Opinion Magazine
Number of visits: 9449033
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—155

દીપક મહેતા|Opinion - Opinion|23 July 2022

મુંબઈની પહેલી મેડિકલ કોલેજના પહેલા ડોક્ટર ભાઉ દાજી

રક્તપિત્તની સારવાર: બ્રિટનમાં ટીકાની ઝડી વરસી

છેવટે મુંબઈનો સિંહ પાંજરે પુરાયો

બચાવપક્ષનો વકીલ (સાક્ષીને) : આ ઇસમને તમે ઓળખો છો, ડોકટર?

સાક્ષી : હાજી સાહેબ.

કઈ રીતે?

મેં ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરીને ડોકટરની ડિગ્રી મેળવેલી છે અને હવે હું એક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરું છું. અને એવનને હું એક ડોક્ટરની રૂએ ઓળખું છું.

એમનું નામ?

લોકો જદુનાથજી મહારાજ તરીકે ઓળખે છે.

એવન તમુને મળવા શા માટે આવેલા?

દવા-ઉપચાર કરાવવા.

એમ? તેઓ ક્યા રોગથી પીડાય છે?

ફરિયાદીનો વકીલ : ઓબ્જેક્શન મિ લોર્ડ. મારા અસીલ અંગે આવો અંગત સવાલ કોઈ ડોક્ટરને પૂછી શકાય નહિ.

સાક્ષી (જજને) : નામદાર, આપ તો જાણો જ છો કે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરતાં પહેલાં અમારે એક શપથ લેવાના હોય છે. એ પ્રમાણે અમારા કોઈ પણ દરદીની અંગત વાત અમે જાહેર કરી શકતા નથી.

જજ : ડોક્ટર, તમારી વાત સાચી છે. પણ કેટલાક સંજોગોમાં આવી વાત જાહેર કરવાનું જરૂરી હોય છે. આ કેસમાં બચાવ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે આ મહારાજ અમુક ચોક્કસ રોગથી પીડાય છે. અને તેમનો આખો કેસ એ માહિતી પર ઊભો છે. 

(વિરોધ પક્ષના વકીલને) યોર ઓબ્જેક્શન ઓવરરુલ્ડ. અને ડોકટર, હું તમને તમારા શપથના બંધનમાંથી કામચલાઉ રીતે મુક્ત કરું છું. અને તમને આદેશ આપું છું કે બચાવ પક્ષના વકીલના સવાલનો તમો સાચો જવાબ આપો.

સાક્ષી : તેઓ પરમો અથવા ચાંદી અથવા સિફિલિસની દવા માટે મારી પાસે આવેલા.

જજ : કેટલી વાર?

સાક્ષી : એક વાર. ફરી આવીશ એમ કહીને ગયેલા, પણ આવ્યા નહિ. હા, દવા લેવા તેમના માણસને બે-ત્રણ વાર મોકલેલો.

ફરિયાદ પક્ષનો વકીલ : બસ નામદાર. બીજું કાંઈ મારે પૂછવાનું નથી.

ડો. ભાઉ દાજી લાડ

ઓગણીસમી સદીમાં માત્ર મુંબઈમાં જ નહિ, આખા દેશમાં ખૂબ ગાજેલા ‘મહારાજ લાયબલ કેસ’ના ચૌદમા દિવસે, ૧૮૬૨ના ફેબ્રુઆરીની ૧૪મી તારીખે નોંધાયેલી આ જુબાનીએ આખા કેસની દિશા બદલી નાખી. ‘સત્યપ્રકાશ’ સામયિકના સ્થાપક-અધિપતિ કરસનદાસ મૂળજી અને યુનિયન પ્રેસમાં એ છાપનાર નાનાભાઈ રૂસ્તમજી રાણીના બન્ને લાયબલ – માનહાનિના કેસમાં બેકસૂરવાર ઠર્યા. મુંબઈની સુપ્રિમ કોર્ટ(હાઈ કોર્ટનું અગાનું નામ)ના મુખ્ય ન્યાયાધીશે જે નિર્ણય આપ્યો તેમાં આ સાક્ષીની જુબાનીનો મહત્ત્વનો ભાગ. એ સાક્ષી તે એ જમાનાના મુંબઈના પ્રખ્યાત તબીબ ડોક્ટર ભાઉ દાજી લાડ.

માત્ર મુંબઈ ઈલાકાની નહિ, માત્ર હિન્દુસ્તાનની નહિ, આખા એશિયાની પહેલવહેલી મેડિકલ કોલેજ તે મુંબઈની ગ્રાંટ મેડિકલ કોલેજ. ૧૮૪૫માં સ્થાપના. તેમાં અભ્યાસ કરીને પહેલવહેલા છ ડોકટરો બહાર પડ્યા તેમાંના એક ડો. ભાઉ દાજી લાડ. ૧૮૫૧થી તેમણે પોતની પ્રેક્ટિસ શરૂ કરી. આવા પ્રતિષ્ઠિત ડોક્ટરની નિખાલસ જુબાનીએ કરસનદાસ મૂળજી અને નાનાભાઈ રૂસ્તમજી રાણીનાને કેસ જીતાડવામાં દેખીતી રીતે જ ઘણો ભાગ ભજવ્યો હોય.

ગ્રાન્ટ મેડિકલ કોલેજ, ૧૮૬૦માં જેવી હતી

આખું નામ રામચંદ્ર વિઠ્ઠલ લાડ. પણ એ નામે ન ઓળખાયા ત્યારે કે નથી ઓળખાતા અત્યારે. ડોક્ટર ભાઉ દાજી કહો તો ઝટ ઓળખાય. ૧૮૨૨માં જન્મ. એમનું કુટુંબ મૂળ તો ગોવાનું. ગૌડ સારસ્વત બ્રાહ્મણ. નાનપણમાં ચેસ રમવામાં એક્કા. એક અંગ્રેજે એ વાત નોંધી. ભાઉના પિતાને સમજાવ્યા, મનાવ્યા : આ છોકરો ઘણો હોશિયાર છે. પણ અહીં રહેશે તો તેની આવડતની કદર નહિ થાય. એને મુંબઈ મોકલો, ત્યાં અંગ્રેજી પદ્ધતિની સ્કૂલમાં ભણવા મૂકો. પછી જુઓ, કેવો બધાની આંખ આંજી નાખશે! 

પિતાને ગળે વાત ઊતરી. એટલે પછી કુટુંબ આવ્યું મુંબઈ. પહેલાં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશનમાં ભણ્યા. ત્યાં જ ‘માસ્ટર’ બન્યા. ત્યાં તો શરૂ થઈ ગ્રાન્ટ મેડિકલ કોલેજ. એટલે તેમાં જોડાયા અને બન્યા ડોકટરના વ્યવસાયના અગ્રયાયી. આવા મોટા ડોક્ટર બન્યા, પણ ભાઉ પોતાના ગરીબ બાંધવોને ભૂલ્યા નહોતા. ડોસાભાઈ ફરામજી કામાની મદદથી તેમણે ગરીબો માટે ધર્માદા દવાખાનું શરૂ કર્યું અને નાનાભાઈ ડોક્ટર નારાયણ દાજી સાથે મળીને ત્યાં ગરીબોની સારવાર કરતા રહ્યા. 

રક્તપિત્તનાં દરદીઓની દશા આજે પણ કાંઈ બહુ સારી તો નથી. પણ એ વખતે તો આ રોગ માટેનો કોઈ ઈલાજ જ નહોતો. અને સમાજ તો હડધૂત કરે જ. ડોક્ટરે સતત છ વરસની મહેનત પછી આ રોગની સારવાર શી રીતે કરવી એ શોધી કાઢ્યું. પણ સાથોસાથ એ પણ જાણતા કે આવી સારવારના અખતરા એકલે હાથે ન કરાય. એટલે તેમણે કેટલાક મિત્રોને એકઠા કર્યા : પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ મિસ્ટર રાઈટ, ઓનરેબલ જસ્ટીસ ન્યૂટન, અરદેશર ફરામજી મૂસ, ડોક્ટર સિલવેસ્ટર, ડો. નારાયણ દાજી. ઉપરાંત પોતે જેમની સારવાર કરેલી એવા કેટલાક રક્તપિત્તના દરદીઓને પણ બોલાવેલા. અને સારવારની હકીકત રજૂ કરવા કહ્યું હતું. બધા દરદીઓએ કહ્યું કે અગાઉ કરતાં તેમની હાલતમાં ઘણો સુધારો છે. ત્યાર બાદ આ સારવાર અંગેનો ફોટા સાથેનો વિગતવાર અહેવાલ સેક્રેટરી ઓફ સ્ટેટને ૧૮૭૧ના ઓગસ્ટમાં મોકલી આપ્યો.

 

હવે જેનું નામ છે ડોક્ટર ભાઉ દાજી લાડ મ્યુઝિયમ છે તે રાણીબાગમાં આવેલું મુંબઈનું પહેલવહેલું મ્યુઝિયમ

પણ ગ્રેટ બ્રિટનમાં તો આ ખબરથી ખળભળાટ મચી ગયો અને ડોક્ટર ભાઉ દાજીની આકરી ટીકા થવા લાગી. પૂરતા પ્રયોગો કર્યા વગર, પ્રયોગશાળામાં દવાની ચકાસણી કર્યા વગર, કોઈ દવા દરદીને અપાય જ કઈ રીતે? આ તો લોકોની જિંદગી સાથે રમવા જેવું થયું. પોતે સાજા થયાના નિવેદન જેમણે આપ્યાં છે તે નિવેદનોની ખરાઈ કોઈએ કરી નથી. એ બનાવટી નહિ હોય એની શી ખાતરી. વળી પોતે જે ઔષધ વાપરે છે તે અંગે તો ડોકટરે કશું જ કહ્યું નથી. તેનું નામ સુધ્ધાં છૂપાવે છે. લોકોના પૈસા ખંખેરવા માટેનું આ તરકટ નહિ હોય એની શી ખાતરી? ‘લાન્સેટ’ જેવા પ્રતિષ્ઠિત સામયિકે પણ તેના ૧૮૬૮ના એક અંકમાં આકરી ટીકા કરી અને લખ્યું કે આ ડોક્ટર જ્યાં સુધી દવાનું નામ જાહેર ન કરે ત્યાં સુધી તેમની વાતનો ભરોસો કરી શકાય નહિ. વળી ડોક્ટર કહે છે કે તેમની સારવારથી ૭૦ જણ સાજા થયા છે. પણ તેમાંનો એક પણ કિસ્સો મેડિકલ સાયન્સને સ્વીકાર્ય હોય એવી રીતે પુરવાર થયો નથી. 

પણ અહીં તો ડોકટરે આવી બધી ટીકાની અવગણના કરીને પોતાનું કામ ચાલુ રાખ્યું. જો કે પછીથી ૧૮૭૩ના જાન્યુઆરીમાં પોતે લકવાનો ભોગ બન્યા અને એટલે જાતે સારવાર કરી શકે તેમ ન રહ્યું ત્યારે તેમણે એ કામ નાનાભાઈ ડો. નારાયણ દાજીને સોંપ્યું. પોતાને પૈસે રક્તપીતિયાઓ માટે દવાખાનું અને હોસ્પિટલ શરૂ કરાવ્યાં. ત્યાં દરદીઓની વ્યવસ્થિત નોંધ, ફોટા વગેરે રાખવાનું શરૂ કર્યું. ૧૮૭૪ના મે મહિનાની ૩૦મી તારીખે ડોક્ટર ભાઉ દાજી લાડનું અવસાન થયું. 

મરતાં પહેલાં ભાઉએ પોતાના અંગત મિત્ર એવા ત્રણ યુરોપિયનોને એ દવાનું નામ જણાવેલું. પણ એ શરતે કે એ નામ તેઓ ક્યારે ય જાહેર નહિ કરે. પણ જ્યારે મૃત્યુ પછી પણ બ્રિટનમાં ભાઉની ટીકા ચાલુ રહી ત્યારે તેમાંના એક મિત્રને લાગ્યું કે ભાઉને અન્યાય ન થાય તેટલા ખાતર પણ હવે એ દવાનું નામ જાહેર કરવું જોઈએ. એટલે તેમણે ડોક્ટર ભાઉ દાજીના વંશવારસો પાસેથી એ અંગે મંજૂરી લીધી. પછી લંડનની ચેરિંગ ક્રોસ હોસ્પિટલના સર્જન ડો. સ્ટેનલી બોય્ડને એ નામ જણાવ્યું એટલું જ નહિ, તેનો નમૂનો પણ મોકલ્યો. સાથે મોકલ્યાં ભાઉની અંગત નોંધ, દરદીઓના ફોટા કે સ્કેચ, હિન્દુસ્તાનનાં અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલો, સાજા થયેલા દરદીઓના પત્રો, અને ખુદ ભાઉના પત્રો પણ. સાથોસાથ શરત પણ મૂકી કે આ બધી માહિતી મોકલનારનું નામ જાહેર ન કરવું. 

પછી તો ડો. બોય્ડે પોતે પણ બીજી માહિતી મેળવી. મુંબઈના પોલીસ કમિશનર કર્નલ વિલ્સન પાસેથી પણ કેટલીક વિગતો મેળવી. ભાઉ જે ઔષધ વાપરતા હતા એ અંગે વધુ માહિતી મેળવતાં જણાયું કે તે એક આયુર્વેદિક ઔષધી હતી. સારવારમાં તેનો ઉપયોગ કઈ રીતે થતો હતો એ પણ જાણ્યું. છતાં એક સવાલ તો ઊભો જ હતો. ભાઉએ દવાનું નામ છૂપાવ્યું શા માટે? ડો. બોય્ડને બે કારણ શક્ય લાગે છે. એક, તબીબી દૃષ્ટિએ સફળતા પુરવાર કરી ન શકાય ત્યાં સુધી નામ જાહેર ન કરવું એમ માનતા હોય. અથવા એ ઔષધ આયુર્વેદિક હોવાથી એલોપથીવાળા તેનો સ્વીકાર નહિ કરે એવી બીક હોય. જે હોય તે, બ્રિટિશ જર્નલ ઓફ ડર્મેટોલોજીના વર્ષ ૫, અંક ૫૭માં તેમણે ભાઉ દાજીની રક્તપિત્તની સારવાર અંગે વિસ્તૃત લેખ લખ્યો અને ભાઉને થયેલો અન્યાય દૂર કરવાનો પ્રયત્ન કર્યો.  

ભાઉ દાજીની ઉપચાર પદ્ધતિ અંગેનો લેખ

ભાઉ દાજી મોટા ગજાના ડોક્ટર. પણ માત્ર ડોક્ટર નહિ. નર્મદ, કરસનદાસ, નાનાભાઈ જેવા અનેક સુધારકોના મિત્ર, મદદગાર. આંખનો ઇલાજ કરાવવા કવિ દલપતરામ અમદાવાદથી મુંબઈ આવ્યા ત્યારે ઓપરેશન કરીને દલાપતરામને દૃષ્ટિ પાછી આપનાર ભાઉ દાજી. પુરાતત્ત્વ, ઇતિહાસ, સંશોધન વગેરેમાં પણ ઊંડો અને સાચો રસ. ભગવાનલાલ ઈન્દ્રજી જેવા સંશોધકોના સહાયક. સંસ્કૃત સાહિત્ય વિશેના તેમના લેખોનું પુસ્તક ૧૮૮૭માં પ્રગટ થયેલું.

૧૮૬૫માં અમેરિકાનું આંતરયુદ્ધ એકાએક પૂરું થતાં મુંબઈમાં આર્થિક પાયમાલીનું જે મોજું ફરી વળ્યું તેમાં ભાઉ પણ તણાયા. જેમને પોતાના માનેલા તેવા કેટલાક દુશ્મન બની ગયા. બીજા ઉપેક્ષા કરતા થયા. ભાઉ એકલા પડતા ગયા. તેમાં પક્ષઘાતે તેમને લગભગ અપંગ બનાવ્યા. એક વખતનો મુંબઈનો સિંહ હવે પાંજરે પુરાયો હતો, સૂતો સૂતો લાચાર આંખે બધું જોતો હતો. અને એમના અવસાન પછી અર્વાચીન મુંબઈના ઘડવૈયાઓમાંના એક એવા ડોક્ટર ભાઉ દાજી લાડ ધીમે ધીમે ભૂલાતા ગયા.

e.mail : deepakbmehta@gmail.com 
xxx xxx xxx  
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 23 જુલાઈ 2022 

Loading

23 July 2022 Vipool Kalyani
← ક્ષણિકની અચપલી
લોકો ભયભીત રહે એમાં શાસકોનું સ્થાપિત હિત હોય છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved