ઊંચા ભાવ અને વિકાસની ધીમી ગતિની આ સ્થિતિને યુરોપમાં સ્ટેગ્ફ્લેશન કહે છે – આ સ્થિતિમાં સ્ટેગનન્સી અને ઇન્ફ્લેશન નન્ને એક સાથે છે
આપણે ત્યાં દિવાળીમાં ઘોર અંધકાર હોય તો કેવું લાગે? જરા ય ગળે ન ઉતરે અને મન પર ભારે લાગે તેવું આ વિધાન યુરોપમાં ક્રિસમસ ટાણે સાચું પડે તેવી શક્યતા છે. આખા યુરોપના દેશો (યુરોપિયન યુનિયન – ઇ.યુ.) પોતાના નાગરિકોને આ શિયાળે વીજળીની બચત કરવા માટે ક્રિસમસ લાઇટ્સ બંધ રાખવા વિનંતી કરી રહ્યા છે. આ નોબત રશિયાને કારણે આવી છે. રશિયાએ યુક્રેન પર ચઢાઈ કરી તેનાં પગલે મોસ્કો પર પશ્ચિમે પ્રતિબંધ મુક્યા. તેના પ્રત્યાઘાતરૂપે રશિયાએ યુરોપના દેશોમાં ગેસના સપ્લાય પર કાપ મૂકી દીધો.
આ વર્ષે ઇ.યુ.ના દેશોમાં ક્યાંક ક્રિસમસ લાઇટ્સ મોડી થશે તો ક્યાંક લાઇટિંગનો સમય સાંઇઠ ટકા ઓછો કરાશે તો લોકોને પાણી ઓછું વાપરવાથી માંડીને, સૉના બાથ ન લેવાની અપીલ કરાઇ છે તો એમ પણ કહેવાયું છે કે સ્ટવ ગરમ થાય પછી સ્ટવ બંધ કરી દઇ પાસ્તા રાંધવા. અહીં વાત માત્ર વીજળીની તંગીની નથી આ મંદીના આગમનના સંકેત છે. ગેસ તો અધધધ મોંઘો છે જ, પણ દુકાળની અસર પણ ઘેરી છે અને તેની સામે રોજિંદી ચીજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો છે. ઊંચા ભાવ અને વિકાસની ધીમી ગતિની આ સ્થિતિને યુરોપમાં સ્ટેગ્ફ્લેશન કહે છે – આ સ્થિતિમાં સ્ટેગનન્સી અને ઇન્ફ્લેશન બન્ને એક સાથે છે. યુરોપમાં ફુગાવાનો દર સપ્ટેમ્બર પછી વધશે જ તે અર્થશાસ્ત્રીઓએ કહી રાખ્યું છે. યુરોપિયન સરકાર પાસે કઇ કટોકટી વેઠવી એના ય વિકલ્પો છે – આર્થિક કટોકટી કે વીજ શક્તિની – ઊર્જાની કટોકટી? જો સરકાર, ખાનગી ક્ષેત્રને ઊર્જાના વધતા ભાવ સાથે એડજેસ્ટ થવા સૂચન કરે તો મેન્યુફેક્ચરિંગના ભાવ વધે, અંતે આની અસર રોજિંદા ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ પર પણ પડે. સિત્તેરના દાયકામાં પણ આમ જ થયું હતું કે પહેલાં ઊર્જાના ભાવ આસમાને આંબ્યા અને પછી મંદીનો ભરડો મજબૂત બન્યો હતો.
શું આ મંદીની અસર 2008ના સબપ્રાઇમ ક્રાઇસિસ જેવી ઘેરી હશે? ભારત પણ તેના સપાટામાં લેવાઇ જશે? ભારતમાં ઓઈલ, કોલસો અને લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાતમાં જંગી પ્રમાણમાં થાય છે અને આ આયાત વધી પણ છે. રશિયાને પાઠ ભણાવવા ઇ.યુ.ના દેશોએ રશિયન ગેસ ન ખરીદવાનું નક્કી કર્યું અને યુરોપમાં ગેસના ભાવ આસમાને પહોંચ્યા. ઈ.યુ.માં વીજળીના બિલ છાતીનાં પાટિયાં બેસી જાય એવા આવે છે. જો આ સ્થિતિ જો એકાદ વર્ષ પણ ચાલી તો ભારતના વિદેશી નાણાંનો સંગ્રહ પાંખો થતો જશે કારણ કે નિકાસ ઘટશે અને આયાત વધશે. આમ વ્યાપારની ખોટ રૂપિયાને ગગડાવીને પાતાળ લોકમાં પહોંચાડી દેશે. રશિયા પાસેથી ઓઇલ મંગાવવું એ ભારતની ફુગાવાને મેનેજ કરવાની એક રીત છે, જો કે આયાત આધારિત દેશોએ યુરોપમાં જે થઇ રહ્યું છે તેની ચિંતા કરવી જ રહી. કાલે ઊઠીને રશિયા ભારતમાં દરિયાઈ માર્ગે જે પુરવઠો મોકલે છે તે અટકાવીને પોતે એવા માર્કેટમાં પુરવઠો મોકલે જે તેમને નજીક પડે તેવું પણ થઇ શકે છે. આમ પણ યુદ્ધ ચાલુ થયું ત્યારથી રશિયાના ગેસ ઉત્પાદકે ભારતને મોકલાતો પુરવઠો સાવ ઘટાડી દીધો છે. ભારત ઇરાક, સાઉદી અરેબિયા, યુ.એ.ઇ. અને યુ.એસ. જેવા દેશોને ગેસ પુરવઠો આપતા વિકલ્પ તરીકે જુએ છે પણ ત્યાં કિંમતો ઘણી ઊંચી છે. ભારતમાં હાલમાં ગેસની કિંમતો બે વર્ષ પહેલાં હતી તે કરતાં 280 ટકા વધારે છે. લિક્વિડ નેચરલ ગેસની ભારતની જરૂરિયાત મોટી છે અને જો કે પૂરી ન થાય તો વૈશ્વિસ સ્તરે નેચરલ ગેસના માર્કેટમાં ભારતને માટે સ્પર્ધા કરવી અઘરી છે. વિકાસશીલ દેશો માટે ભાવ વધારા સામે ઊર્જા અને વીજળી મેળવવા અઘરાં હશે. એમાં પાછો રૂપિયો પણ ગગડ્યો છે. લોકલી પણ ગેસના ભાવ ભારતમાં વધ્યા છે અને તે ઉપર જ રહેશે તેમ મનાઇ રહ્યું છે. લાંબા ગાળે ભારતે ઊર્જાના વૈકલ્પિક સ્રોતને મહત્ત્વ આપીને અન્ય રાષ્ટ્ર અને હાઇડ્રોકાર્બન્સ પર આધાર ઘટાડવો પડશે.
ફરી યુરોપ તરફ વળીએ તો ઇ.યુ.માં બધો વાંક ઊર્જા સાથે સંકળાયેલી સમસ્યાનો નથી. જો ઊર્જાનો ધક્કો સરકાર પોતાને માથે લઇ લે તો નાણાંકીય ફટકો ભોગવવો પડે. એક ટાળવા માટે બીજું વહોરવું પડે. યુરોપના જી.ડી.પી. પર ઊર્જાના પુરવઠાની અછતની માઠી અસર થશે – આ સંજોગોમાં મંદી ટાળી શકાય તેમ છે જ નહીં. ભલેને યુરોપિયન યુનિયને પોતાની ક્ષમતા કરતાં 80 ટકા વધારે ગેસ રિઝર્વ ખડા કર્યા છે પણ 27 દેશોનો બ્લોક શિયાળામાં ઊર્જાના પુરવઠાને મામલે સંધર્ષ કરી રહ્યો છે, ઘણા યુરોપિયન દેશોએ માત્ર અનામત રખાયેલા પુરવઠા પર આધાર રાખીને આટલાં વર્ષોથી શિયાળો પસાર નથી કર્યો. વળી યુરોપિયન યુનિયનના દેશો ગેસના પુરવઠાને વહેંચવાને મામલે એકમત થશે કે કેમ એ પ્રશ્ન તો ખડો છે જ. યુરોપિયન દેશોના બ્લોકમાં જી.ડી.પી.ને મામલે જર્મની અને ઇટાલી અગત્યનાં છે અને આ બન્નેનો મોટો આધાર ગેસ પર છે અને માટે જ આ અછત, ફુગાવો બધું જ મંદી તરફ ધસવાની નિશાનીઓ છે.
ખરેખર તો યુરોપે એક મજબૂત, વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઉભરાવું જોઇએ પણ તેના બદલે યુરોપ ક્ષીણ થઇ રહેલો પ્રદેશ લાગે છે. ઉત્પાદનકર્તાઓ મોંઘવારી વેઠવાને બદલે વિદેશમાં ઉત્પાદન કરવાનું પસંદ કરશે અને નાના બિઝનેસ ઠપ્પ થઇ જશે.
ભારત પર આ મંદીની અસર થશે ખરી પણ એ બધું હોવા છતાં આપણે બાકીના વિશ્વથી અલગ એવી અર્થવ્યવસ્થા પણ ધરાવીએ છીએ – આપણું સ્વદેશી અર્થતંત્ર આપણી ક્ષમતાઓની ધાર કાઢે તેમ છે. આત્મનિર્ભર ભારતની વાસ્તવિકતા જેટલી મજબૂત હશે તેટલા આપણે મંદીના મારથી બચી શકીશું.
બાય ધી વેઃ
યુરોપિયન લીડર્સ દોષનો ટોપલો રશિયા પર ઢોળે છે પણ સિક્કાની બીજી બાજુએ યુરોપે અશ્મિગત ઇંધણ પછીના વિકલ્પો અંગે અપનાવેલી આર્થિક નીતિઓ પણ આ સમસ્યા માટે જવાબદાર છે. યુરોપના સત્તાધીશો, જર્મની કે ફ્રાંસ કે યુરોપિયન યુનિયનના વડાઓએ ક્યારે ય પણ ઊર્જાના રાશનિંગની વાત ન કરી, ન ખેડૂતોને ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઘટાડવા કહ્યું – ફર્ટિલાઇઝર્સ પણ પેટ્રોલિયમાંથી – રશિયામાંથી મેળવાય છે. ભૂતકાળમાં ડીઝલના ઊંચા ભાવ અંગે કોઇએ રશિયાનો વાંક ન કાઢ્યો માત્ર રશિયા પાસે જ ઓઇલ અને ગેસ છે તેમ નથી, પણ યુરોપિયન કમિશનરને બીજે નજર દોડાવવી નથી. આ માથે ઝળુંબી રહેલી મંદી ટાળવી શક્ય છે કારણ કે આ 2008 જેવો વખત નથી પણ પુતિનનું ઠેકાણે આવે અને એ આ યુદ્ધ અટકાવે તો કંઇ ફેર પડે, બાકી ભયો ભયો!
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ઑક્ટોબર 2022