્તે વિદ્યાપીઠની જેમ જ લગભગ સો-સો વરસની બે સંસ્થાઓનો પણ વિચાર કરીએ.
આવી એક સંસ્થા છે ‘બી.બી.સી.’ બ્રિટિશ બ્રોડકાસ્ટÏગ કોર્પોરેશન ૧૯૨૨માં શરૂ થયું. રૂપર્ટ મરડોકે પણ તેને ટેક ઓવર કરવાની ચેસ્ટા કરી નથી.
અલબત્ત, તેની રાજકીય અને આર્થિક ફિલસૂફી અને સૂક્ષ્મ વલણો શોધી શકાય તેમ છે; પરંતુ અભિવ્યક્તિની સચોટતા, વૈશ્વિક પરિપ્રેક્ષ્ય અને માનવલક્ષી સંવેદનાની બાબતમાં તેનો જોટો જડવો મુશ્કેલ છે. તેને સો વરસે જુવાની ફૂટતી જાય છે. વિદ્યાપીઠ રૂપી ગાંધીનો ડેલો સો વરસમાં ખખડી ગયો પણ આ બી.બી.સી., કવિ કાલિદાસની શકુન્તલાની જેમ क्षणे क्षणे यन्नवतामुपैति: ક્ષણે ક્ષણે નીત યુવા બનતી જાય છે! શું હશે રહસ્ય? મેન-પાવર પ્લાનિંગ, સોશ્યલ એહોઝ, વર્ક કલ્ચર? સંસ્થાઓ અને મેનેજમેન્ટમાં રસ ધરાવનારાઓએ વિચારવું રહ્યું.
આવી જ અન્ય – સો વરસ પૂરા કરવામાં હોય તેવી સંસ્થા છે આર.એસ.એસ. ! આ સંસ્થાનો પ્રારંભ તો થોડાક ઉચ્ચવર્ણના સવર્ણોએ કર્યો. પણ કેટલા સમર્પણ અને ત્યાગના ભાવ સાથે તે સતત દડમજલ કરતી જ રહી. સવાલ એ છે કે આર.એસ.એસ.ના પ્રચારકો જેવા ગાંધી વિચારના પ્રચારકો કેમ જોવા જ ન મળ્યા? અલબત્ત, ક્યાંક અને ક્યારેક ગાંધી વિચારવાળા પણ ‘જીવનદાન’ કરીને સમાજમાં પ્રવૃત્ત થયા, પરંતુ ઘણા બધા સ્વનામધન્ય એવા એકલવીર બનીને ઝઝૂમ્યા. જુ.કાકા, ચુનીકાકા, નવલભાઈ કે લોકભારતીના દર્શક કે બુચદાદાના કામો અવિસ્મરણીય છે. આમ તો આર.એસ.એસ. અને ગાંધીના અનુયાયીઓની તુલના કરવાની કોઈ જરૂર નથી; પણ સવાલ સમાજને દિશા આપવાનો – ગાંધીના સંદર્ભે હિંદ-સ્વરાજનો છે. જ્યારે આર.એસ.એસ.નો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે ગાંધીજનો વેરવિખેર કેમ જણાય છે? શુદ્ધ એકેડેમિક્સ અને ઓર્ગેનિઝેશનલ બિહેવિયરની દૃષ્ટિએ કયા પરિબળો દ્વારા કયા ચાલકબળ નીપજ્યા તેની એક મીમાંસા અથવા ભાષ્ય રચવા જેવું છે. આ હ્યુમન રિસોર્સ અને મેન પાવરના સંદર્ભમાં એક સીધો અને બામજોગ પ્રશ્ન એ પૂછી શકાય કે ગોપાલ ગાંધીના વિદ્યાર્થી પ્રવેશને કેમ અવરોધવામાં આવ્યો?
આવા કોઈપણ મનોયત્નમાં આ કે તે તરફના દોષારોપણ કે ખોડખાંપણ શોધવાનો કોઈ જ ઇરાદો ન હોઈ શકે; સવાલ એ છે કે બી.બી.સી., આર.એસ.એસ. અને વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ ઉપર સો વરસના કાળના થપાટાની અસરો ભિન્ન ભિન્ન કેમ રહી? બી.બી.સી. માટે જો બ્રિટિશ કલ્ચર ઉપયોગી બન્યું હોય તો વિદ્યાપીઠ માટે ભારતીય કલ્ચર ક્યાં નબળું પડ્યું? આઝાદ ભારતમાં વિદ્યાપીઠને ભરપૂર પ્રેમ, આદર અને દાન મળવા છતાં આપણામાં શું ખૂટ્યું?
સંસ્થાઓ દ્વારા સમાજ અને દેશ બનતા હોય છે. વ્યક્તિઓ અને વ્યક્તિ-વિશેષકો કે જનસમૂહોના ધક્કા અને નિર્ણયો સમાજને ક્યારેક કાર્યસાધક તો ક્યારેક કાર્ય બાધક નીવડતા હોય છે. ૧૯૬૬માં પેરિસની સોબોર્ન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ મસમોટું આંદોલન છેડ્યું હતું. તેની નેતાગીરી ફ્રાંસના પ્રખ્યાત ફિલસૂફ અને અસ્તિત્વવાદી પ્રોફેસર ઝ્યાં પોલ સાર્ત્રના હાથમાં હતી. તે સમયે ફ્રાંસના પ્રમુખ તરીકે દ’ગોલ હતા. અધિકારીઓએ દ’ગોલ પાસે જઈને કહ્યું, ‘આ સાર્ત્રની ધરપકડ કરી લઈએ; બધું શાંત થઈ જશે.’ દ’ગોલે કહ્યું, ‘સાર્ત્ર એટલે જ ફાંસ ! તમે સમગ્ર ફ્રાંસને જેલમાં પૂરી દઈ ન શકો.’
