Opinion Magazine
Number of visits: 9446349
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમરસનું અદ્વૈતપણું

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar|15 September 2022

સમરસનો અર્થ અહીં શું કરવો? જવાબમાં સુદર્શન આયંગાર કહેતા હતા : ‘મારા માટે પણ આ એક મૂંઝવણ તરીકે જ આવે છે. ‘સમરસ સમાજ’ એવો અર્થ બરાબર લાગ્યો છે. પરસ્પર પ્રેમ હોય તો સમાજમાં સમરસતા આવે. ઈર્ષ્યા, દ્વેષ, અને ઘૃણા આવે ત્યાં સમરસતામાં ખલેલ પડે.’

અને પછી, શબ્દકોશ, જોડણીકોશ ફંફોળવાની જરૂર પડી. કેમ કે માથું ખંજવાળવાનું ટાળવું હતું ! તેમાં ભગવદ્ગોમંડળ મદદે આવ્યું. તે અનુસાર, સમરસ માટે અર્થ અપાયો છે : એક સરખા રસવાળું. જ્યારે સમરસતા માટે ત્રણ : [1] એકરસતા; સંગતિ; મેળ. [૨] બધા તરફ સરખી લાગણી રાખવાપણું; રાગદ્વેષ રહિત હોવું. અને [3] સ્વરમાધુર્ય; સુસ્વરતા; સ્વરમેળ.

લાગલા, સુદર્શનભાઈ પડકાર જાણે કે ફેંકતા ન હોય તેમ વિશ્વાસપૂર્વક સવાલતા રહ્યા : ‘ડાયસ્પોરા સમાજમાં આ સ્તરે શું અનુભવો રહ્યા, સમરસતા છે? બની રહે છે? ખલેલ પડી છે? હિન્દુસ્તાનમાં બનતા બનાવોની અસર પડે છે? પડી છે? ઉપરોક્ત મુદ્દાઓ પર જૂનાં/નવાં લખાણો હોય તો ફરી પ્રસિદ્ધ કરવા જેવાં કરવા, એવો વિચાર.’

ડાયસ્પોરા સમાજનો આછોપાતળો અનુભવ હોઈ, યુનાઇટેડ કિંગ્ડમને કેન્દ્રમાં રાખી મગજને કસતા કસતા દેખાયું કે ચોતરફ સમરસ સમાજનો અભાવ વકરતો રહ્યો છે. જગતની આજે હાલત છે તેમાં નકરી ખાઈ ભાસે છે. પશ્ચિમના જે દેશો સમૃદ્ધ છે અને બાકીની દુનિયાના જે દેશો અ-સમૃદ્ધ છે તેમની વચ્ચે ક્યાં ય સમાનતા જડતી જ નથી. ચોમેર વળી વેપારવાણિજ્યનું જોર વધી રહ્યું છે અને તેની ચડસાચડસીમાં પર્યાવરણ, પ્રદૂષણના સવાલો ખડકાતા રહ્યા છે. તેની અસર નીચે કેટલાક દેશોમાં વળી સુકાળનો અભાવ છે જ છે. ક્યાંક દુકાળ છે તો ક્યાંક આંતરકલહ. તેને કારણે સ્થળાન્તર, દેશાન્તર સ્વાભાવિક જોર કરે છે અને જે તે મુલકમાં આ શરણાર્થીઓ ઠલવાય છે ત્યાં હમદર્દી તો ઠીક ન જ હોય, બલકે પૂર્વગ્રંથિ જ રાસડા લે છે !

અંગ્રેજો જે દહાડે જગતને ચોક ત્રણ ભાગે પથરાયેલા રહેતા તે દિવસોમાં વિધવિધ ખેતીકામને પહોંચી વળવાને સારુ દક્ષિણ આફ્રિકા ઉપરાંત કેટલાક સુદૂરના ટાપુદેશોમાં પણ ગિરમીટિયા પદ્ધતિ દાખલ કરાયેલી. કેરેબિયન ટાપુ વિસ્તારમાં ગુયાના, ત્રિનિદાદ ને ટોબેગો, હિંદી સમુદ્રમાંના મોરેશિયસ, તો પ્રશાન્ત મહાસાગરના ફીજી ટાપુ આના મજબૂત દાખલાઓ છે. આ ગિરમીટિયા પદ્ધતિ અનુસાર જે કરારનામા થયેલા તેમાં મોટે ભાગે પોતાના તાબા હેઠળના હિન્દુસ્તાનમાંથી હજારો લોકોની ભરતી કરવામાં આવેલી. જે તે મુલકોમાં ગયેલી આ વસ્તીમાં આરંભે બહુધા સમરસતા જોવા મળતી હતી. હા, મોટા ભાગના લોકો પોતાની સમજણ અનુસાર  કર્મકાંડને બોટતા નહીં. પહેરવેશ અને ખોરાકમાં ય ક્વચિત ફેરફારને ય સ્વીકારતા નહીં. સમાજિક સ્તરે, ગાંધીભાઈ જેને ‘કોમ’ કહેતા તે ડાયરામાં, સમરસ સમાજની પેઠે જીવન વ્યસ્ત કરતાં, કેમ કે દરેકને સારુ સ્વભાષાનું ચલણ પ્રધાન હતું, જૂજ લોકોને સારુ અંગ્રેજી ભાષા ઉપરાંત સ્થાનિક ભાષાથી અંતર હોય તેમ વર્તાયું છે.

આફ્રિકા ખંડેથી જોઈએ તો દક્ષિણ આફ્રિકાને નામ બેચાર મજબૂત ચોપડીઓ છે : મો.ક. ગાંધીકૃત ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રનો ઇતિહાસ’, પ્રભુદાસ ગાંધીકૃત ‘જીવનનું પરોઢ’, ઉમા ધૂપેલિયા-મિસ્ત્રીકૃત Gandhi’s Prisoner ? The Life of Gandhi’s Son Manilal Gandhi તેમ જ રામચન્દ્ર ગુહાકૃત Gandhi Before India. તદુપરાંત, અમીના કાછલિયા, અહમદ કથરાડા, ફાતીમા મીર તેમ જ ઈસ્માઈલ મીરનાં આત્મકથાનક પુસ્તકો ય સાખ પૂરે છે. હવે તો બીજું ખૂબ સંશોધન આધારિત અને અભ્યાસુ સાહિત્ય પણ ઊમેરણમાં જોવાં પામીએ. વળી, મો.ક. ગાંધીમાંથી ગાંધીભાઈ બનેલા આ લોકનેતાને નાડ પણ પાકી પકડાઈ ગયેલી. અને પરિણામે તે પૂરેવચ્ચ કામે લાગી રહ્યા હતા. એમણે મણિલાલ ડૉક્ટર, પારસી રુસ્તમજી, સોન્જા શ્લેશિન, આલ્બર્ટ વેસ્ટ, જોસેફ ડોક, અહમદ મહમ્મદ કાછલિયા, હર્માન કેલનબૅક, હેન્રી પોલાક, થામ્બી નાયડુ સરીખાં સરીખાંઓને પણ જોતરી જાણેલા. હિન્દવી જમાતના વસવાટીઓમાં, તે આરંભના ગાળામાં, સમરસતા મહદ્દ અંશે મજબૂત જોવા મળી છે. લોકો કોમને નામે હળતાંભળતાં, એકબીજાના ટેકેટેકે જીવન વ્યસ્ત કરતાં રહેતાં. ગાંધીભાઈએ 1914માં દક્ષિણ આફ્રિકાથી વિદાય લીધી અને 1915માં હિન્દ પરત થયા તે પહેલાં, 15 ઑક્ટોબર 1913ના દિવસે ફિનિક્સ સેટલમેન્ટથી પોતાનો છેલ્લો સત્યાગ્રહ આદર કર્યો તે વેળા સમરસતાનું મજબૂત ચિત્ર તો ‘જીવનનું પરોઢ’માં જોવા પામીએ છીએ. એ કૂચ. હજારોની સંખ્યાને જે તે ગામે સાંચવણ-વ્યવસ્થાનાં કામો થયાં તેની દાસ્તાઁ અનુભવાય જ છે. તેનો જોટો, ભલા, ક્યાં મળે ?

અને આવું છતાં, ઉમાબહેનનું એક તારણ ઊડીને આંખે વળગે છે. ગાંધી પરિવારે ડરબનમાં ગુજરાતીઓ જોડે બહુ નજીકનો તાલમેળ રાખ્યો હતો. તેમ છતાં, શહેરના ગુજરાતી સમાજ સાથેનો એમનો વહેવાર જૂથ બહાર બરાબરના હોય તેમ રહેતો. ડરબનમાં સુરતીઓ તેમ જ કાઠિવાડીઓની અલગ અલગ સંસ્થાઓ હતી. હિન્દુસ્તાનના જ નહીં, બલકે ગુજરાતના જુદા જુદા પ્રાન્તવિસ્તારની અહીં આ છાપ હતી. સુશીલાબહેન ગાંધી તો જાણીતા મશરૂવાળા પરિવારનું સંતાન. એમનાં મૂળ સુરતમાં નીકળે. જ્યારે મણિલાલ ગાંધીનાં મૂળ કાઠિયાવાડમાં. આથી દેખીતી રીતે બન્નેની નાતજાત જુદી લેખાતી. કાઠિયાવાડ હિન્દુ સેવા સમાજ એમને આવકારવા ઠંડોબોળ રહેતો ! એમનાં ત્રીજાં સંતાન ઇલાબહેનને ટાંકીને ઉમાબહેન લખે છે : એમને કોઈકે એકાદી વાર ‘વર્ણસંકર’ [half-caste] છો તેમ કહ્યું તેથી ઇલાબહેનને ઊંડી વેદના થયેલી. વળી, જ્યારે ત્યારે આ અંગે ગાંધી પરિવારને તે જણ ટોણો ય માર્યા કરતા. બીજી તરફ, સુરતી સમાજ પરિવાર અંગે થોડોઘણો કૂણો વર્તાતો. આ ભેદભાવથી પર રહી ગાંધી પરિવાર ગુજરાતી ઓળખને સતત જાળવવી રાખવા પ્રયત્નશીલ રહ્યું છે, તેવું લેખિકા લખે છે.

વારુ, જેમ દક્ષિણ આફ્રિકે, તેમ પૂર્વ આફ્રિકે પણ. ઉછરંગરાય ઓઝાનાં લખાણો, મણિલાલ દેસાઈથી માંડીને અલીભાઈ મુલ્લા જીવણજીને સાંકળતાં સાંકળતાં પિયો ગામા પિન્ટો, મોહમ્મદઅલી રતનસી ને પરિવાર, રણધીર ઠાકર, વી.આર. બોલ, પંડ્યા બંધુઓ, ગિરધારીલાલ વિદ્યાર્થી, હારૂન અહમદ, પ્રાણલાલ શેઠ, તેમ જ બીજાં અનેકોએ સમરસતાના પાઠો ભણાવ્યા કરેલા.

આવાં આ આગેવાનોએ અહીંતહીં  કેટકેટલી સર્વસમાવેશક સંસ્થાઓ આદરેલી, ને ચલાવી જાણેલી. કમ્પાલા માંહેનો ‘યુવક સંઘ’, નાઇરોબી માંહે ‘કલાનિકેતન’, દારેસલ્લામ ખાતે ‘શિશુ કુંજ’ આના નક્કર દાખલાઓ છે. આવી બીજી નાનનીમોટી આંદોલિત સંસ્થાઓ પણ તે દહાડે સક્રિય જોવા મળતી.

અને તેમ છતાં, આપણે તો ઠેરના ઠેર જ છીએ !

ગઈ સદીના આશરે છઠ્ઠે દાયકે, યુગાન્ડાની ‘યુવક સંઘ’ સંસ્થાના મહેમાન તરીકે ઈશ્વર પેટલીકર પૂર્વ આફ્રિકાના પ્રવાસે હતા, ત્યારે કેનિયાના બંદરી નગર મોમ્બાસામાંની એક જાહેર સભામાં આ ઉચ્ચારણ એમણે કરેલું તેમ નોંધાયું વાંચવા મળે છે : ‘મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું; વણિકો(શાહ)ને મળ્યો; બાહ્મણોને મળ્યો; કાઠિયાવાડીઓને મળ્યો; પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યાં; બ્રહ્મસમાજમાં ભોજનો લીધાં; કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો પણ એક ગુજરાતી સમાજનો સમાગમ ન થયો.’

