ઈલા ભટ્ટ કહેતાં કે સશક્તિકરણ એક ક્રિયાપદ છે સંજ્ઞા નથી. કર્મશીલ જેમના થકી જિંદગીઓ બદલાઈ નહીં ઘડાઈ પણ તેમની વિદાય પછી આપણામાં પ્રેરણારૂપે જીવતાં ઇલા ભટ્ટનાં મૂલ્યોનું અમલીકરણ સૌથી મોટી શ્રદ્ધાંજલિ
ગાંધી બાપુ સ્ત્રી હોત તો? આ સવાલનો જવાબ છે ખાદીની સાડી, નાનો ગોળ ચાંદલો, સરસ રીતે ઓળાયેલા વાળ, મીઠો અવાજ, હેતાળ સ્મિત અને મક્કમ વ્યક્તિત્વમાં – એટલે કે ઇલા ભટ્ટમાં. નેશનલ ટ્રેડ યુનિયન સેલ્ફ એમ્પ્લોયડ વિમન એસોસિયેશન(SEWA – સ્વાશ્રયી મહિલા સેવા સંઘ – 1972)નાં સ્થાપક ઇલા ભટ્ટ હવે સદેહે નથી. પણ એ ખરેખર નથી? 89 વર્ષની વયે, ૨જી નવેમ્બરે અમદાવાદની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં બપોરે ૧૨.૨૦ વાગ્યે તેમણે દેહ છોડ્યો. ૩જી નવેમ્બરની સવારે જ્યારે માનવ મેદની વચ્ચે તેમના અંતિમ સંસ્કાર માટેની પ્રક્રિયાઓ આગળ વધી રહી હતી, ત્યારે સેવા સાથે જોડાયેલી ગુજરાતના વિવિધ ગામડાંઓની બહેનોનો અવાજ ગુંજી રહ્યો હતો, ‘દરેક બહેન, ઇલા બહેન..’ – આ અવાજ ઘૂંટાતો જતો હતો. આ સંજોગોમાં એમ કહેવું કે ઇલા ભટ્ટ હવે નથી, એ કેટલું યોગ્ય? હવે તો બહુ બધાં ઇલા ભટ્ટ છે, ક્યાંક – કોઇને કોઇ રીતે પોતાનું કર્મ આગળ ધપાવતાં, ગાંધી મૂલ્યોની શીખીને એ પ્રમાણે જીવનારી દરેક બહેનમાં ઇલા ભટ્ટ જીવે છે.
રેમન મેગ્સેસે એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ, નિવાનો પીસ પુરસ્કાર, રાઇટ લાઇવલીહુડ એવોર્ડ, રેડક્લિફ પદક – આ ઇલા ભટ્ટને મળેલાં કેટલાંક સન્માનો અને પુરસ્કારોનાં નામ છે. તેમને મળેલાં માન અકરામની યાદી આખો લેખ ભરાશે તો ય ઓછી પડશે એટલાં છે, પણ ઇલા ભટ્ટ માત્ર આ સરપાવો કે સન્માનોમાં નહીં સેવાની બહેનો સાથે, લારી ધકેલીને વેપાર કરનારાઓ સાથે, રૂડીના રેડિયોમાં તો રાધનપુરમાં પડતર થયેલી જમીનમાં ઉગાડેલાં શાકભાજીના ક્યારામાં તો કચ્છનાં અંતરિયાળ વિસ્તારોમાં ભરતમાં આભલાં ભરતી બહેનોની સોયની મજબૂતાઇમાં ઓળખાતાં આવ્યાં છે અને એમ જ ઓળખાતાં રહેશે. નેલસન મંડેલા હોય કે હિલેરી ક્લિન્ટન કે પછી બાન કી મુન કે પછી જમુબહેન, મંજુલાબહેન કે અનિતાબહેન – ઇલા ભટ્ટ બધાં સાથે, બધાં માટે એક સરખાં. એમને નારીવાદી કે ગાંધીવાદી કહેવાં જોઇએ? ઇલા ભટ્ટને કોઇ વાદ સાથે સંબંધ હતો જ નહીં માત્રને માત્ર કર્મ સાથે સંબંધ હતો, છતાં ય આ સ્ત્રીઓના ઉત્થાન માટે, તેમને પગભર બનાવવા માટે તેમણે જે કર્યું તેમાં ગાંધીજી પણ અનેકવારી જીવી ગયાં તો સ્ત્રી સ્વાતંત્ર્યનો વિચાર વાસ્તવિકતામાં ફેરવાયો. ઇલા ભટ્ટ રાજા બનવામાં નહીં સાથે રહીને આગળ વધવામાં, નવાં આગેવાનો ઘડવાનાં લક્ષ્યને પાર પાડવામાં વ્યસ્ત રહેતાં. તેમની કામગીરીનાં પરિણામો નજર સામે દેખાય છે પણ મહિલા કામદારો માટે પિતૃસત્તાક સમાજમાં તેમણે જે લડત આપી હશે તેની તીવ્રતા તેને જોનારાં, અનુભવનારાં જ કળી શકે.
જે વર્તાતા નથી, જે દેખાતા નથી એમના અધિકારો માટે હોહા કર્યા વિના કેવી રીતે લડી શકાય તેના પુરાવા ઇલા ભટ્ટે આપ્યાં. અંગ્રેજીમાં તેમને માટે એક વિશેષણ વપરાતું આવ્યું છે, ‘જેન્ટલ રિવોલ્યુશનરી’ – મૃદુ ક્રાંતિકારી. તેમનાં મૌન અને મક્કમતા સામે ભલભલાએ નમતું જોખવું પડ્યું છે તો તેમના પ્રોત્સાહન અને પ્રેમથી લાખો સ્ત્રીઓને પોતાની આવડતનો પરિચય થયો છે.
ઇલા ભટ્ટે એવું ઘણું કર્યું જે કદાચ પહેલી જ વખત થયું હતું. ભારતમાં માઇક્રોફાઇનાન્સનાં જનની ગણતાં ઇલા ભટ્ટને પગલે ગરીબ સ્ત્રીઓ દ્વારા અને ગરીબ સ્ત્રીઓ માટે સૌથી પહેલી માત્રને માત્ર સ્ત્રીઓની સેવા કો-ઑપરેટિવ બૅંક શરૂ કરાઇ, જેને રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ પણ મંજૂરી આપવી પડી. પચાસ વર્ષ સુધી બચતમાંથી ગામડાંની પગભર થયેલી તથા થવા માંગતી બહેનોને ડિવીડન્ડ મળ્યું. અમદાવાદ માટે ગૌરવની વાત એ છે કે બીજા કોઇ શહેરમાં એવી કોઇ બૅંક નથી જે હજારો – લાખો નહીં પણ કરોડોનું ક્રેડિટ તેના ખાતેદારોને આપતી હોય. જ્યારે પ્રગતિની વાત કરવી હોય તો ઇલા ભટ્ટે સેવા થકી કરેલી આ પ્રગતિથી મોટું તો વળી બીજું શું હોઇ શકે? કારણ કે સમાજના સૌથી નિમ્ન સ્તરે પૂંજીકરણ – મૂડીકરણ થયું હોવાનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ કોઇ બીજું નથી.
ગાંધીજીના ગમતાં ભજનમાં જે વૈષ્ણવજનનો ઉલ્લેખ છે તે ઇલા ભટ્ટ જેવાં જ હોઇ શકે. તેમનાં કામ થકી તેમના સુધી ઘણાં લોકો પહોંચ્યાં. અશ્વેતોની લડાઈનાં આગેવાન – જે આગવાં ગાંધીવિચાર જીવી રહ્યા હતા તેવા નેલ્સન મંડેલાએ ‘ધી એલ્ડર્સ’ નામનું એક ગ્રૂપ બનાવ્યું હતું, જેમાં જીમી કાર્ટર, માર્ગારેટ થેચર જેવાં વૈશ્વિક સ્તરનાં પૂર્વ રાષ્ટ્ર આગેવાનો સભ્ય હતાં. ઇલા ભટ્ટ પણ આ ગ્રૂપનાં સભ્ય હતાં. કામગીરી વિશે વાત થતી ત્યારે અંતે ઇલા ભટ્ટનું મંતવ્ય પૂછવામાં આવતું કારણ કે જમીન સાથે જોડાઈને નહીં પણ ઘસાઈને કામ કરનારાં વૈશ્વિક આગેવાન તરીકે તો ઇલા ભટ્ટ જ હતાં. નેલ્સન મંડેલા ભારત જ્યારે તેમના ઘરે ‘ટોય હાઉસ’માં આવ્યા, ત્યારે ઇલા બહેને તેમને મોજાં ભેટ આપ્યા હોવાનો પ્રસંગ પણ મજાનો છે.
સ્ત્રીઓની ભાગીદારીમાં જ્યારે રોકાણ થાય ત્યારે બહેતર સમાજ ઘડાય એવું તે દૃઢતાથી માનતાં અને માટે જ તેમનો સિદ્ધાંતનો હિસ્સો હતાં સ્ત્રી, કર્મ અને શાંતિ.
ગાંધીજીના વિચારોને આત્મસાત કરનારાં, આગેવાન છતાં ય એક સ્વયંસેવક જેવું જીવન જીવનારાં ઇલાબહેને સતત એ અહિંસક સ્વસ્થ સ્વાશ્રયી સમાજ ઘડવાની કામગીરી કરી, એવો સમાજ જેના કેન્દ્રમાં સ્ત્રી હોય.
સ્ટ્રોક પછી ઇલા ભટ્ટ ફરી બેઠાં થયાં પછી ફરી માંદગીએ ઘેરો ઘાલ્યો. હૉસ્પિટલમાં હતાં ત્યારે ડૉક્ટર ‘તમારું નામ શું?’ પ્રકારના સવાલો ચોકસાઈ માટે પણ કરે તો આઇ.સી.સી.યુ.માં રહેલાં ઇલા ભટ્ટના મુંગા ચહેરા પર અણગમો છલકાઈ આવતો. સ્ટ્રોક આવ્યો – સાજા થયાં, તબિયત બગડતાં ફરી હૉસ્પિટલ જવું પડ્યું, ગોલ્બ્લેડરની સર્જરી કરી એ પછી પણ ગાવાનો રિયાઝ પૂર જોશમાં ફરી ચાલુ કરી દીધો હતો. ડૉક્ટરે જ્યારે એમ કહેલું કે, ‘મક્કમ થાવ, લડત આપો, જલદી સાજા થાવ’ ત્યારે સામે એમ પૂછ્યું હતું કે ‘લડત કેમ? તમારે બહારગામ જવાનું છે?’ સહેજ સારું લાગે તો કોઇ એકની એક વાત નહીં પણ કંઇ નવી માહિતી પર વાત માંડે એવા ઇલા ભટ્ટની સરળતા, તેમનો પ્રેમાળ સ્વભાવ, તેમનું સ્મિત જ તેમની શક્તિ હતાં. સફેદ દીવાલો, લાકડાની ખુરશીઓ અને સેટીઓ વાળા નાનકડા ટોય હાઉસમાં જ પ્લાનિંગ કમિશન, રિઝર્વ બેંકની મિટીંગો થઇ, મેરી રોબિન્સન જેવાં અગ્રણીઓ પણ ત્યાં જ આવ્યાં અને આપણાં મહા-આત્મયી અને મહા – આત્મીય ઇલા ભટ્ટે ગીતો પણ ત્યાં જ ગાયાં.
બાય ધી વેઃ
ઇલા ભટ્ટનાં અંતિમ સંસ્કાર ટાણે સેવાની બહેનોના નારામાં એક નારો હતો કે, ‘પચાસ લાખ હો કે રહેંગે’ .. હાલમાં સેવા સાથે વીસ લાખ બહેનો જોડાયેલી છે અને પોતાનાં બહેનને વિદાય આપતી વેળા આ દરેક સ્ત્રીએ ઇલા ભટ્ટને અને પોતાની જાતને સેવાની મજલ કેટલી આગળ ધપવાની છે તેનું વચન આપ્યું. તેમણે છેલ્લે જે શાલ ઓઢી હતી તે શાલ પર તેમના કુટુંબનાં સૌથી નાનાં સભ્યથી માંડીને સૌથી મોટાં સભ્યનાં હાથની છાપ લેવાઇ, તેમની તસવીરની આસપાસ રજનીગંધા અને મોગરાનાં ફૂલો એવાં મઘમઘતા હતાં કે જાણે દરેક શ્વાસે ધ્યાન ધરો તો કદાચ ઇલા ભટ્ટનો બહુ જાણીતો મીઠો અવાજ સુદ્ધાં કાને અથડાય. ઇલા ભટ્ટને સલામ અને ઇશ્વરનો પાડ કે આપણને, આપણાં સમાજને, ગામડાંની બહેનોને અને એમણે જેમને પ્રેરણા આપી એવાં તમામ વર્લ્ડ લીડર્સને એ મળ્યાં. ઇલા ભટ્ટ સાથે સંકળાયેલાઓનો અનુબંધ જોજનો સુધીનો છે અને રહેશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 નવેમ્બર 2022