આવી સંવેદનશીલતા ધરાવતા શાસકોનો સમાજ કેવો હશે? તેની સંસ્થાઓ કેવી હશે? ત્યાં માનવ-વ્યવહારો કયા મુદ્દાના આધારે ચાલતા હશે? ‘વિદ્યાપીઠ તરફ પ્રેમનો નાતો જાળવીને આ પ્રશ્નોના ઉત્તરો મેળવવા રહ્યા !
ગૂજરાત વિદ્યાપીઠને ગાંધીજીએ ૧૯૨૦માં સ્થાપી પણ પૂર્વમાં કવિવરશ્રી રવીન્દ્રનાથ ટાગોરે ૧૯૦૧માં શાંતિનિકેતનની સ્થાપના કરી. આ બે વચ્ચેની તુલના વિશે વિગતે વિચાર થવો ઘટે. શાંતિનિકેતનમાંથી સમાજને નંદલાલ બોઝ અને અમર્ત્ય સેન સાંપડ્યા. ગૂજરાત વિદ્યાપીઠે શું આપ્યું? આ સ્થળે બહુ વિગત તુલના શક્ય નથી. અન્ય કોઈ વધુ સમર્થ અભ્યાસી આ બાબતે વધુ પ્રકાશ પાડી શકે. સવાલો અનેક છે; થોડાક મુદ્દા નોંધીએ :
૧. ગાંધીજીનાં મૂલ્યોને જીવનમાં ઉતારતા જ રહે તેવા સાથીઓ અને પેઢીઓ સાંપડ્યા ખરા? કેટલાં? તેમનો સમાજ ઉપર શો પ્રભાવ પડ્યો?
૨. મગનભાઈ દેસાઈ, નવલભાઈ શાહ અને અગાઉ કાકાસાહેબ કે કૃપલાનીજી સિવાય વિદ્યાપીઠના પરિસરના કોઈ મુખ્ય નામ ખરાં?
અલબત્ત ગાંધી-વિચાર અને સાથોસાથ વિદ્યાપીઠે પણ ગુજરાતના સાહિત્યિક શૈક્ષણિક તથા સમાજસેવાના ક્ષેત્રોમાં અતિ મહત્ત્વનું યોગદાન આપી જનારા અને આપતા અનેક વ્યક્તિત્વો ખીલવ્યા છે. આ સંખ્યા સારી એવી છે. થોડાંક નામનો ઉલ્લેખ પણ આ દિશા ખોલવામાં અપના છે. સર્વશ્રી દર્શક, ચુનીભાઈ વૈદ્ય, કરમશીભાઈ મકવાણા,, સેવા સેવા રૂરલ-ઝઘડિયા વગેરે અનેક મહાનુભાવો ગાંધીવિચારનો સમાજને સાક્ષાત્કાર કરાવવા જીવન ખર્ચ્યું છે.
૩. મૂલ્યના આગ્રહો અને નિશ્ચિત સ્વરૂપની જીવનપદ્ધતિના આગ્રહો વિદ્યાપીઠમાં પળાયા અથવા તે પાળવાનો વધુ કે ઓછો દેખાવ કરાતો રહ્યા. સામે પક્ષે શાંતિનિકેતનમાં, (અમદાવાદની ‘શ્રેયસ’ની જેમ) બાળકોની સર્જનાત્મકતા સાહજિકતા અને સ્વયમ્ સ્ફૂરણ ઉપર વિશેષ ભાર મૂકાયો. આમાંથી શિક્ષણનાં સ્વરૂપ, પદ્ધતિ તેમ જ સંચાલનની બાબતે અનેક પદાર્થ પીઠો નીવજે છે :
પાળી ન શકાય તેવાં મૂલ્યોના આગ્રહમાંથી માત્ર દંભ પ્રગટે છે.
ખુલ્લાપણું અને સર્જનક્ષમતાને ઉત્તેજન અપાય તો શિક્ષણ વધુ કારગત નીવડે છે.
જીવનમૂલ્યોનું શિક્ષણ આપી શકાય કે તેનો બોધ થઈ શકે?
અહીં ૧૯૦૧માં સ્થપાએલા શાંતિનિકેતનની તુલનાને લક્ષમાં લેવા જેવી છે.
વિદ્યાપીઠની હાલની સ્થિતિ અચાનક ઊભી નથી થઈ. પેઢીઓથી તેમાં દૂધ રેડવાને બદલે પાણી રેડાતું રહ્યું છે. સો વરસના માતબર અસ્તિત્વ પછી પણ સમાજમાં ગાંધી-વિચારનાં મૂળ ખાસ ફેલાયા નથી. આ સંજોગોમાં એક અતિ મહત્ત્વના સંશોધન પ્રોજેક્ટ તરીકે વિદ્યાપીઠ શાંતિનિકેતન, બી.બી.સી. આર.એસ.એસ.ની તુલના કરવા જેવી ખરી? જવાબ મળે અને પુનર્રચના થાય તે અપેક્ષાએ સવાલો તો પૂછીએ ! દિલચોરી વગર સવાલો પૂછવાનું ગજુ તો બચ્યું હોય તો બહાર કાઢવાનો સમય આવી લાગ્યો છે. બાકી વિદુર અને દ્રૌપદીના સવાલોના જવાબમાં ભીષ્મે કહેલું : अर्थस्य पुरुषो दासः
[અર્થશાસ્ત્રના પૂર્વ પ્રાધ્યાપક, સ.પ.ઈ. ઓફ ઈકો. સોશ્યલ રિસર્ચ, અમદાવાદ]
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, નવેમ્બર 2022; પૃ. 02-04