ઉલ્લાસ કરીએ • નટવર ગાંધી
અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિના,
સુખીદુઃખી, ઘેલા, સમજુ, સલૂણા, કૈંક નગુણા,
બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.
અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
ન કે એવું કે’તો બધું જ બધું છે સારું સરખું,
વળી જાણું છું કે વિષમ ઘણું ને વિષ પૂરતું,
પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.
અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
પશુ, પંખી, પુષ્પો, તરુ, પરણ, ને અદ્રિ ઝરણાં,
રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, મતિ ને દૃષ્ટિ ધરીને,
બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.
અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસ કરીએ.
(‘પેન્સિલવેનિયા અૅવન્યૂ’ નામક કવિનો કાવ્યસંગ્રહ, પૃ. 94-5)
શીખરિણી છંદમાં નિબદ્ધ આ કાવ્ય બે-ત્રણ વાર વાંચીએ ત્યારે એમાંના વિચાર અને ભાવની, લય અને પ્રાસની ગૂંથણી દેખાતી જાય અને ખબર પડે કે આપણને કેમ આ ગમે છે.
આ કાવ્ય એક ઉક્તિ છે; એક વ્યક્તિ બીજી વ્યક્તિને કશુક કહી રહી છે. જે કહેવાય છે તે વાત આમ તો સીધી સાદી છે : કે, “આ જગત આવું આવું છે, સારું ય છે અને નરસું પણ છે; પણ એમાં નભાવી લેવા કે ઉજાળી દેવા જેવાની સાથે સાથે માણવા જેવું પણ ઘણું ઘણું છે, જીવન હવે ઝાઝું નથી; આજુબાજુ જે જગત છે તેમાં જ તો વસવાનું છે – અને આપણે વસવું પણ ત્યાં જ છે – તો ચાલને, એમાં માણવા જેવું છે તે બધું માણીને ઉલ્લાસ કરીએ.”
આવી, ચાર વાક્યોમાં સમાવી શકાય તેવી સીધી સાદી વાત એ લખનારે ચૌદ પંક્તિના કાવ્યરૂપે કેમ રજૂ કરી હશે તેવો સવાલ સ્વાભાવિક થાય. એનો જવાબ ઉપર અપાયેલો ટૂંક સાર વાંચવાથી મળી રહેશે. સારરૂપ એવા ચાર વાક્યો આપણને એટલાં સ્પર્શી જતાં નથી જેટલી એ ચૌદ પંક્તિઓ સ્પર્શે છે. કારણ કે કાવ્ય વાચકના મનમાં જે ભાવ જગાડી શકે છે તે માત્ર ગદ્યાળુ વાક્યો જગાડી શકતા નથી. એ લખનાર કવિ છે; તે કશું સમજાવવા નથી બેઠો, એ માત્ર એક ભાવભર્યું નોતરું દેવા ચાહે છે. શાનું નોતરું છે આ? ચાલો, જરાક ધ્યાનથી તપાસીએ.
નોતરું તો છેક છેલ્લે આવે છે; પણ એ સ્વીકારવાની ભલામણ તો કાવ્યની “અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ” એ પહેલી પંક્તિથી જ થઈ જાય છે. આગળ વધી આખું કાવ્ય એ ભલામણ આપણને ગળે ઊતરી શકે તે માટે હળવા શા અનાગ્રહી અવાજે, “આ જગત આમ જોઈએ તો આવું આવું છે” એમ બતાવતા જાય છે. અહીં એક ક્યારેક જ જોવામાં આવે તેવું પુનરાવર્તન તરત નજરે ચડે. ક્ષણભર એમ થાય કે દરેક નવી કડી કેમ એકની એક પંક્તિથી શરૂ કરી હશે? આ કાવ્યને જો સંગીતની પરિભાષામાં જોઈએ તો જવાબ મળે કે એ એક પંક્તિ ધ્રુવપંક્તિનું કામ બજાવે છે; ભાવને ઘૂંટે છે. પ્રત્યેક કડીને અંતે મૂકવાને બદલે પ્રારંભે મૂકી; કારણ એ ભાવ જ, એ કથન જ આ કાવ્યનું મુખ્ય અંગ છે, મુખ્ય ભાવ છે. જે જગતમાં જ વસવું છે તેની સર્વ ખૂબી-ખામી પહેલી બે કડીમાં કહી. જગતમાં સારું-નરસું જે બધું વિગતે ગણાવાતું હોય છે બધું, “હા છે; પણ તેથી કરીને કયાં ય ભાગી જવું નથી” તે વાત, માત્ર એ એક પંક્તિ પ્રારંભે મૂકીને કવિ કહે છે ત્યારે એ પોતાના નિશ્ચયમાં દ્રઢ છે તે તો બતાવે જ છે પણ આવી આવી બધી જાણ સાથેનો એ નિશ્ચય છે તે પણ દર્શાવે છે..
પછી ત્રીજી કડીમાં, સંસારની જંજાળો આડે માણસનું મન જે જોવાનું ભૂલી જતું હોય છે તે પ્રકૃતિનાં સૌન્દર્યો યાદ કરાવીને એક શાંત, અને આનંદમય ભાવને જગાડે છે. અને એટલે હવે છેલ્લે બે જ પંક્તિમાં [હા, બે જ, કારણ કે હવે વધારે કહેવાનું હોય નહીં, વધારે કહેવા સમય પણ નથી અથવા તો જે સમય છે તે બોલવા-કહેવામાં ખરચવો નથી; માટે બે જ પંક્તિમાં-] ઉલ્લાસ કરવા નોતરે છે.
વળી જુઓ કે કવિ સખીને નોતરે છે. એ સખી કોણ? તમે કહેશો, “એ તો કવિ જાણે; અમે જેમને જોયા નથી, જેમની ઓળખાણ આ કવિતા સિવાય કશેથી છે નહીં, તે કવિની સખીને તો અમે ક્યાં ઓળખીએ છીએ?” પણ વિચારો કે કદાચ કવિ આપણને જ કહે છે કે, “ચાલ, ઉલ્લાસ કરીએ”; આપણે જ એ સખી છીએ – તો? કવિએ આ કાવ્ય એક વિકસેલા, ખીલેલા પ્રેમની ભૂમિકાએ રચી છે, એમનું સંબોધન "સખિ" (આપણે ગુજરાતીમાં દીર્ઘ 'ઈ' વાપરીએ છીએ, પરંતુ છંદમાં 'ખિ' બેસે છે એટલું જ નહીં પણ સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે સંબોધન હોય ત્યારે હ્રસ્વ 'ઇ' વપરાય છે તે દૃષ્ટિએ જોતાં એ ‘સખિ’ સંબોધન) વાચકને ઉદ્દિશીને હોય તો પણ એ સુયોગ્ય છે, સુચારુ છે; કારણ કે કાવ્ય નીચે જેનું નામ છે તે ભલે પુરુષ છે; પરંતુ કાવ્યમાં જે કહેનાર છે તે સ્ત્રી હોય તેમ જોઈ જોશું તો ‘સખિ’ સંબોધન તો સમજાશે જ અને વળી એમ પણ ખ્યાલ આવશે કે, “હા, આવી પ્રેમભરી દૃષ્ટિ, સ્વીકારની દૃષ્ટિ, કદાચ સ્ત્રીની જ હોય.” ખરું પૂછો તો કવિ સ્ત્રી-પુરુષ ઉભય હોય છે.
આટલે સુધી વાંચવા બદલ આભાર; પણ હવે પાછા એ કાવ્ય જ વાંચો; આ વિવરણ ભૂલી જાઓ; જુઓ તમને ય નવુ જડશે.
ઓક્ટોબર ૮, ૨૦૧૪. આસો સુદ પૂનમ, વિ..સં. ૨૦૭૦
ગ્લેન્ડેલ હાઈટ્સ, ઈલિનોઈસ, યુ.એસ.એ.