ગુજરાતીઓને ગુજરાતી ભાષા પ્રત્યે સૂગ છે ને બને ત્યાં સુધી અંગ્રેજીની, ભાષા અને સંસ્કાર બાબતે ભદ્દી નકલ ન કરે તો તેમને સંતોષ નથી થતો. એવું ન હોય તો ‘છેલ્લો શો’ જેવી ઓસ્કાર સુધી પહોંચેલી, અમરેલીના આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્દેશક પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો’ શો જેવી તો ચાલે નહીંને ! ‘હેલ્લારો’ ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ને તેનો સંગીતનો પુરસ્કાર સુરતના મેહુલ સુરતીને મળ્યો. સુરતના નાટ્ય કલાકારો ફિલ્મોમાં પ્રવેશ્યા છે ને અત્યારે ગુજરાતીમાં સારી ફિલ્મો બની રહી છે, તેનું માર્કેટ ઊભું થયું છે, ત્યારે થાય છે કે સુરતમાં કે ગુજરાતમાં કોઈ સરકારી કે ખાનગી યુનિવર્સિટીમાં કે કોઈ ખાનગી સંસ્થામાં પૂર્ણ કક્ષાનો ફિલ્મ મેકિંગનો કોર્સ શરૂ થવો જોઈએ. ગુજરાત સરકાર તેની કોઈ યુનિવર્સિટીમાં, બને તો સુરતમાં આ પ્રકારનો ડિગ્રી કોર્સ શરૂ કરે તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં વેગ આવે અને ગુજરાતને સારી ફિલ્મો મળે. લોકાલ, સંગીત, ગાયક, ગીતકાર, કલાકાર, દિગ્દર્શક એમ બધું અહીં છે. વધારામાં ગુજરાત સરકારે સીનેમેટિક ટુરિઝમ પોલિસી ગયા સપ્ટેમ્બરમાં જ જાહેર કરી છે. સુરતમાં નર્મદ યુનિવર્સિટી, સાર્વજનિક યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓ છે ને અહીંના કલાકારો એની માંગ કરે તો આ અશક્ય નથી. પ્રતીક્ષા છે સુરતના અને ગુજરાતના કલાકારો સક્રિય કે સજીવ થાય એની –
એમ લાગે છે કે આપણે વત્તે ઓછે અંશે રાજકારણનો ભાગ થઈ ગયાં છીએ. હવે આપણો રસ મત આપવા પૂરતો જ નથી રહ્યો, પણ કોઈ રાજકીય પક્ષ સાથે આપણી સીધી કે આડી ભાગીદારી થતી આવે છે. આમ સીધાં રાજકારણમાં આપણે નથી, પણ કોઈ પક્ષનો પ્રધાન કે નેતા આપણને જાણે કે ન જાણે, પણ આપણે તેનાં થઈ ઊઠીએ છીએ. એની વાતો, એનું રાજકારણ આપણે ઘરમાં લઇ આવીએ છીએ ને એને માટે મરવા – મારવા પર આવી જઈએ છીએ. આ બધું નિસ્વાર્થ ભાવે થતું નથી, કારણ, રાજકારણ પોતે નિસ્વાર્થ ભાવે થતું નથી. આપણે ખરેખર કોઈ પક્ષની નીતિ – અનીતિમાં માનીએ એ જુદી વાત છે, પણ કૈં ન મળવાનું હોય તો પણ ગલી-મહોલ્લામાં કે નાની મોટી સભાઓમાં બાંયો ચડાવવા તૈયાર થઈ જઈએ છીએ. ઘણુંખરું તો ચર્ચાની કે હિંસાની એ નેતા કે પક્ષને ખબર પણ નથી હોતી ને આપણે અમથાં જ કુટાઈ મરીએ છીએ. આપણામાંના કેટલાંક કોઈ રાજકીય લાભ કે માન-સન્માન ખરેખર યોગ્યતાને ધોરણે મેળવે છે, તો કેટલાંક તેની ભક્તિ કરીને, આરતી ઉતારીને તે પામે છે ને વધુને વધુ કૃપા પામવા ખુશામત કરતાં રહે છે. આ વર્ગ જ્યાં લાભ મળે ત્યાં લોટે છે. રાજકીય નેતાઓ ટિકિટ ન મળે તો જ્યાં મળે તે પક્ષમાં જઈને તેની આરતી નથી ઉતારતા? એવું જ પ્રજા પણ કરે છે. સાધારણ પ્રજા તો કરે, પણ કલાકારો એવું કરે ત્યારે પીડા થાય. હવે સ્વમાન ન હોય તે કલાકાર હોય – એવું સૂત્ર વધુ પ્રચલિત છે. બધા જ વેચાઉ છે એવું નથી ને જે કાને વાત ધરે એવા છે એને માટે જ તો આ લખવાનું થયું છે.
એટલું છે કે કળાકીય પ્રવૃત્તિઓ આ શહેરમાં અટકી છે. જ્યાં થાય છે ત્યાં સત્વ નહીં, પણ સત્તા ને સમાધાન વર્ચસ્વ ભોગવે છે. એક સમય હતો જ્યારે સંસ્થાઓના હૉલ શ્રોતાઓથી ભરેલા રહેતા. કળાકીય પ્રવૃત્તિઓથી ધમધમતા રહેતા. આ કૈં બહુ અગાઉના સમયમાં બન્યું છે એવું નથી, દાયકો પણ માંડ થયો હશે ને આ શહેર સાહિત્યિક, કળાકીય પ્રવૃત્તિઓનાં નામનું નાહીને તડકે પડ્યું છે. હજી ક્યાંક કવિ સંમેલનો થાય છે કે ચંદ્રકો વહેંચાય છે, પણ એમાં પાણીનો ય ભાવ ન પૂછવાની ઉદાસીનતા પ્રવર્તે છે. શ્રોતાઓ કે પ્રેક્ષકોની ગરજ કોઈને જ રહી નથી. અગાઉ કાર્યક્રમોની જાહેર નોંધ આવતી ને જાહેર આમંત્રણ અપાતું. શ્રોતાઓથી હૉલ છલકાતા. હવે કોઈ બોલાવતું નથી ને કોઈ આવતું ય નથી એ સ્થિતિ છે. ઓનલાઇનનો મહિમા એટલો છે કે ઓડિયન્સ ન હોય તો પણ યુ-ટ્યૂબ પર કાર્યક્રમ મૂકે એટલે સંસ્થાઓને સંતોષ થઈ જાય છે. હોલમાં કોઈ ન હોય તો વાંધો નથી, મંચ પર કેમેરામાં એકાદ ચહેરો ઝડપાય તો મોટો કાર્યક્રમ થયાનો સંતોષ મળી રહે છે. વાર્તા, આસ્વાદ, હાસ્ય, ચર્ચાના કાર્યક્રમો લગભગ અટકી ગયા છે. આમ થવામાં એક કારણ, રાજકારણ ઘરમાં ઘૂસી આવ્યું છે એ છે. મોબાઈલ, સોશિયલ મીડિયા વગેરેની વ્યસ્તતા એટલી વધી છે કે કાર્યક્રમ માટે હૉલ સુધી જવાની નવરાશ કોઈ પાસે નથી. કોઈ રાજકીય પાર્ટીની ચર્ચામાં, કોઈની પ્રશંસા-ચુગલીમાં, કોઈ નેતા કે પાર્ટીના પ્રચારમાં સામાન્ય માણસ તો પડતો જ ન હતો, પણ હવે કહેવાતા બુદ્ધિજીવીઓ, કળાકારો વગેરે પણ રસ લેતા થયા છે, એને કારણે ઘણો બધો સમય એ પ્રકારની વાતોમાં જ નીકળી જાય છે. ફિલ્મી કલાકારો રાજકીય પ્રચારમાં પડે તે તો સમજી શકાય, પણ કોઈ લેવાદેવા વગર ઘણાં વૉટ્સએપ કે સોશિયલ મીડિયામાં અમુકની તરફેણમાં કે અમુકના વિરોધમાં ગળચટ્ટો કે ગાળચટ્ટો પ્રચાર કરતાં રહે છે ત્યારે તેમનું તાટસ્થ્ય જોખમાતું લાગે છે. આ એમનું કામ નથી ને એ કરે છે ને જે કામ એમનું છે એ ટલ્લે ચડતું રહે છે. એમની ઓળખ કલાકારની છે ને એ કળા કોઇની ભાટાઇમાં વેડફાતી હોય તો તે પુનર્વિચાર માંગે છે.
એક સમય હતો જ્યારે નાટકો કે સાંસ્કૃતિક કાર્યક્રમો રંગ ઉપવનમાં કે ટેક્સટાઇલ માર્કેટના ઓડિટોરિયમમાં થતાં. ટેક્સટાઇલ માર્કેટનાં ઓડિટોરિયમમાં ધંધાદારી નાટકો જ આવતાં. રંગ ઉપવનમાં ધંધાદારી નાટકો ઉપરાંત કોર્પોરેશનની અને વિદ્યાર્થી સંઘની નાટ્ય સ્પર્ધાઓ થતી. એ પછી ટેક્સટાઇલ માર્કેટનું ઓડિટોરિયમ બંધ પડ્યું. શહેરની મધ્યમાં નાનપરામાં ‘ગાંધી સ્મૃતિ ભવન’ 1980માં શરુ થયું ને ક્લોઝ્ડ અને કોમ્પેક્ટ થિયેટરની માંગ પૂરી થઈ. અનેક કળાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એમાં થઈ ને એ પણ 2019થી બંધ પડ્યું છે. બંધ શું, જમીનદોસ્ત થયું છે. એ શરૂ થયું તે પછી એકાદ વખત રીપેરિંગ માટે 2011માં થોડા મહિના બંધ રહેલું. તે પછી એકાદ મોટો પોપડો 12 જુલાઇ, 2019 ને રોજ ખરી પડતાં તે બંધ કરવાનો અને નવું બાંધવાનો નિર્ણય સત્તાવાળાઓએ લીધો. એ વાતને ય વર્ષો થયાં. વચ્ચે એવી વાત પણ આવી કે હવે એ નાટકને માટે ફરી બંધાવાનું નથી, પણ અન્ય કમર્શિયલ હેતુ માટે તેનો ઉપયોગ થવાનો છે. એ સંદર્ભે પૂર્વ મેયરને પૂછતાં તેમણે વિશ્વાસ આપ્યો કે ત્યાં નાટ્યગૃહ જ બનશે. એ વાતને ય સમય થયો, ગાંધી સ્મૃતિનો કોઈ અણસાર અત્યારે તો વર્તાતો નથી. ત્યાં ભવન થવાનું છે કે બીજું કૈં એનો પણ કોઈ ફોડ કોર્પોરેશન પાડતું નથી. આમ તો ત્યાં હેરિટેજ થીમ પર ઓડિટોરિયમ થવાની વાત હતી, પણ બાંધ્યાં પહેલાં જ તે હેરિટેજમાં ન જાય તો સારું. હેરિટેજમાં ગણાવવા પણ કોઈ ઇમારત તો જોઈશે. એવું કૈં થશે કે કેમ એની ચિંતા છે. આમ તો આ ભવન માટે 24 સભ્યોની સમિતિ બનાવાઇ છે. સભામાં 46 કરોડ ખર્ચવાની વાત પણ થઈ છે જે સમય જતાં વધે એમ બને. આ સમિતિની કેટલી મીટિંગ થઈ છે તે નથી ખબર, પણ તેમાં નાટ્યકારો પણ છે. એમની અને કોર્પોરેશન વચ્ચે કોઈ કો-ઓર્ડિનેશન છે કે માત્ર વચ્ચેથી દિવસો જ પસાર થાય છે તે પણ નથી ખબર, પણ સમિતિના નાટ્યકારોએ આ મામલો તાકીદે હાથ પર લઈને જે તે સ્થિતિની સ્પષ્ટતા કરવી જોઈએ. કમ સે કમ એમણે આ જગ્યાનો નાટ્ય, કલા પ્રવૃત્તિ સિવાયના અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ નહીં જ થાય એની ખાતરી મેળવવી જોઈએ અને પ્રજાને આપવી જોઈએ.
હાલના મેયરની પણ ટર્મ પૂરી થવામાં છે. અત્યારે ઇલેક્શનનો વાવર ચાલે છે. નવા મેયર આવે તેમને ‘ગાંધી સ્મૃતિ ભવન’માં કેટલો રસ હશે તે નથી ખબર, પણ જે રીતે કળાકીય પ્રવૃત્તિઓ સુરત મહાનગર પાલિકામાં ક્ષીણ થતી આવે છે તે જોતાં લાગે છે કે ‘ગાંધી સ્મૃતિ ભવન’ વિષે કોઈ સત્તાધીશ ગંભીર નહીં હોય. કોર્પોરેશનની વ્યાખ્યાન માળાઓ, નાગરિક સન્માન અને અન્ય કળાકીય પ્રવૃત્તિઓનો કોર્પોરેશનમાં હ્રાસ થયો છે તે જોતાં ગાંધી સ્મૃતિ ફરી સજીવન થાય એમ લાગતું નથી. એ સંજોગોમાં હાલના મેયરે એટલું પાકું કરી લેવું જોઈએ કે ગાંધી સ્મૃતિ ફરી સજીવન થશે. કમ સે કમ કોર્પોરેશને એટલી ખાતરી પ્રજાને આપવી જોઈએ કે ગાંધી સ્મૃતિ થઈને રહેશે. ગાંધી સ્મૃતિનાં પુનર્નિર્માણ માટે ટેન્ડર બહાર પડ્યું હતું એ ખ્યાલ છે, પણ તે કોઈક કારણોસર નકારવામાં આવ્યું. એ પછીની ગતિવિધિની ખબર નથી.
– અને આ શહેરનાં સાહિત્યકારો અને કલાકારોને તે શું કહેવું? આ જ મુદ્દે અગાઉ પણ આ જગ્યાએથી વાત થઈ છે, પણ એ જાણે કોઈ બીજા જ પ્રાણીને લગતી વાત હોય તેમ સૌ ચૂપ છે. આ શહેરનો હાલનો દરેક કલાકાર જ્યોતિ વૈદ્યથી અને તેનાં નાટકોથી પરિચિત છે. એની ખબર પણ નહીં પડે એ રીતે જ્યોતિ વૈદ્યના નામનું પાટિયું કોઈ ઉદ્યાનને ખાનગીમાં મારીને કોર્પોરેશને ફરજ બજાવી લીધી છે. એની વિધિવત જાહેરાત થઈ હોત તો આનંદ થયો હોત. જ્યોતિ વૈદ્ય કૈં બાગનાં પાટિયાનાં જ મહોતાજ નથી. એમનાં નાટકો આજની પેઢી સહિત ગુજરાત આખું ભજવે છે. એવી વ્યક્તિનું નામ ગાંધી સ્મૃતિ સાથે જોડીને એમનું યોગ્ય તે તર્પણ પાલિકાએ કરવું જોઈએ. વધારે નહીં તો ગાંધી સ્મૃતિનું ‘ગાંધી જ્યોતિ ભવન’ એટલું તો ઓછામાં ઓછું થઈ જ શકે. કોર્પોરેશન એટલી ફરજ બજાવે તે નાટ્ય કલાકારોએ જોવાનું રહે. કમ સે કમ આ મુદ્દે અવાજ ઉઠાવીને સજીવ હોવાની ખાતરી કલાકારો આપે તો ય ઘણું. કલાકારો સાવ નિર્વીર્ય તો ન હોવા ઘટે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 નવેમ્બર 2022