 વડા પ્રધાને સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રવચન આપતાં દેશવાસીઓને કહ્યું : ‘મારા મનની વેદના છે કે આપણે સ્ત્રીનું અપમાન કરીએ છીએ. આપણે રોજબરોજની જિંદગીમાં સ્ત્રીનું અપમાન કરવાની વૃત્તિને સ્વભાવ અને સંસ્કાર થકી છોડી ન શકીએ ?’ આ ઉપરાંત પણ મોદીએ ભાષણમાં નારી શક્તિનું ગૌરવ કર્યું.
વડા પ્રધાને સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રવચન આપતાં દેશવાસીઓને કહ્યું : ‘મારા મનની વેદના છે કે આપણે સ્ત્રીનું અપમાન કરીએ છીએ. આપણે રોજબરોજની જિંદગીમાં સ્ત્રીનું અપમાન કરવાની વૃત્તિને સ્વભાવ અને સંસ્કાર થકી છોડી ન શકીએ ?’ આ ઉપરાંત પણ મોદીએ ભાષણમાં નારી શક્તિનું ગૌરવ કર્યું.
બરાબર એ જ દિવસે એ ભાષણનું શબ્દશ: ઉલ્લંઘન કરતો નિર્ણય ગુજરાત સરકારે લીધો. તેણે બિલ્કિસ બાનુ પર સામૂહિક બળાત્કાર કરવાના ગુના માટે આજીવન કેદ ભોગવતા 11 અપરાધીઓને સજામાંથી મુક્ત કર્યા. તેમને સી.બી.આઈ. કોર્ટે 2008માં બળાત્કાર ઉપરાંત બિલ્કિસની ત્રણ વર્ષની દીકરી અને બીજી 13 મુસ્લિમ વ્યક્તિઓની હત્યા માટે ગુનેગાર ઠેરવ્યા હતા.
ગુજરાતમાં 2002ના હિંસાચાર પછી ચાલેલી ન્યાયની ખોજ અને પ્રક્રિયાના કેન્દ્રસ્થાને હોય તેવા બિલ્કિસ બાનુ કેસના ગુનેગારોને સજામાંથી મુક્તિ મળે એ પારોઠના આઘાતજનક પગલાં છે. 2002ના જઘન્ય અપરાધોના ગુનેગારોને સજા અપાવવા માટે ભારે અવરોધોની વચ્ચે પણ ચાલેલા મુશ્કેલ કાનૂની જંગને આ સજામુક્તિથી ભારે ફટકો પડ્યો છે.
ગોધરાકાંડ પછી સમગ્ર ગુજરાતમાં હિંસા ફાટી નીકળી. એ ગાળામાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગામમાં રહેતી બિલ્કિસ અને તેનો બહોળો પરિવાર 3 માર્ચ 2002ના રોજ ગામમાંથી ભાગીને જઈ રહ્યો હતો. તે વખતે ઝનૂની ટોળાંએ તેમના પર હુમલો કર્યો.
ન્યાય માટે બિલ્કિસ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પાસે ગઈ એટલે પછી સર્વોચ્ચ અદાલતે હસ્તક્ષેપ કર્યો. બિલ્કિસને મારી નાખવાની ધમકીઓ મળી એટલે સર્વોચ્ચ અદાલતના નિર્દેશથી મુકદ્દમો ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યો.
સી.બી.આઈ. કોર્ટનો ચૂકાદો મુંબઈની વડી અદાલતે 2017માં માન્ય રાખ્યો અને તેણે વધુમાં 2019માં બિલ્કિસને 50 લાખ રૂપિયાનું વળતર પણ જાહેર કર્યું. અદાલતે આ કેસની તપાસ કરનાર પોલીસને પણ દોષિત ઠેરવી. હુમલાખોરો બિલ્કિસના ગામના જ છે એટલે મોતના ડરથી તે ઘરે પાછી ફરી શકતી નથી.
સજામુક્તિ એક કાનૂની જોગવાઈ છે. રાજ્ય સરકાર રચિત પ્રિઝન બોર્ડ જેમણે 14 વર્ષ જેલમાં વીતાવ્યા હોય તેવા કેદીઓને મુક્તિ આપે એ સામાન્ય બાબત છે. પણ જઘન્ય યૌન ગુનાઓ આચરનાર અપરાધીઓને સજા મુક્તિ આપવામાં આવે તેવું જવલ્લે જ બને છે. પણ અત્યારે આવા ગુનાના અપરાધીને બિલ્કિસ કેસમાં સજા – મુક્તિ આપવામાં આવી છે. આ કિસ્સો શિરસ્તો ન બની જાય તે ચિંતાને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.
સર્વોચ્ચ અદાલતની ભૂમિકા ચિંતા અને નિરાશા જન્માવનારી છે. આ અદાલતે બિલ્કિસ અને ગુજરાતના રમખાણોનો ભોગ બનેલાં પીડિતોને ન્યાય મળે તે માટે હસ્તક્ષેપ કર્યો હતો. પણ તેણે જ બિલ્કિસ સામેના એક ગુનેગારને આ વર્ષે મે મહિનામાં સજા મુક્તિ માટેની અરજી કરવાની મંજૂરી આપી. આ મંજૂરીને આધારે રાજ્ય સરકારે પ્રિઝન બોર્ડ બનાવ્યું કે જેણે 11 ગુનેગારોની મુક્તિનો આદેશ આપ્યો.
સર્વોચ્ચ અદાલતે વધુ એક વાર વચ્ચે પડવાની જરૂર છે. એણે એક એવી સ્ત્રી માટે બોલવાની જરૂર છે કે જે અનેક ધમકીઓ અને જોખમો વચ્ચે ન્યાય મેળવવા માટે અડગ રહીને હિમ્મતભેર લડી છે.
અદાલતે સજા મુક્તિ પાછી ખેંચી લેવાનો આદેશ આપવો જોઈએ. ગુજરાતના રમાખાણોના વીસ વર્ષ બાદ બિલ્કિસ બાનુ પરના અત્યાચાર કરનાર ગુનેગારો છૂટી ગયા છે. રમખાણ પીડિતોને ન્યાય અપવવા માટે લડનારાં ધારાશાસ્ત્રી તિસ્તા સેતલવાડ અને પોલીસ અધિકારી આર.બી. શ્રીકુમાર કેદમાં છે. તેમને જેલમાં ધકેલવાનું નિમિત્ત પોલીસને અદાલત પાસેથી મળ્યું છે. એનો ચુકાદો એફ.આઈ.આર.નો પાયો બન્યા.
સર્વોચ્ચ અદાલતે બિલ્કિસ બાનુને થયેલો અન્યાય ફરી પાછો ન્યાયમાં ફેરવાય તે જોવાનું છે. આમાં દાવ પર શું લાગેલું છે તે અદાલત જાણે છે.
The Indian Express, 17 August 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
 

