આદર રળવાનો હોય કે બીજાએ આપવો જ જોઈએ એવો આગ્રહ રાખવાનો હોય. આ એક મુદ્દો થયો. બીજો મુદ્દો એ છે કે કેટલીક સંસ્થાઓની પ્રતિષ્ઠા જળવાઈ રહેવી જોઈએ અને કોઈ પણ સંજોગોમાં તેની અવમાનના કરવા દેવામાં ન આવે એવું રક્ષાકવચ કોને અને કોની સામે આપવામાં આવ્યું છે? ફોડ પાડીને કહીએ તો લોકશાહી દેશોમાં ન્યાયતંત્રને જે રક્ષાકવચ આપવામાં આવ્યું છે એ કોની સામે આપવામાં આવ્યું છે?
બીજા મુદ્દાની ચર્ચા પહેલાં કરીએ.
લોકશાહી દેશોમાં ન્યાયતંત્રને જે રક્ષાકવચ આપવામાં આવ્યું છે એ સત્તાધારીઓ સામે આપવામાં આવ્યું છે જેઓ પોતાની સત્તા છોડવા માગતા નથી અને કોઈ પણ ભોગે તેનો ઉપયોગ કરવા માગે છે. એ ચૂંટાયેલા શાસકો હોઈ શકે છે, ધર્મગુરુઓ હોઈ શકે છે, જ્ઞાતિઓની પંચાયતોના વડીલો હોઈ શકે છે, કબીલાઓના સરદાર હોઈ શકે છે, પુરુષપ્રધાન સમાજમાં પુરુષ હોઈ શકે છે વગેરે. આ લોકોને અદના નાગરિકને તેની સ્વતંત્રતાનું રક્ષણ કરનારા કાયદાનાં રાજની સામે અને તે રક્ષણ જળવાઈ રહે એ માટે ચોકિયાતનું કામ કરનારા ન્યાયતંત્ર સામે વાંધો છે. એ લોકો પ્રજાસમૂહોને કેદ કરીને, પોતાના જ સમાજનાં નબળાઓને અન્યાય કરીને અથવા બીજાઓને અન્યાય કરીને પોતાની આણ જળવાઈ રહે એમાં રસ ધરાવે છે અને તેમનો સ્વાર્થ કાયદાના રાજ અને તેની રખેવાળી કરનારી ન્યાયસંસ્થાઓ સામે ટકરાય છે. તેઓ અર્થાત્ અલગ અલગ પ્રકારના સત્તાધારીઓ કાયદાના રાજની અને તેની રખેવાળી કરનારાં ન્યાયતંત્રની ઐસીતૈસી ન કરે અને પોતાની મર્યાદામાં રહે એ માટે ન્યાયતંત્રને રક્ષાકવચ પૂરું પાડવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો ન્યાયતંત્રને જે રક્ષાકવચ આપવામાં આવ્યું છે એ અદના નાગરિકના હિતમાં આપવામાં આવ્યું છે, અદના નાગરિકનું સ્વાતંત્ર્ય જળવાઈ રહે એ સારુ આપવામાં આવ્યું છે, ન્યાયતંત્રના સ્વયંના હિતમાં નથી આપવામાં આવ્યું. આ આધુનિક રાજ્યનું બ્રહ્મવાક્ય છે.
હવે ન્યાયતંત્ર કાયદાના રાજનું રક્ષણ કરવાનું અને અદના નાગરિકની સ્વતંત્રતા જળવાઈ રહે એ જોવાનું તેને જે કામ સોંપવામાં આવ્યું છે એ ન કરે, તેની સામે આંખ આડા કાન કરે, સત્તાધારીઓ સામે કોઈને કોઈ કારણસર શરણે થઈ જાય, જજો પોતાનો સ્વાર્થ જુએ, ગોળગોળ ચુકાદાઓ આપે, સત્તાધારીઓને ન ગમે એવા અકળાવનારા કેસો વરસોનાં વરસો સુધી હાથ ન ધરે, કેટલાક જરૂરી સુધારાઓ ન કરે, ટાળાટાળ કરે તો? તો ન્યાયતંત્રની ટીકા થવાની જ છે અને થવી પણ જોઈએ. અહીં પહેલો મુદ્દો ઉપસ્થિત થાય છે. આદર રળવાનો હોય આગ્રહ કરીને માગવાનો ન હોય. જો ન્યાયતંત્ર તેને સોપવામાં આવેલું કામ ઈમાનદારીપૂર્વક કરે તો નાગરિકોનો આદર આપોઆપ મળવાનો છે અને જો તે ન કરે તો ટીકા થવાની જ છે. ન્યાયતંત્રની અવમાનના કરવામાં નાગરિકોનો કોઈ સ્વાર્થ હોતો નથી, સ્વાર્થ તો સત્તાધારીઓનો હોય છે. માં સંતાનનું રક્ષણ ન કરે, સંતાનના પક્ષે ઊભી ન રહે, મોઢું ફેરવી લે તો માની પણ ટીકા થવાની છે તો ન્યાયતંત્રની શા માટે ન થાય? જજોના કામકાજનું મૂલ્યાંકન થવું જ જોઈએ. એ નાગરિકનો ધર્મ છે અને અધિકાર પણ છે. જજો કોઈ ફરિશ્તા નથી. સર્વોચ્ચ અદાલત માટે અંગ્રેજીમાં એક વાક્યપ્રયોગ હંમેશાં થતો રહે છે; Supreme, but not infallible. સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ છે પણ સર્વગુણ સંપન્ન સંપૂર્ણ નથી.
આ દેશમાં લોકતંત્રનો નાભીશ્વાસ ચાલી રહ્યો છે. આનું સૌથી મોટું પ્રમાણ એ છે કે હવે સર્વોચ્ચ અદાલત સત્તાધારીઓ સામે જેનું રક્ષણ કરવાનું છે એ નાગરિકો પાસે પોતાનો આદર જાળવવાનો આગ્રહ રાખી રહ્યું છે. જજો કાંઈ પણ કરે, સત્તાધારીઓ સમક્ષ લોટાંગણ લે, પણ નાગરિકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ જળવાઈ રહેવો જ જોઈએ અને આદર આપવો જ જોઈએ. જો કોઈ ટીકા કરે તો અદાલતની અવમાનના કરવાના કાયદાનો નાગરિક સામે ઉપયોગ કરવામાં આવે છે. સ્વાર્થવશ કાયદાના રાજનું ઉલ્લંઘન કરનારાઓનું રક્ષણ અને કાયદાનું રાજ જળવાઈ રહે એ માટે મથનારા પારકી છઠ્ઠીના જાગતલોને સજા. ઊંધું થઈ રહ્યું છે. જેનાથી રક્ષણ કરવાનું છે તેનું રક્ષણ કરવામાં આવે છે અને જેનું રક્ષણ કરવાનું છે એનું રક્ષણ કરવામાં આવતું નથી અને ઉપરથી એને જ ડરાવવામાં આવે છે.
ન્યાયતંત્રની ટીકા દાયકાઓથી કરવામાં આવી રહી છે, કારણ કે ભારતનાં ન્યાયતંત્રમાં કેટલીક ગંભીર ક્ષતિઓ છે. ત્રણ દાયકા દરમ્યાન મેં મારાં લખાણોમાં અનેક વાર ન્યાયતંત્રની સ્થિતિ વિષે ઊહાપોહ કર્યો છે. એમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી અને જો કોઈ સ્વાર્થ છે તો એ દેશમાં કાયદાનું રાજ જળવાઈ રહે, બંધારણીય મૂલ્યો જળવાઈ રહે, અદના નાગરિકને સામર્થ્યવાનો સામે રક્ષણ મળે એવો વ્યાપક સ્વાર્થ છે. ન્યાયતંત્ર ફરજ ચૂકે તો તેની ટીકા કરવી એને હું મારો નાગરિક તરીકેનો ધર્મ સમજું છું. મારી કાયદાની સમજ મર્યાદિત છે, પણ જેઓ ઊંડી સમજ ધરાવે છે એવા બંધારણવિદોએ ન્યાયતંત્રની સ્થિતિ વિષે ઊહાપોહ કર્યો છે. દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ બી.એન. ક્રીપાલે જાણીતા કાયદાવિદ અશોક દેસાઈ, ગોપાલ સુબ્રમણ્યમ્, રાજીવ ધવન અને રાજુ રામચન્દ્રન્ સાથે મળીને એક પુસ્તકનું સંપાદન કર્યું છે જેનું શીર્ષક જ બોલકું છે; Supreme, but not infallible: Essays in honour of the Supreme Court of India. ઈરાદો સર્વોચ્ચ અદાલતની શક્તિ અને મર્યાદાઓ બતાવીને તેનો આદર (in honour of the Supreme Court of India) કરવાનો છે. જો મર્યાદાઓનો સ્વીકાર કરવામાં ન આવે તો શક્તિ ક્ષીણ થવા લાગે છે. નિંદક નીઅરે રાખીએ એમ કબીરે અમસ્તુ નથી કહ્યું.
