Opinion Magazine
Number of visits: 9446281
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુટુંબકથા નિમિત્તે ભારતીય મૂલ્યોની શોધ કરતી પ્રશિષ્ટ ઉડિયા નવલકથા – ‘માટીનો માનવી’

અરવિંદ વાઘેલા|Opinion - Literature|5 October 2022

ભારતનાં સત્ત્વશીલ પ્રાંતીય સાહિત્યને સાચા અર્થમાં ભારતીય સાહિત્ય બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેલ સાહિત્ય અકાદમી, ભારતીય ભાષાઓની ઉત્તમ કૃતિઓને વિવિધ ભાષામાં અનુવાદિત કરાવવાની પ્રશંસનીય પ્રવૃત્તિ કરે છે. ઉડિયા ભાષાની આ સીમાચિહ્નરૂપ કૃતિને અકાદમીએ પસંદ કરી ભારતની વિવિધ ભાષાઓના ભાવકો સુધી પહોંચાડવાનું પડકારજનક કાર્ય કર્યું છે. આ કૃતિને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવાનો પડકાર ઉઠાવવાનું કામ ઉત્તરા દેસાઈ અને નારાયણ દેસાઈ એ કર્યું છે. આ કાર્ય પાછળ ઉમાશંકર જોશીની પ્રેરણા પણ મહત્ત્વનું પરિબળ બન્યું. અનુવાદ આમ તો ભારે કપરું કામ છે પરંતુ અનુવાદકો કહે છે તેમ – ‘અમારા પૈકી એકની માતૃભાષા ઓડિયા અને બીજાની ગુજરાતી છે, એટલે એક અનુવાદકને જે સગવડ ન મળે તે અમને મળી છે.’ અને એટલે જ તો ‘માટીનો માનવી’ આપણી પોતીકી કૃતિ લાગે છે. સુરતી બોલીની આછી છાંટ ધરાવતો અનુવાદ કૃતિને ગુજરાતીપણું આપે છે. મૂળ કૃતિ પ્રત્યેની વફાદારી અનુવાદમાં જળવાઈ રહે અને છતાં પોતાપણાનો અહેસાસ થતો રહે છે. કદાચ કૃતિના કથાવસ્તુમાં પડેલ પેલા સનાતન ભારતીય મૂલ્યો એના માટે કારણભૂત હશે.

કાલિંદીચરણ પાણિગ્રહી‘માટીનો માનવી’ એ શીર્ષકથી ગુજરાતીમાં અનુદિત કૃતિ, ‘માટીર મણિસ’ એ મૂળ તો ઉડિયા ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર કાલિન્દીચરણ પાણિગ્રહીની નોંધપાત્ર નવલકથા છે. મૂળે નવલકથાકાર  કાલિન્દીચરણ પાણિગ્રહીની અન્ય જાણીતી નવલકથાઓમાં ‘લુહાર મણિષ’ અને ‘અમરચિત્ર’ છે. નવલકથા ઉપરાંત કવિતા, નિબંધ અને નવલિકાનાં સ્વરૂપને તેમને સફળતાપૂર્વક ખેડ્યું છે. ‘સાગરિકા’, ‘શેષરશ્મિ’ અને ‘રાશિફલ’ એમના વાર્તાસંગ્રહો છે. ‘માટીર માણિસ’ એમની અત્યંત લોકપ્રિય અને અકાદમી એવોર્ડ વિજેતા કૃતિ છે.

ભારતીય કૃષિસંસ્કૃતિ અને ‘રામાયણ’ના કથાબીજ પર રચાયેલી જનપદ વિશેષની આ કૃતિ ધરતીનો પોપડો ફાડીને સ્વયંભૂ પ્રગટી હોય એમ લાગે છે. ઉડિયા ભાષામાં ગ્રામીણ જીવનને આલેખતી નવલકથાઓમાં, ઉડિયાના ટોમસ હાર્ડી ગણાતા ફકીર મોહન સેનાપતિ પાસેથી 1901માં કૃષિસંસ્કૃતિના કથાબીજ પર આધારિત ‘છ માણ આઠ ગુંઠ’ નામની પ્રશિષ્ટ કૃતિ મળે છે. ઉડિયા નવલકથાના બીજા એક મહાન સર્જક ગોપીનાથ મહંતી ‘અમૃતર સંતાન’ નામની એક જાતિવિશેષ અને જનપદવિશેષની અમર કૃતિ આપે છે. ‘કાન્હુચરણ મહંતીની ‘સજા’ જેવી પ્રશિષ્ટ ઉડિયા નવલકથાઓની સમૃદ્ધ સર્જક પરંપરામાં કાલિન્દીચરણ પાણિગ્રહી પોતાની આગવી લાક્ષણિક છાપ છોડી જતા સર્જક છે.

‘માટીનો માનવી’ ચુસ્ત રચનાસંવિધાન ધરાવતી એક નાનકડી કથા છે. તદ્દન સામાન્ય લાગતી કૌટુંબિક કથાની પશ્ચાદમાં સર્જક ઓરિસ્સાના કૃષિ આધારિત ગ્રામજીવનના વાસ્તવિક અને વૈવિધ્યસભર રંગો પ્રગટાવે છે. સદીઓથી ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને સાચવીને બેઠેલાં ગામડાં અને ગ્રામીણોના માનવીય ગુણોનું તેમ જ ઓરિસ્સાના જનપદનું સૂક્ષ્મ અને વિગતસભર આલેખન કરતા લેખક કથાના પોતમાં કુટુંબકથાના તાણાવાણા ગુંથતા જાય છે. ભારતીય સામાજિક પરંપરામાં ચાલી આવતી સયુંકત કુટુંબપ્રથા અને તેમાં ઈર્ષાળુ, વિઘ્નસંતોષીઓ દ્વારા નખાતાં રોડાંની વાતને લેખક ક્રમિક રીતે ભાવકો સમક્ષ ઉઘાડતા જાય છે.

કાલિન્દીચરણ પાણિગ્રહી નવલકથાનો મંચ ઓરિસ્સાના કટક જિલ્લાના પધાનપાડા નામના નાનકડા ગામમાં ગોઠવે છે. ગામમાં શામુ પધાન નામનો એક ભલો સજ્જન ખેડૂત રહે છે. આજુબાજુના ગામડાંઓમાં એની સારી શાખ છે. એનું ઝૂપડું .. ‘ઘરના મોટા કદને લીધે નહિ પણ મુરબ્બીની માણસાઈને લીધે .. બધા લોકોમાં જાણીતું હતું’,  – ‘ભલે એના ઘરમાં પથ્થરનાં પગથિયાં ન હોય, ભલે એની ભીંતો ઈંટોની બનેલી ન હોય, માટીની ભીંત અને પરાળનું છાપરું ..’ વારંવાર ભાંગતું અને ફરી પાછું ઊભું થતું આ ઘર, જાણે હજારો વર્ષોથી વિદેશી આક્રમણો સામે ખંડિત થતી ને પાછી જીર્ણોદ્ધાર પામતી ભારતીય સંસ્કૃતિ ! ‘રામાયણ’ના કથાબીજ પર રચાયેલી આ કૃતિમાં લેખક અહિંસા, સહિષ્ણુતા, ત્યાગ અને ભાતૃપ્રેમ જેવાં સનાતન ભારતીય મૂલ્યોનું આલેખન સાદી ભાષામાં સરળ કલ્પન, પ્રતીકો અને મીથના પ્રયોગથી કરે છે.

શામુ પધાન અને શામુ પત્ની રામીની સેવા અને આતિથ્યભાવના જુઓ, – ‘ગામમાં કોઈ જોગી ભિખારી આવે તો લોકો એને શામુ પધાનનું ઘર ચીંધી આપતા’ પરોપકારી અને મદદ માટે સદા ઉત્સુક શામુ પધાન, ગામમાં થતાં ઝઘડાના સમાધાન માટે, કોઈ સાજુ માંદુ હોય તો દવાદારૂ માટે, લગ્નની ખરીદારીમાં, ભણતર કે ભાગવતપાઠમાં મદદ માટે હંમેશાં તૈયાર રહેતો. આપત્તિના સમયમાં કોઈ તેડે કે ન તેડે તે સામેથી મદદ માટે દોડી જતો અને લોકોને કહેતો પણ ખરો કે, – ‘કેમ અલ્યા ! શામલો શું મારી પરવાર્યો?’ મારામારી કે ઝઘડાના પ્રસંગે સમાધાન માટે વિનમ્ર પ્રયાસ કરતો, કોઈની દાઢીમાં હાથ ઘાલતો, કોઈના પગ પકડતો પણ કોર્ટ કચેરી ન થવા દેતો. ભારતીય ગ્રામીણોના દિલમાં આ ગુણે જ તો સામાજિક ઐક્યને ટકાવી રાખ્યું છે.

શામુની પત્ની રામી, ભારતીય ગ્રામીણ નારીનું પ્રતિનિધિત્વ કરતું પાત્ર છે. ઘરરખ્ખું ગૃહિણી હોવાની સાથે એ ખેતીવાડીમાં મદદરૂપ થતી અને પતિના પગલે ચાલી પરોપકારનું કાર્ય પણ કરતી. જરૂરિયાતવાળાને મદદ પણ કરતી અને કહેતી પણ ખરી કે, -‘કેમ અલી પોરી ઘરમાં મારે ભલેને કાંઈની હોય, તેથી શું થિયું ? તારાં  પોયરાં સામે જોઉં તો મારા પોયરાં સામું કો’ક તો જોશે કે નહિ ? ગામની સ્ત્રીઓ સુદ્ધાં તેના વખાણ કરતી – ‘પધાનને ત્યાંની ડોશી ધન્ય છે.’ શામુની પત્ની રામી પરંપરાગત સાસુ પણ છે, બંને વહુઓ પર પ્રભાવશાળી કડબ ધરાવે છે તો બંને ને પ્રેમ પણ એટલો જ કરે છે . બંને વહુઓને હળીમળી રહેવા સમજાવે છે અને જો ઝઘડો થાય તો દુઃખી થઇ જાય છે.

શામુ દંપતીને બે પુત્રો હતા, ડોશીએ દેવદેવીઓ પૂજીને, વ્રત ઉપવાસ કરીને પ્રાપ્ત કરેલા. અહીં ભારતીય નારીનો પરંપરાગત માન્યતાઓ પ્રત્યેનો વિશ્વાસ,આસ્થા – શ્રદ્ધા જોઈ શકાય છે. પુત્રવત્સલ ડોશી બંને દીકરાઓને વહાલથી કે પછી બાધા – આખડીને કારણે, તેઓના નામથી બોલાવવાને બદલે બરજૂને ‘ ઉચ્છેદિયો’ અને છકોડીને ‘અવળચંડો’ કહીને બોલાવતાં.

