જય જગનાથ !
આરતી
ડુંગર ટોચે દેવ વિરાજે, ખીણમાં ખદબદ માનવકીટ;
પરસેવે લદબદ ભગતો ને પ્રભુમસ્તક ઝગમગત કિરીટ !
જય જગનાથ ! જય જગનાથ !
અવિનાશીને અન્નકોટના આવે નિત અમૃત ઓડકાર :
ખીણમાં કણકણ કાજે મરતાં માનવજન્તુ રોજ હઝાર !
જય જગનાથ ! જય જગનાથ !
પ્રભુને નિત જરકશીના જામા : પલક પલક પલટાયે ચીર !
ખીણના ખેડું આબરૂ-ઢાંકણ આયુભર પામે એક લીર !
જય જગનાથ ! જય જગનાથ !
ખીણના ખાતર ખેડુ પૂરશે ધરતીમાં ધરબી કૃશ કાય;
ડુંગર દેવા જમી પોઢશે ઘુમ્મટની ઘેરી શીળી છાંય !
જય જગનાથ ! જય જગનાથ !
કીડી-કણ, હાથીનો હારો : સૌને સૌનું જાય મળી;
જગન્નાથ સૌને દેનારો : અર્ધવાણી તો આજ ફળી !
જય જગનાથ ! જય જગનાથ !
જગન્નાથનો જય પોકારો : કીડીને કણ પણ મળી રે’શે;
ડુંગરનો હાથી તો હારો, દ્યો નવ દ્યો, પણ લઈ લેશે !
જય જગનાથ ! જય જગનાથ !
(‘આલબેલ’)