પણ કોઈને કોઈ કારણસર ન્યાયતંત્રમાં જે સુધારાઓ થવા જોઈતા હતા એ ન થયા. દાયકાઓથી ઊહાપોહ થઈ રહ્યો છે, પણ પરિણામ નથી આવતું. આજથી ૪૨ વરસ પહેલાં, ૧૫મી જાન્યુઆરી ૧૯૮૦ના રોજ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પી.એન. ભગવતીએ વડા પ્રધાન તરીકે સત્તામાં પાછાં ફરેલાં ઇન્દિરા ગાંધીને અભિનંદનનો પત્ર લખેલો. દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જેની સામે નાગરિકના હિતોનું રક્ષણ કરવાનું છે એવી સત્તાધારી વ્યક્તિને આવકારે અને અભિનંદન આપે! આવું લોકશાહી દેશમાં બને? બને. જો ન્યાયપ્રણાલી તંદુરસ્ત ન હોય તો બને. ન્યાયમૂર્તિ ભગવતીને મુખ્ય ન્યાયમૂર્તિ બનવું હતું અને કદાચ સુપરસીડ કરવામાં આવે એવો તેમને ડર હતો. ભગવતીનો એ પત્ર બીજી રીતે પણ ઐતિહાસિક છે. ન્યાયમૂર્તિ પી.એન. ભગવતીએ તેમના પત્રમાં તેના પહેલા ફકરામાં ઇન્દિરા ગાંધીને અભિનંદન આપ્યા પછી અને ઇન્દિરા ગાંધીએ વડા પ્રધાન તરીકેની તેમની પહેલી મુદ્દત દરમ્યાન તેમના (ભગવતી) ઉપર કેવો ભરોસો રાખ્યો હતો તેની યાદ અપાવ્યા પછી તેમના લાંબા પત્રમાં દેશના ન્યાયતંત્રની સ્થિતિ વિષે આખો ચિતાર આપ્યો હતો અને અરજ કરી હતી કે ન્યાયતંત્રને ઉગારી લેવામાં આવે.
આ ઘટના ૪૨ વરસ જૂની છે અને ત્યારથી તેમાં કોઈ સુધારો થયો નથી, ઊલટી સ્થિતિ વણસી છે. ન્યાયમૂર્તિ ભગવતીએ ૪૨ વરસ પહેલાં ન્યાયતંત્ર વિષે જે ઊહાપોહ કર્યો હતો એ એ સમયની કોઈ ઓચિંતી ઘટના નહોતી, બગાડની શરૂઆત તેના દોઢ-બે દાયકા પહેલાં થઈ હતી. આમ પાંચ દાયકાથી દેશના ન્યાયતંત્રની સ્થિતિ ઠીક નથી. પાંચ દાયકાથી સ્થિતિ એવી છે કે મોટી સંખ્યામાં ન્યાયમૂર્તિઓ સત્તાધારીઓ સામે લાળા ચાવે છે, લાભ જોઇને લાળ પાડે છે અને વળી પાછા ન્યાયતંત્રની હાલત વિષે અને તેની પ્રતિષ્ઠા વિષે ઊહાપોહ કરે છે. આ જે કાયદાના રાજ માટેની નિસ્બત છે એ નકલી છે. ભગવતીવારસો વિકૃતિની ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા પાંચ દશક દરમ્યાન દેશને ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાની કક્ષાના ન્યાયમૂર્તિઓ આંગળીને વેઢે ગણી શકાય એટલા જ મળ્યા છે. ખરા અર્થમાં ન્યાયની મૂર્તિ.
પણ સર્વોચ્ચ અદાલતનો આગ્રહ છે કે અમે ગમે એટલા ભૂંડા કામ કરીએ અને ભૂંડા લાગીએ નાગરિકોનો અમારામાં વિશ્વાસ જળવાઈ રહેવો જોઈએ અને આદર તો આપવો જ રહ્યો. સર્વોચ્ચ અદાલતે જેનું રક્ષણ કરવાનું છે એવા અદના નાગરિક પાસેથી પોતાના રક્ષણની અભિલાષા રાખે છે. આવું તો ક્યાં ય બનતું હશે! આદર રળો અને મેળવો. આજે આટલાં વર્ષે પણ દેશ ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાને, ન્યાયમૂર્તિ વી.આર. કૃષ્ણા ઐયરને કે ન્યાયમૂર્તિ કે. સુબ્બારાવને ભૂલ્યો નથી. આદર રળશો તો આદર આપોઆપ મળવાનો છે. મને નામ યાદ નથી આવતું પણ કોઈકે સૂચન કયું હતું કે સર્વોચ્ચ અદાલતના પ્રાંગણમાં ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાનું પૂતળું મુકવામાં આવે. સુદ્રઢ ન્યાયતંત્રમાં આદના નાગરિકનો સ્વાર્થ છે એટલે આદરપાત્રને આદર આપવામાં એ ક્યારે ય કૃપણતા નહીં બતાવે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ હવે દીવાલ પરના લખાણ જેવું સત્ય સ્વીકારી લેવું જોઈએ કે જો આદર રળશો તો જ આદર મળવાનો છે. જો તેનાથી વિપરીત પ્રવૃત્તિ નજરે પડશે તો લોકો બોલવાના છે. કોઈ મૂલ્યાંકનરૂપે ટીકા કરશે, કોઈ મૂલ્યાંકનરૂપે પણ આકરી ટીકા કરશે, કોઈ ન્યાયતંત્રને ન શોભે એવી સ્થિતિ કે ઘટના તરફ ધ્યાન ખેંચશે, કોઈ સર્વોચ્ચ અદાલતમાં જ ન્યાયતંત્રના ઈલાજ માટેની અરજી કરશે અને કોઈ ઠેકડી ઉડાડશે. ભારતના ન્યાયતંત્રની છેલ્લા પાંચ દાયકાની યાત્રા ઉપર નજર કરશો તો ટીકા લગભગ આ જ ક્રમમાં થતી આવી છે. પહેલાં સંયમ સાથે ટીકા કરવામાં આવતી હતી. પરિણામ નહીં મળ્યું તો આકરી ટીકા થવા લાગી. એ પછી પણ પરિણામ હાથ ન લાગ્યું તો અનર્થ તરફ ધ્યાન દોરવામાં આવ્યું અને છેવટે સર્વોચ્ચ અદાલતના ઈલાજ માટે સર્વોચ્ચ અદાલતમાં જ અરજીઓ થવા લાગી. એનું પણ જ્યારે પરિણામ નહીં આવ્યું અને આજે જજો જે રીતે લાળા ચાવતા અને લાળ પાડતા નજરે પડી રહ્યા છે ત્યારે ઠેકડી સ્વાભાવિક ક્રમમાં થવાની છે અને થઈ રહી છે. જો પરીસ્થિતિમાં સુધારો ન થયો તો હજુ વધારે પ્રમાણમાં અને વધારે સોંસરવી ઠેકડી ઉડાડવામાં આવશે અને ખબર નહીં બીજું શું શું થશે જે પાકિસ્તાનમાં અને એવા બીજા દેશોમાં જોવા મળ્યું હતું. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ સમજી લેવું જોઈએ કે અત્યારે જે ઠેકડી ઉડાડવામાં આવી રહી છે એ વિકૃત આનંદ નથી, એમાં પીડા છે.
સર્વોચ્ચ અદાલતમાં હમણાં આવી જ એક પીડાજનક ઘટના બની. જાણીતા ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણ સામેનો અદાલતના અપમાન કરવાનો ખટલો સર્વોચ્ચ અદાલતે ૧૩ વરસ પછી સંકેલી લીધો. પ્રશાંત ભૂષણે ૨૦૦૯ની સાલમાં ‘તહેલકા’ નામના સામયિકને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, “મને એમ લાગે છે કે સર્વોચ્ચ અદાલતના છેલ્લા ૧૭-૧૮ મુખ્ય ન્યાયમૂર્તિઓમાંથી અરધોઅરધ ભ્રષ્ટ હતા.” સર્વોચ્ચ અદાલતે પ્રશાંત ભૂષણને અદાલતનું અપમાન કરવાની નોટિસ આપી અને ખટલો દાખલ કર્યો. પ્રશાંત ભૂષણે કહ્યું કે ભ્રષ્ટાચારનો અર્થ પૈસાની લેતીદેતી જ નથી થતો, ન્યાય તોળવામાં દેખીતો પક્ષપાત કરવામાં આવે અથવા ખાસ કોઈને ફાયદો થાય એ રીતની કાયદાકીય જોગવાઈઓનો પસંદગીના ધોરણે ઉપયોગ કરવામાં કે ન કરવામાં આવે એવી ન્યાયદાનમાં નજરે પડતી શિથિલતા પણ ભ્રષ્ટ આચાર કહેવાય. દરેક પક્ષપાત કે શિથિલતા પાછળ કોઈ લાભની ગણતરી હોય છે જેની નોંધ લેવાનું કામ સર્વોચ્ચ અદાલતનું છે. એ પછી પ્રશાંત ભૂષણે આઠ મુખ્ય ન્યાયમૂર્તિઓનાં ચુકાદાઓની વિગતો તેમાં રહેલા પક્ષપાત અને શિથિલતાની વિગતો સહિત આપી હતી. અલબત્ત બંધ કવરમાં, માત્ર ખટલો સાંભળનારા ન્યાયમૂર્તિઓ જોઈ શકે એ રીતે. (આ સીલ્ડ કવરનું કલ્ચર આજકાલ સર્વોચ્ચ અદાલતમાં ફૂલ્યુંફાલ્યું છે એ બંધ થવાની જરૂર છે. ઓપન કોર્ટનો અર્થ જ થાય છે ઓપન પ્રોસીડીંગ.) ખેર, ન્યાયમૂર્તિઓએ બંધ કવર એકાંતમાં ખોલ્યું હશે અને તેને પાછું બંધ કરી દીધું અને ખટલો અભેરાઈ પર ચડાવી દીધો.
શા માટે? જો પ્રશાંત ભૂષણે ખોટા આરોપ કર્યા હતા તો તેમને સજા થવી જોઈતી હતી અને જો તેમના આરોપમાં તથ્ય હતું તો તેની તપાસ થવી જોઈતી હતી. આની જગ્યાએ ખટલો તેર વરસ સુધી અભેરાઈએ ચડાવી દીધો અને તેર વરસ પછી પડતો મુક્યો તો શા માટે? પ્રશાંત ભૂષણે જ્યારે માફી માગવાની ના પાડી દીધી ત્યારે અદાલત પાસે ખટલો ચલાવવા સિવાય કોઈ વિકલ્પ બચતો નહોતો અને ખટલો ચલાવવામાં જોખમ હતું. ખુલ્લી અદાલતમાં સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિઓના ધજાગરા ઊડે અને હાડપિંજરો બહાર આવે. કચરાને કાર્પેટ તળે ક્યાં સુધી છુપાવશો! દેશના ન્યાયતંત્રમાં મોટા પ્રમાણમાં કચરો જમા થયો છે એનો આજે નહીં તો કાલે સ્વીકાર કરવો જ પડશે. અને એનો જ્યાં સુધી સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી ન્યાયતંત્રની ટીકા થતી રહેવાની છે અને એમાં જનોઈવઢ ઘા જેવી ઠેકડી પણ હોઈ શકે છે જે કુણાલ કામરાએ કરી હતી. કુણાલ કામરાએ કહ્યું હતું કે હું જેલ જવા તૈયાર છું, માફી નહીં માગું, દંડ નહીં ભરું, કરો સજા. અદાલતે ખટલો પડતો મુક્યો હતો.
ભારતના ન્યાયતંત્ર માટે આવી અનેક વસમી પળો ઢુકડી છે. કાં આદર રળો અને કાં ઠેકડીનો ભોગ બનો. ડરાવવાથી હવે ચાલવાનું નથી.