મોટો બરજૂ ગામની ચાટશાળામાં ભણીને ગુમાસ્તાનું કામ કરે છે. બરજૂ સંવેદનશીલ, વિચારશીલ અને આજ્ઞાંકિત પુત્ર છે. જયારે નાનો છકોડી છેલબટાઉ, મેળાઓમાં ફરવાનો શોખીન અને શહેરની ઝાકઝમાળથી આકર્ષાયેલો હતો. જેથી ઘણીવાર એ શહેરમાં નોકરીએ જવા દેવા પિતાને વિનંતી કરતો, પરંતુ ધરતીપુત્ર શામુ એને ઠપકો આપતો કે, – ‘કેમ રે, ગામની માટી કાંઈ ગંધાઈ ઉઠી કે શું’? અહીં શામુની, એક કૃષકની પોતાની ભૂમિ સાથે જોડાયેલા રહેવાની મમત અને પ્રેમ દેખાય છે. ખેડૂત હોવાનું ગૌરવ કરતો શામુ, મોટા પુત્ર બરજૂને પણ નોકરી છોડી દેવા સમજાવતાં કહે છે કે, -‘આપણે તો નાના માણસ, આપણને એ ઠાઠ વળી શાના? ભોંય ખેડવામાં તો બાપદાદાની સાત પેઢી વીતી ગઈ, હળ લાકડું મૂકી, કલમ ઝાલી આપણે વળી કયા સ્વર્ગે જવાના’? અહીં લેખકે કૃષિ અને ગ્રામ સંસ્કૃતિનો મહિમા કર્યો છે. પિતા આ સંસ્કાર પુત્રોને વારસારૂપે આપે છે. પત્નીના મૃત્યુ પછી શામુને પોતાનો અંતકાળ નજીક જણાતા, પોતાના અનુભવનું જ્ઞાન પુત્રોને વારસારૂપે આપતાં કહે છે, કે – ‘અરે ગાંડા ! ધન એકઠું કરવું એ ગાંડપણ છે, કહેવાય છે ને કે, દીકરો યોગ્ય હોય તો ધનસંગ્રહ શા સારું કરવો ?’ શામુ પધાન મૃત્યુ પૂર્વે બંને ભાઈઓને હળીમળીને સાથે રહેવાનો સંદેશ આપે છે, ખાસ કરીને બરજૂને જયેષ્ઠપણાનું ભાન કરાવતાં કહે છે. – ‘એક વાત યાદ રાખજો તમે બે ભાઈઓ છો, ખેતર વચ્ચે પાળ ન ઊભી કરવી પડે, ઘરના આંગણા વચ્ચે વરણાઈ ઊભી ન કરવી પડે એનું ધ્યાન તું જ રાખજે. વારસામાં ધર્મ મૂકીને ડોસા મૃત્યુ પામ્યા, પિતાની અંતિમક્રિયા પછી બરજૂ ઘર અને ખેતરની સઘળી જવાબદારી ઉઠાવી લઇ પિતાની આજ્ઞાનું પાલન કરે છે. પરંતુ ઘરમાં વાસણ હોય તો ખખડે તો ખરા જ, એમ દેરાણી – જેઠાણીના ઝઘડા શરૂ થાય છે. બરજૂની પત્ની (હારાની મા) અને છકોડીની પત્ની નેત્રમણિ વચ્ચે ઘરકામ બાબતે અને ઈર્ષ્યા અને અભિમાનને કારણે ઝઘડા વધતા જાય છે. નાની નાની વાતો મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરવા લાગી … ઓરિસ્સામાં કોઈને ભૂલથી પગ લાગી જાય તો ‘વિષ્ણુ’ કહી પગે લાગવાનો રિવાજ છે. એક વાર જેઠાણીને દેરાણીનો પગ અડકી જાય છે, નેત્રમણિ ‘વિષ્ણુ’ કહીને જાય છે, પરંતુ હારાની મા ગુસ્સામાં એની સાથે ઝઘડો કરે છે – ‘કેમ અલી ? માણસ દેખાતાં નથી તે રસ્તે ચાલતાં લાત ઠોકી જાય છે’. છકોડી પત્નીને ઉશ્કેરે છે. તે પણ સામું બોલવા માંડે છે – ‘… મેં તો કાંઈ રાંડનું ખાધું છે કે મને આટ આટલું સંભળાવી જાય !’ છકોડી પણ પત્નીનો પક્ષ લઇ ભાભીને ગાળો ભાંડી મારવા દોડે છે. ઈર્ષ્યા, અદેખાઈને કારણે સંયુક્ત કુટુંબમાં વૈમનસ્યની આગ ભભૂકી ઊઠે છે. બરજૂની પત્ની સ્વભાવે કંકાસિયણ હતી, ખેતીનું કામ કરી થાકેલા બરજૂ પાસે દિયર દેરાણીની ફરિયાદ કરતી. અહીં ઘરકામ, સહિયારી મિલકત, કુટુંબનો આર્થિક બોજો વગેરે સંયુક્ત કુટુંબમાં ઝઘડાનું, કંકાસનું કરણ બને છે. સાસુ સસરાના મૃત્યુ પછી દેરાણી જેઠાણીના સંબંધોમાં વધુ ખટાશ આવે છે, એકના મોઢાનો બોલ બીજી સાંખી શકતી નથી, બોલે બોલે તડને ફડ જવાબ મળે છે. બંને વચ્ચે સહેજ પણ સુમેળ નથી. સ્વભાવ અને વિચારની ભિન્નતાને કારણે વૈમનસ્ય ઊભું થાય છે પરિણામે આખું કુટુંબ કલેશ, કંકાસમાં ઝડપાઈ જાય છે. સંયુક્ત કુટુંબ માટે વિઘાતક એવી આ પરિસ્થિતિનું યથાર્થ દર્શન બંને વહુઓ વચ્ચેના ઝઘડામાં જોઈ શકાય છે.

કૌટુંબિક ઝઘડાનું એક કારણ નિ:સંતાનપણું છે. મોટી વહુને ચાર સંતાન છે જ્યારે નાની નિ:સંતાન છે. આ વેદનાને કારણે નેત્રમણિ મોટીનાં સંતાનોને નફરત કરે છે. બરજૂ પધાનની દીકરીઓ હારા – સોનાના લગ્નો વખતે નેત્રમણિ રીસામણા લે છે એટલું જ નહિ છાકોડીને પણ લગ્નમાં જતો અટકાવે છે. – ‘જો જે ભાઈ ભાભીનો લાડકો થવા જઈશ તો મારી પાસે ફરકવા નહિ દઉં’ ઘરમાં લાગેલી આ આગમાં હરિમિશ્ર જેવા સમાજના વિઘ્નસંતોષીઓ ઘી નાખે છે. લગ્નનો હિસાબ, પહેરામણી બાબતે, છકોડી – નેત્રમણિની કાનભંભેરણી કરે છે, પરિણામે સોનાના લગ્ન ટાણે નેત્રમણિ જેઠાણી સાથે ઝઘડો કરી ગાળો દે છે. – ‘બળ્યા મોંની, દાઝ્યા મોંની, રાંડ તારું નખ્ખોદ જાય, તારી પોરિયોના ચૂડલા ભાંગે’. બરજૂની પત્ની સામે ઝઘડો કરે છે પણ બરજૂ પત્નીની આ ભૂલનું પ્રાયશ્ચિત કરે છે. જેનાથી એનું હૃદય પરિવર્તન થાય છે.

ઘરના બંને દંપતીઓના સ્વભાવ અને વિચારોમાં આભ જમીનનો તફાવત છે. બરજૂ પત્નીને ઝઘડાથી દૂર રહેવા સમજાવે છે, મોટા હોવાને નાતે સમજદારી દર્શાવવા કહે છે. બરજૂ મૌન અને ઉપવાસના ગાંધીચિંધ્યા માર્ગે, અથાક પ્રયત્નો પછી હારાની માનું હૃદયપરિવર્તન કરાવવામાં સફળ રહે છે. – ‘હારાની માના દિલમાંના દેવે શેતાનને હરાવી દીધો’ અસદ પર સદનો વિજય થાય છે. બરજૂના સત્ય પ્રતિના વિશ્વાસનો વિજય થાય છે. બીજી તરફ કાચા કાનનો છકોડી પત્નીનો ગુલામ બની જાય છે. નેત્રમણિ, છકોડીને વારંવાર અપમાનિત કરે છે અને ભાઈની વિરુદ્ધ ઉશ્કેરે છે. નેત્રમણિને હરિમિશ્રનો સાથ મળે છે. હરિમિશ્ર બ્રાહ્મણ હોવા છતાં ચાંડાળ કરતાં ય હીન પ્રકૃતિનો છે. બરજૂની  લોકપ્રિયતાની ઈર્ષ્યા કરતો મિશ્ર છકોડીને પોતાનો હાથો બનાવે છે. છકોડીની જુદા થવાની વાતથી તેને ખૂબ દુ:ખ થાય છે. બરજૂ પોતાની પત્નીના હૃદયને તો ઉપવાસ અને સત્યાગ્રહથી બદલે છે પણ નાના ભાઈને ન સમજાવી શકવાનું એને ભારે દુ:ખ છે. તૂટતા કુટુંબને બચાવવા મથતો બરજૂ ઘસાતી જતી ભારતીય સંસ્કૃતિનો પ્રતિનિધિ છે. કોઈ પણ ભોગે ઘરના ભાગલા થતા અટકાવવા એ કટિબદ્ધ છે.