વિલાયતમાં તો બેએક સદીઓથી આવનજાવન હતી, અને તેને ઇતિહાસનું બહાનું ય મળે છે. યુરોપના ફ્રાન્સ સમેતના બીજા દેશો, કેનેડા – યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકા તેમ જ, સિંગાપુર, ન્યુઝિલૅન્ડ, ઑસ્ટૃાલિયામાં પણ આજે આપણી વસાહતો વિસ્તરી છે. આમ ચોમેર નજર કરીએ છીએ ત્યારે આપણી જમાતના એક શિરમોર સાહિત્યકાર, વિચારક બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે દાયકાઓ પહેલાં કહેલું તેમાં મીનમેખ ફેર પડ્યો હોય તેમ લગીર દેખાતું નથી.

’આપણાં ગુજરાતીઓમાં પ્રજાપણું નથી. આપણાંમાં પ્રજાપણાનું ઐક્ય નથી. પ્રજાપણાનો ટેક નથી. પ્રજાપણાનાં સતત આગ્રહી ઊજમ અને જોમ નથી. આપણા નેતાઓને પ્રજાપણાવાળી પ્રજાના પીઠબળનો ટેકો નથી. મતભેદ અને ચરિત્રભેદને લીધે ટીકા, ચર્ચા, વૈમનસ્ય અને મતામતિ આપણે ત્યાં જ થાય છે એમ નથી; સર્વત્ર થાય છે. પરંતુ બીજે જ્યારે પ્રજાપણાની ઉષ્માથી એ થતાં આવે તેમ ઓગળતાં પણ જાય છે, અને આરંભેલ સંસ્થા કે કાર્યપ્રવાહ આગળ વધવા પામે છે તેમ તેમ એ વૈમનસ્ય અને મતભેદની નડતર ઓછી પડી જાય છે, ત્યારે આપણે ત્યાં એ નડતર જ વખત જતાં વધુ મોટી બનીને ગમે તેવાં કાર્ય કે કાર્યપ્રવાહને મંદ કરી નાખે છે, અને થોડા જ વખતમાં રૂંધી નાખે છે. આપણા પારસીઓ ગુજરાતી નથી, આપણા મુસલમાનો ગુજરાતી નથી, આપણા કાઠિયાવાડીઓ ગુજરાતી નથી, આપણા કચ્છીઓ ગુજરાતી નથી, આપણા ઈડિરયાઓ ગુજરાતી નથી, આપણા મુંબઈગરા ગુજરાતી નથી, આપણા ગુજરાતીઓમાં પણ સૌ કોઈ ગુજરાતી છે તે કરતાં તે અમદાવાદી કે સુરતી કે ચરોતરી કે પટ્ટણી કે મારવાડી, અગર તો નાગર, બ્રાહ્મણ કે વાણિયા કે અનાવિલ કે જૈન કે પટેલ કે બીજું કંઈ વિશેષ છે.’

બીજી પાસ, સુરત વસતા જાણીતા સાહિત્યકાર પત્રકાર રવીન્દ્ર પારેખ તાજેતરમાં લખતા હતા, ‘સામાન્ય માણસ સ્વતંત્ર થઈને કૈં બહુ પામી ગયો નથી, બલકે, તેને નામે બીજા ઘણું પામી ગયા છે. આમ જોવા જઈએ તો આખો દેશ અનેક વર્ગોમાં વહેંચાઈ ગયો છે. એક વર્ગ છે તે જાતિ-વર્ગના દાખલા જ ગણ્યા કરે છે, બીજો એક, પક્ષીય રાજકારણ અને પ્રચાર, પ્રસારમાં જ જીવનની ઇતિશ્રી જુએ છે, તો એક વર્ગ ધર્મ-અધર્મ, હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદમાં જ વ્યસ્ત છે. એક વર્ગ સૌથી વધુ ધન ભેગું કરવામાં પડ્યો છે. વિશ્વના સૌથી વધુ ધનાઢ્ય લોકોમાં પોતાનો નંબર કયો છે ને તેનાથી ય વધુ ઊંચાઈએ, એટલે કે પહેલાની ય ઉપર જવાય એમ છે કે કેમ એટલું જ લક્ષ્ય એનું હોય છે. એક વર્ગ છે જે ઓછી મહેનતે વધુને વધુ પૈસા કઇ રીતે બનાવી શકાય એની જ કોશિશમાં છે. એ ઘણુંખરું નોકરિયાત વર્ગ છે. એ સરકારી નોકરીઓમાં છે, પોલીસમાં છે, કોર્પોરેશનમાં છે, શિક્ષણમાં છે … લગભગ બધે જ છે. એ કોઈનો હક મારે છે અથવા તો કોઈનો હક દબાવે છે. ભ્રષ્ટાચાર એ જ એને માટે શિષ્ટાચાર છે. …’

જ્યાં કેન્દ્ર નબળું હોય ત્યાં પરીઘે માણસ કેટલું બળ કરી શકે ? તળ ગુજરાતે જ્યાં વકરેલી હાલત હોય તો બૃહદ્દે વિસ્તરેલા ગુજરાતમાં સ્વાભાવિકપણે તળના પડછાયા અને ઓછાયા ડોકાયા કરે. અહીં પણ કોમવાદ વકરેલો છે, તેમ જ્ઞાતિવાદનો મુરબ્બો ચોમેર મધમાખની પેઠે વળગેલો જ ભાસે છે. ઉચ્ચનીચના ભેદ, સામંતવાદી માનસ, અસહિષ્ણુ વાણી – વર્તન, સ્વકેન્દ્રી પ્રકૃતિનું આજકાલ જોર છે અને તેમને રાષ્ટૃપ્રેમ અને રાષ્ટૃવાદનો કોઈ ભેદ કળાતો જ નથી !

આવી પરિસ્થિતિમાં આ સમરસતાને ક્યાં ભાળવી ? ધોળે દહાડે દીવો લઈને શોધવા નીકળીએ તો એકલદોકલ દાખલાઓ સિવાય ચોમેર, કમનસીબે, અંધારું ઘોર દીસે છે.

પાનબીડું :

‘ગીતાની યોજના મહાભારતમાં છે. મહાભારત ને રામાયણ આપણા રાષ્ટૃીય ગ્રંથો છે. તે મહાકાવ્યો છે, અદ્દભુત ગ્રંથ છે. રામાયણ મધુર નીતિકાવ્ય છે. જ્યારે મહાભારત સમાજશાસ્ત્ર છે. સમગ્ર મહાભારતનું નવનીત વ્યાસજીએ ભગવદ્દગીતામાં ભર્યું છે. ગીતા ઉપનિષદોની ઉપનિષદ છે. ગીતા ધર્મજ્ઞાનનો એક કોષ છે. અર્જુનને શિષ્યભાવે સમરસ થવાથી તેમ જ વ્યાસજીને ગ્રંથકાર ભાવે એક રસ થવાથી કૃષ્ણ સંજ્ઞાઓ મળેલ છે − એટલે કહેવાવાળા કૃષ્ણ, સાંભળનાર કૃષ્ણ અને રચનાર પણ કૃષ્ણ – એટલે એ ત્રણની સમાધિ રૂપે – અદ્વૈતરૂપે – ગીતાજી સ્વયંસિદ્ધ છે.

− આચાર્ય વિનોબાજી

(ભગવદ્દગોમંડળ ભાગ – ૯)
હેરૉ, 15-18 મે 2022
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
પ્રગટ : “કોડિયું”, 15 સપ્ટેમ્બર – ઑક્ટોબર 2022; પૃ. 53-55

Loading

15 September 2022 Vipool Kalyani
← ‘સર્વેશુભોપમા-યોગ્ય’ અને ‘શુક્રતારક સમા’ મહાદેવભાઈ દેસાઈ
દો આંખે બારહ હાથ અને એક યહૂદીનો કર્મયોગ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved