લાલ કૃષ્ણ અડવાણીના હરીફ ઉમેદવારો – ૨૦૦૪માં એક ડઝન – ૨૦૦૯માં દોઢ ડઝન
લોકસભા ચૂંટણી માટે ગુજરાતના મતદારો મતદાનના ત્રીજા તબક્કામાં ૩૦મી એપ્રિલે તેમનો મત આપે તેના દિવસોની ગણતરી થઈ રહી છે. ઉમેદવારો પાસે પ્રચાર કરવા માટે રોકડ બાર દિવસ રહ્યા છે. આ બારનો આંકડો વડા પ્રધાન પદ ઉપરાંત ગાંધીનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર લાલ કૃષ્ણ અડવાણીને જરા જુદી રીતે લાગુ પડે છે. ગઈ ચૌદમી લોકસભાની ચૂંટણી કરતાં આ વખતે તેમની સામેના હરીફ ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. લોકસભાની બે ચૂંટણીઓ વચ્ચેના સામાન્યત: પાંચ વર્ષના સમયગાળામાં મતદારોની સંખ્યા, ચૂંટણીનો ખર્ચ વધે એ તો સમજી શકાય તેવું છે. પરંતુ હરીફ ઉમેદવારોની સંખ્યા વધે, ચોક્કસ પ્રમાણમાં વધે એવું અડવાણીની બેઠક પર જોવા મળ્યું છે.
એપ્રિલ-૨૦૦૪માં યોજાયેલી ચૌદમી લોકસભાની ચૂંટણીમાં લાલ કૃષ્ણ અડવાણી સામે કુલ બાર (૧૨) હરીફ ઉમેદવારો હતા તો આ વખતની ચૂંટણીમાં હરીફ ઉમેદવારોની કુલ સંખ્યા છે અઢાર (૧૮). આમ પાંચ વર્ષમાં હરીફ ઉમેદવારોની સંખ્યા ડઝનથી વધીને દોઢ ડઝન થઈ છે. એલ. કે. અડવાણીને હાલ ૮૨મું વર્ષ ચાલી રહ્યું છે. આ વખતે તેમની ઉંમરની નજીક ગણાય તેવા એક પણ હરીફ ઉમેદવાર મેદાનમાં નથી. મોટા ભાગના હરીફ ઉમેદવારો ૩૦થી ૬૦ની વયના છે. બાકી ગઈ ચૂંટણીમાં ૭૬ વર્ષ પૂરાં કરેલા અડવાણી સામે તેમની જ ઉંમરના વિઠ્ઠલભાઈ પંડ્યાએ (તેમને સ્વ. હરેન પંડ્યાના પિતાજી રૂપે ઓળખાવવા અજુગતું લાગે છે.) અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, તો મુખ્ય પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર ગાભાજી ઠાકોર પણ ૭૧ વર્ષના હતા.
જો કે આ બન્ને ચૂંટણી વચ્ચે એક સામ્ય જરૂર છે. વાત ઉંમર સાથે જ સંકળાયેલી છે. ગઈ લોકસભા ચૂંટણીમાં અડવાણી સામે ૨૮ વર્ષના ઇમરાન અજમેરી ઉર્ફે સોનિયાદે પવૈયાએ અપક્ષ ઉમેદવારી કરી હતી તો આ ચૂંટણીમાં ૮૨ વર્ષના અડવાણી સામે સિદ્ધેશ દિનેશભાઈ પટેલ નામના ૨૮ વર્ષીય યુવાને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ૮૨ વિરુદ્ધ ૨૮. અડવાણીના પ્રતિસ્પર્ધી અપક્ષ ઉમેદવારોમાં રાજકારણ સાથે સીધો સંબંધ ધરાવતી વ્યક્તિનું નામ છે રાહુલ મહેતા, જેમના પિતા ચીમનભાઈ મહેતા ૧૯૮૪થી ૧૯૯૬ વચ્ચે બે ટર્મ માટે ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા અને કેન્દ્ર સરકારમાં માનવ સંસાધન વિકાસ વિભાગમાં રાજ્યમંત્રી પણ હતા. તેઓ પહેલી મુદતમાં કોંગ્રેસમાંથી અને બીજી મુદતમાં જનતાદળમાંથી ચૂંટાયા હતા. હાલ તેઓ અમદાવાદમાં જ નિવૃત્ત જીવન ગાળે છે.