“પાંચ વાગી ગયા કેડે ખેતરોને બદલે પાસે પાસે ઘર આવવા લાગ્યાં અને અમારી ગાડીની દોડ જરા ધીમી થઈ. થોડી વારમાં ચોપાસ નજર પહોંચે ત્યાં સુધી ઘરો જ નજરે પડે, અને ધુમાડિયામાંથી ધુમાડો રમતો રમતો ઊંચે ચડતો દેખાય. આથમતા સૂરજનાં પીળાં કિરણો, સ્લેટનાં છાપરાં, કાચની બારીઓ, અને રંગેલી દિવાલ ઉપર પ્રકાશતાં હતાં. ધુમાડિયાના અગણિત નળ મને ઘણા જ નવાઈ જેવા લાગ્યા. છ વાગવા આવ્યા તો પણ ઘરાં પૂરાં થાય નહિ. હું આશ્ચર્ય પામતો જાઉં કે આવડું મોટું શહેર તે કયું હશે! આખરે વોટરલૂ બ્રિજ નામે મથક આગળ ઉતર્યા ત્યારે જાણ્યું કે હું લંડનમાં આવ્યો.”
એ દિવસ હતો સોમવાર, એપ્રિલ ૩૦, ૧૮૬૦. વોટરલૂ સ્ટેશને ઉતરનાર એ મુસાફર હતા મહીપતરામ રૂપરામ નીલકંઠ. ઉંમર વર્ષ ૩૧. એ જમાનામાં દરિયાઈ રસ્તે મુંબઈથી લંડન સુધીની મુસાફરી કરતાં તેમને ૩૫ દિવસ લાગેલા. સાથે એક બ્રાહ્મણ રસોઈયો હતો અને લગભગ એક વર્ષના પરદેશવાસ દરમ્યાન ચાલે તેટલું પીવાનું પાણી અને સીધું-સામાન હતાં ! પાછા ફરતાં મહીપતરામ પેરિસ એક અઠવાડિયું રોકાયા હતા. ત્યારે જકાત અધિકારી પહેલાં તો માનવા તૈયાર નહોતો થયો કે સાથેની સિરોહીમાં પાણી છે. કહે : ‘પાણી લાવવાનું શું કામ છે? પેરિસમાં બહુ પાણી છે.’ પછી ચાખી જોયું ત્યારે જ તેને ખાતરી થઈ અને પાણી સાથે મહીપતરામને પેરિસમાં દાખલ થવા દીધા. સીધું-સામાન તો જાણે સમજ્યા, પણ એક વરસ પીવા માટે ચાલે એટલું પાણી મહીપતરામ સાથે લઈ કઈ રીતે ગયા હશે?
‘ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ નામનું તેમનું પુસ્તક પહેલી વાર ૧૮૬૨માં પ્રગટ થયું. ૧૯૧૫ સુધીમાં તેની પાંચ આવૃત્તિ પ્રગટ થઈ હતી. મનમાં સવાલ ઊઠે કે શું એ જમાનામાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકો એટલાં બધાં વંચાતાં -વેચાતાં હશે? સવાલનો જવાબ આડકતરી રીતે મળે છે પુસ્તકની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાંથી. એ વખતે નિશાળોમાં ભણતા વિદ્યાર્થીઓને દર વર્ષે સરકાર ‘ઇનામ’ તરીકે પુસ્તકો આપતી. (વિદ્યાર્થીઓમાં મફત વહેંચાતાં પુસ્તકોને એ વખતે ‘ઇનામી પુસ્તકો’ તરીકે ઓળખતા.) કરસનદાસ મૂલજીનું પુસ્તક ઘણું વધુ મોટું, વિગતવાર, સચિત્ર હતું, પણ તેની કિંમત બાર રૂપિયા હતી. એટલે ‘ઇનામ’માં આપવું સરકારને પોસાય નહિ. જ્યારે મહીપતરામનું પુસ્તક માંડ ૧૨૫ પાનાનું, અને સસ્તું. ૧૯૧૫માં મહીપતરામના પુત્ર રમણભાઈ નીલકંઠે પાંચમી આવૃત્તિ છપાવેલી તેની કીમત પણ બાર આના (આજના ૭૫ પૈસા) હતી. અગાઉની આવૃતિઓ તો તેના કરતાં પણ સસ્તી હશે. વળી મહીપતરામ સરકારી કેળવણી ખાતામાં હતા એ હકીકતની પણ અસર પડતી હશે.
ઇન્ગ્લન્ડની નિશાળો જોઈને શિક્ષણ વ્યવસ્થાનો અભ્યાસ કરવા સરકારે મહીપતરામને ઇન્ગ્લન્ડ મોકલ્યા હતા. પહેલી દરખાસ્ત તો ‘કરણઘેલો’ના લેખક નંદશંકર મહેતાને મોકલવાની હતી. પણ ન્યાત બહાર મૂકાવાના ભયે તેમણે ના પાડી. એટલે પછી પસંદગી મહીપતરામ પર ઊતરી. કુટુંબીજનોએ અને સુધારાવાદી મિત્રોએ હિંમત આપી. સરકારે ભર પગારે રજા આપી, ઉપરાંત બે હજાર રૂપિયા આપ્યા. પણ બ્રાહ્મણ રસોઈયાના અને સીધા-સામાનના ખર્ચનું શું? બે અંગ્રેજ અધિકારીઓ સર થિયોડોર હોપ અને મિ. હાવર્ડે હજાર હજાર રૂપિયા અંગત આવકમાંથી આપ્યા. પ્રસ્તાવનામાં મહીપતરામ લખે છે કે મુંબઈના કેટલાક ગૃહસ્થોએ પણ પૈસા આપ્યા હતા. એવા ગૃહસ્થોની યાદી પુસ્તકને અંતે આપી છે. સરકાર, હોપ અને હાવર્ડ ઉપરાંત તેમાં બીજાં ૩૩ નામો છે. તેમાંનાં ૧૫ નામ પારસીઓનાં છે, ચાર નામ મરાઠીભાષીઓનાં છે, એક નામ અંગ્રેજનું છે, અને માત્ર ૧૨ નામ હિંદુ ગુજરાતીઓનાં છે.
રસ્તામાં એક એક રાત મહીપતરામ એડન અને કેરોમાં રોકાયા હતા. એડનમાં તો એક બ્રાહ્મણને ઘરે ઉતર્યા, પણ કેરોમાં હોટેલમાં રહેવું પડ્યું. ત્યાં તેમણે હોટેલનું કશું ખાધુંપીધું નહિ, છતાં નીકળતી વખતે હોટેલવાળાએ એક રાતના રહેવાના તેમ જ ખાવાના રૂપિયા પાંચ લઈ લીધા તેને મહીપતરામ ‘જુલમી ધારો’ તરીકે ઓળખાવે છે. મહીપતરામ ઇન્ગ્લન્ડમાં દસ-અગિયાર મહિના રહેલા. શિક્ષણ સંસ્થાઓ જોવા, શિક્ષકોને મળવા ઠીક ઠીક ફરેલા. તે જોતાં તેમનું પુસ્તક ઉભડક રીતે લખાયેલું લાગે. ઇન્ગ્લન્ડનાં જે બીજાં શહેરોમાં ગયેલા તે શહેરો વિષે પણ તેમણે પ્રમાણમાં બહુ ટૂંકમાં લખ્યું છે. પાછા ફરતાં એક અઠવાડિયું પેરિસ રોકાયેલા. પેરિસ વિષે લખ્યું છે એક જ પ્રકરણ, પણ તેઓ લંડન કરતાં પણ પેરિસથી ઘણા વધુ પ્રભાવિત થયા છે. પ્રેમાનંદે કરેલું દ્વારિકાનું વર્ણન ટાંકીને કહે છે : “જો તેણે હાલનું પેરિસ શહેર જોયું હોત તો દ્વારિકાને એથી વધારે સારી બનાવત, તથા તેને વૈકુંઠને બદલે પેરિસની ઉપમા આપત.”
મહીપતરામ ઇન્ગ્લન્ડ જવા નીકળ્યા ત્યારે મુંબઈના પાલવા બંદરે ઘણા મિત્રો તેમને વળાવવા આવ્યા હતા. પણ પાછા આવ્યા ત્યારે થોડાક મિત્રો જ બંદરે ગયા હતા. કારણ? કારણ ન્યાત બહાર મૂકાવાની બીક. જતાં પહેલાં જ ન્યાતે મહીપતરામને ચેતવણી આપી હતી, પણ ત્યારે તેમણે તે ગણકારી નહોતી. સુધારાવાદીઓએ ત્યારે તેમનાં ખૂબ વખાણ કરેલાં. ૧૮૬૦ના એપ્રિલના “બુધ્ધિપ્રકાશ”ના અંકમાં દલપતરામે લખેલું :
નાગર નર હારે નહિ, હારે હોય હજામ,
કહેવત તેં સાચી કરી રાખી મહીપતરામ.
અને નર્મદે પણ એક કવિતા લખેલી તેમાં કહેલું : ‘સાબાશ છે બહુ મહીપતીરામ તૂને.’ પણ પાછા આવ્યા પછી ન્યાતે મહીપતરામનો બહિષ્કાર કર્યો. શરૂઆતમાં તો મહીપતરામ ન્યાતને તાબે ન થયા. પણ પછી ૧૮૬૭ના સપ્ટેમ્બરની આઠમી તારીખે એક પત્ર લખીને મહીપતરામે ન્યાતની માફી માગી, પ્રાયશ્ચિત્ત કરવાની પોતાની ‘ખુશી’ દર્શાવી, તે માટે જે કાંઈ ખર્ચ કરવો પડે તેની તૈયારી બતાવી અને પોતાના પર ઉપકાર કરવા ન્યાતને વિનવી. પંદર સો રૂપિયા ખર્ચીને મહીપતરામ ન્યાતમાં ફરી દાખલ થયા. પણ તેથી સુધારાવાળાઓ વિફર્યા. મહીપતરામની આકરી ટીકા કરવા લાગ્યા. નર્મદે ‘દાંડિયો’માં લખ્યું : ‘હવે તો તમે કોડીના થયા છો. બચારો મહીપતરામ! હાય! અફસોસ!’
પારસીઓના પ્રદાન અંગેની બેપરવાઈને કારણે ઘણા વખત સુધી મહીપતરામના આ પુસ્તકને આપણી ભાષામાં લખાયેલા પહેલા પ્રવાસ વર્ણનનું સ્થાન અને માન અપાતું રહ્યું. વર્ષોથી અપ્રાપ્ય બનેલું મહીપતરામનું પુસ્તક ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદેમીએ ૧૯૯૮માં ફરી છાપ્યું ત્યારે પણ પ્રસ્તાવનામાં વિદ્વાન સંપાદકે ડોસાભાઈ કરાકાના અને એક અજ્ઞાત પારસી લેખકનાં પુસ્તકોનો ઉલ્લેખ તો કર્યો, પણ પછી ઉમેર્યું છે : “પરંતુ એમની ગુજરાતી ભાષામાં ‘પારસી બોલી’ તરીકે ઓળખાતી ભાષાની ઘણી લઢણો છે. એટલે સામાન્ય રીતે મહીપતરામના પ્રવાસગ્રંથને પ્રથમ હોવાનું સન્માન મળ્યું છે.”
નોંધ.
૧. અવતરણોમાં જોડણી હાલની વ્યવસ્થા પ્રમાણે કરી લીધી છે.
૨. અહીં છાપેલું પુસ્તકનું જેકેટ ૧૯૯૮ની આવૃત્તિનું છે.)
XXX XXX XXX
સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 14 સપ્ટેમ્બર 2014