ધર્મ પર અખૂટ શ્રદ્ધા ધરાવતો આ ભારતીય ગ્રામીણ ખેડૂત બરજૂ, અધર્મ અને અત્યાચાર સામે લડવા પ્રાર્થના કરે છે કે, – ‘હે ધર્મ, મને બળ આપો, હિંમત આપો, જ્યાં ક્યાં ય અધર્મ છે, પાપ છે, ત્યાં હું સામો થાઉં, ખપી જાઉં, અધર્મ અને પાપનો ક્ષય કરવા મારા હાડકાંના હથિયાર થાઓ’ સત્ય અને અહિંસાના ગાંધીમૂલ્યોથી પ્રભાવિત બરજૂ ગરીબ અને શ્રમિકોનો હમદર્દ, મિત્ર બનીને ઊભો રહે છે. શોષિત પીડિત લોકોનો નેતા બને છે. દુનિયાના શક્તિશાળી, ધનવાન લોકોના પિંડમાં દયા ધર્મ વસે એ માટે પ્રાર્થના કરતાં કહે છે કે, -‘હે ધર્મ ! હે સત્ય ! તેમને તમે માનવ બનાવો … … માનવને માનવ તરીકે પિછાને, સ્નેહ કરે, આદર કરે, નાનો મોટાને અદેખાઈની નજરે ન જુએ, એ મોટો થયો તેથી તેનું અમંગળ ન ઈચ્છે.’ બરજૂના પાત્રનો આ સ્વથી સમષ્ટિ સુધીનો ચેતોવિસ્તાર ભારતીય સંસ્કૃતિના વિશ્વબંધુત્વ અને માનવતાવાદનો પુરસ્કાર છે.

હરિમિશ્ર અને નેત્રમણિ સતત છકોડીને જુદા થવાની દુષ્પ્રેરણા આપે છે, પરંતુ બરજૂ દંપતી મૌન રહી સહિષ્ણુતા દાખવે છે. પત્નીનાં મહેણાં ટોણાંથી કંટાળેલો છકોડી આખરે હરિમિશ્રની મદદથી  મોટાભાઈ સમક્ષ મિલકતના ભાગ પાડવાની રજૂઆત કરે છે. બરજૂને ઘરની વાતમાં કોઈ ત્રાહિતની દખલગીરી મંજૂર નથી. ઘરના જવાબદાર વ્યક્તિ તરીકે, પિતાની આજ્ઞાનું પાલન કરનાર પુત્ર તરીકે બરજૂનું ઉદ્દાત વ્યક્તિત્વ અહીં પ્રગટે છે. મિલકતના ભાગ કરવાને બદલે પિતાની ઈચ્છાને માન આપવાનું પસંદ કરે છે. જુઓ બરજૂ કહે છે કે, -‘મિલકત વહેંચાશે નહિ. બધું તારું થયું. ઘરબાર, ખેતર, બગીચો, ઢોરઢાંખર જે કાંઈ છે તે બધું જ. હું કાલે છોકરાંઓને લઈને ઘર છોડી જતો રહું છું’. સર્વસ્વના ત્યાગનો બરજૂનો આ નિર્ણય છકોડીને આશ્ચર્યચકિત કરી દે છે. છકોડીના હૃદયના ઊંડાણમાંથી એક શબ્દ આવે છે ‘ના’. છકોડીનું આ ઉચ્ચારણ સચ્ચાઈભર્યું છે, ન એમાં નેત્રમણિની નફરત કે હરિમિશ્રની ચાલાકી ભળી હતી. બરજૂના આ નિર્ણયને નેત્રમણિ હળવી મજાક તરીકે જુએ છે, એટલું જ નહિ પણ છકોડીને ધમકાવતાં કહે છે કે, -‘કહેવું’તું ને કે જવું હોય તો જા ને ! ….. કેટલા ઘરબાર છોડીને જતા રહ્યાં છે, તે આ નાસી જવાનાં હતા ?

બરજૂ અડગ મનનો માણસ છે. બીજે દિવસે છકોડીને ખેતર ક્યારી, ઢોરઢાંખર, બિયારણ વગેરેની સમજ આપી, પિતાની આજ્ઞા હતી મિલકતના ભાગ ન પાડવાની, એનું પાલન કરતાં કંઈ પણ લીધા વિના બરજૂ સપરિવાર ગૃહત્યાગ કરે છે. ગામમાં આ વાત પ્રસરતાં મિત્રો અને ગામલોકો એના પ્રત્યેના પ્રેમને કારણે રોકાઈ જવા વિનંતી કરે છે પણ બરજૂ મક્કમ છે. અશ્રુસભર આંખે ગામની વિદાય પામતા બરજૂ માટે એક વૃદ્ધના મુખે ઉચ્ચારાયેલ આ શબ્દો એના સદ્દગુણી વ્યક્તિત્વની ઓળખ છે – ‘આ ગામમાંથી શું ધરમ છેક જ જતો રહ્યો !’ બરજૂનો આ ત્યાગ જોઈ ખેતરમાં કામ કરતાં મજૂરો પણ રસ્તે આવી પગે લાગે છે. હરિપુરનો ગૌરાંગ સેણ તો નાના બાળકની  જેમ હઠ  લઇ બરજૂને પોતાને ઘેર લઇ જાય છે. પોતાના ગામ સિવાય આજુબાજુના પંથકમાં પણ બરજૂના સજ્જન વ્યક્તિત્વની શાખ કેવી છે તેનું આ ઉદાહરણ છે.

બરજૂ પાસેથી બધું સંભાળી લઇ છકોડી હાટ કરવા શહેર જાય છે, ત્યાં પણ એ સતત વિચારતો રહે છે કે, એમ ખરેખર મિલકત છોડીને કોઈ જતું હશે ? એક ભાઈ બીજા ભાઈ માટે આટલો મોટો ત્યાગ કરી શકે ? લાંબા મનોમંથન પછી એને ઉત્તર પ્રાપ્ત થાય છે – ‘હા, દાખલો છે ખરો ! રામ રાજા થયા વિના ભરતને રાજગાદી આપી રાજ્ય છોડીને જતા રહ્યા હતા.’ છતાંયે શંકાશીલ છકોડી તો વિચારે છે કે, એ બધી જૂની વાત છે. આજે એવું શક્ય નથી. હાટમાં એને ઉચ્છવ ભોઈ નામનો એક વ્યક્તિ સમાચાર આપે છે કે, બરજૂ બૈરી – છોકરાં સાથે ઘર છોડી જતો રહ્યો છે. આ સાંભળી આભો બની ગયેલો છકોડી નિરાશ થઇ ઘરે પાછો આવે છે. ઘરની નિ:સ્તબ્ધતા એને ઘેરી વળે છે. ભાઈનાં છોકરાં વિનાનું સૂનું આંગણું એને ખાવા ધાતું હોય એવો અહેસાસ થાય છે. ભાઈના જવાથી બેચેન થઇ ઘરમાં આંટા મારે છે. વસ્તુઓ ગોઠવવા કહેતી નેત્રમણિ પર ગુસ્સે થઇ જાય છે. – ‘આખો દહાડો કચકચ કેમ કરે છે ? એ તો ઘર છોડીને ચાલી ગયા છે, કોઈ બધું લઇ થોડું જાય છે?’ પતિ પત્ની વચ્ચે બોલાચાલી થાય છે. ભાઈ ઘર છોડી ગયા એ અંગે છકોડી પોતાને દોષી ગણે છે. ત્રણ દિવસ પછી છકોડી ભાઈનું ઘર ખોલી, બધી વસ્તુઓ એમની એમ હોવા છતાં ફંફોસે છે જાણે કશું ખોઈ નાખ્યું હોય ! છકોડીની નજર એક વસ્તુ પર આવીને અટકે છે – દબાવવાથી ચૂં ચૂં બોલે તેવો રબરનો હંસ. ભત્રીજા ભત્રીજીઓ માટે પોતે મેળામાંથી લાવેલ એ રમકડાંને લઇ છાતીએ ચાંપી વિલાપ કરે છે. ભત્રીજા ભત્રીજીઓ સાથેની સ્મૃતિઓ એની નજર સામે આવે છે. છકોડી ચોધાર આંસુએ રડે છે. નેત્રમણિ એ જોઈ હસે છે અને ‘બાયલો, ભાઈ ઘેલો થાય છે’. કહી એની મજાક ઉડાવે છે. ભાઈના વિયોગમાં દુ:ખી છકોડી સાંજે ઓટલે બેસે છે ત્યારે સાધુની વૃદ્ધ મા એને ઠપકો આપે છે.- ‘હાય, છેલ્લે આવું કર્યું … આ આંગણું કેવું ખરાબ દેખાયું ? કોઈનું એ શું બગાડતો હતો ? … છે બીજો કોઈ દીકરો એના જેવો આ ગામમાં? પધાન ડોશી હોત તો આવું થાત કે ?  ડોશીના આ મર્મવચનથી વ્યાકુળ થઈ છકોડી ગાંડાની જેમ ભાઈ ભાઈ કરતો ઘરમાં દોડે છે, ખાવાનું ભૂલી રડે છે, ઊંઘમાં પણ ભાઈ ભાઈ બબડે છે. નેત્રમણિને પણ કોઈ જવાબ આપતો નથી. પોતાની ભૂલ સમજાતાં જ પશ્ચાતાપ કરે છે, છકોડીનું હૃદય પરિવર્તન થાય છે. બીજે દિવસે ભાઈની શોધમાં નીકળેલ છકોડી હરિપુરના ગૌરાંગ સેણના ઓટલે આવી બેસે છે. નાનો દામુ, કાકા આવ્યાની ખબર માને આપે છે, બરજૂ, ભાઈને ઘરમાં લાવી અહીં આવવાનું કારણ પૂછે છે કે, – ‘તું ક્યાં જવાનો અલ્યા?’ જવાબમાં છકોડી – ‘તમે જ્યાં જશો ત્યાં ‘કહેતો મોટા ભાઈને સમર્પિત થાય છે. બરજૂનો ત્યાગ અને સત્યાગ્રહ, અસત્ય અને અસદનો પરાભવ કરે છે. સંયુક્ત કટુંબનાં મૂળિયાં આજે પણ ઊંડે ઊંડે મજબૂતાઈથી વિસ્તરી રહ્યાં હોવાની  અનુભૂતિ કરાવે છે.

ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરવા સર્જક કાલિન્દીચરણ પાણિગ્રહી રામાયણનો સંદર્ભ લઇ સંયુક્ત કુટુંબવ્યવસ્થા અને ભાતૃભાવનાનું ગૌરવ કરે છે. બદલાતા માનવસ્વભાવ અને વર્તમાન પરિસ્થિતિમાં આપણાં સમાજમાં, આપણાં નજીકના સ્વજનોમાં સ્વાર્થ, દંભ, ઈર્ષ્યા, અદેખાઈ અને કુટિલ કાવાદાવા જેવા દુર્ગુણો પ્રવેશ્યાં છે, જે આપણાં સાંસ્કૃતિક મૂલ્યોની જડ પર કઠુરાઘાત કરી રહ્યા છે. સંયુક્ત કુટુંબવ્યવસ્થા ખતરામાં આવી પડી છે. આધુનિક સમયમાં વિભક્ત કુટુંબવ્યવસ્થાનું પ્રચલન વધવા માંડ્યું છે. ભૌતિકતાવાદી આ યુગમાં યાંત્રિકરણ અને આધુનિકીકરણની અસર માણસ પર થઇ છે. પ્રેમ, દયા, સહાનુભૂતિ અને સહિષ્ણુતાનાં મૂલ્યો ભૂલીને સ્વકેન્દ્રી બનેલા માણસ સામે લાલબત્તી ધરતી આ ઉડિયા નવલકથા ભારતીય મૂલ્યોનું સંવર્ધન કરતી નવલકથા છે. માનવી માનવી વચ્ચેના સૂક્ષ્મ સંબંધોની મીમાંસા કરતી આ કલાત્મક કૃતિ કૌટુંબિક સંઘર્ષોની પશ્ચાદભૂમાં ઓરિસ્સાના કૃષિ આધારિત ગ્રામીણ જીવનનું જીવંતચિત્ર રજૂ કરે છે. ચુસ્ત રચનાસંવિધાનના કલાત્મક સૌન્દર્ય સાથે કહેવાયેલી આ સાદી કુટુંબકથાની પાછળ આખો ભારતીય સમાજ જીવંત આલેખન પામ્યો છે. ભારતની માટીમાંથી પેદા થયેલો એકે એક ભારતીય ‘માટીનો માનવી’ છે.

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ – 1
e.mail : arvindvaghela1967@gmail.com

Loading

5 October 2022 Vipool Kalyani
← જીન લ્યૂક ગોડાર્ડનો જીવનમાં પણ જમ્પ કટ
એક નવી દિવાળી લાવો .. →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved