ખૂબ દુ:ખ થયું હૅપ્પીના અવસાનના સમાચારથી.
સવારે સમાચાર મળ્યા ત્યારે હું અમારી એચ.કે. કૉલેજમાં હતો. અમારી એટલે હૅપ્પીની ને મારી અને નાટક માટે જીવ રેડતાં છોકરા-છોકરીઓની, સૌમ્યની (સૌમ્ય જોશીની) કૉલેજ.
આ કૉલેજના કૉરિડોરમાં અમસ્તી ઉતાવળે અવરજવર કરતી, તાળીઓ પાડતી, સ્ટેજ પર રોલ ભજવતી, ઉમંગ-અલ્લડતા-ચાળા-નખરા-લટકાથી છલકાતી, વિદ્યાર્થિની તરીકે લાડ કરાવતી હૅપ્પીની છબિથી આજે દિલ ભરાઈ આવ્યું.
કૉલેજના અધ્યાપક ખંડમાં બેઠાં-બેઠાં, વર્ગમાં ભણાવતાં, કૉરીડૉરમાંથી આંટા મારતા, લાઇબ્રેરીમાં જતાં હૅપ્પી બહુ યાદ આવી.
હૅપ્પી અંગ્રેજી વિષય સાથે બી.એ. થઈ. એટલે આ વિષયના અધ્યાપક તરીકે મારે એના વર્ગમાં ત્રણેય વર્ષ લગભગ દરરોજ લેક્ચર હોય. ત્રીજા માળના રૂમ નંબર 34માં યાદ આવી એ બેન્ચ કે જ્યાં હૅપ્પી બેસતી. એમાં આજે પણ મારો વર્ગ હતો.
લાઇબ્રેરીમાં ગયો ત્યારે યાદ આવ્યું કે 1999માં પહેલાં વર્ષના છોકરા-છોકરીઓને વિદ્યાર્થીઓના એક જૂથને ગ્રંથાલયનો પરિચય કરાવ્યો હતો. તેમાં ય હૅપ્પી હતી.
ખાસ તો બંધ હૉલ પાસે ગયો. એ હૉલ કે જેમાં કૉલેજનાં ત્રણેય વર્ષ દરમિયાન હૅપ્પીએ સૌમ્યના ત્રણ એકાંકીઓમાં અભિનય કર્યો હતો – ‘તુ તુ તુ તારા…’, ‘ધારો કે તમે મનજી છો’ અને ‘મહાત્મા બૉમ્બ’. ત્રણેયમાં અચૂકપણે ઉપસી આવેલી.
ઘણું કરીને એના ખુશમિજાજથી બીજા છેડાની ભૂમિકા એ કરતી. દુ:ખી, કારુણ્યપૂર્ણ. પ્રેક્ષકોને અચૂક સ્પર્શી જતી. ભણવામાં ય ધ્યાન આપે. વર્ગોમાં નિયમિત હોય, નોટસ બનાવીને બતાવે.
કોલેજમાં હૅપી ઘણી લોકપ્રિય અને જાણીતી. મીઠડી અને મૂડી. હૅપ્પી-સંધ્યા-તેજલ એમ ત્રણ નામ મારા મોંમાં એક સાથે આવતા.
આજે એ જાણ્યું કે હૅપ્પીએ બે જોડિયા દીકરીઓને જન્મ આપ્યા પછીના વીતેલા બે મહિનામાં તેને ખૂબ શારિરીક પીડા સહન કરવી પડી. કૉલેજમાં નાનું સરખું વાગે-કરે તો પણ ‘ઓ મમ્મી, ઓ પપ્પા, ઓ મમ્મી પપ્પા…’ એમ ચીસ પાડી ઊઠતી. રોલમાં એકરૂપ થઈને ક્યારેક રડી પડતી. અન્યથા સદા ય હસતી રહેતી હૅપ્પી રહેતી હૅપ્પીને આ વેઠવાનું આવ્યું તે જાણીને દિલ વલોવાઈ ગયું. મૌલિક પર શું વીતી હશે ?
હૅપ્પી બિલકુલ એના જ happinessમાં 6 નવેમ્બર 2019ને દિવસે મળેલી. ‘હેલ્લારો’ ફિલ્મના પ્રિમિયરને દિવસે. તેના જીવનસાથી મૌલિકના યાદગાર રોલ સાથેની ‘હેલ્લારો’.
‘સર … સર …’ કહીને – જાણે કૉલેજના કૉરિડોરમાં આવતી હોય એ રીતે – હૅપ્પી સિનેમાગૃહમાં પણ દોડતીક મારી પાસે આવી. એ ક્યાં છે, એ કોણ છે, એ અને એનો વર કઈ જગ્યાએ પહોંચ્યાં છે — એ બધું ભૂલીને. નીચે વળીને બિલકુલ પગને અડીને નમસ્કાર કર્યા.
જ્યારે મળે ત્યારે તે આમ કરતી. કૉલેજમાં નાટક વખતે, ગુરુપૂર્ણિમાને દિવસે, શિક્ષક દિને, સ્નેહમિલનમાં મળ્યાં ત્યારે, પછી એકાદ-બે વાર મળ્યાં ત્યારે. આમાં મારી કોઈ વશેકાઈ નહીં. આ મારી મોટાઈ માટે નથી જ લખતો. દરેક વખતે મારા પક્ષે માત્ર અપરાધભાવ, સંકોચ, ભોંઠપ હોય. અને હૅપીના પક્ષે નમ્રતા-નિર્દોષતા, ભોળપણ, મુગ્ધતા; અને આદર જેના માટે હું ભાગ્યે જ પાત્ર હોઉં.
ઘણાં વર્ષો લગી એવું હતું કે કૉલેજમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ – ખાસ કરીને વિદ્યાર્થિનીઓ – વિદાય લે ત્યારે ઘણું વસમું લાગતું.
પણ હૅપ્પીએ લીધી તેવી વિદાય આપણી પાસેથી ભણીને જતી કોઈ છોકરી કે છોકરો લે એવું તો ક્યારે ય કલ્પ્યું જ ન હોય!
25 ઑગસ્ટ 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર